આજે 9મી એપ્રિલે, જયા બચ્ચનનો જન્મદિવસ છે, પરંતુ જે ધામધૂમ, ઉત્સાહ અને ઉલટભેર
અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવાય છે એવું કઈ જયાજીના જન્મદિવસે થતું નથી! બચ્ચન
સાહેબની નમ્રતા, સમયપાલન અને શિસ્તના સૌ કોઈ વખાણ કરે છે, જ્યારે જયાજી મીડિયા સાથે
ઝઘડે, ફોટોગ્રાફરોને ખખડાવે અને પ્રશ્ન પૂછનારને ઉતારી પાડે એના વીડિયો વાઈરલ થાય છે. લગભગ
સૌ જયાજીને એક તોછડી, કડવી અને તુંડમિજાજી વ્યક્તિ તરીકે મૂલવે છે, પરંતુ કોઈએ ક્યારેય એવું
વિચાર્યું છે ખરું કે, કોઈ સ્ત્રી જ્યારે આટલી બધી કડવી અને તોછડી થઈ જાય, જ્યારે એ દુનિયાની દરેક
બાબત વિશે અણગમો પ્રગટ કરે કે એને લગભગ દરેક વ્યક્તિ ન ગમે ત્યારે એની ભીતર શું થતું હશે!
જયાજી મોટા સ્ટાર હતાં, બચ્ચન સાહેબ સાથે એમણે લગ્ન કર્યા પછી સંતાનોને ઉછેરવા માટે
કારકિર્દી છોડી દીધી. બચ્ચન સાહેબ બહુ મોટા સ્ટાર બન્યા-સદીના મહાનાયક તરીકે ઓળખાયા એ
સાચું, પરંતુ એની સામે રેખાજી સાથેના એમના સંબંધો અને અફેર વિશે કેટલી બધી ચર્ચા ચાલી! એક
પુરુષ જ્યારે સંઘર્ષ કરતો હોય ત્યારે એ સંઘર્ષમાં એની સાથે રહેલી એની જીવનસંગિની-પત્નીએ શું સહ્યું
છે એ વિશે કોઈ ક્યારેય વિચારતું નથી… એ જ પુરુષ જ્યારે સફળ થઈ જાય ત્યારે એની સફળતાની
ઝાકઝમાળમાં, તાળીઓમાં, પ્રસિધ્ધિમાં જ્યારે કોઈ બીજી સ્ત્રી સામેલ થઈ જાય ત્યારે, સંઘર્ષમાં એની
સાથે ચાલેલી પત્નીની દશા શું હોય? આ માત્ર અમિતાભ બચ્ચનના ઘરની વાત નથી, ભારતના કેટલાંય
ઘરોમાં આ સ્થિતિ હશે જ! સંઘર્ષના દિવસોમાં કરકસર અને સમાધાન કરીને જીવેલી સ્ત્રી એક હોય
જ્યારે સફળતાનો સ્વાદ અને પ્રસિધ્ધિનું પ્લેઝર કોઈ બીજી સ્ત્રી લઈ જાય ત્યારે એ ગૃહિણી, એ મા, એ
પુત્રવધૂ કડવી થઈ જાય એમાં કોઈ નવાઈ છે? ભાગ્યે જ કોઈ સ્ત્રી આ પરિસ્થિતિમાં પોતાનું સંતુલન
જાળવીને જીવનને જુદી દિશામાં વાળી શકે છે… જે આ કરી શકે છે એની સામે આ દુનિયા ઝૂકી જાય છે,
કારણ કે અન્યાય અથવા અવગણનાની સામે જે કકળાટ કરે છે, ઝઘડે છે, કડવા થઈ જાય છે કે પોતાની
આ સ્થિતિ માટે જગતને, સમાજને કે દુનિયાની બીજી વ્યક્તિઓને જવાબદાર ઠેરવે છે એની સાથે કોઈ
સહાનુભૂતિ બતાવતું નથી, પરંતુ જે આવા અન્યાય કે અવગણના સામે પોતાના વ્યક્તિત્વને ઢાલ
બનાવીને કશુંક અલગ, અનોખું ઊભું કરી શકે છે એ સ્ત્રીઓની સરાહના આખું જગત કરે છે.
ડિમ્પલ કાપડિયા, નીતુ સિંઘ કે ઝીનત અમાન જેવી સ્ત્રીઓએ પોતાના લગ્નની, સંબંધની કે
સંવેદનાઓની નિષ્ફળતાને સહાનુભૂતિની ભીખનો કટોરો બનાવવાને બદલે પોતાની ટેલેન્ટને હથિયાર
બનાવ્યું. એમણે જીતીને બતાવ્યું. હજી હમણા જ કોફી વિથ કરણના એક ઈન્ટરવ્યૂમાં નીતુ સિંઘે કહ્યું, ‘હું
એટલી બધી નાની હતી કે, કશું સમજી શકું એમ જ નહોતી. લગ્ન પછી કામ નહીં કરવાનો નિર્ણય મારો
હતો કારણ કે, લગ્ન સુધી મેં ખૂબ કામ કરી લીધું હતું. રિશિ એક પઝેસિવ પતિ હતો અને કદાચ મેં કામ
કર્યું હોત તો અમે સુખેથી ન રહી શક્યા હોત.’ તો એ જ ઈન્ટરવ્યૂમાં ઝીનત અમાને કહ્યું, ‘મેં મારા
સંબંધોની નિષ્ફળતાને સ્વીકારી અને એમાંથી બહાર નીકળવા માટે મારી જાતને એટલી સરસ રીતે તૈયાર
કરી કે હવે મને કોઈ ફરિયાદ નથી રહી.’ રાજેશ ખન્ના સાથેના ચર્ચાસ્પદ લગ્ન અને એ પછીની
નિષ્ફળતાએ ડિમ્પલજીને નિરાશ અને ડિપ્રેસ કરી નાખ્યાં હોત, પરંતુ એમણે ફરીથી કામ કરવાનું નક્કી કર્યું
અને એક સફળ હીરોઈન તરીકે અનેક ફિલ્મો આપી.
આપણી સાથે જે કંઈ થાય એ માટે નસીબ કે બીજી વ્યક્તિને જવાબદાર ઠેરવવાને બદલે એ
પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરી શકીએ છીએ એ વિશેનો વિચાર કરવો જોઈએ. આ
દુનિયાની કોઈ એવી સ્ત્રી નથી જેણે ‘સ્ત્રી’ હોવા માટે એક યા બીજા કારણસર આ સમાજનો અન્યાય
સહન ન કર્યો હોય. માત્ર ભારતમાં જ નહીં, જેન્ડર બાયસ તો વિદેશમાં પણ છે. નવાઈની વાત એ છે કે,
બદલાતા સમય સાથે આવો અન્યાય માત્ર ‘સ્ત્રી’ સાથે નથી થતો. હવે પુરુષ પણ આવી અવગણના કે
અન્યાયનો ભોગ બનવા લાગ્યો છે. પત્નીનાં શિક્ષણ કે કારકિર્દી માટે અનેક રીતે સમજદારી બતાવીને,
ભોગ આપનાર પુરુષ પણ ક્યારેક સફળ થઈ ગયેલી સ્ત્રીની સફળતામાં એની સાથે નથી હોતો, કારણ કે
એ વખતે સફળ થઈ ગયેલી વ્યક્તિને અન્ય કોઈમાં રસ પડવા લાગે છે!
મોટાભાગના લોકો આ સ્થિતિમાં ‘મેં કેટલું કર્યું’ અથવા ‘મેં કેટલું છોડ્યું’નું ગાણું ગાતા હોય છે.
એનો કોઈ ખાસ અર્થ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને પોતાની એક
નવી ઓળખ, નવું અસ્તિત્વ ઊભું કરી શકે એ સમાજ માટે ઉદાહરણ બની જાય છે! એની સામે કેટલાક
લોકો સતત ફરિયાદ કરીને કંટાળો અને ગોસિપનું કારણ બને છે! આસપાસની દુનિયામાં એ હાંસીપાત્ર
બનવા લાગે છે કારણ કે, દરેક વ્યક્તિને આ તકલીફ કે દુઃખ સમજાતાં નથી-એમને માટે તો આવી
વ્યક્તિઓ એક વિદુષક જેવી હોય છે.
આપણે પણ આપણા જીવનની તકલીફો વિશે વારંવાર ફરિયાદ કરીને વિદુષક ન બનવું હોય કે
અન્ય લોકો માટે મનોરંજન કે ગોસિપનો વિષય ન બનવું હોય તો જે વ્યક્તિ માટે આપણે એના સંઘર્ષના
સમયમાં એની સાથે રહ્યા કે એને સાથ આપ્યો એ વાતને આપણી ફરજ કે સ્નેહ સમજીને છોડી દેવી
જોઈએ. જે ગયું એના પર અફસોસ કર્યા કરવાને બદલે હવે શું બાકી રહ્યું અને શું થઈ શકે એ વિશે
વિચારવું જોઈએ.
જયાજી રાજ્યસભાના મેમ્બર છે, જુહુ સ્કીમના વિસ્તારમાં પાંચ બંગલાના માલિક છે. એમની
પાસે પૈસા, વસ્તુઓ, વૈભવ, નોકરચાકર કે સવલતોની કોઈ કમી નથી. બોલિવુડનો ફર્સ્ટ પરિવાર કહેવાય
એ સ્થિતિમાં એમણે જો ખરેખર પોતાનું ગૌરવ જાળવવું હોય તો મીડિયા કે ફેન્સ સાથે આવી રીતે
વર્તવાને બદલે એક શાંત, સ્વસ્થ મેચ્યોર અને ગરિમાપૂર્ણ વ્યક્તિ તરીકે જાહેર સમારંભો કે કાર્યક્રમોમાં એક
નવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 75 વર્ષની ઉંમરે લોકો આપણી હાંસી ઉડાવે એને બદલે
જો આપણો દાખલો આપે કે આપણા જેવા બનવાનો પ્રયાસ કરે તો જીવેલાં વર્ષો લેખે લાગ્યાં એમ
કહેવાય, બાકી કેક પર મીણબત્તી ઉમેરાય અને જીવનમાં વર્ષો ઉમેરાય એને ‘જીવ્યું’ ન કહેવાય.