ગયા મંગળવારે અખબારમાં એક સમાચારે આપણા સૌની સવાર હચમચાવી નાખી, એક મા
અને દીકરીએ પિતાને-પતિને ગળું દબાવીને મારી નાખ્યા એટલું જ નહીં, એ પછી બે કલાક સુધી
પત્ની પોતાના પતિના શબ ઉપર બેસીને એનું ગળું દબાવતી રહી… એ પછી પિતાની હત્યા કરી હતી
એ પુત્રીએ પોલીસ પાસે આઈસ્ક્રીમ માગ્યો એટલું જ નહીં, એ દસ કપ આઈસ્ક્રીમ ખાઈ ગઈ!
પોલીસના જણાવ્યા અનુસાર મા-દીકરી બંનેના ચહેરા પર કે વર્તાવમાં આ દુર્ઘટનાનો કોઈ અફસોસ
દેખાતો નહોતો…
માણસ તરીકે આપણને એક સાદો પ્રશ્ન થાય કે, સ્વજનની આવી નિર્મમ હત્યા કેવી રીતે કરી
શકાય? એનો જવાબ એ છે કે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી તેમ છતાં માણસ ક્યારેક
અત્યાચારથી એટલો બધો થાકી, કંટાળી અને ત્રાસી જાય છે કે એને બીજો કોઈ રસ્તો સૂઝતો નથી!
ઐશ્વર્યા રાય અભિનિત એક ફિલ્મ (2006) ‘પ્રોવોક્ડ’માં લંડનમાં રહેતી એક સ્ત્રી કિરણજીત
અહલુવાલિયાની કથા હતી. પતિના સતત અપમાન અને મારપીટ, અત્યાચારથી કંટાળીને એણે
પોતાના ઊંઘતા પતિને સળગાવી દીધો. એ પછી બ્રિટનની કોર્ટમાં એનો કેસ ચાલ્યો અને ‘સાઉથહોલ
બ્લેક સિસ્ટર્સ’ નામના એસોસિએશને એના કેસમાં અપીલ કરીને એને ઉશ્કેરવા બદલ, સતત
અપમાનિત કરવા બદલ અને બળાત્કાર કરવા બદલ એના પતિને જવાબદાર ઠેરવીને જનમટીપ
ટૂંકાવવાનો ચૂકાદો આપવાની બ્રિટીશ કોર્ટને ફરજ પાડી. હજી હમણા જ ઓટીટી ઉપર ‘ક્રિમિનલ
જસ્ટીસ’માં કીર્તિ કુલ્હારીની સાથે એનો પતિ જે અમાનવીય વર્તાવ કરે છે, એ પછી કીર્તિ એનું ખૂન
કરે છે એની કથા જે રીતે ઉઘડે છે એ કોઈપણ સ્ત્રીનાં અસ્તિત્વને હચમચાવી મૂકે એવી છે.
તિહાડ જેલમાં વસતી મહિલા કેદીઓની કથા અને એમની કવિતાઓનું એક પુસ્તક છે,
‘તિનકા તિનકા તિહાડ’ આ પુસ્તકની મહિલા કેદીઓની કથા સાંભળીએ તો સમજાય કે એમની
સહનશક્તિ જ્યારે હદ વટાવી ગઈ ત્યારે એમણે જાતે જ ન્યાય કરી લીધો. જોકે, આ બધા પછી પણ,
એક વ્યક્તિને બીજી વ્યક્તિની હત્યા કરવાનો અધિકાર મળતો નથી…
આ દેશમાં બેડરૂમના બળાત્કારથી શરૂ કરીને ઘરેલુ હિંસાના એટલા બધા કિસ્સા બને છે અને
એ કિસ્સામાં ઘરના વડીલો, પડોશી અને ક્યારેક તો પોલીસ પણ કોઈ મદદ કરતી નથી. સહન
કરવાની દરેકની અલગ અલગ ક્ષમતા હોય છે અને સહનશક્તિ પૂરી થાય એ પછી પરિસ્થિતિ સામે
રિએક્ટ કરવાની દરેકની પોતાની આગવી અથવા જુદી રીત હોય છે. કોઈક વ્યક્તિ અસહ્ય
પરિસ્થિતિને છોડીને ચાલી જાય, કોઈ પોતાનું જીવન ટૂંકાવે અને કોઈક વ્યક્તિમાં અત્યાચારીનું જીવન
ખતમ કરી નાખવાનું ઝનૂન જાગે.
આ કોઈ એક દિવસમાં બનેલો કિસ્સો ન હોઈ શકે. આને માનસશાસ્ત્રી રીતે સમજવાનો
પ્રયાસ કરીએ તો સમજાય કે આ કે આવી બીજી હત્યાઓ અપમાનિત, પીડિત સ્ત્રીનાં મનમાં પહેલાં
કેટલીયે વાર આકાર લઈ ચૂકી હશે. જ્યારે એ પોતાની પીડા કે અપમાનને સહન ન જ કરી શકે એવી
સ્થિતિ સુધી પહોંચી હશે ત્યારે જ એણે આવું કોઈ ભયાનક પગલું ઊઠાવવાનો નિર્ણય કર્યો હશે! સ્ત્રી
સામાન્ય રીતે એક ‘મા’ હોય છે, એ જીવન આપે છે માટે એને રક્ત, હિંસા કે જીવ લેવાની વૃત્તિ
એનામાં બહુ હોતી નથી, પરંતુ જગતજનની પણ જ્યારે રાક્ષસ સામે આવે છે ત્યારે એની પાસે વધ
કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી!
મહિલાઓ પર થતાં અત્યાચાર વિશે વાત કરવાનો આ સાચો સમય છે, આ વુમન્સ ડેનું વીક
છે ત્યારે એવા કેટલાય કિસ્સાઓ વિશે વાત થઈ શકે જેમાં એક સ્ત્રી ઉપર, બાળકી ઉપર, દીકરી કે
પત્ની ઉપર કોઈ કારણ વગર ફક્ત વિકૃતિ કે ક્રોધને કારણે, અહંકાર કે બહારના ફ્રસ્ટ્રેશનને કારણે
અત્યાચાર થાય છે. આપણે બધા એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં આવા કિસ્સા વિશે
જાહેરમાં વાત કરતાં સ્ત્રીને પોતાને જ શરમ આવે છે અથવા મૂંઝવણ થાય છે. ‘લોકો શું કહેશે!’
અથવા ‘મારાં લગ્નજીવન કે પારિવારિક સંબંધો વિશે બધાં વાતો કરશે’ જેવી વિચિત્ર અને બિનજરૂરી
માનસિકતા સ્ત્રીને અવાજ ઊઠાવતાં રોકે છે. હજી થોડાં વર્ષો પહેલાં, આવા અત્યાચાર માત્ર
લગ્નજીવનમાં જ થતા-હવે આવી ઘટનાઓ લગ્નજીવન પૂરતી સીમિત નથી રહી. કાકા, મામા, દાદા,
બાળકી ઉપર વારંવાર બળાત્કાર કરતાં હોય, પડોશી કે બહેનપણીના પિતા પણ આવું દુષ્કૃત્ય કરતાં
હોય, ભાઈ અને પિતા મળીને દીકરીને કોઈકની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતા હોય,
સગી મા દીકરી પાસે શરીર વેચવાનો વ્યવસાય કરાવતી હોય કે પછી સૌથી પીડાદાયક કે ધૃણાસ્પદ
વાત એ છે કે, પિતા પોતે જ પુત્રી પર બળાત્કાર કરતા હોય એવા કિસ્સાથી અખબારના પાનાં રોજ
કાળાં થાય છે.
આનું કારણ શું છે? એના ઊંડાણમાં કે એનાલિસિસમાં ઉતરીએ તો સમજાય કે, સ્ત્રી શારીરિક
રીતે નબળી છે, આર્થિક રીતે આધારિત છે અને સૌથી મહત્વનું એ પ્રમાણમાં સંવેદનશીલ છે. એનો
ઉછેર કરતી વખતે જ એને એવું શીખવવામાં આવ્યું છે કે, વિદ્રોહ, વિરોધ કે પ્રતિભાવ સુધ્ધાં આપતા
પહેલાં એણે અનેકવાર વિચારવું જોઈએ. ભાગ્યે જ કોઈ માતા-પિતા પોતાના સંતાનને એવું શીખવે
છે કે, અન્યાયનો સામનો કરવો જ જોઈએ અથવા જરૂર પડે ત્યારે કાયદાની સહાય લઈને પણ
સ્વબચાવ કરવો જોઈએ. માર ખાવો, અપમાનિત થવું કે બેડરૂમમાં ઈચ્છા-અનિચ્છાએ શરીર સોંપી
દેવું, સૃષ્ટિ વિરુધ્ધના કાર્યને પણ ‘પતિની ઈચ્છા’ માનીને સમર્પિત થવું એ ‘ઘર સાચવવા’ માટે,
‘પ્રતિષ્ઠા ન બગડે’ તે માટે જરાય જરૂરી નથી.
નાની ઉંમરની દીકરી સાથે કશું ખોટું થતું હોય તો એ ગમે તેટલા નિકટના સ્વજન હોય,
માતા-પિતાએ અવાજ ઉઠાવીને આવા લોકોને જેલ ભેગા કરવા જ જોઈએ કારણ કે, સમાજમાં
ફરતા આવા રાક્ષસો માત્ર એક જ દીકરી માટે જોખમ નથી હોતા, પરંતુ આપણે ‘દંભ’ અને
બિનજરૂરી ઢાંકપીછોડામાંથી ઊંચા નથી આવતા. કદાચ એટલે જ, સપ્રેસ્ડ અને દબાવી રાખેલી પીડા
જ્યારે પોતાનો રસ્તો શોધે છે ત્યારે એનો અંત લોહિયાળ હોય છે.
એવું પણ નથી કે, સ્ત્રી કશું ખોટું કરતી જ નથી. 498-એના દુરુપયોગ, ખોટા ‘મી ટુ’ અને
સાસુ-સસરા કે પતિને હેરાન કરતી સ્ત્રીનાં કિસ્સા, બાળકો પર અત્યાચાર કરતી મા આપણે જોઈ જ
છે… સવાલ એ છે કે, વેર લેવાના, પાઠ ભણાવવાના આવા કિસ્સા સમાજમાં કયા પ્રકારનું ઉદાહરણ
આપે છે?
જે પરિસ્થિતિમાં જીવી ન શકાય એ પરિસ્થિતિ બદલવી જોઈએ. સ્ત્રીનું સાચું સશક્તિકરણ
એ છે કે, સ્ત્રી માત્ર પોતાને માટે નહીં બલ્કે બીજાને માટે પણ પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરે.