હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશ મેં અબ એનડીએ હૈ!

ભાજપને 38.09 ટકા અને કોંગ્રેસને 23.31 ટકા વોટ મળ્યા, નીતિશ કુમાર,
ચંદ્રાબાબુ નાયડુ અને નરેન્દ્ર મોદી મળીને સરકાર બનાવી… આ પહેલાં અટલ બિહારી વાજપાયીએ
આવી એક અલાયન્સ ગવર્નમેન્ટ ઊભી કરેલી. જેના પરિણામો વિશે આપણે સહુ જાણીએ છીએ.

ક્યારેક એક વ્હોટ્સએપ પર વાંચેલું, ”આવી ‘મિલીજુલી સરકાર’ બને ત્યારે એની
સ્થિતિ ટ્યૂબટોપ અથવા ઑફ શોલ્ડર ડ્રેસ જેવી હોય છે. કેટલાંક લોકો વિચારે છે કે, ખભા પરની
પટ્ટી વગર એ કઈ રીતે ટક્યો હશે! ને કેટલાંક લોકો, એ ક્યારે પડી જાય-એની પ્રતીક્ષામાં લાળ ટપકાવે
છે.”

આપણે સૌ સમજી શકીએ છીએ કે, 2024ની ચૂંટણીના પરિણામોએ ભારતની
જનતાના વિચારો કે નિર્ણયને સાવ અનઅપેક્ષિત રીતે નેતાઓની સામે મૂક્યા છે. મોટાભાગના લોકો
એમ માનતા હતા કે, ભાજપે જે રીતે પ્રચાર કર્યો હતો એ જોતાં એમની સ્પષ્ટ બહુમતી નિશ્ચિત છે.
પ્રાઈવેટ પાર્ટીઓમાં કે ચાના ગલ્લે અંદરોઅંદરની વાતચીત દરમિયાન લગભગ દરેક જગ્યાએ
સાંભળવા મળતું હતું કે, ‘હવે મોદી સિવાય ક્યાં કોઈ છે જ?’ પરંતુ, અભિપ્રાય ક્યારેય અંતિમ સત્ય
હોઈ શકે જ નહીં… એ વાત ભારતના લોકસભા ચૂંટણી પરિણામોમાં જોવા મળી છે.

સાચું પૂછો તો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કર્યું છે. આર્ટિકલ 370, અયોધ્યાનું
રામ મંદિર, મેટ્રો, બુલેટ ટ્રેન શરૂ કરી અને દેશભરની રેલવેનો ચહેરો બદલ્યો, રસ્તા સુધાર્યા, ભારતની
‘સાચી વોટર’ જનતાને ગેસ, ઈલેક્ટ્રીસિટી, શિક્ષણ, ટોઈલેટ, પોતાના ઘર જેવી અનેક સુવિધાઓ
મળે એ માટે યોજનાઓ કરી, તેમ છતાં એવું શું થયું જેનાથી લગભગ ભૂલાઈ-ભૂંસાઈ ગયેલી કોંગ્રેસ
‘ઈન્ડિયા’ના નવા નામ સાથે ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભી થઈ!

ભારતના ઈતિહાસને તપાસીએ તો સમજાશે કે, આવી ઉથલપાથલ લગભગ દરેક
ચૂંટણીમાં જોવા મળી છે. લોકસભા ચૂંટણીના છેલ્લા ત્રણ પરિણામો દરમિયાન આપણને થોડી
સ્ટેબિલિટી અથવા સ્થિરતા જોવા મળી, પરંતુ ફરી એકવાર ખીચડી સરકારની તૈયારી થઈ રહી છે
ત્યારે આપણે સૌએ-જે વાંચે છે, વિચારે છે અને સમજે છે એમણે ડરવું જોઈએ. એક તરફ નીતિશ
કુમાર અને બીજી તરફ ચંદ્રાબાબુ પોતપોતાની રોટલી શેકશે. સતત દબાણમાં રહીને કોઈ વ્યક્તિ
પોતાનો સાચો અને સ્વાયત્ત નિર્ણય નહીં કરી શકે, એ સમસ્યાની અસર આપણને આવનારા
દિવસોમાં દેખાશે.

એક શક્યતા એવી છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજનીતિ આ સહુના ઉપર
કાબૂ રાખી શકે, અને અલાયન્સ ગવર્નમેન્ટના બાકીના પક્ષો પાસે ચૂપચાપ પીએમના ‘વફાદાર’ પૂરવાર
થયા સિવાય કોઈ વિકલ્પ રહે જ નહીં!

કોઈ એક પક્ષની સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર હંમેશાં સ્થિરતા અને વિકાસ લઈને
આવે છે, પરંતુ જ્યારે અનેક પક્ષ ભેગા થાય ત્યારે સહુ પોતપોતાનો ફાયદો ખેંચવાનો પ્રયાસ કરે છે.
સામસામે ખેંચાતી તલવારોને કારણે ભારતના નાગરિકોની હાલત ‘ન ઘરના, ન ઘાટના’ જેવી થવાની
સંભાવના વધી છે, એ સત્યને પણ નકારી શકાય એમ નથી.

ભારતની જનતા મોટાભાગે નિરક્ષર અથવા અર્ધશિક્ષિત છે. નોકરીનો અર્થ એમને માટે
રોજિંદી આવકથી વધુ નથી. મોટાભાગના રાજ્યોમાં રોજ ખાવા મળે એથી વધુ વિચારવાનો સમય
આજે પણ ભારતના આધાર કાર્ડ ધરાવતા નાગરિકો પાસે નથી. આપણે જેને સમજી-વિચારીને
વોટિંગ કરતી પ્રજા માનીએ છીએ, એટલે કે શિક્ષિત અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકોમાંથી મોટાભાગના
વોટિંગ કરતા જ નથી! નવાઈની વાત તો એ છે કે, જેટલા જોરશોરથી રાજકીય પક્ષ પોતાનો પ્રચાર
કરે છે એથી વધુ દબાણ કે આગ્રહ તો લોકોને ઘરની બહાર નીકળીને વોટિંગ કરવા માટે કરવો પડે
છે…

એથી વધુ નવાઈની વાત એ છે કે, જે લોકો વોટ નથી આપતા, એ જ ઓપિનિયન
મેકર્સ છે! એમના અભિપ્રાય ઉપર-કહેવાતા બુધ્ધિજીવી, રેશનાલિસ્ટ અને શરાબના ગ્લાસ પર કે
ફાઈવ સ્ટાર હોટેલના એરકન્ડિશનર રૂમમાં બેસીને હ્યુમન રાઈટ્સ, પોલીસ, સરકાર વિશે આવા લોકો
પોતાના અભિપ્રાય રજૂ કરે છે એટલું જ નહીં, મીડિયામાં પણ એમને જ બોલાવીને પ્રશ્નો પૂછવામાં
આવે છે, બૂમબરાડા સાથે ડિબેટ કરવામાં આવે છે! જેમને ફક્ત પૈસા બનાવવામાં રસ છે એ લોકો
ઓપિનિયન મેકર્સ નથી બનવા માગતા. એ લોકો તો એવા છે કે સરકાર કોઈપણ આવે, એમને કોઈ
ફરક જ નથી પડતો! બે ભાગમાં વહેંચાયેલા ભારતના વોટર્સ-એક, જેમને કોઈપણ સરકાર પાસેથી
ફક્ત ફાયદો જોઈએ છે અને બીજા, જેમને શું ફાયદો થયો છે, થઈ શકે એની પૂરી માહિતી સુધ્ધાં
એમની પાસે નથી પહોંચતી. આ આપણા દેશના એવા હિસ્સા છે જે ક્યારેય એકમેક સાથે ભળીને
એક સૂરમાં, એક વિચાર સાથે આ દેશના વિકાસમાં પ્રદાન નહીં જ કરી શકે.

કેટલા ખેડૂત, મજૂર, બસ કન્ડક્ટર, રીક્ષાચાલક, લારી ખેંચનારા કે રોજમદારને
સરકારની કામગીરી વિશે પૂછવામાં આવે છે? કયા ગામડાંમાં ભણતા વિદ્યાર્થીઓ એમના રાજ્યના કે
કેન્દ્રના બધા મંત્રીઓ-એમના ખાતા વિશે જાણે છે? અર્ધશિક્ષિત-અશિક્ષિત લોકો એમના સ્માર્ટ ફોન
ઉપર સતત એવી માહિતી સાંભળે છે જે દરેક વખતે સાચી નથી, બલ્કે મોટાભાગે ખોટી હોઈ શકે
છે! કંટ્રોલ વગરના સોશિયલ મીડિયાએ આખા સમાજ ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો છે. જેને કારણે
એમના વિચારો અથવા નિર્ણય ઉપર આવી સાચી-ખોટી માહિતીની અસર થાય છે.

કોઈ એક પક્ષ સાચો અથવા ખોટો છે, અથવા જે થયું તે સારું થયું કે ખોટું થયું, એવું
કહેવાનો અધિકાર આ લખનાર પાસે નથી જ, પરંતુ એક વાત આપણે સૌએ સમજી લેવી જોઈએ કે
આ દેશ જ્યાં પહોંચ્યો છે, અથવા જે તરફ જઈ રહ્યો છે એનો એક હિસ્સો તો આપણે સૌ છીએ જ.
જો ચૂંટણીના પરિણામોને જનાદેશ માનતા હોઈએ, તો જે કંઈ થયું-પ્રભાવિ પક્ષ અને એની અપેક્ષા
કઈ રીતે ખોટી પડી? એ વિશે આપણે આ દેશના નાગરિક તરીકે વિચારવું જોઈએ, કારણ કે જો
સોશિયલ મીડિયાના એનાલિસિસ પર ભરોસો રાખ્યા વગર આપણે જાતે જ વિચારીશું કે સમજીશું તો
કદાચ આ દેશની ભાવિ પેઢી માટે એક સ્થિર સરકારને ઊભી કરી શકીશું.

જે નેતા અને રાજકીય પક્ષ હવે સરકાર બનાવવાના છે એમના ઈગો અને અંગત સ્વાર્થ
જો એમને રજા આપશે તો એ લોકો આ દેશ વિશે વિચારશે. રાજીનામાં, પક્ષપલ્ટો, રિઈલેક્શનની
સરકાર… એ સત્ય સાથે આપણે સહુએ આવનારા પાંચ વર્ષ ખેંચવાના છે, તૈયાર થઈ જાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *