જબ તક ના પડે આશિક કી નજર સિંગાર અધૂરા કૈસે રહેતા હૈ?

રેડિયો ઉપર એક ગીત સંભળાયું, મહેશ ભટ્ટની ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું એ ગીત પોતાના
સમયમાં બહુ લોકપ્રિય થયેલું. ‘ઘુંઘટ કી આડ સે દિલબર કા, દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડે
આશિક કી નજર સિંગાર અધૂરા રહેતા હૈ…’ આમ આ ગીતમાં અજુકતુ કે ગળે ન ઉતરે એવું નથી, પણ
જો વિચારીએ તો સમજાય કે આપણા શાસ્ત્રોથી સમાજ સુધી બધાએ સ્ત્રીના શૃંગારને પુરૂષને રીઝવવાનું
સાધન બનાવવામાં કશું બાકી નથી રાખ્યું. સાવ નાનકડી હોય ત્યારથી જ દીકરીને એવું શીખવવામાં આવે
કે એણે સુંદર બનવાનું છે અને સુંદર રહેવાનું છે… ‘શાક નહીં ખાય તો, વાળ લાંબા નહીં થાય!’ મમ્મી-
પપ્પા કે કોઈ સગાં આવું કહીને સ્ત્રીના મગજમાં એવું ઘૂસાડી દે છે કે લાંબા વાળ, ચમકતી ત્વચા, સુંદર
શરીર અને શૃંગાર જ એના અસ્તિત્વનો અર્થ છે.

બીજી તરફ, માતા-પિતાને એવું કહેતા સાંભળ્યા છે કે, ‘આટલી બધી બુધ્ધિ નુકસાન કરશે’ અથવા
‘આ તડતડ જવાબ આપે છે ને પણ ભારે પડશે…’ અર્થ એ થયો કે, સ્ત્રીએ સુંદર રહેવાનું છે અને
બુધ્ધિશાળી નથી થવાનું! સતયુગ, ત્રેતા કે દ્વાપર… સ્ત્રીને સતત એવું જ શીખવવામાં આવ્યું છે કે, એણે
પુરૂષના કહ્યામાં, તાબામાં કે રક્ષણમાં રહેવાનું છે. એમાં કશું ખોટું નથી. દીકરી પિતાના રક્ષણમાં, ભાઈ
પતિ કે પુત્રના રક્ષણમાં રહે એ સારી વાત છે, પરંતુ પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે જ્યારે પોતાના સંરક્ષણમાં
રહેલી સ્ત્રીની સાથે એના જીવનનો પુરૂષ બળજબરી, અત્યાચાર કે અપમાન કરે છે. આ અપમાન કે
અત્યાચારથી બચવા સ્ત્રીને શીખવવામાં આવ્યું કે, એણે પુરૂષને રીઝવવાનો છે. શરીર, સ્વાદ, સેવા અને
સમર્પણથી… એમાંય કશું ખોટું નથી, એક વ્યક્તિ બીજી વ્યક્તિને ખુશ કરવાનો પ્રયત્ન કરે તો એ પ્રેમ છે,
સ્નેહ છે, પરંતુ જ્યારે આપણે સ્વયંને ફક્ત બીજા માટે, બીજાને ગમે તેવા બનાવવાનો પ્રયાસ કરીએ ત્યારે
એ ડેન્ઝરસ પરિસ્થિતિ બની જાય છે. આપણી તમામ સારી-ખરાબ બાબતો પછીથી બીજી વ્યક્તિ માટે
જ ગોઠવાવા લાગે છે. આપણું પોતાનું કશું રહેતું નથી, આપણે આપણી જાતને સામેની વ્યક્તિના
ગમાઅણગમા સાથે એટલી બધી જોડી દઈએ છીએ કે, એ વ્યક્તિ શું વિચારશે, એને શું ગમશે, એના કયા
સમયે આપણે હાજર રહેવું જોઈએ થી શરૂ કરીને એની દુનિયાને જ આપણી દુનિયા બનાવી લઈએ
છીએ. જ્યાં સુધી ‘એ વખાણ ન કરે’, ‘એનું’ સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી આપણને બધું જ અધૂરું અથવા
નકામું લાગે છે. સવાલ એ છે કે, આપણે આપણા માટે જીવીએ છીએ કે અન્ય વ્યક્તિના?

પોતાની જાત સાથે જે વ્યક્તિ સમય વીતાવી શકે, પોતે જ પોતાનામાં સંપૂર્ણ હોઈ શકે એવી
વ્યક્તિ જ સાચા અર્થમાં ‘સ્વતંત્ર’ છે. કોઈ વખાણ કરે કે આપણી સારી પ્રવૃત્તિ, દેખાવ કે આપણા
પ્રયાસની નોંધ લે તો સારી વાત છે. એનો આનંદ થવો જોઈએ, પરંતુ એમ ન બને એથી આપણે જે કંઈ
કર્યું એ બધું નકામું? શૃંગાર કર્યા પછી આપણે સુંદર લાગીએ છીએ કે નહીં, એની આપણને ખબર પડે
છે? સારી રસોઈ આપણને પણ સ્વાદિષ્ટ લાગે છે કે નહીં? કોઈ સારું કામ કર્યા પછી આપણને આનંદ-
સંતોષ થાય છે? વજન ઉતારવું, સારા દેખાવું એ માત્ર આપણા આકર્ષક હોવાનો નહીં, આપણા સ્વસ્થ
હોવાનો-ફિટ હોવાનો પણ ભાગ છે, જે આપણે આપણા માટે કરવાનું છે.

સમય સમયાંતરે આપણી જાતને ચકાસવી-સ્વયંને મોટા ટાર્ગેટ કે ઊંચી મહત્વકાંક્ષાઓ આપવી,
સ્વયંની સાથે જ હરિફાઈ કરવી અને ઉત્તરોત્તર વધુ બેહતર વ્યક્તિ કે વ્યવસાયિક બનવું એ જીવવાની
સાચી અને શ્રેષ્ઠ રીત છે. જેને આપણે પ્રેમ કરતા હોઈએ, આપણા જીવનમાં જેનું મહત્વ હોય એના
તરફથી મળતી પ્રશંસા આપણને પ્રોત્સાહિત કરે કે એ વ્યક્તિ માટે આપણે પણ મહત્વના છીએ એ
લાગણી આપણને જીવવાનું પ્રેરક બળ આપે ત્યાં સુધી બરાબર છે, પરંતુ જો એમ ન બને તો હતાશા
થાય, નિરાશા થાય, અફસોસ કે અપમાનની લાગણી થાય તો માનવું કે આપણે આપણા માટે નહીં, અન્ય
માટે જીવીએ છીએ.

આ ‘અન્ય માટે જીવવું’, એ ત્યાગ બલિદાન કે સમર્પણ નથી… ભયાનક અપેક્ષા અને આધારિત
રહેવાની એવી મનોવૃત્તિ છે જે સામેની વ્યક્તિને કંટાળો અને બોજની લાગણી આપે છે. આપણને સતત
ખુશ રાખવાની જવાબદારી કોઈની કેવી રીતે હોઈ શકે? એ જુએ, વખાણે, માણે તો જ આપણા
અસ્તિત્વનો અર્થ… આ વાત ‘એ’ વ્યક્તિ માટે કેટલો મોટો ભાર બની જાય એ વિશે વિચારીએ તો
સમજાય કે, આપણે સંબંધ ટકાવવાનો નહીં, તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

જ્યારે સમજાઈ જાય કે, આપણે જેને આપણા જીવનની સૌથી મહત્વની વ્યક્તિ માનીએ છીએ
એને આપણા માટે સમય નથી, અથવા હવે એ આપણને પહેલાં જેટલી ઉત્સુક્તા કે ઉત્કંઠતાથી પ્રેમ નથી
કરતા, અથવા આપણા ઉપર એની આધારિત રહેવાની જરૂરિયાત ઘટી ગઈ છે-પૂરી થઈ ગઈ છે… તો, એ
વિશે છટપટવાને બદલે-એ વ્યક્તિને કડવું-તીખું સંભળાવવાને બદલે, આપણે સમય આપીને, પ્રેમ કરીને
પસ્તાયા છીએ એવું કહેવાને બદલે કે સંબંધમાં આવેલા બદલાવ વિશે અફસોસ કરવાને બદલે આપણા
સ્વમાનને અકબંધ રાખીને પ્રેમની અભિવ્યક્તિની રીત બદલી નાખવી.

કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરે તો જ આપણે પ્રેમ કરીએ, એ તો શરત છે… જો બીનશરતી ચાહી
શકાય, જેટલું આપીએ એને પરત મેળવવાની અપેક્ષા વગર ખુલ્લા દિલે આપી શકાય કે અફસોસ વગર
પ્રેમ કરી શકાય તો જ આપણે ‘સ્વતંત્ર’ છીએ.

આપણી લાગણી, કાળજી કે સ્નેહનો આધાર બીજાના સ્વીકાર કે પરત મેળવવાની અપેક્ષા ઉપર નહીં ટકી
હોય એ દિવસે આપણે પૂરી રીતે આપણા જ કંટ્રોલમાં હોઈશું.

અપમાન ત્યારે જ થઈ શકે જ્યારે સ્વમાનના ભોગે સ્નેહ કે સંબંધને ટકાવવાનો પ્રયાસ કરીએ… આપણા
પ્રેમ અને એની અભિવ્યક્તિને ‘અન્ય વ્યક્તિ’ના વાણી-વર્તન કે વ્યવહાર પર નહીં, આપણી પોતાની
ઈચ્છા અને અધિકાર પર આધારિત હોવું જોઈએ.

“જબ તક ના પડે આશિક કી નજર, સિંગાર અધૂરા રહેતા હૈ…” એ કદાચ કોઈ પાછલી સદીની
કથા છે. આજની સ્ત્રી સ્વયં માટે શૃંગાર કરે છે અને સ્વયં સાથેનો સંબંધ એને માટે સૌથી મહત્વનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *