ઈર્ષા પોઝિટિવ હોય?

રૂક્મિણીને રાધાની ઈર્ષા થાય ત્યારે આપણને એક સવાલ થાય, રાધાને તો કૃષ્ણ મળ્યો નથી…
રૂક્મિણી એને પતિ તરીકે પામી, તો પછી રાધા પાસે એવું શું છે-જેનાથી રૂક્મિણીને ઈર્ષા થાય! ઘણીવાર
બે બહેનપણીઓમાં એક મધ્યમવર્ગીય, સાવ ગરીબ હોય તેમ છતાં એનો ઘરનો આનંદ, શાંતિ, સ્નેહ અને
પારિવારિક સંપ જોઈને એક કરોડપતિ બહેનપણીને એની ઈર્ષા થાય… ત્યારે એક સવાલ થાય કે સુખ
શેમાં છે?

છેલ્લા થોડા સમયથી આપણા બધાના સુખની વ્યાખ્યા બદલાવા લાગી છે. એક સમય હતો
જ્યારે મધ્યમવર્ગીય માણસ માટે ઘર એની સુરક્ષા અને પરિવારની જરૂરિયાત હતું, સમય જતાં એ જ ઘર
સગવડ બન્યું. વધુ સુવિધાઓ સાથે થોડું ફેન્સી કહી શકાય એવું ઘર મધ્યમવર્ગ માટે સામાન્ય બની ગયું.
એરકન્ડીશન, ફ્રીજ અને વોશિંગ મશીન જેવી ચીજો જે કોઈ એક જમાનામાં લોકો માટે લક્ઝરી હતી,
આજે આ જીવન જરૂરિયાતની ચીજો બની ગઈ છે. મુદ્દો એ છે કે, આપણે સગવડોમાં સુખ શોધવા
લાગ્યા ત્યારથી ઈર્ષા આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ. કોઈ એક વ્યક્તિ પાસે શું છે, અને શું
નથી એના ઉપર હવે આપણી સરખામણી શરૂ થઈ ગઈ છે. આપણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે,
વસ્તુઓ સાથે ક્યારેય ‘વ્યક્તિ’ની સરખામણી ન થઈ શકે.

આજે આપણે એક એવા સમયમાં ઊભા છીએ જ્યાં હરિફાઈ જીવનનો એક એવો હિસ્સો છે
જેનાથી કોઈ બચી શકતું નથી. શાળામાં જતું સાવ નાનકડું નર્સરીનું બાળક પણ ‘કોમ્પિટિશન’નો એક
એવો ભાગ છે જ્યાં હવે એકબીજાને દબાવવા, ડરાવવા, રેગિંગ કરવા કે એની નબળાઈ શોધી કાઢીને
એની મજાક ઉડાવવાનું સાવ સહજ કે સામાન્ય બની ગયું છે. આના કારણમાં બીજું કંઈ નથી, ફક્ત
સામેની વ્યક્તિ પરત્વેની એક એવી ઈર્ષા છે જે આપણને અસુરક્ષિત બનાવી દે છે. સાવ નાનકડા
બાળકને પણ ‘ફર્સ્ટ’ થઈ જવાની ઝંખના છે. આ ઝંખના એનામાં માતા-પિતા, શાળા અને એના વડીલો
જ રોકે છે. એ પછી જો કોઈક કારણસર આ બાળક ‘ફર્સ્ટ’ નથી રહી શકતું તો એને પેલા ‘ફર્સ્ટ’
આવનારની ઈર્ષા થવા લાગે છે.

ઈર્ષા થાય ત્યાં સુધી વાંધો નથી. માણસનો વિકાસ જ હરિફાઈ અને ઈર્ષામાંથી થયો હશે, કદાચ,
પરંતુ એ ઈર્ષા જો નેગેટિવિટીને બદલે પોઝિટિવિટીમાં બદલાય તો વ્યક્તિત્વ અને આખા સમાજનો
વિકાસ થઈ શકે. સામેની વ્યક્તિમાં એવું શું છે જેને કારણે એ સુખી છે, સંતુષ્ટ છે, સફળ છે કે સમાજમાં
સ્નેહ અને આદર મેળવી રહ્યો છે એ ગુણ, એ આવડત કે કૌશલ્યની તપાસ કરવામાં આવે તો કદાચ
આપણી પાસે શું નથી એનો જવાબ કોઈપણ પ્રકારની નિરાશા કે નિષ્ફળતાના અફસોસ વગર શોધી
શકાય. આજના સમાજમાં ઈર્ષા સામેની વ્યક્તિને પછાડવા માટેનું હથિયાર બની ગઈ છે. હું આગળ ન
વધી શકું તો કંઈ નહીં, પણ સામેની વ્યક્તિને આગળ નહીં વધવા દઉ જેથી એ પણ મારી જેમ જ
પાછળ, નિષ્ફળ કે અધૂરી રહી જાય… એવી કોઈક નેગેટિવ લાગણી સાથે આપણે વધુ ને વધુ ઈર્ષાળુ
બનતા જઈએ છીએ. કોઈપણ માણસ જીવનમાં જ્યારે કઈ અચિવ કરે છે-મેળવે છે, પામે છે કે સફળ
થાય છે ત્યારે એમાં માત્ર નસીબ, નેપોટિઝમ કે એનું વાક્ચાતુર્ય, મસ્કા મારવાની આવડત કરતાં કશુંક વધુ
છે-હોવું જોઈએ, એ સત્યનો સ્વીકાર કરતાં સૌએ શીખવું પડશે.

ખાસ કરીને, કોઈ સ્ત્રી જ્યારે સફળ થાય છે ત્યારે એ સ્ત્રીની સફળતામાં એની આવડત કે કૌશલ્ય
કરતાં વધારે ફાળો એના સ્ત્રીત્વનો છે, એવું માનનારા લોકોમાં માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ હોય
છે! કોઈપણ વ્યક્તિની ઈર્ષા કરવા કરતાં, એની પાસે રહેલા ગુણો ઓળખીને એ ગુણોને આપણા
જીવનમાં ઉતારવાનો પ્રયાસ ઈર્ષાની પોઝિટિવ બાજુ છે. માણસ છીએ, સહજ રીતે સરખામણી થઈ
હોય, પરંતુ એ સરખામણી પછી આપણને શું નથી મળ્યું એનો અફસોસ કરવા કરતાં એ મેળવવા માટે
આપણે શું કરવાનું છે, કરવું જોઈએ એનો વિચાર કરીએ તો કદાચ નિરાશાને બદલે પ્રેરણા તરફ જઈ
શકાય.

આ સાંભળવામાં કદાચ બહુ સુષ્ઠુ અને દોઢડાહી સલાહ જેવું લાગે… પરંતુ સત્ય એ છે કે
સામેનાની સફળતા કે એની સિધ્ધિઓને આપણે રોકી શકતા જ નથી. એની સફળતાની ઉજવણીમાં
ભાગ નહીં લઈએ, એના વિશે ખરાબ બોલીશું કે એને બીજાઓની સામે બદનામ કરીશું એથી આપણે
સફળ થઈ જઈશું એવું તો નથી જ. એના કરતાં જો એ વ્યક્તિની સફળતાના કારણો સમજવાનો પ્રયત્ન
કરીએ, એમાંથી કોઈક પ્રેરણા લઈને, એમાંના કોઈક ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો
કદાચ, આગળ વધવાનો, સફળ થવાનો માર્ગ વધુ મોકળો થાય એવું બને.

ઈર્ષા કે અધૂરપ દરેક વખતે નેગેટિવ જ શા માટે હોય. સત્યજીત રાયે એકવાર ‘ડિવાઈન ડિસ-
સેટિસફેક્શન’ નામનો શબ્દ વાપરેલો. એમણે કહેલું કે, મને મારી દરેક ફિલ્મમાં ખામી દેખાય છે. ફિલ્મ
બની ગયા પછી મને દરેક વખતે લાગે છે કે, હું આમાં આટલું સારી રીતે કે સાચી રીતે મૂકી શક્યો હોત…
હું મારી એ ભૂલ સુધારવાનો પ્રયાસ મારી નવી ફિલ્મમાં કરું છું. કદાચ એટલે જ, મારી દરેક ફિલ્મ
એકબીજાથી જુદી અને બીજી ફિલ્મ પહેલી કરતાં વધુ સારી બની શકી છે.

શું આપણે આવું કંઈ ન કરી શકીએ? ડિસ-સેટિસફેક્શન-અસંતોષ કે ઈર્ષા દરેક વખતે પીડાદાયક,
અધૂરા કે નેગેટિવ જ શા માટે હોય? ક્યારેક એમાંથી કશુંક પોઝિટિવ, કશુંક બહેતર ન જન્મી શકે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *