‘જીવન તો આખરે પૂરું થવાનું છે. બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો ને મનસ્વી
પુરુષ માગી માગીને કેટલાં વર્ષ માગે?’ મૃત્યુ પૂર્વે પોતાની રોજનીશીમાં જેણે આ વાત લખી એ
બાલાભાઈ (ભીખાલાલ) વીરચંદભાઈ દેસાઈ. ગુજરાતી સાહિત્ય એમને ‘જયભિખ્ખુ’ નામે ઓળખે
છે. એમનું મૂળ નામ ભૂલાઈ ગયું અને કલમનું નામ આજે પણ જીવિત છે. લગભગ ચાર દાયકા સુધી
એ સતત લખતા રહ્યા. કોઈ ધ્યેય વગર, ઉદ્દેશ વગર લખવું એમનો સ્વભાવ નહોતો. એમણે
સમાજના કેટલાક મહત્વના મુદ્દાને નિસ્બત અને વિદ્વતાથી એવી રીતે જોડ્યા કે એમને લોકપ્રિયતા
તો મળી જ, પરંતુ એમના લખાણથી અનેકના જીવન સુધર્યા. જન્મે જૈન, સ્વયં જૈન ધર્મ પાળે, પરંતુ
ધાર્મિક બાબતે જરાય જડ કે રૂઢિચુસ્ત નહીં. અનેક કળાકારો, સાહિત્યકારો, ચિત્રકારો અને સિનેમા
બનાવનારા કે સિનેમા લેખક સાથે પણ એમના અંગત સંબંધો… એમને પોતાની આસપાસ લોકો
હોય તે ગમે. 40 વર્ષના એમની લેખનયાત્રા દરમિયાન 20 નવલિકા વાર્તા સંગ્રહો, 25 બાલસાહિત્ય,
50 ચરિત્રો, 24 નાટકો, 10 હિન્દીમાં સર્જન, 4 સંપાદન અને એ સિવાય અસંખ્ય કોલમ અને
અખબારો સાથે એ જોડાયેલા રહ્યા. શરૂઆતમાં એમણે વીરકુમાર ભિક્ષુ સાયલાકર અને ત્યારબાદ
પોતાની પત્ની વિજયાબહેનના નામમાંથી જય અને પોતાનું નામ લઈને જયભિખ્ખુ નામ રાખ્યું.
નોકરી કરવી નહીં, પૈતૃક સંપતિ લેવી નહીં, પુત્રને સંપતિ આપવી નહીં અને માત્ર કલમના આશરે
જીવવું એ સિદ્ધાંતોને એ જીવનભર વળગી રહ્યા.
ગુજરાતી ભાષામાં આપણને અનેક સાહિત્યકારો મળ્યા છે. આવનારી પેઢીને કદાચ આ
સાહિત્યકારોનો પરિચય પણ નહીં થઈ શકે. એમનું સાહિત્ય ગુજરાતીમાં છે અને નવી પેઢી ગુજરાતી
વાંચતી નથી એટલે આ નવી પેઢીને સાહિત્ય સાથે આવગત કરાવવા કેટલુંક સાહિત્ય અંગ્રેજીમાં
અનુવાદિત થઈ રહ્યું છે તેમ છતાં જેટલું સાહિત્ય અનુવાદિત થવું જોઈએ એટલું નથી થઈ રહ્યું. ધર્મો
અને ધર્મગ્રંથો અપાર છે, પરંતુ સાત ધર્મો મુખ્ય છે. યહૂદી, ઈસાઈ અને ઈસ્લામ, હિન્દુ, બૌદ્ધ, જૈન
અને શીખ. વિશ્વભરમાં આટલા બધા ધર્મો પાળવામાં આવે છે. અત્યારે ઈસ્લામ સૌથી ઝડપથી
ફેલાયો છે. તો બીજી તરફ, હિન્દુ ધર્મનો ફેલાવો થવો જોઈએ એટલો નથી થયો. ‘હિન્દુ’ ફારસી શબ્દ
છે, એ બહારથી આવેલા લોકોએ આપેલો શબ્દ છે. મૂળ શબ્દ સિંધુ નદીને કિનારે પાંગરેલો એવો
સનાતન ધર્મ છે. આ સાતમાંથી પાંચ વ્યક્તિનિષ્ઠ ધર્મો છે. એમના પ્રવર્તક કે ઉપદેશોના આધાર ઉપર
રચાયેલા આ ધર્મોમાં મતભેદ હોય તો પણ બાઈબલ કે કુરાન ત્રિપિટક કે આગમને સ્વીકારીને નિર્ણય
થઈ શકે છે, પરંતુ હિન્દુ ધર્મમાં મોટેભાગે વેદથી શરૂઆત કરવામાં આવે છે. વેદનો અર્થ જ્ઞાન છે. આ
જ્ઞાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. રૂગ, સામ, યજુ અને અથર્વ. પાંચ સંહિતાઓ, છ
બ્રાહ્મણો, આઠ અરણ્યકો અને અઢીસો કરતાં વધારે ઉપનિષદો છે. જોકે માત્ર એમાંથી 11 અથવા
14નો સ્વીકાર કરવામાં આવે છે. છ વેદાંગો, 42 સ્મૃતિઓ, છ દર્શનશાસ્ત્રો, 18 પુરાણો છે…
આમાંનું કેટલું આપણા પછીની પેઢી સુધી પહોંચ્યું છે અથવા પહોંચી શકે એમ છે?
બીજા ધર્મોની સરખામણીએ હિન્દુ ધર્મ અતિશય જૂનો, ઘણો જાટિલ, ઘણા મત-મતાન્તરો
ધરાવતો અને સતત બદલાયે જતો ધર્મ છે. તેના સંપ્રદાયો, પંથો, વિધિ, વિધાનોની ગણતરીનો પાર
આવે તેમ નથી. હિન્દુ વિચારકો બહુ ઝીણવટથી વિચારનાર વિદ્વાનો છે અને ઘણું ઝીણું કાંતનાર
લોકો છે, બાલની ખાલ ઉતારીને તેની મીમાંસા કરનારા છે. હિન્દુ ધર્મની વ્યાખ્યા બાંધવાના ઘણા
પ્રયાસ થયા છે, પણ એક પણ પ્રયાસ સફળ થયો નથી. હિન્દુ ધર્મ સતત બદલાતો રહ્યો છે. બીજા
ધર્મના સિદ્ધાંતો અને ખ્યાલો હિન્દુ ધર્મે અપનાવી લીધા છે તેથી હિન્દુ ધર્મની વિચારસરણી અને
તત્વજ્ઞાન હંમેશાં બદલાતા રહ્યા છે. આ સનાતન ધર્મ હંમેશાં તાજો અને નવો રહ્યો છે કારણ કે તે
કદી કાલગ્રસ્ત થતો નથી અને જમાના પ્રમાણે ફેરવાતો રહે છે.
કોઈપણ ધર્મને મૂલવવો હોય તો તે જીવ, જગત અને જીવનના પ્રાપ્તવ્ય માટે શું માને છે તે
બાબતો સમજીએ તો જ તેનું યથાર્થ મૂલ્યાંકન થઈ શકે. આમ જોઈએ તો દરેક ધર્મ આ સંબંધોની
પોતાની ધારણા ઉપર ઊભો છે. આ ધારણા જેટલી વાસ્તવિક અને વૈજ્ઞાનિક તેટલે અંશે જે તે ધર્મ
વધારે વાસ્તવિક લાગે છે અને બુદ્ધિને વધારે સ્વીકાર્ય બની રહે છે. આજે ભલે નવાં નવાં મંદિરો
અને ધર્માલયો થતાં જોઈને લાગે કે ધર્મ વધી રહ્યો છે પણ વાસ્તવિકતા તો જુદી જ છે. લોકોની
ધર્મમાંથી શ્રદ્ધા ડગતી જાય છે અને ધર્મ જનસમાજ ઉપરની પોતાની પકડ ગુમાવતો જાય છે. જૈન
ધર્મ સૌથી જુદો પડી જાય છે. ભગવાન મહાવીરે ‘આત્મા’ને સમય કહ્યો છે. જૈન ધર્મે શાસ્ત્રોને
ધર્મમાર્ગમાં એટલું મહત્વ આપ્યું નથી, પણ આત્માની અનુભૂતિને વધારે મહત્તા આપી છે. જૈન ધર્મે
‘સમય’ શબ્દને આત્માના પર્યાય તરીકે વાપર્યા છે. આત્માની અનુભૂતિ કરાવનાર સમય છે અને આવી
અનુભૂતિ જેમાં થાય તે સામાયિક. જૈન ધર્મ આત્મવાદી છે. એની પાયાની ધારણા વ્યક્તિના ચૈતન્ય
સાથે જોડાય છે. પાંચ તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશનું અમુક પ્રમાણમાં સંયોજન
થતા તેમાં ચૈતન્ય પ્રગટે છે અને એ જ્યારે વિખરાય છે ત્યારે ચૈતન્ય શમી જાય છે… આ જૈન ધર્મની
વિભાવના છે.
જયભિખ્ખુએ જૈન ધર્મ પર ઉત્તમ પુસ્તકો અને જૈન વ્યક્તિઓના ઉત્તમ ચરિત્રો તો આપ્યાં
જ, સાથે સાથે સમાજને એક એવી મશાલ આપી જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી. એક વ્યક્તિએ
જીવન કેવી રીતે જીવવું જોઈએ, એક સમાજે કઈ રીતે વર્તવું જોઈએ એ વાત એમણે લખેલા
ચરિત્રોમાંથી સામાન્ય માણસ માટે પ્રેરણા બની શકે એટલી સહજ અને રસપ્રદ રીતે પ્રગટ થાય છે.
24 ડિસેમ્બર, 1969ના દિવસે જયભિખ્ખુની જીવનયાત્રા થંભી ગઈ. આ જીવનધર્મી,
મૂલ્યનિષ્ઠ સાહિત્યકારે 25 નવેમ્બર, 1969 અર્થાત્ મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે રોજનીશીમાં
લખ્યું હતું, “મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર
રાખવા. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી,
બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” આ હતી એક જન્મે જૈન, પરંતુ
વિશ્વ માનવ બનીને જીવેલા સાહિત્યકારની મનોભાવના. જયભિખ્ખુ એવોર્ડ કોઈ સાહિત્ય કે
સાહિત્યકૃતિ માટે નહીં, પરંતુ માનવ કલ્યાણનું ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિને દર વર્ષે એનાયત કરવામાં
આવે છે.