વિખ્યાત ગ્રીક ફિલોસોફર ડાયોજિનસનો નિયમ હતો કે, પાણી પીવા અને ભોજન લેવા માટે વાપરી
શકાય એટલું જ પાત્ર પોતાની પાસે રાખવું. એક દિવસ એમણે એક ભરવાડને હાથનો ખોબો વાળીને પાણી
પીતાં જોયો, એ પછી બ્રેડને હાથમાં લઈને ખાઈ રહેલા એ ભરવાડને જોઈને એમણે નક્કી કર્યું કે,
એમણે આ પાત્ર પણ સાથે ન રાખવું જોઈએ! આમ જોવા જઈએ તો આ વાત બહુ આદર્શવાદી
અને વ્યવહારિક જીવનમાં ન ઉતારી શકાય એવું લાગે, પરંતુ જો થોડાક ઊંડા ઉતરીને વિચારીએ
તો આપણને સમજાય કે આપણે આપણા ઘરમાં, કબાટમાં અને જીવનમાં જેટલી વસ્તુઓ ભેગી
કરી છે એમાંની મોટાભાગની વસ્તુઓ ખરેખર આપણને કામની નથી અથવા ખરેખર એને રાખી
મૂકવાની-સંગ્રહ કરવાની કોઈ જરૂર નથી. ‘કોઈ દિવસ કામ લાગશે’ એવું વિચારીને, અથવા ‘મને
બહુ ગમે છે’ એવું વિચારીને આપણે કેટલી બધી વસ્તુઓ ભેગી કરીએ છીએ!
ખરેખર તો રોજ એક જ જોડી વસ્ત્ર પહેરી શકાય છે તેમ છતાં આપણે કબાટ ભરીને કપડાં
વસાવીએ છીએ… દરેક પ્રસંગે જુદા વસ્ત્રો પહેરવાનું આપણે ત્યાં વ્યવહાર-રીત છે. આ રીતરિવાજ-વ્યવહાર
અને લોકોની નજરમાં આપણું મહત્વ કે આકર્ષણ વધારવાનો આપણો પ્રયાસ આપણને સતત વસ્તુઓનો
સંગ્રહ કરવા લલચાવે છે. આપણે વસાવેલી મોંઘી ક્રોકરી આપણા માટે નથી, ‘કોઈ આવે ત્યારે’ બહાર
કાઢવાની ચીજ છે! સારામાં સારા કપડાં આપણે ‘બીજાને દેખાડવા’ પહેરીએ છીએ!
ઘણા લોકો અમુક ઉંમરે ત્યાગની વાતો કરે છે, પરંતુ ત્યાગનો સીધો સંબંધ ફક્ત ધન સાથે
જ છે. દાન કરવું, એ જ ત્યાગ છે? આપણે વસ્તુઓ છોડતાં શીખી જઈએ એટલે આપણે
‘ત્યાગ’ કરી શકીએ છીએ, એવું આપણી જાતને મનાવીએ છીએ. ખરેખર તો જે લોકો ત્યાગ કરે
છે એમાંના મોટાભાગના બદલામાં ‘પુણ્ય’ની અપેક્ષા રાખે છે. અર્થ એ થયો કે વસ્તુ કે સ્વાદ
છોડીને આપણે ‘પુણ્ય’નો સંચય કરવા લાગીએ છીએ! પરિસ્થિતિ તો એ જ રહીને? માત્ર સંગ્રહનું
સ્વરૂપ બદલાયું!
આપણે બધા વાતવાતમાં કહીએ છીએ, ‘બધું અહીં જ મૂકીને જવાનું છે’ તેમ છતાં બધું
ભેગું કરતી વખતે આપણને એવું ક્યારેય યાદ આવતું નથી. કોઈને કંઈ આપવાનું મન થાય ત્યારે
એ વસ્તુ મોટેભાગે વાપરી લીધેલી, જૂની કે જેનાથી આપણે કંટાળી ગયા હોઈએ અથવા જેની
આપણને જરૂર ન હોય એવી જ વસ્તુ હોય છે. આપણને ખૂબ ગમતી કે નવી વસ્તુ કોઈને
આપવાનું કેટલા લોકોને મન થાય છે? અહીં એક બીજી પણ વાત આ સમાજમાં બહુ સાંભળવા
મળે છે. કેટલાક લોકોને એવો અસંતોષ છે કે એ પ્રામાણિક છે માટે ગરીબ છે… અપ્રામાણિક
લોકો મજા કરી રહ્યા છે અને પોતે ‘બિચારા’ પ્રામાણિક રહી ગયા! કેટલાકને ધર્મનો સંગ્રહ કરવાનો
શોખ હોય છે. પોતાના ધર્મ સાથે જોડાયેલી વાતોને વારંવાર કહેવી, પોતાનો ધર્મ કેટલો મહાન
છે એ વાત બીજાના ગળે ઉતારવી અથવા પોતે ધર્મને કેટલો જાણે છે, સમજે છે અને પોતે કેટલો
નિષ્ઠાથી ધર્મ પાળે છે… એ વાત પણ એક પ્રકારની ધાર્મિક માનસિકતાનો સંગ્રહ જ છે ને?
આ બધું કર્યા પછી પણ, માણસને સંતોષ નથી. પોતાની પાસે જે છે તેના કરતાં જો
બીજા પાસે વધારે હોય, તો એને એ વાતની પીડા છે. પોતાના સુખનો આનંદ ઓછો છે, પણ
બીજાના સુખનું ‘દુઃખ’ વધારે છે. આ અસંતોષ છે… અને સૌથી મજાની વાત એ છે કે, જેને
અસંતોષ છે એ પોતાની જાતને સંતોષી, સુખી સાબિત કરવા માટે અનેક પ્રકારના તમાશા કરે છે.
પોતાની ધાર્મિકતા, પોતાના સંબંધો, પરિવાર કે પોતે કેટલું દાન કરી શકે છે એ દેખાડવું પડે એનો
અર્થ જ એ કે માણસ હજી સાચા હૃદયથી આ બધું કરતો નથી. એ સર્ટિફિકેટ મેળવવા માટે
અથવા વધુ સંબંધો-વધુ ધાર્મિકતા પૂરવાર કરવા કે વધુ પુણ્ય એકત્રિત કરવાના લોભથી આ બધું
કરી રહ્યો છે. એ સંતુષ્ટ નથી બલ્કે, અન્ય કરતા વધુ અસંતુષ્ટ છે!
અસંતોષ માત્ર ચીજ સાથે જોડાયેલો નથી. ક્યારેક સફળતા, પદ, પ્રતિષ્ઠા અને સંબંધનો
પણ સંગ્રહ કરતાં લોકો જોવા મળે છે. ‘મને કેટલા લોકો ઓળખે છે’ અથવા ‘હું ફોન કરું એટલે
કામ થઈ જાય’ અથવા ‘મારે ક્યાંય રાહ ન જોવી પડે’ જેવો અહંકાર પણ સંબંધો અથવા
પ્રતિષ્ઠાનો સંગ્રહ નથી? જે શરીર આપણું નથી, છોડી જ દેવાનું છે… એ પછી બીજી કંઈ એવી
‘ચીજ’ છે જેને આપણે આપણી કહી શકીએ? જો આપણે કશાના માલિક નથી તો આપણે શું
ભેગું કરી રહ્યા છીએ? અષ્ટાવક્ર મહારાજ જનકને પૂછે છે, ‘જો બધું ‘એક’ જ છે, તો તું શું
જાણવા મથે છે? એ એકને જાણી લેવાથી બધું જ જાણી લીધાનો સંતોષ કેમ નથી?’
કેટલાક લોકો છોડવાનો પણ અહંકાર કરે છે! એટલે એમને માટે ‘છોડવું’ પણ સંગ્રહનો જ
એક પ્રકાર બની જાય છે. એમણે ‘કેટલું છોડ્યું’ની ગણતરી એમને જુદા પ્રકારના સંગ્રહખોર બનાવે
છે! હવે, સવાલ એ છે કે, ‘છોડવું’ એટલે શું? ‘સંતોષ’ કોને કહેવાય? ‘બસ’ અથવા ‘ઈનફ’ ક્યારે
અનુભવી શકાય? રાગ-લોભ, લાલચ, મોહ અને વૈરાગ-ત્યાગ, સમર્પણ, બલિદાન વચ્ચે સાચે શું
ફરક છે?
સાદો જવાબ એ છે કે, જેના વગર ચાલે એવી કોઈ ચીજ-સંબંધથી શરૂ કરીને સંપત્તિ
સુધી, એકઠી ન કર્યા કરીએ તો આપણે સંતોષી છીએ એવું કહી શકાય.