હું છું, મિઝવાં છે, ચા છે… તમે ક્યાં છો, કૈફી? ભાગઃ1

નામઃ શૌકત કૈફી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2018
ઉંમરઃ 93 વર્ષ
જિંદગી નામ હૈ કુછ લમ્હોં કા
ઔર ઈનમેં ભી વહી ઈક લમ્હા
જિસમેં દો બોલતી આંખે
ચાય કી પ્યાલી સે જબ ઉટ્ઠેં
તો દિલ મેં ડૂબેં
ડૂબકે દિલ મેં કહે
આજ તુમ કુછ ન કહો
આજ મૈં કુછ ન કહૂં
બસ યૂં હી બૈઠે રહો
હાથ મેં હાથ લિએ
ગર્મીએ-જઝ્બાત લિએ
કૌન જાને કિ ઇસી લમ્હે મેં
દૂર પર્બત પે કહીં બર્ફ પિઘલને હી લગે

આ કૈફીએ લખેલી… એ દિવસોમાં અમે મિઝવાં રહેવા ચાલી ગયેલા. કૈફીને મુંબઈમાં
નહોતું ગમતું. મિઝવાં અમારું ગામ છે, ફૂલપુરની પાસે. સૌથી નજીકનું શહેર આઝમગઢ છે.

જિંદગીના છેલ્લા વર્ષો અમે મિઝવાંમાં રહ્યાં, સાથે સાથે. રોજ સવાર પડે, ચકલીઓનો
અવાજ, ઊગતો સૂરજ, ક્યારેક વાદળ ઘેરાય અને વરસાદના છાંટા અમારા વરંડા સુધી આવી જાય.
અમારો વિનોદ કે ગોપાલ ચા લઈ આવે… અમે સાથે મળીને ચા પીએ. એમના કાપતા હાથથી એ જે
રીતે ચાનો કપ પકડીને મને જોતા એ આંખો આજે પણ હું ભૂલી નથી શકતી અને એક એક ઘૂંટડો
એવી રીતે પીતા જાણે અમૃત પી રહ્યા હોય.

જિંદગી તો એમ જ ચાલે છે. કૈફી, પણ તમે ક્યાંક ખોવાઈ ગયા છો, મારી સામેની
ખુરશી ખાલી છે. શરૂઆતમાં તમે ગામ જતા ત્યારે એવી આશા રહેતી કે તમે ક્યારેક પાછા આવી
જશો. નવા વર્ષની એ રાત્રે ઘરમાં પાર્ટી હતી. શબાનાના અનેક મહેમાનો હતા. મારા થિયેટરના મિત્રો
હતા અને તમે ગામ-મિઝવાં ગયા હતા. બધા એટલી મજા કરતા હતા કે મારા મનમાં એક ખાલીપો
જાગ્યો. વિચાર આવ્યો, ‘કાશ, કૈફી યહાં હોતે’. હજી તો હું મારો વિચાર શબાના સાથે શે’ર કરું એ
પહેલાં મેં જોયું કે તમે તમારી લાકડી ઉપર વજન આપીને ચાલતા ગેટમાંથી અંદર આવતા હતા. હું
દોડીને તમને ભેટી પડી. શબાનાએ મજાક કરી, ‘ઈસ ઉમ્ર મેં ભી મૈં અગર તુમસે ઐસે લિપટ જાઉં, તો ધક્કા
તો નહીં દોગે?’ એ પછી જાવેદે જે નજરથી શબાના સામે જોયું એ હું આજે પણ ભૂલી નથી શકતી…
મને એટલું બધું ગમ્યું હતું! તમને કેવી રીતે ખબર પડી, કૈફી કે તમારા વગર હું સાવ સૂની પડી જાઉં
છું.

એ દિવસો તો તમે આવી ગયા હતા, આજે? હું તો આજે પણ તમને યાદ કરું છું. બહુ
જ ખાલી થઈ ગઈ છું ભીતરથી… ક્યાં છો તમે કૈફી?

આજથી 20 વર્ષ પહેલાં મિઝવાં આવવા માટે સડક નહોતી. સ્કૂલ, હોસ્પિટલ, પોસ્ટ
ઓફિસ, ટેલિફોન કે ટીવી કશું જ નહોતું. કૈફીને આ બાબત બહુ દુઃખ થતી. એ વખતે વી.પી. સિંહ
યુપીના ચિફ મિનિસ્ટર હતા. સડક બનાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ પાકો રસ્તો બનતા બનતા બહુ
વર્ષો થયાં. એમાં એકવાર સડક માટે જમીન ખોદતા શંકર ભગવાનની મૂર્તિ નીકળી… પછી શું?
વી.પી. સિંહે બે હાથ જોડીને કહ્યું, ‘કૈફી સાહેબ અત્યારે તો તમે મુંબઈ જતા રહો. આ ભગવાન જે રીતે
બહાર આવ્યા છે એ જ રીતે અંદર જતા રહેશે. આમાં કંઈ પણ ગરબડ થશે તો હિન્દુ-મુસ્લિમ રમખાણો થઈ
જશે.’

અમે મિઝવાંનું ઘર બંધાવવાનું નક્કી કર્યું એ પહેલાં એક દિવસ કૈફીએ બહુ વહાલથી
મને કહ્યું, ‘મુંબઈ સાથેની લેણદેણ પૂરી થવા લાગી છે. હવે આપણે મિઝવાંમાં ઘર બનાવવું જોઈએ. મેં એક
કોન્ટ્રાક્ટર હસનૈનભાઈ સાથે વાત કરી લીધી છે, એ અહીં જ-નજીકના ગામ મહુલમાં રહે છે. એમણે
તો મને 25 હજાર રૂપિયા આપ્યા. મને ગામમાં રહેવાનો આખો આઈડિયાઝ બેકાર લાગેલો, પણ મને
એટલું સમજાઈ ગયું કે, કૈફીએ નક્કી કરી લીધું છે. એકવાર કૈફી નક્કી કરી લે પછી એમનું મન બદલવું
બહુ અઘરું છે. હસનૈનભાઈને મળીને ઘરનો નકશો તૈયાર કર્યો અને મકાન બનવાનું શરૂ થઈ ગયું.
શબાના એ વખતે હિન્દી ફિલ્મોની સ્ટાર હતી. એણે મને કહ્યું, ‘મમ્મી, અબ્બા જેવું ઘર બનાવવા માગે
એવું બનાવ, પૈસાની ચિંતા નહીં કરતી’ આજે ઘરમાં એક મોટો હોલ છે જેમાં ગામના લોકો ટીવી જોવા
આવે છે. એરકન્ડીશન જનરેટર અને બીજી બધી જ સગવડો છે. દરેક રૂમની સાથે અમે બાથરૂમ
બનાવેલા જેથી બંને સંતાનો મુંબઈથી આવે તો કોઈને તકલીફ ન પડે! અહીં, મિઝવાંમાં કોઈ રોકટોક
નથી-ગામના લોકો બિન્દાસ્ત અમારા ઘરમાં આવીને હરી-ફરીને ઘર જોઈને જતા રહે… એક ભાઈએ
કહ્યું, ‘અરે બપ્પા રે બપ્પા! કૈફી ચચ્ચા કે ઘરમેં તો સંડાસ હી સંડાસ હૈ’ રોજ બહાર શૌચ જતા લોકો
માટે આ એક નવી નવાઈનું ઘર હતું. ગામડાંનું હતું તો શું થયું? હવે અમારે અહીં જ રહેવાનું હતું,
એટલે મેં બધી જ સગવડો સાથે સારામાં સારું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો, ને કૈફીએ બગીચો
બનાવ્યો. મને ઘર સજાવવાનો શોખ છે અને કૈફીને બાગકામનો.

અમારો રોજનો નિયમ છે. હું રોજ સવારે ખેતરોમાં ચાલવા નીકળી જાઉં. પાછી
આવીને થોડા ફૂલ તોડીને ટેબલ પર મૂકું. સફેદ ચબુતરો છે, એની નીચે અમારો ગોપાલ ખુરશી અને
ટેબલ લગાવે. કૈફી ત્યાં બેઠા હોય. ગોપાલ ટ્રોલીમાં ચા અને બિસ્કિટ લઈ આવે. ગામના અનેક લોકો
ત્યાં ચા પીવા ભેગા થાય. હું બધાને ચા પીવડાવું… એક દિવસ બિસ્કિટ ખતમ થઈ ગયા તો એક
ભાઈને અમે માત્ર ચા આપી. એમણે પૂછ્યું, ‘ઔર બિસ્કુટવા?’ મને હસવું આવી ગયું. મેં કહ્યું,
‘બિસ્કિટ ખતમ થઈ ગયા છે. કોઈ આઝમગઢ જશે તો લઈ આવશે.’

આજે પણ 20 વર્ષ પહેલાંના મિઝવાંને યાદ કરું છું તો ગભરામણ થઈ જાય છે. અમે કૈફીના મિત્ર
સફદરભાઈના ઘરે ઉતરેલા. મેં એમને પૂછ્યું, ‘મારે નાહવું છે’ સફદરભાઈએ મને કહ્યું, ‘બાથરૂમ તો નથી.
ઘરની ઔરતો જે ચોકડીમાં નહાય છે એમાં તમે નાહી નહીં શકો, એના કરતાં ટ્યુબવેલમાં પાણી પડે છે ત્યાં જતા
રહો. બે ચાદર બાંધી દઈશ. હવે તો વીજળી આવી ગઈ છે. ટ્યુબવેલ બંધ નહીં થાય’.

હું નાહવા બેઠી. હજી તો સાબુ લગાવ્યો કે ફડફડાટ હવા આવી. ચાદરો ઊડી અને મેં
ચીસાચીસ કરી મૂકી, કોઈ આ બાજુ નહીં આવતા પ્લીઝ આ બાજુ નહીં આવતા.

ઘરમાં મહેમાન આવે તો ચૂલો સળગાવીને ચા મૂકવી પડતી. રાતના સમયે વરસાદ હોય
કે ઠંડી બાથરૂમ તો બહાર જ જવું પડતું. વરસાદમાં હું બાથરૂમ જાઉં તો કૈફી છત્રી પકડીને ઊભા રહે.
એટલી શરમ આવે, પણ બીજું શું થઈ શકે? આજે, મિઝવાંમાં સડક છે, પોસ્ટ ઓફિસ છે અને કૈફી
અહીં સ્કૂલ બનાવી છે… બે કિલોમીટરની સડક બનાવી, સ્કૂલ શરૂ થઈ. સરકારી જમીન પર ગામ
લોકોએ કબજો જમાવ્યો હતો. કૈફી સરકારી ઓફિસર્સને મળ્યા. સરકારી જમીન ખોટા લોકોના
કબજામાંથી બહાર કઢાવી. કૈફીએ ગામની મિટિંગ બોલાવી અને સૌને સ્કૂલ શરૂ થશે તો કેટલો ફાયદો
થશે એ સમજાવ્યું… છોકરાંઓ સ્કૂલ જવા લાગ્યા. ચાર ધોરણ સુધીની સ્કૂલ અને પછી એક એક વર્ષ
વધારતા જવાનું.

અમારા ગામનો એક માણસ હરિલાલ, જેણે સૌથી વધારે સ્કૂલનો વિરોધ કરેલો એ
કૈફીને મળવા આવ્યો. એણે કહ્યું, ‘ભૈયા, જૌન ઈસ્કૂલ બનાઈન હૈ, હુંઆ અબ હમરી પોતિયાં જાત હૈ. આજ
સવેરે સવેરે બાલ જાડત રહી, કપડવાં બદલ કે તૈયાર હોત રહી, કહત રહી, ‘દાદા, હમ્મેં પઢે કા હૈ’ એક એક
ધોરણ વધારતા આજે મેટ્રિક સુધીની સ્કૂલ થઈ ગઈ છે. મિઝવાં જ નહીં, બીજા ગામના છોકરાંઓ
પણ ત્યાં ભણવા આવે છે. કૈફીએ તમામ મુશ્કેલીઓને પાર કરીને એના નાનકડા ગામ મિઝવાંની કાયા
પલટી નાખી છે.

કૈફી પહેલેથી જ થોડા અલગ હતા. એમની ઉંમરના બીજા શાયર ફિલ્મોમાં લખવા માટે
સ્ટ્રગલ કરતા હતા ત્યારે કૈફી એના થોડા પ્રોગ્રેસિવ રાઈટર્સ યુનિયનના મિત્રો સાથે કમ્યુનમાં રહીને
દેશને આઝાદ કરવાના-બદલવાના સપનાં જોતા હતા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *