ગરૂડપુરાણઃ માત્ર મૃત્યુ પછી વાંચવાનું પુસ્તક નથી

એમ કહેવાય છે કે 84 લાખ યોનિ પછી માનવ જન્મ મળે છે. માનવના શારીરિક મૃત્યુ
પછી શું થાય છે એની કથા ગરૂડપુરાણમાં કહેવામાં આવી છે. આપણા ઘરમાં ગરૂડપુરાણની કથા
બેસાડીએ કે ભાગવતની કથાઓ સાંભળીએ, પરંતુ આજુબાજુના લોકોએ શું પહેર્યું છે,
ભોજનમાં શું મળશે અને આપણને ત્યાં કોણ કોણ ઓળખે છે એવી બધી ક્ષુલ્લક બાબતોમાં
આપણે એટલા રચ્યા-પચ્યા હોઈએ છીએ કે આપણને ભાગ્યે જ કથા અથવા એની સાથે
જોડાયેલા ઉપદેશમાં રસ પડે છે!

ગરૂડપુરાણ 18 પુરાણોમાં પોતાનું વિશેષ મહાત્મ્ય ધરાવતું પુરાણ છે. એના અધિષ્ઠાતા
દેવ વિષ્ણુ છે. ‘યથા સુરાણાં પ્રવરો જનાર્દનો યથાયુધાનાં પ્રવરઃ સુદર્શનમ્ । તથા પુરાણેષુ ચ
ગારુડં ચ મુખ્યં તદાહુર્હરિતત્વદર્શને ।।’ જેમ દેવોમાં જનાર્દન શ્રેષ્ઠ છે અને આયુધોમાં સુદર્શન ચક્ર
શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુરાણોમાં આ ગરૂડપુરાણ હરિના તત્વનિરૂપણમાં મુખ્ય કહેવાયું છે. જે
મનુષ્યના હાથમાં આ ગરૂડપુરાણ વિદ્યમાન છે, તેના હાથમાં નીતિઓનો ખજાનો છે. જે મનુષ્ય
આ પુરાણનો પાઠ કરે છે અથવા આને સાંભળે છે, તે ભોગ અને મોક્ષ-બંને પ્રાપ્ત કરી લે છે.

આ પુરાણ મુખ્યરૂપે પૂર્વખંડ (આચારકાંડ), ઉત્તરખંડ (ધર્મકાંડ-પ્રેતકલ્પ) અને બ્રહ્મકાંડ-
ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે. આના પૂર્વખંડ (આચારકાંડ)માં સૃષ્ટિની ઉત્પત્તિ, ધ્રુવચરિત્ર, દ્વાદશ
આદિત્યોની કથાઓ, સૂર્ય, ચન્દ્રાદિ ગ્રહોના મંત્રો, ઉપાસનાવિધિ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય,
સદાચારનો મહિમા, યજ્ઞ, દાન, તપ, તીર્થયાત્રા તથા સત્કર્મોના ફળથી અનેક આ લોક અને
પરલોકના કલ્યાણનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આમાં વ્યાકરણ, છન્દ, સ્વર, જ્યોતિષ,
આયુર્વેદ રત્નસાર, નીતિસાર વગેરે વિષયોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આના ઉત્તરખંડમાં
ધર્મકાંડ-પ્રેતકલ્પનું વર્ણન વિશેષ મહત્વપૂર્ણ છે. આમાં મૃત્યુ પામી રહેલી વ્યક્તિના કલ્યાણ માટે,
વિવિધ દાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મૃત્યુ પછી ઔર્ધ્વદૈહિક સંસ્કાર, પિંડદાન, શ્રાદ્ધ,
સપિંડીકરણ, કર્મફળ તથા પાપના પ્રાયશ્ચિતની અનેક વિધિઓ વગેરેની જાણકારી આપવામાં
આવી છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર માનવીય પેરામીટર્સ-પરિમાણોમાં ઉત્તમ રીતે કેમ જીવી
શકાય એની સમજણ આપણને ગરૂડપુરાણમાંથી મળે છે. શુભકાર્યના દેવ ધર્મરાજ અને કર્મફળ
આપનાર યમરાજની કથાઓ પણ ગરૂડપુરાણમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૃષ્ટિના વર્ણનમાં
કહેવામાં આવ્યું છે કે, જેમ બાળક રમત કરે એ રીતે ભગવાન વિષ્ણુએ અવ્યક્ત સ્વરૂપે જે લીલા
કરી એનાથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. પરમતત્વનો આદિ કે અંત નથી, પરંતુ આ સમગ્ર જગત એ
તત્વમાંથી ઉત્પન્ન થયું છે. ગરૂડપુરાણ કહે છે કે, ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ,
આ એટલે આગ (અગ્નિ) અને ન એટલે નીર-પાણી… આમ પાંચ તત્વોમાંથી ભગવ+આનની
આપણે પૂજા કરીએ છીએ.

ગરૂડપુરાણ કહે છે કે, જળસૃષ્ટિની ઈચ્છાથી સૌથી પહેલાં તમોગુણ પ્રગટ થયો. બ્રહ્માના
સાથળમાંથી સર્વ પ્રથમ અસુર ઉત્પન્ન થયા. તમોગુણે રાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું માટે અંધકારને
તમસ કહેવાય છે. એ પછી સત્વગુણની માત્રા વધતા મુખમાંથી દેવો પ્રગટ થયા અને માટે
શબ્દમાં અને શ્વાસમાં દેવનો વાસ છે. દેવો સત્વગુણ છે માટે તેજસ્વી છે, દિવસે દેવ અને રાત્રે
અસુર વધુ શક્તિશાળી હોય છે. ત્યાર પછી રજોમય શરીરમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા. રજોમય
શરીરના આકારમાંથી ભૂખ, ક્રોધ અને માયા ઉત્પન્ન થઈ. જેમનાથી સહુ પોતાની રક્ષા કરે તે
રાક્ષસ અને ધનની કામના કરનાર જેની પૂજા કરે તે યક્ષ. એવી એક વ્યાખ્યા પણ ગરૂડપુરાણમાં
મળે છે. બ્રહ્માના કેશમાંથી સર્પ ઉત્પન્ન થયા. એમના ક્રોધથી ભૂત, એમની કલામાંથી ગંધર્વો અને
એમના વક્ષસ્થળમાંથી સ્વર્ગ અને દ્યૂ લોક ઉત્પન્ન થયા… ‘બ્રહ્માના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર,
દક્ષિણમાંથી ચાર વેદોમાંથી ચાર વેદ ઉત્પન્ન થયા. મુખમાંથી બ્રાહ્મણ, ભૂજામાંથી ક્ષત્રિય,
ઉરુમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા.’ આ બધી જ વિગતો આપણને ગરૂડપુરાણમાં
મળે છે. આપણે માનીએ કે નહીં, પરંતુ આપણા શાસ્ત્રો અને પુરાણો પાસે આપણા તમામ
પ્રશ્નોના ઉત્તર છે.

ગરૂડપુરાણની શરૂઆત ભગવાન નારાયણની સ્તુતિથી થાય છે. કથા એવી છે કે એકવાર
મહાત્મા સૂતજી વિષ્ણનું ધ્યાન ધરતા હતા ત્યારે અનેક ઋષિ અને ઋષિ બાલકોએ એમને પ્રશ્ન
પૂછ્યા. ઈશ્વર કોણ છે? અને પૂજ્ય કોણ છે? ધ્યાન ધરવા યોગ્ય કોણ છે? આ જગતના સ્ત્રષ્ટા,
પાલનકર્તા અને સંહર્તા કોણ છે? કોના દ્વારા આ (સનાતન) ધર્મ પ્રવર્તિત થઈ રહ્યો છે? અને
દુષ્ટોના વિનાશક કોણ છે? તે દેવનું કેવું સ્વરૂપ છે? આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કેવી રીતે થઈ છે?
કયાં વ્રતોનું પાલન કરવાથી તે દેવ સંતુષ્ટ થાય છે? કયા યોગ દ્વારા તેમને પ્રાપ્ત કરી શકાય છે?
તેમના અવતાર કેટલા છે? એમની વંશ-પરંપરા કેવી છે? વર્ણાશ્રમ વગેરે ધર્મોના પ્રવર્તક અને
રક્ષક કોણ છે?

જેના જવાબમાં સૂતજી ગરૂડપુરાણનું વર્ણન કરે છે, એ કહે છે કે, ‘ગરુડમહાપુરાણ
ભગવાન વિષ્ણુની કથાઓથી પરિપૂર્ણ છે. પ્રાચીન કાળમાં આ પુરાણ સ્વયં ગરુડજીએ કશ્યપ
ઋષિને સંભળાવ્યું હતું. વેદ વ્યાસે મને સંભળાવ્યું હતું. ભગવાન વાસુદેવ અજનમાં હોવા છતાં
જગતની રક્ષા માટે અવતાર લે છે અને એ તમામ અવતારોની કથા આ ગરૂડપુરાણમાં છે.
ગરૂડપુરાણમાં 20 અવતારની કથા છે. જેમાં પહેલો અવતાર કૌમાર-સર્ગમાં સનત્કુમાર, બીજા
અવતારમાં હિરણ્યાક્ક્ષની સામે વારાહ, ત્રીજામાં નારદ, ચોથામાં નરનારાયણ, પાંચમાં
કપિલમુનિ, છઠ્ઠા અવતારમાં દત્તાત્રેય, સાતમાં શ્રીનારાયણ તરીકે જન્મીને ઈન્દ્ર આદિ દેવતાઓ
સાથે યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને યજ્ઞદેવ સ્વરૂપે અવતરે છે. આઠમા અવતારમાં નાભિરાજા તથા
મેરૂદેવીની પુત્ર ઋષભદેવ, નવમાં અવતારમાં પૃથુ, દસમામાં મત્સ્યા અવતાર, અગિયારમો કુર્મ,
બારમા અવતારમાં ધન્વંતરિ, તેરમા અવતારમાં મોહિની, ચૌદમા અવતારમાં નૃસિંહ, પંદરમા
અવતારમાં વામન, સોળમા અવતારમાં પરશુરામ, સત્તરમા અવતારમાં પરાશર દ્વારા વેદ વ્યાસ,
એ પછી શ્રીરામ, એ પછી કૃષ્ણના સ્વરૂપની કથા છે.

અહીં, સૂતજી કહે છે કે એકવીસમા અવતારમાં ભગવાન કલિયુગના સંધિકાળના અંતે
બુધ્ધ સ્વરૂપે અવતાર લેશે અને કોઈક બ્રાહ્મણના ઘરમાં કલ્કિ બનીને અવતરશે.

પ્રશ્ન એ નથી કે આપણે અવતારો અને ઈશ્વરમાં માનીએ છીએ કે નહીં, વર્ણવ્યવસ્થા
અને આશ્રમવ્યવસ્થાને સ્વીકારીએ છીએ કે નહીં… પ્રશ્ન એ છે કે, આપણે ભારતીય સંસ્કૃતિના
મોટામોટા ગાણા ગાઈએ છીએ, બણગાં ફૂંકીએ છીએ અને સંસ્કૃતિના નામે અનેક લોકોને ટ્રોલ
કરીએ છીએ, અપમાનિત કરીએ છીએ, મોબલિંચિંગ કરીએ છીએ ત્યારે આપણને આપણી
પોતાની સંસ્કૃતિ, આપણા પુરાણો અને આપણી કથાઓ વિશે કેટલી ખબર છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *