ચાર વર્ષની એક છોકરી, ઘોડેસવારી કરવા વસ્ત્રાપુર તળાવની પાસે ફરતા
ઘોડાવાળાઓમાંથી એકના ઘોડા પર બેસે છે. મમ્મીને જરાય અંદેશો પણ નથી, પરંતુ એ
ઘોડાવાળો નાનકડી દીકરીને મોલેસ્ટ કરે છે-એના શરીર સાથે ચેડા કરે છે. આરજે દેવકી પોતાના
વીડિયોમાં એના વિશે વાત કરે છે, પછી પોલીસ ફરિયાદ થાય છે અને કિસ્સો ચકચારે ચડે છે. આ
તો એક કિસ્સો છે. આપણે નથી જાણતા કે, આવા કેટલા કિસ્સા, ક્યાં ક્યાં બનતા હશે!
મોટાભાગે આવા કિસ્સાઓમાં ચૂપ રહેવાનો, વાતને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
‘ઈજ્જત’, ‘પ્રતિષ્ઠા’ જેવા મુદ્દાને આગળ ધરીને ચારથી 44-54 સુધીની મહિલાઓ પોતાની
સાથે થતી જાતિય સતામણી વિશે ફરિયાદ ન કરવાનું વલણ અપનાવે છે. નવાઈની વાત એ છે કે,
જેના ઉપર ક્યારેય શક ન થાય, એવા જ લોકો સામાન્ય રીતે આવી જાતિય સતામણીના આરોપી
પૂરવાર થાય છે.
આપણી નાનકડી બાળકીની આસપાસ કેટલા પુરુષો હોય છે! ઘરમાં કામ કરતા નોકરથી
શરૂ કરીને, બસ ડ્રાઈવર, સ્કૂલના શિક્ષક, ટ્યુશન ટીચર, મ્યુઝિક ટીચર, કરાટે, ફૂટબોલ, ડાન્સ કે
બીજી એક્ટિવિટી કરાવતા શિક્ષકથી શરૂ કરીને પાડોશી અને એની બહેનપણીના પિતા સુધી
કેટલા પુરુષો એની આસપાસ છે, કોના પર શક કરીએ? દીકરીને ઘરમાં પૂરી રાખીએ? ‘જમાનો
ખરાબ છે’ કહેતા વડીલોને કેવી રીતે સમજાવીએ કે જો એને બહારની દુનિયા સાથે કદમ
મિલાવતા નહીં શીખવીએ તો એ પાછળ પડી જશે. એના સમવયસ્ક મિત્રો સામે પછાત, મૂર્ખ
પૂરવાર થશે… બહાર નીકળશે તો શિકારીઓ એની તાકમાં બેઠા છે!
આજના માતા-પિતા સામે આ સૌથી મોટી સમસ્યા છે. માત્ર દીકરી જ નહીં, દીકરા
સાથે પણ હવે આવી સમસ્યાઓ થવા લાગી છે. મોલેસ્ટેશન, ફિઝિકલ હરાસમેન્ટ, રેપ માટે
કાયદા બને છે, પણ એ કાયદાનો અમલ થાય, ગુનેગારને સજા મળે તેથી બાળક સાથે જે કંઈ થયું
છે એ ભૂલી શકશે? આજના સમયમાં એવા કેટલાય લોકો છે જેમને એમના સેક્સ્યુઅલ
સંબંધોમાં પ્રશ્નો ઊભા થાય છે કારણ કે, એમની સાથે બાળપણમાં આવી કોઈ દુઃખદ ભયાનક
ઘટના બની છે.
‘રોડ’ નામની એક ફિલ્મમાં આલિયા ભટ્ટ, ‘મોનસૂન વેડિંગ’ નામની ફિલ્મમાં શેફાલી
શાહ આવી જ એક જાતિય સતામણીનો ભોગ બનેલી બાળકી જ્યારે યુવાન થાય છે ત્યારે એના
માનસ પર શું વિતે છે એની કથા કહે છે. તસલીમા નસરીન, પ્રોતિમા બેદી જેવી સ્ત્રીઓએ
પોતાના જ કઝીન દ્વારા થયેલા બળાત્કારની કબૂલાત કરી છે ત્યારે આપણે સૌએ સજાગ રહેવું
જોઈએ એટલું તો સમજાય છે, પરંતુ એથી વધુ મહત્વની વાત એ છે કે આપણે આપણી નાનકડી
દીકરીઓને સભાન અને જાગૃત રાખવી પડશે. આપણા દીકરાઓને આપણા જ સગાં મિત્રો કે
ઘરમાં કામ કરતા-આપણે જેને વિશ્વાસુ માનીએ છીએ એવા માણસોથી પણ, સાવધ રહેવાનું
શીખવવું પડશે.
શાળાઓમાં હવે ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વિશે સમજાવવામાં આવે છે, જેનાથી કાચી
ઉંમરે બાળકને શરીરનું ભાન કરાવવાની અણગમતી પ્રવૃત્તિ કરવી પડે છે. જે ઉંમરે સ્ત્રી-પુરુષનો
ભેદ સમજવાની જરૂર પણ ન હોય એ ઉંમરે હવે બાળકને એના શરીર વિશે સભાન કરી
નાખવાની જવાબદારી માતા-પિતા અને શિક્ષકોના માથે આવી પડી છે. આવા નરાધમ, નકામા
માણસોને કારણે બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે, અને આપણે કશું જ કરી શકતા નથી.
‘પોક્સો’નો કાયદો બન્યો છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ
બન્યો તો છે, પરંતુ એના ઉપર અમલ કરવા માટે ફરિયાદ થવી જોઈએ-ફરિયાદ થયા પછી ગુનો
પૂરવાર થવો જોઈએ. ગુનો પૂરવાર કરવા માટે બાળકને પૂછાતા પ્રશ્નો, કોર્ટમાં (જજની
ચેમ્બરમાં પૂરી સાવધાની સાથે) ચલાવાતા કેસમાં બાળક ઉપર માનસિક અત્યાચાર થાય છે.
પહેલાં થયેલો ભયાનક અનુભવ અને પછી આ માનસિક પરિતાપ બાળકને એક મનોરોગી
બનાવી શકે છે. દુઃખની વાત એ છે કે, આ બધા પછી પણ ગુનો પૂરવાર થઈ શકતો નથી.
જરૂરી નથી કે આ લોકો કોઈ આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવતા અભણ કે કોઈ ખાસ
કોમ, જાતિના લોકો હોય… આપણે ભારતમાં ટુરિઝમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છીએ કારણ કે,
વિદેશી પ્રવાસીઓ આપણને વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે, પરંતુ સાથે સાથે આ જ
વિદેશીઓ અહીં બાળકોનું જાતિય શોષણ કરતાં અનેકવાર પકડાયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બેંગ્લોર એ પાંચ મોટા શહેરોમાંનું એક છે, જે દેશમાં 80 ટકા
બાળ વેશ્યાઓને સપ્લાય કરે છે. આ બાળકો એમના માતા-પિતા દ્વારા જ ‘પેડોફિલ્સ’
(બાળકોનું જાતિય શોષણ કરનારા) ને હવાલે કરવામાં આવે છે. જ્યારે કર્ણાટક રાજ્ય મહિલા
આયોગે તેની વધુ તપાસ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ એક મોટી દાણચોરીની ટોળકી
પકડી, જેમાં ગરીબ ગ્રામીણ પરિવારોની છોકરીઓને ગોવા લાવીને દેહ વેપારમાં ધકેલી દેવામાં
આવી હતી. ગોવામાં કેલંગુટ, કેન્ડોલિન અને બાગાના દરિયાકાંઠાના વિસ્તારોને પેડોફિલ્સ માટે
સ્વર્ગ માનવામાં આવે છે. કેરળમાં કોવલમ, તમિલનાડુનું મહાબલીપુરમ પણ એ જ પગલે ચાલી
રહ્યું છે.
એક તરફ આપણે આપણા સંતાનોને આવા નરાધમોથી બચાવવાનો પ્રયાસ કરીએ છીએ
તો બીજી તરફ, ભારતની ગરીબી અને વસતી વિસ્ફોટને કારણે બાળકોના માતા-પિતા જ એમને
વેચી કાઢે છે. ઉત્તર પશ્ચિમમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર જેવા રાજ્યોમાં, બિહાર અને
દક્ષિણના રાજ્યોમાંથી બાળકોને ખરીદવામાં આવે છે-એમની આરબ દેશોમાં દાણચોરી કરવામાં
આવે છે જ્યારે યુરોપમાં દત્તક આપવાના બહાને આવા પેડોફિલ્સ માટે બાળકો સપ્લાય કરવામાં
આવે છે.
ભારતીય અનાથ આશ્રમો અને રિમાન્ડ હોમ્સની સ્થિતિ પણ ખૂબ પીડાદાયક છે. આવા
સ્થળોએ 2001થી 2011 દરમિયાન નોંધાયેલા બળાત્કારની સંખ્યા-છોકરા કે છોકરી પર,
48,336 છે. 2011થી 2024 દરમિયાન આવા કિસ્સાઓમાં 336 ટકાનો વધારો થયો છે.
સીડબલ્યુસી (ચાઈલ્ડ વેલફેર કમિટી) અને રાષ્ટ્રીય મહિલા અને બાલ આયોગની સ્થાપના દરેક
રાજ્યમાં કરવામાં આવી છે. 2012ના પોક્સોના કાયદા પછી સભાનતા ચોક્કસ આવી છે.
પોલીસ અને સરકાર જાગૃત થયાં છે, પરંતુ જ્યાં માતા-પિતા જ પોતાના સંતાનને વેચે-રિમાન્ડ
હોમ કે અનાથ આશ્રમના સંચાલકો જ આવા ગેરકાયદે ગુનામાં સંડોવાયેલા હોય ત્યારે કોણ, કોને
બચાવી શકે?
નાનું, અણસમજુ, અસહાય બાળક જ્યારે આવા પેડોફિલ્સનો શિકાર બને છે ત્યારે
આપણે એક મનોરોગીને જન્મ આપીએ છીએ. એ માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિ આગળ જઈને
સિરિયલ કિલર, ચોર, રેપિસ્ટ કે આતંકવાદી બની શકે છે.
એથી આગળ વધીને જ્યારે પોતાના સંતાન સાથે આવી કોઈ જાતિય શોષણની ઘટના
બને ત્યારે માતા-પિતા પણ એ વાત પર પડદો પાડવાનું, વાતને દબાવવાનું વલણ અપનાવે છે
ત્યાં સુધી આ દેશમાં બાળકો સાથેના ગુના વધતા રહેવાના છે…