બે દિવસ પછી વર્લ્ડ થિયેટર ડે છે… આખી દુનિયા રંગભૂમિ દિવસ ઉજવશે ત્યારે રંગભૂમિ માટે જન્મેલો
અને જીવી ગયેલો એક માણસ, જે હજી હમણા જ આપણી વચ્ચેથી વિદાય થયો છે. એની વાત કરવાનું મન
થાય. 42 વર્ષની નાનકડી ઉંમરે એણે જામનગર જેવા નાનકડા શહેરમાં રહીને રંગભૂમિને પોતાની રીતે પૂરેપૂરી
જાણી-માણી અને પામી લીધી. છેલ્લે જ્યારે તબિયત ખરાબ હતી અને રાજકોટની હોસ્પિટલમાં એ સારવાર લઈ
રહ્યા હતા ત્યારે ડૉક્ટરે પણ કહ્યું કે, ‘બહુ આશા નહીં રાખતા’ ત્યારે પણ એમણે અભિનેત્રી અને એમની
વહાલી એવી રીવા રાચ્છને લખેલું, ‘બસ બે-ચાર દિવસમાં ઊભો થઈ જાઉ એટલે ડબિંગ કરી લઈશું.’
એમને ઊભા કરવાનો, ઊભા રાખવાનો એક માત્ર રસ્તો ‘રંગભૂમિ’ હતી!
નામ એનું જય વિઠલાણી. 11 વર્ષની ઉંમરે એમણે એક યુવા ડ્રાઈવરનો હ્યુમરસ રોલ કર્યો.
નાટક હતું, ‘ગૂંજ’ (1994). એ દિવસથી શરૂ કરીને છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘કમઠાણ’માં એમણે સૌથી
રસપ્રદ અને હ્યુમરસ રોલ કર્યો ‘ડૉક્ટર દેસાઈ’નો. એમનો પહેલો અને આખરી પ્રેમ રંગભૂમિ. ત્રણ
દિવસનું શુટિંગ હોય અને સામે નાટકમાં 15 દિવસ મહેનત કરવાની હોય, પૈસા ત્રણ દિવસના
શુટિંગમાં વધારે મળવાના હોય તેમ છતાં એ પહેલી પ્રાયોરિટી ‘નાટક’ને આપે. હું એમને પહેલીવાર
મળેલી જામનગરમાં. 2012માં વિરલ રાચ્છ દિગ્દર્શિત નાટક ‘સિલ્વર જ્યુબિલી’ લઈને અમે
અમેરિકા જવાના હતા. જયભાઈ એમાં એક રોલ કરતા. નાટકનું પ્રોડક્શન અને બેક સ્ટેજ પણ એ જ
કરવાના કારણ કે, અમેરિકામાં મોટી ટીમ તો પોષાય નહીં. અમે મળ્યા એ ક્ષણથી અમારી વચ્ચે
દોસ્તી થઈ ગઈ. એમની સેન્સ ઓફ હ્યુમર, સરળ સ્વભાવ અને સાદગી કોઈને પણ ગમી જાય એવાં.
રિહર્સલ દરમિયાન મારે અને વિરલભાઈને સખત ઝઘડો થયો. વિરલભાઈએ કહ્યું, ‘નથી કરવું તમારું
નાટક.’ મેં પણ કહ્યું, ‘મારે પણ બીજા બહુ કામ છે…’ જય વિઠલાણી જેનું નામ, એણે કહ્યું, ‘પણ અમે
તો સાવ નવરા થઈ જઈશું. અમારે ખાતર આ નાટક કરો.’ બધા હસવા લાગ્યા અને વાત બદલાઈ
ગઈ. અમેરિકાના અમારા સહપ્રવાસ દરમિયાન વિરલભાઈ અને મારા ક્રિએટિવ ડિફરન્ટ્સ વચ્ચે
જયભાઈ એક બફર… કદી ગુસ્સે થાય નહીં. ઉલ્ટાના પરિસ્થિતિ સાથે ગમે તેમ કરીને સુમેળ
સાધવાનો પ્રયાસ કરે. આ મારી એકલીનો અનુભવ નહીં હોય… એમને મળેલી દરેક વ્યક્તિ એમના
વિશે એક જ અભિપ્રાય ધરાવતી હોય… ‘મજાનો માણસ.’
જયભાઈની પહેલી સફળતા 1998 ‘જ્યાં ન ઉગે સૂરજ’ નામના નાટકથી શરૂ થઈ. એમને
નેશનલ એવોર્ડ મળ્યો ને પછી તો રંગભૂમિ સાથેનો જે નાતો બંધાયો એ 65-70 જેટલા નાટકો
દરમિયાન સતત વધુને વધુ ગાઢ થતો રહ્યો. તબિયત ખરાબ હોય કે સારી, રંગભૂમિનો સાદ પડે કે જય
વિઠલાણી હાજર! અભિનેતા તરીકે તો અદભૂત જ, પણ દિગ્દર્શક તરીકે પણ બેનમૂન. વિરલ રાચ્છ
જ્યારે એકાંકી છોડીને ત્રિઅંકી તરફ વળ્યા ત્યારે કોલેજોમાં સ્પર્ધા માટે એકાંકીનું દિગ્દર્શન કરવાનું
કામ જયભાઈએ સંભાળ્યું. સતત ત્રણ વર્ષ સુધી એમણે દિગ્દર્શિત કરેલા નાટકને અવોર્ડ મળતો રહ્યો,
આ હેટ્રીક પોતે પણ એક રેકોર્ડ છે!
જન્મ સાથે જ એમને માર્ફાન સિન્ડ્રોમ નામનો રોગ હતો. માણસના શરીરના તમામ
સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડતા જાય અને પોતાનો કંટ્રોલ છોડી દે. જયભાઈની જગ્યાએ બીજું
કોઈ પણ હોત તો 25થી 30ની વચ્ચે એણે પથારી પકડી લીધી હોત, પરંતુ 2011માં અને 2022માં
બે મેજર ઓપરેશન પછી પણ જય વિઠલાણી પોતાનું કામ કરતા રહ્યા. એમને કદાચ ખબર જ હતી
કે, એમનો રોગ એમને બહુ લાંબું નહીં જીવવા દે… એટલે જ એ જેને પણ મળતા એની સાથે એવી
રીતે દોસ્તી કરી લેતા કે એ વ્યક્તિ એમને સહેલાઈથી ભૂલી ન શકે.
એમના પત્ની ખુશ્બૂ અને દીકરો દર્શ, પિતાને સ્મિત સાથે યાદ કરે છે કારણ કે, છેલ્લીવાર
રાજકોટ ઓપરેશન માટે જતા પહેલાં એમણે દીકરાને બેસાડીને કહેલું, ‘હું કદાચ પાછો ન આવું, પણ
એથી મને રડીને કે દુઃખી થઈને યાદ નહીં કરતા. હું આટલા વર્ષોમાં ભરપૂર જીવ્યો છું. મારી મરજીનું
અને ગમતું જીવ્યો છું એટલે મને જ્યારે પણ યાદ કર્યો ત્યારે સ્માઈલ સાથે યાદ કરજો.’ સાચી વાત તો
એ છે કે, જયભાઈને યાદ કરીને રડવું હોય તો પણ રડી શકાય નહીં… એમની સાથેના પ્રસંગો યાદ
આવે તો ભીની આંખે પણ સ્મિત તો આવી જ જાય.
અમેરિકાના પ્રવાસ દરમિયાન અમે અનેક મુશ્કેલીઓ સાથે સહન કરી. અમેરિકા ઉતર્યા ને
તરત જ ખબર પડી કે, જેમણે અમારા પહેલા બે શો નિશ્ચિત કર્યા હતા એમણે એ શો કેન્સલ કરી
નાખ્યા. એક અઠવાડિયા સુધી ક્યાં રહેવું એની અજાણ્યા દેશમાં ખબર નહોતી ત્યારે સુનીલ નાયકે
અમને એમની મોટેલમાં રહેવાની જગ્યા કરી આપી. એક આખું અઠવાડિયું કંઈ કર્યા વગર સાથે
રહેવાનું… એક રીતે પિકનિક જેવું, પણ બીજી રીતે નાટક કરવા ગયેલા અને નાટક વગર રહેવાનું…
પણ, જયભાઈ જેનું નામ એણે અમને એક દિવસ પણ નિરાશ નથી થવા દીધા. રોજ સાંજે કંઈકને
કંઈક નવી વાતો, નવા નવા એવા ગતકડાં કરે કે સૌ હસી હસીને બેવડ વળી જાય.
રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ રજૂ થયાને 53 વર્ષ થયાં, જયભાઈને 42 જ થયાં હતાં…