ઈમારત ઈતિહાસ છે, ધર્મ અસ્તિત્વ છે

1992ની છઠ્ઠી ડિસેમ્બર આરએસએસ અને એના સમર્થકોએ દોઢ લાખ જેટલા વીએચપી અને
બીજેપીના કાર્યકર્તાઓ સાથે અયોધ્યામાં એક રેલીનું આયોજન કર્યું હતું. એ રેલીમાં એલ.કે. અડવાણી,
મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવી વ્યક્તિઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. બપોર સુધીમાં
બાબરી મસ્જિદના ડિસ્પ્યુટેડ માળખા ઉપર એક યુવાન ચઢી ગયો. એણે ભગવો ઝંડો લહેરાવ્યો અને આ
ઝંડો ત્યાં ભેગાં થયેલાં ટોળાં માટે જાણે કોઈ સિગ્નલ હોય એમ એ સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવી. ત્યાં
હાજર પોલીસ આ પ્રકારના ભયાનક હુમલા માટે તૈયાર નહોતી. એ પછી કોમી રમખાણો થયા. જે
આખા દેશમાં દાવાનળની જેમ ફેલાયા. દુકાનો લૂંટાઈ, ઘરો લૂંટાયા અને મંદિર-મસ્જિદ તોડી પાડવામાં
આવ્યા. 2000 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને ભયાનક હિંસા આચરવામાં આવી.

2009માં જસ્ટિસ મનમોહનસિંહ લિબરહાન દ્વારા એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો.
જેમાં 68 લોકોને આ બાબરી મસ્જિદના તૂટી પડવા વિશે જવાબદાર ઠેરવવામાં આવ્યા… મુકદ્દમો
ચલાવવામાં આવ્યો. લગભગ એક દાયકા કરતાં વધુ સમય સુધી ચાલેલા કેસનો અંતિમ ચૂકાદો 30
સપ્ટેમ્બર, 2020એ આવ્યો જેમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કત્યાર અને બીજા
અનેક લોકોને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા અને સ્પેશિયલ કોર્ટમાં જજે ચૂકાદો આપ્યો કે,
‘બાબરી મસ્જિદનો વિધ્વંસ પ્રિપ્લાન્ડ-કે અગાઉથી આયોજિત નહોતો.’

બાબરી મસ્જિદના પ્રસંગને આજે 30 વર્ષે યાદ કરીએ તો એક વાત ચોક્કસ સમજાય, ટોળાંમાં પોતાની
બુધ્ધિ નથી હોતી, પરંતુ પ્રચંડ શક્તિ હોય છે. એ ટોળાંને જો સાચી દિશામાં લઈ જવામાં આવે તો સર્જનાત્મક
શિખર પર જઈ શકાય છે અને એ જ ટોળાંને જો એકવાર ખોટી દિશા મળી જાય તો વિધ્વંસ અને હિંસાની છેલ્લી
કક્ષાએ પહોંચી જાય છે. આજે જ્યારે આ દેશના યુવા વર્ગને જોઈએ ત્યારે વિચાર આવે છે કે એક સર્વે મુજબ
ગુજરાતમાં 18-19 વર્ષના 4.61 લાખ મતદારો વધ્યા છે. પાંચ વર્ષમાં 57.78 લાખ મતદારો ઉમેરાયા
છે. આ મતદારો પાસે અભિપ્રાય છે, પણ માહિતી નથી. આ નવા ઉમેરાયેલા મતદારો પાસે પ્રચંડ ઊર્જા
અને ભયાનક ઈન્ટેલિજન્સ છે. એને સાચી દિશામાં લઈ જઈ શકાય તો આ દેશની યુવા શક્તિને દેશના
વિકાસ અને સમાજના ઉત્થાન તરફ વાળી શકાય.

આ યુવાનો અત્યારે હવામાં ઉડતા કાગળ જેવા છે. હવાની દિશા પ્રમાણે ફંગોળાય છે. યુવા શક્તિને પતંગની
જેમ ઉડાડવી જોઈએ. ગમે તેટલી ઊંચે જાય, પણ એમની દોરી નીચે ઊભેલા વ્યક્તિના હાથમાં રહેવી જોઈએ. એવી
વ્યક્તિ, જેના પગ જમીન પર હોય અને નજર આકાશમાં… તો જ પતંગ સ્થિર રહી શકે અને વધુ ઊંચે ઊડી શકે.

બાબરી મસ્જિદના કિસ્સામાં સુપ્રીમ કોર્ટ કે બીજા અનેક લોકોએ ભલે અડવાણીને નિર્દોષ ઠેરવ્યા હોય, પરંતુ
ઉશ્કેરણીજનક ભાષણ કરીને ત્યાં ઉપસ્થિત યુવા વર્ગને ખોટી દિશામાં દોરવાનું કામ યોગ્ય તો નહોતું જ. એક યુવાન
માનસ કાચી સિમેન્ટ જેવો હોય છે. એમાં પડેલી છાપ પછીથી ભૂંસી કે બદલી શકાતી નથી. એ સમયે ‘હિન્દુ રાષ્ટ્ર’
બનાવવાના સપનાં બતાવવા નીકળી પડેલા નેતાઓએ આપણા રાષ્ટ્રને-એ સમયના યુવા વર્ગને હિન્દુ
ધર્મને આદર આપવાનું શીખવવાને બદલે, સાચા અર્થમાં સનાતન ધર્મને સમજાવવાને બદલે અન્ય ધર્મોનું
વિરોધ કરતું રાષ્ટ્ર બનાવી દીધું.

એ સમયે રોપાયેલાં કટ્ટરતાના બીજ આપણને આજે પણ નડી રહ્યા છે. ત્યારે સેલફોન નહોતા,
એટલે સોશિયલ મીડિયા પણ નહોતું તેમ છતાં, એ સમયના યુવા વર્ગની માનસિકતામાં હિન્દુત્વની જે
વ્યાખ્યા ઘુસાડી દેવામાં આવી એને કારણે હવે એક સનાતન ધર્મનો એક હિન્દુ પણ બીજા હિન્દુ પરત્વે
સહિષ્ણુ રહી શકતો નથી. જ્ઞાતિ, જાતિ, પેટાજ્ઞાતિ અને એથીય આગળ વધીને સમાજ, ઘોર જેવી
બાબતોમાં વહેચાયેલા આપણે સૌ આપણી જાતને ‘ધાર્મિક’ પૂરવાર કરવા ધર્મને બદલે કટ્ટરતા અને
તિરસ્કાર કટુતાના શિકાર બની ગયા છીએ. 1995માં ભારતમાં સેલફોન આવ્યા અને 2008ની
આસપાસ સ્માર્ટ ફોને ભારતના કન્ઝ્યુમરનો કબજો લીધો. એ પછી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ-સોશિયલ
મીડિયાએ દરેકને અભિવ્યક્ત થવા માટેની એક એવી વ્યવસ્થા ઊભી કરી જેમાં અભિવ્યક્તિ ઓછી
ખલેલ અને તકલીફ વધુ ઊભી થવા લાગી.

આજથી 30 વર્ષ પહેલાં જે લોકો ટીનએજમાં હતા એવા ભારતીય નાગરિકો આજે નિર્ણય
કરવાની, દિશા સૂચન કરવાની અને નેતૃત્વ લેવાની સ્થિતિએ પહોંચ્યા છે. એ સમયે એમના મનમાં
રોપાયેલા તિરસ્કારના બીજ આજે વૃક્ષ બનીને આપણા જ દેશના યુવા ધનને ખોટી દિશામાં લઈ
જવાની ભૂલ કરી રહ્યા છે.

મકાનો કે ઈમારતોને ધ્વસ્ત કરવાથી ઈતિહાસ નષ્ટ થાય છે, ધર્મને એનાથી ઝાઝો ફરક નથી પડતો
કારણ કે, ધર્મ એ ઈતિહાસ નથી. દુનિયાના કોઈપણ દેશનો ઈતિહાસ એના કલા, સાહિત્ય, સ્થાપત્ય અને
અસ્તિત્વમાં રહેલો છે. આપણે એકમેકના અસ્તિત્વને ધ્વસ્ત કરતાં શીખી ગયા છીએ, એટલે જ આપણે
આપણા ઈતિહાસને નષ્ટ કરતાં અચકાતા નથી.

એક તરફથી સરકાર ટુરિઝમ અને પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે, વિદેશી હૂંડિયામણ દેશમાં
આવે એ માટે પ્રયાસ કરી રહી છે, બીજી તરફ એક આખી એવી માનસિકતા તૈયાર છે જે ધર્મને નામે
ઈતિહાસ અને કલાના વારસાને ધ્વસ્ત કરી રહી છે. આપણે વિદેશી વ્યવસ્થા જોઈને અભિભૂત થઈ
જઈએ છીએ, પરંતુ આપણા દેશમાં ગેરવ્યવસ્થા આપણે જ ઊભી કરીએ છીએ એ વાત આપણને ક્યારે
સમજાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *