‘રાત ભી નીંદ ભી કહાની ભી…’ ફિરાક ગોરખપુરીની આ પંક્તિઓ જગજીતસિંઘે પોતાના અવાજમાં ગાઈને અમર કરી દીધી.
‘ખલ્ક ક્યા ક્યા મુઝે નહીં કહેતી, કુછ સૂનું મૈં તેરી જબાની ભી.
દિલ કો અપને ભી ગમ થે દુનિયા મેં, કુછ બલાએં કી આસમાની ભી,
હાય ક્યા ચીઝ હૈ જવાની ભી.’
એમનું મૂળ નામ રઘુપતિ સહાય, 1896માં જન્મેલા આ કવિ વર્ષો સુધી અલ્હાબાદ (પ્રયાગરાજ) યુનિવર્સિટીમાં હરિવંશરાય બચ્ચન સાથે અંગ્રેજી ભણાવતા હતા. એ દિવસોના અલ્હાબાદે ભારતીય ઇતિહાસ, રાજકારણ અને સાહિત્યને ખૂબ મોટાં નામોની ભેટ આપી છે. સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા, અકબર અલ્હાબાદી, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ અને હરિવંશરાય બચ્ચન સહિત જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ગુલઝારીલાલ નંદા, વિશ્વનાથ પ્રતાપસિંહ અને ચંદ્રશેખર જેવાં નામો અલ્હાબાદના ઇતિહાસનો હિસ્સો છે.
રઘુપતિ સહાયએ અંગ્રેજી અને ફારસીમાં એમ.એ. કરીને સિવિલ સર્વિસ માટે એપ્લિકેશન કરેલી, જેમાં એમની પસંદગી થઈ, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાઈને એમણે સરકારી નોકરી જતી કરી… પદ્મભૂષણ ફિરાક ગોરખપુરી મુશાયરાના બાદશાહ હતા. નિદા ફાઝલીએ એમના વિશે લખ્યું છે, ‘દિલ્હીમાં ડીસીએમનો મુશાયરો હતો. ફકરુદ્દીન અલી અહેમદ (રાષ્ટ્રપતિ)એ ફિરાકને જલદી સંભળાવવાનો અનુરોધ કર્યો અને જવાબમાં ફિરાકે સિગરેટનો કશ લઈને કહ્યું, જેને જલદી જવું હોય તે જાય, બાકી ફિરાક તો એના અંદાજમાં જ ગઝલ પઢશે.’ એમની એક જાણીતી ગઝલ
‘બહોત પહેલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈ,
તુઝે એ જિંદગી હમ દૂર સે પહચાન લેતે હૈ.
જિસે કહતી હૈ દુનિયા કામયાબી વાએ નાદાની,
ઉસે કિન કિમતોં પર કામયાબ ઇન્સાન લેતે હૈ ?’
જેને આ દુનિયા સફળતા કહે છે એ મળી ગયા પછી નાની-નાની બેવકૂફી કરવાની એક લિબર્ટી અથવા આઝાદી મળી જતી હોય છે, પરંતુ એની કિંમત ક્યારેક બહુ મોટી ચૂકવવી પડતી હોય છે… ફિરાકે પણ એમની સફળતા અને લોકપ્રિયતાને ગીરવે મૂકીને ક્યારેક પોતાની જીદ, અણસમજ કે નાદાનીને પોષી હોવાના દાખલા એમના મિત્રો કે પ્રશંસકો પાસેથી મળતા રહેતા. બીજો એક પ્રસંગ બહુ રસપ્રદ છે. હૈદરાબાદના એક મુશાયરામાં કોઈ શ્રોતાએ એમની મજાક કરી, જેનાથી નારાજ થઈને ફિરાક શ્રોતાઓ તરફ પીઠ કરીને બેસી ગયા એટલું જ નહીં, એમણે પોતાની ગઝલો સ્ટેજ પર બેઠેલા શાયરોને સંભળાવી… શ્રોતાઓને નહીં ! એ મહાદેવી વર્માની હિન્દી ભાષાની મજાક ઉડાવતા, તો સૂર્યકાંત ત્રિપાઠીની કવિતાઓને માથે બેસાડતા. હરિવંશરાય બચ્ચનના ખૂબ સારા મિત્ર… બંને વચ્ચે મતભેદ ખૂબ, એટલે એકબીજા સાથે ક્યારેક અબોલા થઈ જાય તો પણ રોજ સાથે ચાલવા જવાનો કાર્યક્રમ યથાવત્ ! ફિરાક યોગ્ય સમયે આવીને હરિવંશરાયના ઘરની નીચે
ઊભા રહી જાય. બંને સાથે ચાલવા જાય ને પાછા ફરતા હરિવંશરાય પોતાના ઘેર ચાલી જાય અને ફિરાક પોતાના ! એકપણ અક્ષરની વાત ન થાય… પરંતુ મિત્રતા અકબંધ !
અલ્હાબાદમાં બેન્ક રોડ પર એમનું ઘર, જેમાં એ ફક્ત અંડરવેર પહેરીને પોતાની સાથે જ વાતો કરતા. જ્ઞાનપીઠ પુરસ્કારની રકમમાંથી એમણે કરિયાણાની એક નાનકડી દુકાન ખોલી ને પછી એ ન ચલાવી શકતા જે નુકસાન થયું એ પછી એમણે મિત્રોની વચ્ચે કહેલું, ‘સાહેબ, બિઝનેસ પણ શાયરીની જેમ ઊંડા વિચાર અને પૂરી લગન માગે છે… મને બિઝનેસ અને શાયરી બંને ન આવડ્યા.’ જોકે એ વાત સાચી હતી. ફિરાકની વાતો પણ શાયરાના અને આલિમાના રહેતી. એ કોઈ દિવસ બીજાની જેમ ઉદાહરણોથી પોતાની દલીલોને સુસજ્જિત કરવાનો પ્રયત્ન કરતા નહીં. એમની શાયરીનું કેન્દ્ર ઇશ્ક હતું, પણ એ ઇશ્ક માત્ર સ્ત્રી-પુરુષના સંબંધ પૂરતું મર્યાદિત ના રહ્યું. એમણે ઇશ્કના ઝૂનૂનને, એની પાકિઝગીને રાજનીતિ, દર્શન, સંસ્કૃત અને ઇતિહાસ સાથે જોડીને એને વધુ ગંભીર અને વિશાળ બનાવી દીધું.
ભારત કી વિશાલ ધરતી મેરા શરીર હૈ,
મેરે પાંવ રાજકુમારી કી માટી,
મેરા સર હિમાલય કી ચોટી,
મેરી જટાઓં સે ગંગા ઉતરતી હૈ,
મેરી ભુજાઓં સે બ્રહ્મપુત્ર ફૂટતી હૈ,
મેરી બાંહે સમ્પૂર્ણ સંસાર કો સમેટને હેતુ ફૈલી હૈં
મેરા પ્રેમ અસીમ
મૈં ભારત હૂં, પૂરા ભારત
મૈં ચલતા હૂં તો મેરે અંદર
પૂરા ભારત ચલતા હૈ,
મૈં હી શંકર હૂં
મૈં હી શિવ હૂં.
ફિરાક ગોરખપુરી વિશે અનેક અફવાઓ વહેતી રહેતી. ક્યારેક એવું કહેવાતું કે એમણે ભાષાને પોતાની અભિવ્યક્તિ માટે નથી વાપરી, પરંતુ એમનું પાસાદાર વ્યક્તિત્વ ક્યારેક ભાષાને જુદી જ રીતે અભિવ્યક્ત કરવા બેચેન થઈ જતું. એમણે પોતાના વિશે લખ્યું છે,
‘આનેવાલી નસ્લે તુમ પર ફખ્ર કરેગી હમ અસરોંજબ યે ધ્યાન આયેગા ઉનકો, તુમને ‘ફિરાક’ કો દેખા થા.’
દરેક શાયરનો એક મિજાજ હોય છે… દરેક સર્જકનો એક મિજાજ હોય છે. પોતાના સમયમાં જીવેલા એ સર્જક, શાયર, કવિ, ચિત્રકાર, અભિનેતા કે દિગ્દર્શક… ને મોટે ભાગે પોતાના સમયમાં એ સ્વીકાર અને સન્માન મળતાં નથી, જે એના ગયા પછી મળે છે. સમય, બહુ વિચિત્ર શબ્દ છે. એક રીતે જોવા જઈએ તો તદ્દન અસ્થિર અને અનપ્રેડીક્ટેબલ છે આ, સમય. બીજી તરફ આ સમય જ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને એના જીવનની પહેલાં કે પછી અસ્તિત્વ ધરાવે છે. આવા સમયમાં જ્યારે ડોકિયું કરીએ ત્યારે સમજાય કે જે-તે સમયમાં જીવેલા લોકોનું મૂલ્ય એમના સમયમાં થતું નથી. મોટાભાગના લોકો જ્યારે એમનો જીવનકાળ પસાર કરીને આ જગત છોડી જાય છે ત્યાર પછી એમનું કામ અને એમનું નામ બન્ને આ જગત માટે મહત્વનું બની જાય છે. આવા લોકોના નામોનું લીસ્ટ તો ઘણું મોટું થઈ શકે પરંતુ, છેક નરસિંહ મહેતાથી મીરાં જેવા સંતથી શરૂ કરીને મીનાકુમારી કે સુશાંતસિંહ રાજપૂત જેવા ફિલ્મસ્ટાર સુધી સહુને એમના જીવનકાળ અને કાર્યકાળ દરમિયાન જે મળવું જોઈએ તે નથી મળ્યું. એ પછી સહુને આપણે પૂજનીય કે લેજેન્ડ તરીકે માથે ચઢાવ્યા, પરંતુ એ
હતા ત્યાં સુધી તો એમને માટે જીવન અઘરું બનાવવાનું અને એમને અપમાનિત કરવાનું કામ આ સમાજે સારી પેઠે કર્યું છે.
દુનિયા આજે જેને બહુ મોટા કલાકાર તરીકે ઓળખે છે એવા વાનગોગ એકલા અને ગાંડપણની હદમાં મૃત્યુ પામ્યા હતા. સૂર્યના તડકામાં, મકાઈના પીળા ખેતરોમાં એમણે જાતે જ રિવોલ્વરથી પોતાના પેટમાં ગોળી મારી હતી. આજે જેમના ચિત્રો કરોડો રૂપિયામાં વેચાય છે એ માણસ મૃત્યુ પામ્યો ત્યારે એની પાસે કોઈ નહોતું!
મીનાકુમારી અથવા ટ્રેજેડી ક્વીન તરીકે આજે પણ જે અમર છે તે “મહેજબિન” જ્યારે જન્મી ત્યારે એણે એના પિતા અનાથાશ્રમમાં મુકવા તૈયાર થઈ ગયા હતા, પછી તેમને દયા આવતા તે દીકરીને પાછા લઈ આવ્યા. આ એક એવી એભિનેત્રી હતી જેણે 6 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારનું પેટ પાળ્યું! મીનાકુમારી એને કમાલ અમરોહીની પ્રણયકથા ગમે તેટલી રોમેન્ટીક હોય, પરંતુ અંતે ટ્રેજેડીમાં પલટાઈ ગઈ… 38 વર્ષની ઉંમરે જ્યારે તેમનું મૃત્યું થયું ત્યારે હોસ્પિટલમાં શવ લઈ જવા માટે એમની બહેન ખુર્શિદ પાસે પૂરતા રૂપિયા નહોતા. 1939થી 1972 સુધીની ફિલ્મી કારકિર્દી અને 8 ફિલ્મફેર નોમિનેશન, ચાર ફિલ્મફેર અવોર્ડ પછી પણ એમની પાસે “પોતાનું કહી શકાય” એવું કોઈ કે કંઈ નહોતું! આજે આપણે જેને એક અવિસ્મરણીય અભિનેત્રી તરીકે યાદ કરીએ છીએ એનું મૃત્યું લગભગ લાવારિસ વ્યક્તિની જેમ થયું.
આવું શા માટે થતું હશે? આપણે આવા અદભુત વ્યક્તિત્વોને એમની હયાતીમાં જે મળવું જોઈએ એવું સન્માન અને સ્નેહ કેમ નથી આપી શકતા? આપણા સમયમાં આપણી આસપાસ દેખાતા, અનુભવાતા સર્જનની પળને કોઈ ફોટોગ્રાફની જેમ ઝીલીને અમર કરી દેવાનું કામ આપણું છે. જે યુગમાં આપણે જન્મ્યા છીએ એ સમયગાળામાં આપણા ‘હોવા’ના હસ્તાક્ષર મૂકી જવાનું કામ આપણે કરવાનું છે. સર્જનનો અર્થ માત્ર સાહિત્ય, ચિત્રકલા કે ફિલ્મો પૂરતો જ નથી. સર્જનનો અર્થ આપણા પછીની પેઢી માટે મૂકી જવાની સ્મૃતિ સાથે જોડાયેલો છે. આપણે આજે જે કંઈ કરી રહ્યા છીએ એ પ્રત્યેક પળ, એ ક્ષણ કે આપણા જીવાયેલા તમામ સમયની અનુભૂતિ એ સર્જન છે…
ફિરાક ગોરખપુરી લખે છે,
‘કિતના ખામોશ હૈ જહાઁ લેકિન,
ઇક સદા આ રહી હૈ કાનોં મેં
મૌત કે ભી ઊડે હૈં અકસર હોશ
જિંદગી કે શરાબખાનોં મેં.’
એક લેખક કે લેખીકા પોતાના વાચકો ( ચાહકો) પાસે શુ અપેક્ષા રાખતા હોય છે ?
વાહ વાહ.. ખુબ સરસ..
देख दिल के निगार-ख़ाने में
ज़ख़्म-ए-पिन्हाँ की है निशानी भी