हम न समझे तेरी नजरों का तकाजा क्या है; कभी पर्दा, कभी जलवा ये तमाशा क्या है

ચાર દિવસ પછી ઉત્તરાયણ છે. ઉત્તરાયણ, સૂર્યની ઉત્તર તરફ ગતિ શરૂ થશે. પવનની દિશા
બદલાશે. ઋતુફળ અને ગ્રહોના ફળ બદલાશે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિ ઉજવાઈ
નહોતી એટલે આ વર્ષે જેમ ઝનૂનમાં નવરાત્રિ ઉજવાઈ એવી જ રીતે ઉત્તરાયણ માટે પણ લોકો અતિશય
ઉત્સાહમાં છે. અમદાવાદમાં લગભગ દરેક ટેરેસ, ધાબા કે છત ઉપર બોર, તલની ચિક્કી, ઊંધિયા અને
પોકની સાથે સાથે દિલ અને નજરોની પણ ઉજાણી થશે. ગુજરાતમાં જો સૌથી વધુ પ્રણય પ્રકરણો કોઈ
તહેવારમાં શરૂ થતા હોય તો તે ઉત્તરાયણ અને નવરાત્રિના તહેવારો છે.

આ ઉત્તરાયણે પણ અનેક પ્રણય પ્રસંગો શરૂ થશે. જેમાંના કેટલાકનું આયુષ્ય અનેક ઉત્તરાયણ
સુધી લંબાશે અને કેટલાક 2024ની ઉત્તરાયણ પણ નહીં જુએ! એક સમય હતો જ્યારે પ્રેમ કે પ્રણયનો
સંબંધ ‘સો સાલ પહેલે, આજ અને કલ ભી રહેગા’ જેવા વચનોથી બંધાતો હતો. ‘છુપા લો યૂં દિલ મેં પ્યાર મેરા
કી જૈસે મંદિર મેં લૌ દિયેં કી’ અને ‘તુમ્હી દેવતા હો…’ જેવાં ગીતો એ સમયના પ્રણય હૃદયો માટે લવ
એન્થમ જેવા હતા. એ પછી 1960, 1970ના લવ સોન્ગમાં સામાજિક અને પેઢીઓની માનસિકતા
સાથે બદલાવ આવતો ગયો. ખરેખર એક અભ્યાસ તરીકે પણ આ ગીતોને તપાસવામાં આવે તો
આપણને પ્રણય, વફાદારી અને બંધાતા-તૂટતા સંબંધો વિશે પેઢીઓના બદલાતા વિચારો સમજવામાં
મદદરૂપ થઈ શકે.

હવેની પેઢીને પૂજા, દેવતા, મંદિર, સમર્પણ અને એના વગર જીવી ન શકાય જેવા વિચારો ‘આઉટ
ઓફ ડેટ’ અથવા ‘વેવલા’ લાગે છે. એમના ગીતો, ‘યે મોહ મોહ કે ધાગે’થી શરૂ કરીને ‘તેરા નામ ધોખા રખ
દું નારાજ હોગી ક્યા?’ સુધી લંબાય છે.

ઓલ્ડ ફેશન્ડ માતા-પિતા અકળાઈને કહે છે, ‘તમારા ગીતોમાં ન સંગીત છે, ન પોએટ્રી’, પરંતુ
એમને કદાચ સમજાતું નથી કે આજની પેઢી કવિતાના નામે ‘ચીઝી’ ઈમોશન્સને સ્વીકારી શકતી નથી.
એમને માટે પ્રેમ અથવા પ્રણય પણ હવે પ્રેક્ટિકાલિટીનો હિસ્સો છે. ન ફાવતું હોય તો પરાણે ખેંચવું, એને
આ પેઢી પ્રણય નહીં, ‘લોડ’ કહે છે. મોટાભાગની ઓટીટી સીરિઝમાં હવે સજાતીય સંબંધોને જુદી જુદી
રીતે પ્રમોટ કરવામાં આવે છે, એટલે હવે પ્રણય માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચે જ હોય એ વિચારને પણ નવી
પેઢીએ ફગાવીને એક નવી જ વ્યાખ્યા ઊભી કરી છે. અત્યાર સુધી જેને પાપ, ગુનો માનવામાં આવતો
હતો એને ધીમે ધીમે સમજદારી અને સ્વીકારની ભૂમિકા પર લાવવાનો પ્રયાસ નવી પેઢી કરી રહી છે
એટલું જ નહીં, એમના માતા-પિતા પણ આ વાત સમજે છે, સમજી રહ્યા છે અને અંતે સમજશે એવો
સંદેશ ઓટીટી પ્લેટફોર્મ પરથી વારંવાર રજૂ કરવામાં આવે છે.

પ્રણય એક એવી લાગણી છે જેને વિશે લગભગ દરેક પેઢીમાં જુદી જુદી અભિવ્યક્તિ કરવામાં
આવી છે. કાલિદાસના ‘મેઘદૂત’ (ચોથી કે પાંચમી સદી) રૂટિલિયસ ક્લાઉડિયસ કે જેકોબ ઓફ સીરઘ
જેવાં નામો આપણે સાંભળ્યા પણ નથી, છતાં એમની કવિતાઓ રોમન અને અંગ્રેજી સાહિત્યમાં
પ્રચલિત છે. જયદેવનું ‘ગીતગોવિંદ’ કે ભર્તુહરિનું ‘શૃંગારશતક’ આ પેઢી માટે ‘આઉટ ઓફ ડેટ’ છે.

આપણા શાસ્ત્રોમાં આઠ નાયિકાઓના વર્ણન કરવામાં આવ્યા છે અને એવી જ રીતે આઠ
નાયકના પણ વર્ણન કરવામાં આવ્યાં છે. સંસ્કૃત સાહિત્યએ કથામાં જે પ્રકારનું પાત્ર હોય એ પ્રમાણેની
નાયિકા (હિરોઈન)નું ટાઈટલ અથવા પ્રકાર આપણને આપ્યો છે. એક, વાસકસજ્જા: પ્રિયતમનું આગમન
થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા. બે, વિરહોત્કણ્ઠિતા: નાયકના
આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી. ત્રણ, સ્વાધીનભર્તૃકા: પતિ પોતાના વશમાં છે
તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.

ચાર, કલહાન્તરિતા: નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી
દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી. પાંચ, ખંડિતા: પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને
રોષમગ્ના. છ, વિપ્રલબ્ધા: સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી
છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા. સાત, પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ
વિદેશ ગયો છે તેવી વિરહિણી. આઠ, અભિસારિકા: મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી
નાયિકા. એવી જ રીતે નાયકના ચાર ભાગ પડે છે. એક, ધીરલલિત, બે, ધીરપ્રશાંત, ત્રણ, ધીરોદાત્ત અને
ચાર, ધીરોદ્ધત. એમાંય જો પેટાવિભાગ પાડવામાં આવે તો, પ્રોષિત, માની, ચતુર અને અનભિજ્ઞ જેવા
પેટા વિભાગો પડે છે… આ બધા સંસ્કૃત સાહિત્યએ આપણને આપેલા હિરો અને હિરોઈનના
કેરેક્ટરિસ્ટિક્સ (ગુણો) પ્રમાણેના એમના વર્ગીકરણ છે.

આ વર્ગીકરણ એમના સમય માટે ઠીક હતા, હવે આજના વર્ગીકરણ કે નાયિકાપ્રભેદ બદલાયા છે.
આજની નાયિકા સ્વતંત્ર, સ્વમાની, અભિમાની ને ક્યારેક સ્વચ્છંદ પણ છે. આજનો નાયક બેફિકર,
બેજવાબદાર, પ્રિયતમાની પાછળ સ્વયંને બરબાદ કરી દેતો બેવકૂફ ને ક્યારેક બેઈમાન નાયક પણ છે.
સમય સાથે પ્રણયનું ઈમોશન એનું એ રહ્યું હોય, પરંતુ એની અભિવ્યક્તિ બદલાઈ છે.

ઉર્દૂમાં પ્રેમના સાત સ્ટેજીસ બતાવાયાં છે. જો વિચારીએ તો સમજાય કે, છેલ્લા 50 વર્ષમાં પ્રણય
આ બધા સ્ટેજમાંથી પસાર થયો છે. 40ના દાયકામાં સાહિત્ય અને સિનેમા દિલકશી (આકર્ષણ) અને
ઉન્સ (પ્રીતિ-સ્નેહ)ની વાત કરતાં એ પછી 50ના દાયકામાં મોહબ્બત (પ્રેમ) અને અકિદત (વિશ્વાસ)ની
ફિલ્મો આવી. એકબીજાની ઈબાદત (પૂજા અથવા સમર્પણ)ના લેવલ પર ત્યાગ અને બલિદાનની કથાઓ
કહેવાઈ. આજે જે ફિલ્મો બને છે એમાં જૂનૂન (પાગલપણું) અને અંતે મોત (મૃત્યુ)ની કથા કહેવાય છે…

દર દાયકે પ્રેમ બદલાય છે-પ્રેમીઓની પેઢી બદલાય છે છતાં એ ઈમોશન, સંવેદન, લાગણી કે
સંબંધ એનો એ રહે છે. બાજીરાવ મસ્તાની હોય કે સલીમ અનારકલી, પશ્ચિમના રોમિયો ઝુલિયેટ હોય
કે સૌરાષ્ટ્રના શેણી વિજાણંદ… પ્રણય કથાઓના સ્વરૂપ બદલાય છે, કિરદાર બદલાય છે, અભિવ્યક્તિ અને
અંત બદલાય છે, પરંતુ એની કથા લગભગ સરખી જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *