હોર્મોનનું પ્રમાણ એ સફળતાનું પ્રમાણપત્ર બની શકે ?

એક ફિલ્મ, ‘રશ્મિ રોકેટ’ આપણી સામે ફરી એકવાર ફિમેલ એથ્લિટની સમસ્યાઓને લઈને
આવી છે. સ્વચ્છ પારિવારિક ફિલ્મ ઓટીટી પર હવે ઓછી જ જોવા મળે છે. એવા સમયમાં આ
ફિલ્મ પાસે એક એવી કથા છે જે પહેલાં અનેકવાર કહેવાઈ ચૂકી છે. ‘ચક દે ઈન્ડિયા’ હોય કે ‘મેરી
કોમ’… વાત એ જ છે.

સ્પોર્ટ્સમાં સ્ત્રીઓને ઓછું મહત્વ આપવામાં આવે છે એટલું જ નહીં, એમની કારકિર્દી વિશે
કોઈ ઝાઝું ધ્યાન આપતું નથી. આના કારણમાં સદીઓથી આપણી માનસિકતામાં રહેલી પૈતૃક
સમાજની વ્યવસ્થા છે ? કે પછી, સ્ત્રીઓ પાસે શારીરિક ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે અને એ
લોકો કઈ ઝાઝું કરી નહીં શકે એવું માનીને સ્પોર્ટ્સના જગતમાં સ્ત્રીઓને પાછળ ધકેલી દેવામાં આવે
છે…

બીજી તરફ આપણે જાણીએ છીએ કે, પુરુષ કરતા વધારે પીડા સહેવાની અને કામ કરવાની
શક્તિ સ્ત્રી પાસે છે. સ્ત્રી પાસે વધુ યાદશક્તિ અને એના હાડકાંમાં વધુ લચક હોય છે. એ બધા પછી
‘રશ્મિ રોકેટ’માં જે વિષયને સ્પર્શવામાં આવ્યો છે એ, જેન્ડર ટેસ્ટનો વિષય બહુ નાજુક અને
સંવેદનશીલ છે. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સમાં ઘણા દેશોમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે અને
એ કાયદાની સામે અનેક કોર્ટ કેસ પણ થયા છે. સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના
હોર્મોન હોય છે. જે એના સ્ત્રીત્વને ટકાવી રાખે છે, એને માતૃત્વ અને માસિક ધર્મની કુદરતી
સાઈકલમાં ગોઠવે છે. પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન હોય છે. આનું પ્રમાણ વૈજ્ઞાનિક
અને તબીબી રીતે નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ જેમ હિમોગ્લોબિનના પ્રમાણ કે કોલેસ્ટોરોલના,
બ્લડ સુગરના પ્રમાણ એક્યુરેટ રીતે વ્યક્તિને ડાયાબિટીક કે એનીમિકનું પ્રમાણપત્ર આપી શકે એવી
રીતે હોર્મોન વિશે હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકાયો નથી. યિન અને યાંગનો વિચાર હોય કે પુરુષની
સંવેદના અને સ્ત્રીની કઠોરતાની વાત હોય… તબીબી વિજ્ઞાને સાબિત કર્યું છે કે, સ્ત્રી અને પુરુષ
બંનેમાં એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનના હોર્મોન હોય જ છે. એમની જાતિયતાનો આધાર આ
હોર્મોનના બેલેન્સ ઉપર રહેલો છે, પરંતુ આપણે ત્યાં સ્ત્રીત્વ અને પુરુષત્વ વિશેના કેટલાક ચોક્કસ
ખ્યાલો છે. આ ખ્યાલોની સાથે જોડાયેલી સદીઓ પુરાણી માનસિકતાને બદલવા માટે વિજ્ઞાનની
સમજ જરૂરી છે. જે આપણા દેશમાં પ્રમાણમાં ઘણી ઓછી છે. સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ થોડું
વધારે હોય એથી એ પુરુષ નથી બની જતી એ વાત આપણે બધાએ સમજવી પડે. ‘રશ્મિ રોકેટ’
આપણને એ વાત સમજાવે છે.

‘રશ્મિ રોકેટ’ના ત્રણ પ્રોડ્યુસરમાંની એક પ્રાંજલ ગુજરાતી છે અને વાર્તા કચ્છની છે.
ગુજરાતી પરિવારોમાં હજી પણ દીકરીને વધુ પ્રોટેક્ટેડ કે વધુ ફેમિનાઈન રાખવાનો પ્રયાસ કરવામાં
આવે છે. દીકરાને વધુ પડતા લાડ કરીને બગાડવામાં આવે અને એની તમામ ખોટી બાબતોને ચલાવી
લેવામાં આવે કારણકે, એ ‘દીકરો’ છે ! નહીં કમાતો, પત્નીને મારતો કે શરાબ પીતો, દેવાં કરતો દીકરો
પણ માતા-પિતાને મહેનતુ અને કાળજી લેતી દીકરી કરતાં વધુ વહાલો લાગે એવા કિસ્સા આપણે
જોયા પણ છે અને જાણ્યા પણ છે.

‘ટેસ્ટોસ્ટેરોન’ પૌરુષનું હોર્મોન છે. સ્ત્રીમાં એનું પ્રમાણ વધારે હોય ત્યારે બીજી મહિલા
પ્રતિયોગી સાથેની હરિફાઈમાં એ પુરૂષની જેમ વધુ શક્તિશાળી પરફોર્મન્સ આપી શકે એવી એક
વૈજ્ઞાનિક દલીલ સાથે એક છોકરીને પ્રતિયોગિતામાંથી હટાવવામાં આવે છે. નવાઈ એ વાતની છે કે,
આ મુદ્દો સ્પોર્ટ્સ પૂરતો નથી રહેતો, એ પુરૂષના વેશમાં સ્ત્રી છે કે યુનક છે ત્યાં સુધી વાતને ઢસડી
જવામાં આવે છે.

પુરૂષમાં જ્યારે એસ્ટ્રોજનનું પ્રમાણ વધે ત્યારે એ થોડો સ્ત્રૈણ અથવા નાજુક લાગે છે.
કેટલીકવાર એ પ્રમાણ બહુ વધી જાય તો એ પોતાના શરીરમાં ‘સ્ત્રીત્વ’ની અનુભૂતિ પણ કરે છે, પરંતુ
એ બધા પછી એના ‘પુરૂષ’ હોવા પર કોઈ સમસ્યા નથી થતી. એવી જ રીતે સ્ત્રીના શરીરમાં
ટેસ્ટોસ્ટેરોન વધે ત્યારે એ થોડી વધુ પૌરૂષી, સખત, મર્દાના કે થોડી શક્તિશાળી હોય છે, પરંતુ એથી
એવું સાબિત નથી થતું કે એ ‘સ્ત્રી’ નથી.

આજે જ્યારે એલજીબીટીક્યૂ વિશે આપણે ખૂલીને વાત કરીએ છીએ અને અમેરિકાના
વ્હાઈટ હાઉસમાં રેઈનબો સ્વીકારાય છે ત્યારે, ‘રશ્મિ રોકેટ’ હોય કે ‘ચક દે ઈન્ડિયા’… વાતમાં
અતિશયોક્તિ નથી. સ્પોર્ટ્સમાં સ્ત્રીઓ સાથેનો વ્યવહાર ઓરમાયો અને અમુક રીતે ઉપેક્ષાભર્યો
જોવા મળે છે અને આ વ્યવહાર માત્ર પુરુષો જ કરે છે એવું માનવાની જરૂર નથી, સ્ત્રીઓ સાથે આ
વ્યવહાર સ્ત્રી અધિકારીઓ પણ કરે છે. આનું કારણ કદાચ એ છે કે, આપણે સ્ત્રીઓને રસોડાની
બહાર જોઈ શકતા જ નથી. હજી ભારતીય માનસિકતા એવું માને છે કે, ગમે તેટલી સફળ અને ગમે
તેટલી હોંશિયાર સ્ત્રી પણ જો પોતાના ઘરના રસોડામાં ધ્યાન ન આપતી હોય તો એની ‘સફળતા’
નકામી છે. સામાન્ય ભારતીય પુરૂષ આજે પણ પોતાની પત્નીની સફળતાનો હિસ્સેદાર બનવામાં
નાનપ અનુભવે છે. પત્નીના પૈસે જીવવામાં એને પોતાના પુરૂષત્વનું અપમાન લાગે છે, પરંતુ પત્નીને
મારવામાં કે એની ઈચ્છા વિરુધ્ધ એના ઉપર શારીરિક બળજબરી કરવામાં પુરુષત્વ ઘવાતું નથી !

ફિલ્મો સમાજનું દર્પણ છે અને સમાજ પણ ફિલ્મો પાસેથી ઘણું શીખે છે. આપણી
દીકરીઓ જ્યારે ઉછરતી હોય ત્યારે એમનામાં જો હિંમત, શક્તિ અને એનર્જી હોય તો
મોટાભાગના પરિવારોને આવી છોકરીઓ ‘ભાયડાછાપ’ લાગે છે. જો દીકરી ડરે નહીં, શરમાય નહીં કે
નાની નાની વાતમાં કોઈની પાસે મદદ ન માગે તો એ વધુ પડતી ‘બોલ્ડ’ હોવાનું લેબલ એના ઉપર
ઝડપથી ચોટાડી દેવામાં આવે છે. માતા-પિતાને ચિંતા હોય છે કે ‘આવી’ છોકરી એના સાસરેથી
પાછી આવશે !

સ્ત્રીએ પુરૂષ પર આધારિત હોવું જ જોઈએ, સ્વતંત્ર નિર્ણય કરવાની કે એ નિર્ણયને જાહેર
કરીને, નિર્ણય પર અમલ કરીને એના પરિણામ ભોગવવાની તૈયારી સાથે ટૂંકમાં પોતાની ટર્મ્સ પર
જીવતી સ્ત્રીઓ આ દેશમાં હજી સ્વીકારવામાં આવતી નથી. કોર્પોરેટ જોબમાં આગળ વધતી સફળ
સ્ત્રી પોતાના શરીરનો કે ચાર્મનો ઉપયોગ કરીને સફળ થઈ હશે એવું માનનારા પુરૂષોની ખોટ નથી,
દુઃખ તો એ વાતનું છે કે, કેટલીક સ્ત્રીઓ પણ આવું માને છે !

સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોઈ યુધ્ધ નથી. બંને પોતપોતાની રીતે આ જગત માટે જરૂરી છે.
‘સર્જન’ની પ્રક્રિયામાં બંનેનો આગવો અને અનિવાર્ય ફાળો છે. સ્ત્રી અને પુરૂષના શરીરો અને એમના
મન એકમેકથી જુદાં છે કારણકે, એમનું સર્જન જ આ જુદાપણા માટે કરવામાં આવ્યું છે. આનો
ઉપયોગ બેમાંથી કોઈને હરાવવા કે એની કારકિર્દી, વ્યક્તિત્વ કે એની સફળતા-નિષ્ફળતાનો નિર્ણય
કરવાને બદલે જો આ જુદાપણાના સૌંદર્યને આપણે સમજી શકીએ. એ વિશે થોડા વધુ ઉદાર અને
વૈજ્ઞાનિક રીતે થોડા વધુ અપડેટેડ થઈએ તો કદાચ આ જુદાપણાનો આધુનિક અભિગમ આપણે
સમજી શકીએ.

સવાલ ‘મહિલાને થતા અન્યાય’ વિરુધ્ધ અવાજ ઉઠાવવાનો નથી, કારણકે થોડા સ્ત્રૈણ કે
નાજુક દેખાતા પુરૂષને પણ આ સમાજમાં અન્યાય થાય જ છે. સ્ત્રી અને પુરૂષ બંને કુદરતનું જ
સર્જન છે અને જો એ સર્જનને આપણે ઉપહાસમાં કે ઉપેક્ષામાં ફેરવીએ છીએ તો જાણે-અજાણે
આપણે સર્જનહારનું અપમાન કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *