નર અને નારાયણઃ અસ્તિત્વ અને અધ્યાત્મ

ગુજરાતમાં ગોધરા અનેક વાતો માટે પ્રસિધ્ધ છે. જેમાં સારી અને ખરાબ બંને સ્મૃતિ સંકળાયેલી છે.
ગોધરા સાથે જોડાયેલી એક ખૂબ મહત્વની અને વંદનીય બાબત એ છે કે, ગોધરામાં મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત
વાલામે અને કાશીબહેનને ત્યાં એક પાંડુરંગ નામના સંતાનનો જન્મ 21 નવેમ્બર, 1898ના રોજ થયો હતો. આ
સંતાન પછીથી ‘રંગ અવધૂત’ના નામે ઓળખાયા. એમના અનુયાયીઓ એમની પૂજા ભગવાન દત્તાત્રેયના અવતાર
તરીકે કરે છે. એમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અધ્યાત્મિકતાને મહત્વ આપીને વ્યક્તિને વધુ શુધ્ધ અને
માનસિક રીતે વધુ સચેત થવાની શિક્ષા આપી.

આકાશમાં ક્યારેક સપ્તર્ષિના તારા દેખાય છે. ટ આકારના આ સાત તારાઓમાં એક ઋષિ એટલે
અત્રિ. એમણે કર્દમ ઋષિની પુત્રી અનસૂયા સાથે લગ્ન કર્યાં હતાં. અત્રિ ‘મહર્ષિ’ તરીકે સન્માન પામ્યા
અને અનસૂયા ‘મહાસતી’ કહેવાયાં. ‘અત્રિ’નો અર્થ, ‘અ’ એટલે નહી અને ‘ત્રિ’ એટલે ત્રિગુણ. જે સત્ત્વ,
રજસ અને તમસ. એવા ત્રણ ગુણોથી પર છે તે અત્રિ. એવી રીતે ‘અનસૂયા’ એટલે સ્ત્રીસહજ ઇર્ષ્યા-
અસૂયા વગરની સ્ત્રી.

મહર્ષિ અત્રિએ પુત્ર માટે વિનંતી કરી, ‘મને એવું સંતાન આપો કે જેમાં સર્જક બ્રહ્માની,
પાલનહાર વિષ્ણુની અને મહાકાલ શિવની શક્તિ હોય.’ એમને ત્યાં જે પુત્રનો જન્મ થયો, તે દત્ત
કહેવાયો. એ અત્રિ ઋષિના વારસ તરીકે ‘આત્રેય’ કહેવાયો. આમ દત્ત+આત્રેય=દત્તાત્રેય એવું નામાભિધાન
થયું. પ્રતિ વર્ષ માગશર સુદ પૂનમ, તેમની જન્મજ્યંતી તરીકે ઉજવાય છે. એવા જ, સાત્વિક અને
તેજસ્વી રંગ અવધૂતે 52 કડી ધરાવતી ભગવાન દત્તની આરાધના કરતી આરતીની રચના કરી, જેનું નામ
‘દત્ત બાવની’ આપવામાં આવ્યું. રંગ અવધૂતે એક વાત કહી, ‘પરસ્પર દેવો ભવઃ’. આપણે સૌને દેવ
માનીએ અને સ્વયંને પણ દેવ માનીએ તો જીવનમાં ક્યારેય કશું ખોટું કરવાની, કોઈનું અપમાન કરવાની
ઈચ્છા ન થાય. કોઈની ઈર્ષા કે સ્વયં માટે અહંકાર ન થાય.

એ જ રંગ અવધૂતે એક સુંદર સ્તોત્રની રચના કરી છે. જેનું નામ છે, ‘કોઅહમ્ – હું કોણ છું?’
જ્યારે આપણે સ્વયંને અને બીજાને દેવ માનીએ, જે ઈશ્વર આપણને મિત્ર કે પ્રિયજનની આંખમાં
દેખાય એ જ ઈશ્વર જો આપણને દુશ્મનની આંખમાં પણ દેખાય તો કદાચ, આપણે પોતે કોણ છીએ એ
વાતનો જવાબ આપણને મળે. રંગ અવધૂત એનો જવાબ સાત શ્લોકોમાં આપે છે. ‘પ્રાર્થના પરિમલ’
નામના પુસ્તકમાં આ શ્લોકોનો અનુવાદ મળે છે.

હું મર્ત્ય-મરણશીલ નથી, અસુર-સાક્ષસ કે સુર-દેવ નથી. સ્થાવર-અચલ, જંગમ-ચલ કે દૃશ્યરૂપ
નથી. હું બાળક, યુવાન કે વૃધ્ધ પણ નથી. હું તે જ આત્મા, શાંત સચ્ચિદાનંદસ્વરૂપ છું. ।। 1 ।।

રાજાના ઐશ્વર્યવાળો, રાજાઓનો પણ હું આદ્ય રાજા છું. દેવોના ઐશ્વર્યવાળો, દેવોનો દેવ અને
અત્યંત પ્રશંસનીય છું. સર્વથી ત્યક્ત, સર્વનો શેષ છતાં અશેષ સોહં ભાવરૂપ જે સતરૂપે અંદર સમાયેલો છે
(તે હું છું). ।। 2।।

હું મૂર્ખ કે પંડિત પણ નથી. હું શક્તિમાન કે અશક્ત પણ નથી. હું સ્ત્રી, નપુંસક, પુરુષ કે શિખંડી
નથી. હું તે જ આત્મા છું જેને અહીં જાણવાને કોણ સમર્થ છે? ।। 3 ।।

હું અજન્મા છું તેથી મારી માતા કોણ? અને મારો પિતા કોણ? જેના દેહ વગેરે અસ્ત પામેલ છે
તેને કેવું મૃત્યુ? દેહ-અદેહથી અતીત રૂપવાળો, અરૂપ, સાક્ષી, સાક્ષ્ય અને સાક્ષિત્વહીન એવો હું તે
આત્મા જ છું. ।। 4 ।।

મારે બંધન જ નથી તો મુક્તિની વાત ક્યાં? મુજ અભેદમાં અધ્યયન વ્યવહાર નથી તો ગુરુ-શિષ્ય
દ્વૈત ક્યાં? મૂળ જ નથી તો વૃક્ષની વાત જ ક્યાંથી? એ બધું મિથ્યા છે. હું હંમેશાં સત્, એકરૂપ છું. ।। 5
।।

મુજ પારમાર્થિક સત્યમાં જ્ઞાન અને અજ્ઞાન કંઈ છે જ નહીં. હું રાગ અને અરાગથી અતીત
એકમાત્ર શિવસ્વરૂપ છું. જે આપ્તકામ=જેની કામના પરિપૂર્ણ છે=જે વાસનાશૂન્ય છે તેવા વિષ્ણુસ્વરૂપ

સર્વવ્યાપ્તને પ્રાપ્ત કરવાનું છે શું? કલ્પવૃક્ષ કોઈ કાળે શું કાચની પાસે યાચના કરે? ।। 6 ।।
ભાવ અને અભાવથી અતીત એવા ભાવવાળો, સતરૂપ એક હું છું. ચિતિ અને અચિતિથી અતીત

ચૈતન્ય-સ્વરૂપ, નન્દિત થનારા વિષયાનંદથી અતીત એવો હું આનંદમાત્ર, સંસારમાંથી મુક્ત થયેલો શાંત
‘રંગ’ હું છું. ।। 7 ।।

આ વાત શ્રીમદ્ ભાગવતમાં કરાયેલા કૃષ્ણના ઉલ્લેખ સાથે મેળ ખાય છે, જ્યારે કૃષ્ણને પૂછવામાં
આવે છે કે, એ કોણ છે, ક્યાંથી આવ્યા છે એના પ્રતિ ઉત્તરમાં શ્રીમદ્ ભાગવતમાં કૃષ્ણ કહે છે, ‘હું પૂર્વ
દિશામાંથી નથી આવ્યો, હું પશ્ચિમ દિશામાંથી નથી આવ્યો. હું ઉત્તર દિશામાંથી નથી આવ્યો, હું દક્ષિણ
દિશામાંથી નથી આવ્યો. હું ઊર્ધ્વ દિશામાંથી નથી આવ્યો, હું અધો દિશામાંથી નથી આવ્યો. હું કોઈ પણ
દિશા કે વિદિશામાંથી નથી આવ્યો. હું આવ્યો જ નથી. હું તો હતો જ, છું જ અને રહીશ જ!

એક ‘નર’ અને એક ‘નારાયણ’ના અસ્તિત્વની આ કેવી અદભૂત જુગલબંદી છે! રંગ અવધૂત
માણસના અસ્તિત્વની વાત કરે છે ને શ્રીમદ્ ભાગવત ઈશ્વરના અસ્તિત્વની… પરંતુ, અંતે બંને એક જ
છે અને ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ની વાત કેવી સહજતાથી પ્રસ્થાપિત થઈ શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *