હોપઃ કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે

કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. કેટલાક લોકો ખૂબ ગભરાયેલા છે, અને કેટલાક લોકો જરૂરત
કરતાં વધુ બેફિકર… 2019ના ડિસેમ્બરમાં આવી જ રીતે કોરોનાએ પહેલીવાર દેખા દીધેલી, પછી
માર્ચ, ’20નું લોકડાઉન થયું અને 2020-21ના વર્ષો કોઈ દુઃસ્વપ્નની જેમ પસાર થયાં. કોરોનાના
કેટલાક ફાયદા પણ થયા છે, જે લોકો આવતીકાલની ચિંતામાં આજે નહોતા ઊંઘતા એમણે ‘આજ’માં
જીવવાનું શીખી લીધું છે, જે લોકો ઈગો પ્રોબ્લેમ કરીને પોતાના સ્વજન, પ્રિયજન સાથે સંબંધ તોડી
બેઠા હતા એમણે માફી માગી લીધી હતી, જે લોકો સતત કામમાં રહેવા ટેવાઈ ગયા હતા એ લોકોએ
સ્વયં સાથે સમય વીતાવવાના નવા રસ્તા શોધી કાઢ્યા છે દરેક ભયાનક સમસ્યા પોતાની સાથે એક
નાનકડો ફાયદો અથવા આશાનું કિરણ લઈને આવતી હોય છે. આપણને એ આશાનું કિરણ દેખાતું
નથી કારણ કે, આપણને સમસ્યા ઉપર ફોકસ કરવાની ટેવ પડી ગઈ છે.

લાંબું જીવવું અગત્યનું નથી-પરંતુ, જેટલું જીવીએ એટલું પોતાના અને બીજા માટે ‘સારું’ તો
હોવું જ જોઈએ. ‘સારું જીવન’ એટલે શું? એની એક વાક્યમાં કહી શકાય એવી વ્યાખ્યા એ છે કે,
‘જીવન પરત્વે ફરિયાદ ન હોય એવી દરેક વ્યક્તિનું જીવન સારું કહેવાય.’ અને આ, મનઃસ્થિતિ છે,
પરિસ્થિતિ નથી.

રાત્રે સૂરજ ડૂબે છે ત્યારે આપણને કોઈ દિવસ ભય નથી લાગ્યો કે હવે સવારે નહીં ઊગે તો શું
થશે? આપણે સૌ રાત પડતા જ આંખો મીંચીને સૂઈ જઈએ છીએ (કેટલાક નિશાચારને આમાંથી
બાદ કરી શકાય!!!) પરંતુ, આંખ મીંચતી વખતે કોઈને એવો ભય નથી લાગતો કે, સવારે આંખો નહીં
ઊઘડે તો શું થશે! અર્થ એ થયો કે, આપણે આપણા અસ્તિત્વને કુદરતના આધારે છોડી શકીએ છીએ.
કોઈ એક એવા તત્વ પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ જે ફૂલો ઊગાડે છે, જે થોડાક દાણાના
બદલામાં આખા ભરેલા ડૂંડા આપે છે, જે વરસાદ પાડે છે, જે ઋતુઓ બદલે છે, જે હવામાં રહેલા
અનેક વાયુઓમાંથી ફક્ત ઓક્સિજન છૂટો પાડીને આપણા શ્વાસમાં જાય એવી વ્યવસ્થા કરે છે અને
બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઈડને ફરીથી હવામાં ભેળવે છે! આપણે બધા જાણીએ છીએ કે, જે
બાળક જન્મ લે છે એ મૃત્યુ પામવાનું જ છે, પરંતુ આપણે એના જન્મનો ઉત્સવ ઊજવીએ છીએ-
નહીં કે, એ થોડાં વર્ષો પછી મૃત્યુ પામવાનું છે એવું વિચારીને આજથી જ રૂદન શરૂ કરી દઈએ!

હોપ, આશા આપણા સૌના જીવનનું એક એવું તત્વ છે જે આપણને ‘વધુ સારા’ તત્વ તરફ
લઈ જાય છે. ગુડનેસ, બેટરમેન્ટ, અચ્છાઈ, સારાઈ, ભલાઈ કે આનંદની ક્ષણો સતત રહેતી નથી-
પરંતુ, એ જ્યારે આવે છે ત્યારે આપણા જીવન માટે ફ્યુઅલ (બળતણ)નું કામ કરી જાય છે. બુઝાઈ
રહેલી જ્યોતમાં જેમ ઘી કે તેલ ઉમેરીએ, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એ દર્દીને ઓક્સિજન
આપવામાં આવે એમ આપણી મંદ પડતી જીવન શક્તિને આશા ફરીથી તેજસ્વી બનાવવાનું કામ કરે
છે.

આ આશા કે હોપ સીધે સીધી ખોળામાં આવીને પડતી નથી. એ હસ્તરેખામાં કે કુંડળીમાં
ખાંખાખોળાં કરવાથી જડતી નથી. મોટિવેશનલ લેક્ચર્સ કે સેલ્ફ હેલ્પના પુસ્તકો કદાચ આશાનું
જીપીએસ બતાવી શકે, પરંતુ પ્રવાસ તો જાતે જ કરવો પડે છે. હોપ, એચ ઓ પી ઈ! એને બહુ
રસપ્રદ રીતે સમજી શકાય. એચ એટલે હાર્ડ વર્ક (મહેનત), ઓનેસ્ટી (પ્રામાણિકતા) અને હ્યુમેનિટી
(માણસાઈ) મહેનત, પ્રામાણિકતા અને એની સાથે જગતના બીજા જીવો પ્રત્યે, માણસો પ્રત્યે,
કરુણા, સ્નેહનો ભાવ બહુ જ અગત્યનો છે. ઘણા લોકો મહેનત કરે છે-પરંતુ મહેનતની સાથે
પ્રામાણિકતાથી પોતાની અણઆવડત કે ઓછી ક્ષમતા, ઓછા પ્રયાસની ભૂલનો સ્વીકાર નથી કરતા.
આવા લોકો સામાન્ય રીતે પોતાની નિરાશા કે નિષ્ફળતા માટે અન્યને જવાબદાર ઠેરવે છે. ત્રીજી વાત
માણસાઈ છે. આપણે કોઈ પ્રત્યે સારું વર્તન કરીએ, એની પરિસ્થિતિને સમજીએ, ક્ષમા કરી શકીએ
તો જ આપણી મહેનત અને પ્રામાણિકતાનું ફળ સાચું અને પૂરેપૂરું મળે. આવું ક્યાંય કોઈ નિયમ કે
કાયદાથી લખ્યું નથી, પરંતુ સરકાર કે સમાજના કાયદાથી ઉપર એક યુનિવર્સનો કાયનાતનો કાયદો છે.
એ કાયદામાં જે વેસ્ટ અને ઈનવેસ્ટની વ્યાખ્યા છે એ જેને સમજાય છે એને પોતાના સારા કર્મો વિશે
હંમેશાં આનંદ અને ગૌરવની લાગણી થાય છે. એવા લોકો કશું મેળવવાની આશા નથી રાખતા, પરંતુ
એમને સારું મળે જ છે. આપણે ઘઉં વાવીએ તો ઘઉં ઊગે ને બાજરો વાવીએ તો બાજરો ઊગે એવી
રીતે માણસાઈ, પ્રામાણિકતા અને મહેનતનું પરિણામ ચોક્કસ મળે છે.

ઓ એટલે ઓપ્ટિમિઝમ (હકારાત્મકતા), ઓબ્જેક્ટિવિટી (નિષ્પક્ષતા-તટસ્થતા) અને ઓપન
માઈન્ડ (ખુલ્લું મન). આ ત્રણ બાબતો હોપ સાથે સીધી જોડાયેલી છે. હકારાત્મકતા એટલે કોઈપણ
પરિસ્થિતિમાંથી સારું શોધી કાઢવાની આવડત અને આદત બંને. કોરોનાના આર્થિક ગેરફાયદાની સાથે
માનસિક, અધ્યાત્મિક અને ઈમોશનલ ફાયદા થયા જ છે. નિષ્પક્ષતા અથવા તટસ્થતા કોઈપણ
પરિસ્થિતિને જોવા માટે બહુ જરૂરી છે. આપણને કોઈ બાબતમાં સફળતા ન મળે ત્યારે આપણો
પ્રયાસ કે આપણી ક્ષમતા ઓછી પડી એવું જો નિષ્પક્ષતાથી સમજી શકીએ તો બીજી વખત વધુ
હિંમતથી, વધુ દૃઢતાથી પ્રયાસ કરવાની તૈયારી કરી શકાય અને ત્રીજું, ઓપન માઈન્ડ-કોઈપણ વ્યક્તિ
વસ્તુ કે વિચાર માટે મનના દરવાજા ખૂલ્લા રાખશો તો જ કંઈક નવું કે જુદું પ્રવેશી શકશે. છેલ્લા થોડા
સમયથી સંબંધો અને સોશિયલ મીડિયા બધે સંકુચિત મનનું પ્રતિબિંબ સતત જોવા મળે છે. ‘ફોમો’
(ફિયર ઓફ મિસિંગ આઉટ)ની લાગણી, ‘રહી ગયા’નો અફસોસ લગભગ દરેક વ્યક્તિને બેચેન કરી
નાખે છે. ફેસબુકના લાઈક્સ અને ઈન્સ્ટાના નંબર ઘટી જાય તો ડિપ્રેશન આવી જાય, એવા લોકો માટે
મહત્વનું છે કે, એ બીજા લોકોની કોમેન્ટ્સ કે ટ્રોલિંગને ગંભીરતાથી ન લે. યુવા પેઢી નાની નાની
વાતમાં આત્મહત્યા સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે, ખુલ્લું મન આપણને
સાચી અને સારી બાજુ જોતાં શીખવશે.

પી એટલે પીસ (શાંતિ), પ્રેક્ટિકાલિટી (વ્યવહારિકતા) અને પ્રેયર (પ્રાર્થના). આપણે બધા
અંતે પીસ અથવા શાંતિની તલાશમાં ભટકીએ છીએ. પૈસા આવશે તો શાંતિ થશે, સત્તા કે સંબંધ
મળી જશે તો શાંતિ થશે એવી કેટલીયે ભ્રમણાઓ આપણને સતત રખડાવે છે, પરંતુ સત્ય એ છે કે,
‘કોઈ ચીજ’ અથવા ‘કોઈ વ્યક્તિ’ આપણી શાંતિનો પર્યાય નથી, અને આજ (પ્રેક્ટિકાલિટી)
વ્યવહારિકતા છે. આપણાથી બધું નહીં થઈ શકે, આપણને બધું નહીં મળે, આપણે બધું નહીં જ
આપી શકીએ અને આપણે સંપૂર્ણપણે સુખી નહીં થઈ શકીએ-આપણી પ્રિય વ્યક્તિને પણ સંપૂર્ણપણે
સુખી કરવાની સત્તા કે આવડત આપણામાં નથી, આવી સાદી વાતોને સ્વીકારી લઈએ તો
વ્યવહારિકતાથી દરેક સંબંધને મેચ્યોરિટીપૂર્વક ‘મેનેજ’ કરી શકીએ. આપણા સૌનો પ્રોબ્લેમ એ છે કે,
આપણે ‘બધું જ જોઈએ છે’ અને ‘બધું જ કરવું છે…’ સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. પ્રેક્ટિકાલિટી
આપણને પસંદગી શીખવે છે. શું છોડી દઈએ તો સુખી થઈ શકાય એ સમજી લઈએ એને
વ્યવહારિકતા કહેવાય. અંતે, પ્રેયર. પ્રાર્થના સૌથી અગત્યની છે. પ્રાર્થના એટલે માગણી નહીં, પણ
આભાર વ્યક્ત કરવાની રીત. જે નથી મળ્યું એ માટે ફરિયાદ નહીં, પરંતુ જેણે આ બધું આપ્યું છે એને
ફરી ફરી યાદ કરવાનો સમય. રડતાં રડતાં પ્રાર્થના નહીં કરવાની, પરંતુ પ્રાર્થના કરતી વખતે આંખોમાં
આંસુ આવે તો માનવું કે, મનનો મેલ ધોવાય છે.

ઈ એટલે ઈમોશન (સંવેદન), એફિશિયન્સી (ક્ષમતા) અને ઈઝ (સહજતા)… માણસ માત્ર
વિચારે છે, મગજથી ને વર્તે છે હૃદયથી. આપણે બધા સંવેદનશીલ છીએ, પરંતુ આપણને બહુ ડાહ્યા,
વ્યવહારુ, જ્ઞાની, સમજદાર હોવાનો ભ્રમ છે. અમુક લેવલે પહોંચ્યા પછી માણસ ખુલ્લા દિલે રડી કે
હસી શકતો નથી. 50 વર્ષની સ્ત્રી બાળકની જેમ વર્તે કે યુવતિ જેવા કપડાં પહેરે એ વિશે એને
કેટલોક સંકોચ હોય છે. બીજા પરત્વે સંવેદનશીલ થવું બહુ જ અગત્યનું છે. આપણે કોઈના
ન્યાયાધીશ નથી, એ સત્યનો સ્વીકાર આપણને સંવેદનશીલ બનાવે છે. આપણી ક્ષમતાને આપણે જ
ઓળખવી એ બીજો મુદ્દો છે. આપણને જે ગમે તે બધાને ગમવું જ જોઈએ-આપણે જેટલા
પરફેક્શનથી કામ કરીએ એટલા બધા કરે જ અને આપણી આવડત, હોશિયારી કે બુધ્ધિ-શક્તિ સાથે
બીજાની સરખામણી કરીને એને ઉતારી પાડવાનો આપણી પાસે અધિકાર નથી-એ સત્ય આપણને
સતત વધુ સારા બનાવે છે અને બેટરમેન્ટ તરફ લઈ જાય છે. છેલ્લે ઈઝ, સહજતા સૌથી અગત્યની
છે. માણસમાં બધા ગુણો હોય છતાં એ સહજ, સરળ કે એપ્રોચેબલ ન હોય તો એની પાસે મિત્રો કે
સ્વજન ટકતાં નથી. આપણા સૌના જીવનમાં આશાનું એક સૌથી મોટું કિરણ આપણા સંબંધો છે.
આપણા સુખમાં આનંદ પામે અને દુઃખમાં સાથે ઊભા રહે એવા લોકો આપણા જીવનને આશા અને
સુખથી ભરી દે છે. કોઈ નહીં હોય તો પણ ‘એ’ તો હશે જ, એ લાગણી આપણને મજબૂત બનાવે
છે, પરંતુ એવા સંબંધો કેળવવા માટે સહજ થવું જરૂરી છે અને આ સહજતા સ્નેહ, ક્ષમા અને
સ્વીકારમાંથી જન્મે છે. સૌને પ્રેમ કરવો, ક્ષમા માગવી અને ક્ષમા આપવી, અને જે વ્યક્તિ જેવી છે
તેવી સ્વીકારી લેવી એ સંબંધને સાચવવાની સરળ રીત છે.

આપનું નવું વર્ષ ‘હોપ’થી છલકાય, અને આપ સૌ નવા વર્ષે એક નવી હોપ સાથે આપના
વ્યક્તિત્વને નવો જ ‘ઓપ’ આપો એવી શુભેચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *