શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી, એ પરાણે પોર્ન ફિલ્મો કરાવતા હોવાની ફરિયાદ એક-બે અભિનેત્રીઓએ પણ કરી. શિલ્પાએ જાહેરમાં અજાણ્યા હોવાનો દાવો કર્યો અને બે-ત્રણ મહિના પછી પોતાનું નોર્મલ જીવન શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો. થોડા વખત પહેલાં હેશટેગ મી ટુની એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા ક્ષેત્રની સ્ત્રીઓએ પોતાની સાથે થયેલી જાતિય સતામણીની ફરિયાદો આ મી ટુના પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. જોકે, એ મુવમેન્ટનું શું પરિણામ આવ્યું એનો આપણી પાસે કોઈ ફોલોઅપ નથી. ખરેખર જે લોકો સામે ફરિયાદ થઈ હતી એમને કોઈ સજા થઈ ખરી ? કોણ જાણે છે ? કોઈએ એનો હિસાબ માગ્યો ખરો !? લગભગ દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાને આવી સતામણીનો ભોગ બનવું પડે છે… કેટલાક કિસ્સા બહાર આવે છે અને કેટલાક કિસ્સા પૈસાથી, ધમકીથી અથવા શરમના કારણે દબાવી દેવામાં આવે છે. જામનગરનો એક કિસ્સો, હજી હમણા જ મીડિયામાં ચમક્યો હતો. હોસ્પિટલમાં અટેન્ડન્ટ તરીકે રાખવામાં આવેલી યુવાન છોકરીઓને એવી ફરજ પાડવામાં આવી કે, એમણે ત્યાંના અધિકારીઓ અને ડૉક્ટર સાથે શારીરિક સંબંધ બાંધવો પડે, જો એમ ન કરે તો એમને કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે… પોલીસ કહે છે કે, આવી કોઈ ફરિયાદ નોંધાઈ જ નથી, ઉચ્ચ અધિકારીઓ આ વિશે વાત કરવા તૈયાર નથી.
આ કઈ પહેલો કિસ્સો નથી, અને દુર્ભાગ્યે આ છેલ્લો કિસ્સો પણ નથી ! વર્ક પ્લેસ પર જાતિય સતામણી, ફિઝિકલ એક્સપ્લોઈટેશન એ માત્ર આપણા દેશમાં જ નહીં, વિદેશોમાં પણ સામાન્ય ફરિયાદ છે. હેશટેગ મી ટુ મુવમેન્ટ શરૂ થઈ હતી. જેમાં ઘણી છોકરીઓએ અને સ્ત્રીઓએ આગળ આવીને વર્ષો પહેલાં પોતાની સાથે થયેલી જાતિય સતામણીની ફરિયાદ કરી, ત્યારે કેટલાક લોકોએ એવી દલીલ કરી કે, ‘જ્યારે એમને હેરાન કરવામાં આવ્યા કે, ફરજ પાડવામાં આવી ત્યારે એમણે કેમ વિરોધ ન કર્યો ?’ એનો જવાબ એ છે કે, દરેક સ્ત્રી પાસે એવી હિંમત નથી હોતી, આર્થિક મજબૂરી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફરિયાદ કરનારી સ્ત્રી ઉપર ચારિત્ર્યનો આક્ષેપ કરનારા પુરૂષોની સમાજમાં ખોટ નથી. વિક્ટિમ કાર્ડ પ્લે કરનારી સ્ત્રીઓની વાત છોડી દઈએ તો પણ મોટાભાગની સ્ત્રીઓ માટે પોતાના ચારિત્ર્યને પૂરવાર કરવું અઘરું બને છે. ગમે તેટલી સારી રીતે જીવેલી, સાસુ-સસરા, પતિ અને સંતાનો માટે સ્વયંને સમર્પી દીધી હોય એવી સ્ત્રી પણ જો એક નાનકડા શંકાના ઘેરામાં આવે તો પાછલો બધો ડેટા ભૂલીને આખો પરિવાર એની સામે આંગળી ચીંધતા, એનું અપમાન કરતા કે એને અપશબ્દો કહેતા અચકાતો નથી. એની સામે પુરૂષ પોતાના લગ્નેતર સંબંધો પછી પણ ‘સોરી’ અથવા ‘ભૂલ થઈ ગઈ’ કહીને છૂટી શકે છે.
સવાલ માત્ર સ્ત્રી-પુરૂષના તફાવતનો નથી, સમાજની માનસિકતા અને માન્યતાનો છે. આપણે બધા, સ્ત્રી હોય કે પુરૂષ ચારિત્ર્ય અને કારકિર્દી, ચારિત્ર્ય અને આવડત, ચારિત્ર્ય અને વ્યક્તિત્વને કારણ વગર સેળભેળ કરતા થઈ ગયા છીએ. ખાસ કરીને, સ્ત્રીની સફળતા એના ચારિત્ર્યની શિથિલતા વગર સંભવ જ નથી એવું માનનારાઓનો વર્ગ હજી સુધી બહુ મોટો છે, આ વર્ગમાં માત્ર પુરૂષો નથી – સ્ત્રીઓ પણ છે ! બીજી એક દુઃખદ બાબત એ છે કે, સ્ત્રીના વ્યક્તિત્વમાં કે એની આવડત, હુન્નર કે સફળતામાં જો કોઈ છિંડા ન મળે તો એના ચારિત્ર્ય વિશે જાતભાતની અફવા ઉડાડીને એને અપમાનિત કરવામાં કેટલાક લોકોને મજા આવે છે. આજે, સ્ત્રી આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં કામ કરતી થઈ છે. એક સામાન્ય સર્વે એવું કહે છે કે, પુરૂષ કરતા સ્ત્રી કર્મચારી વધુ ચીવટથી અને વધુ નિષ્ઠાથી કામ કરે છે… આવા સંજોગોમાં જો સ્ત્રી ઝડપથી પ્રમોશન મેળવે કે આગળ વધે તો સહકર્મચારી પુરૂષો એવું માને છે કે, એની આ સફળતા ટેલેન્ટ કે મહેનતને નહીં, પરંતુ એના ‘સ્ત્રીચરિત્ર’ને આભારી છે !
બસમાં, ટ્રેનમાં, ભીડમાં કે સિનેમા થિયેટરમાં સ્ત્રીનાં અંગને અડીને અંધારામાં કે ભીડમાં ખોવાઈ જનારા પુરૂષો વિશે આપણે જાણીએ છીએ, પરંતુ જે લોકો સ્ત્રીના ચારિત્ર્યની શિથિલતાની ચર્ચા કરે છે એમને એક સવાલ પૂછીએ, આવા જ અંધારામાં, ભીડમાં, બસમાં કે ટ્રેનમાં પુરૂષના પ્રાઈવેટ ભાગને અડીને કે એને દુઃખે એવી રીતે ચૂંટલો ભરીને, દબાવીને ખોવાઈ જનારી કેટલી સ્ત્રીઓની ફરિયાદ આપણે સાંભળી છે ?
જો સ્ત્રી પોતાના ઘરમાં ફરિયાદ કરે તો પતિ-પિતા કે ભાઈ એને કાં તો ચૂપ રહેવાનું કહે છે અને કાં તો ‘તેં જ ક્યાંક સિગ્નલ્સ આપ્યા હશે’ કે ‘તેં જ નખરા કરીને તેને આકર્ષ્યો હશે…’નો આક્ષેપ સ્ત્રી ઉપર બહુ સહજતાથી મૂકી દેવામાં આવે છે. અત્યંત સીધી, સાદી અને પોતાના કામથી કામ રાખનારી સ્ત્રીને પણ જાતિય સતામણીનો ભોગ બનવું પડે ત્યારે એને માટે જવાબદાર કોણ હોય છે ?
પુરૂષ જો એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખી શકે (પટાવી શકે કે સૂવડાવી શકે) તો એ વાતની જાહેરાત પોતાના મિત્રમંડળમાં એ ગૌરવપૂર્વક કરે. એને પ્લેબોય, કેસેનોવા કે ડૂડના બિરૂદ મળે, પરંતુ જો કોઈ એક સ્ત્રી એકથી વધુ સંબંધમાં હોય, એના બે-ચાર બ્રેકઅપ થાય કે એકાદ લગ્ન તૂટે-કોઈવાર બે લગ્ન તૂટે તો એ સ્ત્રીના ચારિત્ર્ય વિશે ચર્ચા કરવાની એ જ પુરૂષોને મજા આવે. હવે સવાલ એ છે કે, જો એક પુરૂષ કોઈ સ્ત્રી સાથેના સંબંધની રસપ્રચૂર વાતો કરીને પોતાની જાતને ‘મર્દ’ સાબિત કરી શકે છે તો એક સ્ત્રીને આવું નહીં કરવા માટે સમાજ કેવી રીતે બાધ્ય કરી શકે ?
જો સંસ્કારનો સવાલ હોય, તો બંને પક્ષે સરખા જ નિયમો લાગુ પડવા જોઈએ. જો પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તો એનો ભાર માત્ર સ્ત્રીના નાજૂક ખભા પર શા માટે મૂકવામાં આવે છે ? બીજી એક મહત્વની બાબત એ છે કે, જાતિય સતામણીની ફરિયાદ કરનારી સ્ત્રી દરેક વખતી સાચી નથી હોતી. આ ફરિયાદને હવે જુદી રીતે રજૂ કરવાના કિસ્સા પણ સાંભળવા મળે છે. સરકારે બનાવેલા કાયદાને પોતાના ફાયદામાં વાપરતી સ્ત્રીઓની સંખ્યા ઓછી તો નથી જ. આશ્ચર્ય એ વાતનું થાય કે, આવી ફરિયાદમાં મોટાભાગના લોકો જજમેન્ટલ થઈ જાય છે. કાં તો સ્ત્રી તદ્દન ખોટી જ હોય, એવું માનનારા લોકોનો એક વિભાગ છે તો બીજી તરફ, સ્ત્રી સાચી જ હોય ને પુરૂષો લંપટ, નકામા અને સ્ત્રી સાથે ગેરવર્તન કરનારા જ હોય એવું માનનારો બીજો વર્ગ છે. સત્ય આ બેની વચ્ચે ક્યાંક છે.
વ્યક્તિ સાચી કે ખોટી હોઈ શકે. એક સમગ્ર જાતિ સાચી કે ખોટી ન હોઈ શકે. જાતિય સતામણી માત્ર સ્ત્રીની જ થાય છે એવી ધારણા પણ હવે ખોટી પડવા લાગી છે. જ્યારથી LGBTQને માન્યતા મળી છે ત્યારથી ફેશન, ફિલ્મ કે કોર્પોરેટ ક્ષેત્રમાં પુરૂષોની પણ જાતિય સતામણી થવા લાગી છે. પહેલાં આ નહોતી થતી, એવું માનવાનું કોઈ કારણ નથી, પરંતુ હવે એની ફરિયાદો ખૂલીને બહાર આવવા લાગી છે.મુદ્દો માત્ર એટલો છે કે, ‘ના’ નો અર્થ ‘ના’ થાય છે… બે સમજદાર, પુખ્ત અને સ્વતંત્ર વ્યક્તિ જો પોતાની મરજીથી એકબીજા સાથે ફ્લર્ટ કરે છે, શારીરિક છેડતી કરે છે, સ્પર્શ કરે છે કે અમુક રીતે જાતિય ઉશ્કેરણીનો પ્રયાસ કરે છે તો એ વિષયના નિયમો જુદા છે, પરંતુ સ્ત્રી કે પુરૂષ બેમાંથી કોઈને પણ જો પરાણે આવા સ્પર્શ, ઉશ્કેરણી કે અણછાજતા વર્તનનો સામનો કરવો પડે છે તો એ ખોટું છે… એની ફરિયાદ થવી જોઈએ… એના વિશે સંકોચ રાખ્યા વગર વિરોધ કરવાનો અધિકાર આપણને સૌને આપણું બંધારણ આપે છે, એની જાણ આપણને હોવી જોઈએ.