જીત કી આશા મેં યે દુનિયા જુઠી બાજી ખેલે, જબ ચાહે વો ઉપરવાલા હાથ સે પત્તે લે લે…

એક ગરીબ માણસ એક દિવસ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસાવાળા લોકો પોતાના
પૈસાના જોરે આગળ જઈ રહ્યા હતા. એ માણસ જેટલીવાર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો એટલીવાર
એને મંદિરના પૂજારી પાછળ ધકેલી દેતા. એ માણસ સારા એવા સમય સુધી મંદિરમાં પ્રવેશવાની મથામણ
કરતો રહ્યો. પછી નિરાશ થઈને પાછો જતો હતો ત્યારે એને એક વ્યક્તિ મળી. એ વ્યક્તિએ પેલા માણસને
પૂછ્યું, ‘ન પ્રવેશવા દીધો ને તને ?’ માણસ રડી પડ્યો… એ વ્યક્તિએ માણસના ખભે હાથ મૂકીને કહ્યું, ‘તું
જેને મળવા મંદિરમાં જવાનો પ્રયાસ કરે છે એ, ભગવાન હું પોતે છું. આ લોકો મને અંદર નથી જવા દેતા તો
તને ક્યાંથી જવા દેશે ?’ ઓશોએ પોતાના વ્યાખ્યાનમાં આ વાર્તા કહી છે. આ વાત ઉપર વિચાર કરીએ તો
સમજાય કે, આપણે બધા જેને ભગવાન કે ધર્મ કહીએ છીએ એ સાચા અર્થમાં એકબીજાની સાથે વિવાદ કે
યુધ્ધ કરવાનું કારણ બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધી નાસ્તિક માણસોએ કોઈ યુધ્ધ કર્યા
જ નથી. એમણે ઈશ્વરના અસ્તિત્વને નકારવા સિવાય દુનિયાને બહુ મોટું નુકસાન નથી કર્યું, પરંતુ જે
પોતાની જાતને આસ્તિક, ધાર્મિક કે ઈશ્વરપરાયણ કહે છે એવા લોકોએ સૌથી વધુ લોહી રેડ્યું છે. ઈશ્વરના
માર્ગે ચાલવાનો દાવો કરતા લોકોએ સૌથી વધુ પક્ષપાત અને ફરેબનો સહારો લીધો છે.

દેશ માટે લોહી રેડતા સૈનિકો જ્યારે સરહદ પર હોય છે ત્યારે એ લોકો એકબીજાનો ધર્મ ભૂલીને
દેશપ્રેમ અથવા સ્વદેશને ધર્મ બનાવે છે, પરંતુ એ લોકો જે દેશની રક્ષા કરી રહ્યા છે એ દેશની અંદર – માત્ર
ભારત જ નહીં, વિશ્વભરમાં, રંગ અથવા ધર્મના આધારે લોકો અંદર અંદર લડી રહ્યા છે. આપણે જાણીએ
છીએ કે, કોરોનાની મહામારી અત્યારે આખી દુનિયા પર હાવી થઈ ગઈ છે. રોજેરોજ મૃત્યુના આંકડા
વાંચીને કાળજુ કંપી જાય છે. ગયા અઠવાડિયે એક વૃધ્ધ વ્યક્તિએ બ્રિજ પર ઊભા રહીને રૂપિયા ઉડાડી દીધા,
એમનું કહેવું હતું કે, હવે મરી જ જવાનું છે તો આ રૂપિયા કામમાં નહીં આવે… એમની વાત સાવ ખોટી
નથી. લાખો રૂપિયાના માલિક હોવા છતાં, બેંકમાં કરોડોનું બેલેન્સ હોવા છતાં, ઓક્સિજનનું સિલિન્ડર કે
હોસ્પિટલમાં બેડ મળશે એવું કોઈ વચન આજની તારીખે આ દેશમાં કોઈ માણસ પાસે નથી. નકલી
ઈન્જેક્શન વેચાઈ રહ્યા છે, શબવાહિની અને પ્રાઈવેટ એમ્બ્યુલન્સના બ્લેક બોલાય છે ત્યારે આપણે આ
દેશના નાગરિક તરીકે કેટલી બધી અસલામતીમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ સૌ સમજે છે. આજના
સમયમાં જ્યારે, આખી દુનિયા નિરાશા અને મૃત્યુના અંધકારમાંથી પસાર થઈ રહી છે. માણસ પોતે જ
પોતાની જાત પરનો વિશ્વાસ ખોઈ બેઠો છે અને આવનારા દિવસો વિશે આપણે સૌ ગભરાયેલા અને
ગૂંચવાયેલા છીએ ત્યારે આપણને ડૉક્ટર પછી સૌથી વધુ જરૂર ધર્મ અથવા ઈશ્વરની છે. એ એક જ એવું
તત્વ છે જે આપણને આ હતાશા અને અનિશ્ચિતતામાંથી ઉગારી શકે, કદાચ !

આપણે સૌ જેને અત્યાર સુધી ‘ધર્મ’ કહેતા હતા એ પ્રવૃત્તિ, કર્મકાંડ, દીવો કરવો, માળા કે પૂજા
કરવી… ઈબાદદ કરવી, બંદગી કરવી, ગ્રંથસાહિબની સેવા કરવી કે દેરાસર-અગિયારીમાં જવું, ચર્ચમાં જવું
આ બધું આપણને વારસાગત મળે છે. માતા-પિતાનો જે ધર્મ હોય એ જ ધર્મ સંતાન પાળે, એવું જાણે-
અજાણે નક્કી થઈ ગયું છે. ધર્મ તરીકે આપણે આપણા સંતાનોને સમજણ આપવાને બદલે મોટેભાગે કાયદા
શીખવીએ છીએ. શું કરાય અને શું ન કરાય, વારસામાં મળેલો ધર્મ પાળવા માટે સંતાને માતા-પિતાએ
શીખવેલા કાયદા પાળવા પડે… એ સિવાય ધર્મને નામે આપણા સંતાન કે આવનારી પેઢીને આપવાનું
આપણી પાસે કશું નથી. ચારેતરફ જે પ્રકારના ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે એ બધું જાણે કે, અર્થહીન લાગવા
માંડ્યું છે. બીજી તરફ, ભક્તો એકઠા ન થાય અને કોરોના ન ફેલાય એ માટે મંદિરો બંધ કરવા પડ્યા છે.
મીડિયામાં સમાચાર છપાય છે કે અમુકતમુક ધર્મસ્થાનની આવક ઘટી ગઈ… આમ તો આઘાત લાગે એવા
સમાચાર છે ! ધર્મસ્થાનની આવક, એટલે શું ? ધર્મસ્થાનમાં કોઈ બિઝનેસ છે કે એની આવક ઘટે તો તકલીફ
પડે, એવો સવાલ નવી પેઢીને થયા વગર રહેતો નથી… કોરોનાના સમયમાં જ્યારે માણસ પાસે ખાવાના
પૈસા નથી, ઓક્સિજન સિલિન્ડર, ઈન્જેક્શન કે દવાઓ ઉપલબ્ધ નથી ત્યારે ધર્મસ્થાનની આવક ગણવા
બેસે એવા લોકોને આપણે શું કહીશું ?

જે ઈન્જેક્શન કે દવા માણસનો જીવ બચાવી શકે એમ છે એમાં નકલી દવાઓ ઘુસાડવી કે એના
કાળા બજાર કરવા, એ પછી ધર્મસ્થાનમાં કમાયેલા પૈસાનું દાન આપવું… એનાથી કોઈ પુણ્ય મળશે ખરું ?
કેટલાય લોકો આજે ‘કોરોના’ નામના બિઝનેસમાંથી પૈસા કમાવાના રસ્તા શોધી રહ્યા છે. એ લોકો ગમે
એટલા ધાર્મિક હોવાનો દાવો કરે, પરંતુ એમને આ ગુનાહની સજા નહીં મળે ? હોસ્પિટલના આઈસીયુમાં
પડેલા વ્યક્તિના મૃત્યુ પછી એના શરીર પરથી દાગીના ઉતારી લેતા કે જેના સગાંવહાલાને અંદર આવવા
નથી દેતા એવી વ્યક્તિને પાણી પીવડાવવામાં આળસ કરતા કર્મચારીઓને શું ‘એમનો ધર્મ’ માફ કરી દેશે ?
આપણે બધા જ, જાણે-અજાણે એવું માની બેઠા છીએ કે, ધર્મસ્થાનમાં કરેલું દાન અથવા ત્યાં આપેલા પૈસા
આપણે માટે સ્વર્ગની સીડી તૈયાર કરશે. આ વાત કેટલી સત્ય છે એ તો જેમનું મૃત્યુ થયું છે એ જ કહી શકે,
પરંતુ જે લોકો જીવે છે એમની નાની નાની જરૂરિયાતો પૂરી કરી શકે એ દાન આજના સમયમાં વધુ મહત્વનું
અને વધુ જરૂરી છે એવું સહુએ સમજી લેવાની જરૂર છે. એક માણસ, જો બીજા માણસના જીવનને મહત્ત્વ
નહીં આપે તો એ ગમે તેટલી પૂજા-પ્રાર્થના, દીવા કે બંદગી કરે, કેન્ડલ પેટાવે કે ધૂપ કરે… એનાથી કોઈ ફેર
નહીં પડે.

આજના સમયમાં જ્યારે સહુનો આત્મવિશ્વાસ હચમચી ગયેલો છે, એવા સમયમાં કયું તત્વ છે જે
આપણને આત્મવિશ્વાસ અને પરિસ્થિતિ સાથે ઝઝૂમવાની શક્તિ આપી શકે? એ તત્વ છે ભીતરની શુધ્ધતા
અને માણસ હોવાની સચ્ચાઈ. આપણે બધા અજાણતાં જ ધીરે ધીરે માણસાઈ ખોવા લાગ્યા છીએ. સ્વાર્થ
અને એકલપેટા બનવા લાગ્યા છીએ. હોસ્પિટલમાં એડમિટ થવા પોતાને મળેલું ટોકન કોઈ બીજી
જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેનાર કદાચ વધુ ધાર્મિક છે. કોરોનાના પેશન્ટને ભોજન પહોંચાડનાર કે
પોતાની ઓળખ છુપાવીને લોકોની મદદ કરનાર રીક્ષા ડ્રાઈવર, ઓક્સિજનના સિલિન્ડર સૌને મળી રહે એ
માટે ઝઝૂમતા લોકો અને સૌથી મહત્ત્વના ડૉક્ટર્સ અને તબીબી કર્મચારીઓ, હોસ્પિટલનો સ્ટાફ આજની
તારીખમાં સૌથી વધુ ધાર્મિક છે, કદાચ !

જો આપણે પરમતત્વમાં માનતા હોઈએ, કોઈ પણ ધર્મના ભગવાન, અલ્લાહ, જિસસ કે મહાવીર
સ્વામીની પૂજા કરતા હોઈએ તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ સમગ્ર જગતનું સર્જન જેણે
કર્યું છે એને આ જગત બચાવવામાં મદદ કરનાર માણસ સૌથી પ્રિય અથવા સૌથી નિકટનો લાગશે. આપણે
કોઈ સુંદર વસ્તુનું સર્જન કર્યું હોય અને એ વસ્તુ જ્યારે નષ્ટ થઈ રહી હોય ત્યારે એને બચાવવામાં આપણે
આપણી સમગ્ર શક્તિ કામે લગાડી દઈએ છીએ એવી જ રીતે, પરમતત્વએ સર્જેલી આ દુનિયા અત્યારે નષ્ટ
થવાના આરે આવીને ઊભી છે… પ્રત્યેક ઘરમાં મૃત્યુના સમાચાર એવી રીતે સંભળાય છે જાણે કોઈ ઘર બાકી
નહીં રહે, એવા સમયમાં સામેની વ્યક્તિનો ધર્મ યાદ રાખવાને બદલે ચાલો, આપણો ધર્મ યાદ રાખીએ…
આપણી ધાર્મિકતા એ છે કે, આપણે જ્ઞાતિ, જાતિ કે અમીર-ગરીબના ભેદ વગર ભૂંસાઈ રહેલી માનવજાતને
બચાવવામાં જોડાઈ જઈએ. આપણી પાસે જે આવડત, શક્તિ કે સગવડ હોય એ હવે માણસજાત માટે
વાપરીએ…

રાજિન્દર કૃષ્ણ નામના જાણીતા નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખકની આ કવિતા ‘ચૌકીદાર’
ફિલ્મમાં મોહંમદ રફીના અવાજમાં ગવાઈ છે.

મંદિર કા માલિક બન બેઠા, દેખો એક પૂજારી,
જૈસે યે હૈ સબ કા દાતા, ઔર ભગવાન ભિખારી,
દો દિન કા મહેમાન બના હૈ, જગ કા ઠેકેદાર,
યે દુનિયા નહીં, જાગિર કિસી કી,
રાજા હો યા રંક, યહા તો સબ હૈ ચૌકીદાર,
કુછ તો આ કર ચલે ગયે, કુછ જાને કો તૈયાર…

One thought on “જીત કી આશા મેં યે દુનિયા જુઠી બાજી ખેલે, જબ ચાહે વો ઉપરવાલા હાથ સે પત્તે લે લે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *