જીસ પથ પે ચલા, ઉસ પથ પે મુઝે તુ સાથ તો આને દે…

છેલ્લા કેટલાય સમયથી આપણે નાની ઉંમરે હાર્ટ એટેકમાં મૃત્યુ પામતા પુરુષોના સમાચાર
સાંભળી રહ્યા છીએ. ખાસ કરીને, કોરોના પછી 40 અને 50ની વચ્ચેની ઉંમરના પુરુષોને હાર્ટ
એટેકનું જોખમ વધી રહ્યું છે. કેટલાક તબીબોની એક માન્યતા એવી છે કે, કોરોનાના વેક્સિન અને એ
સમયે અપાયેલી દવાઓના કારણે લોહીમાં ક્લોટ થયા હોવા જોઈએ, એ ક્લોટ હૃદય પાસે આવીને
અટકે ત્યારે હાર્ટ એટેક આવે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. બીજી તરફ લાઈફ સ્ટાઈલ એટલી
સ્ટ્રેસફૂલ અને તણાવગ્રસ્ત છે, આપણી ભોજનની આદતો અને જીવનશૈલી બગડતા જાય છે. શરાબ,
સિગરેટ, નોનવેજિટેરિયન ભોજન, રાતના ઉજાગરા અને પૈસાની પાછળ પાગલ થયેલો માણસ
પોતાના સ્વાસ્થ્યની અને પરિવારની સલામતીની ચિંતા કર્યા વગર ‘જીવી લેવું છે’ની ધૂનમાં અંતે
મૃત્યુના શરણમાં પહોંચી જાય છે.

હવે સવાલ એ છે કે, 40થી 50ની વચ્ચેનો પુરુષ મૃત્યુ પામે ત્યારે એની પત્નીની ઉંમર
મોટેભાગે લગભગ એટલી જ હોય. એની સામે આખી જિંદગી પડી હોય, એટલું જ નહીં બાળકો
નાના હોય જેની જવાબદારી પણ અંતે તો મા પર જ આવી જાય. ગુજરાતી પરિવારોમાં, ખાસ કરીને
જે આર્થિક રીતે સુખી છે એવા પરિવારોમાં ભણેલી હોય તેમ છતાં પુત્રવધૂને વ્યવસાય કે કામ કરવા
દેવા માટે બહુ ઉત્સાહ જોવા મળતો નથી. બીજી તરફ પતિ ગમે તેટલું કમાતો હોય પણ એના
આર્થિક વ્યવહારો વિશે પત્નીને જણાવવાની એને જરૂર લાગતી નથી. કેટલીકવાર પત્ની પૂછે ત્યારે
પણ, ‘તારે શું કામ છે? ‘ અથવા ‘હું છું ને!’ કહીને વાત ટાળી દેવામાં આવે છે ત્યારે લગભગ તમામ
પતિઓએ એવું સમજી લેવું જોઈએ કે, કોઈ સદાને માટે આવતું નથી અને આજના સમયમાં કોઈના
જીવનનો ભરોસો નથી ત્યારે આપણે સૌએ આપણી મહેનતના પૈસા આપણા પરિવારને આપણા
વારસદારને મળે એ વિશે સજાગ રહેવું જોઈએ. 40થી 50ની વયમાં કોઈ મૃત્યુ માટે તૈયાર નથી હોતું,
હોવું પણ ન જોઈએ. 20-22ની ઉંમરથી જો કામ કરવાનું શરૂ કર્યું હોય તો 40 વર્ષની ઉંમર આપણી
મહેનત અને આવડતના ફળ ભોગવવાની ઉંમર છે. અંગ્રેજીમાં કહેવત છે, ‘લાઈફ બિગિન્સ એટ ફોર્ટી!’
એનો અર્થ એ છે કે, 40ની ઉંમર જિંદગી શરૂ કરવાની ઉંમર છે, પરંતુ કોઈકવાર દુર્ભાગ્યે એ જ
ઉંમરમાં આપણે લાઈફ પૂરી કરવાની આવે તો?

આપણા પછી આપણો પરિવાર સુરક્ષિત રહે, આર્થિક રીતે એમના ઉપર સમસ્યા ન આવે,
સંતાનોનું ભણતર અને પત્નીનું બાકીનું જીવન સારી રીતે પૂરું થાય એ જોવાની ફરજ પરિવારના
મોભી તરીકે આપણી છે માટે વિલ કરવું, ઈન્શ્યોરન્સ પોલિસીની વિગતો પત્નીને જણાવવી, આર્થિક
વ્યવહારો વિશે જીવનસાથીને જાણકારી હોય એ ખૂબ જરૂરી છે. બીજી એક વાત એ છે કે, આપણે
બહુ લાંબું જીવવાના છીએ એમ માનીને આપણે સુખને પોસ્ટપોન્ડ કર્યા કરીએ છીએ. પરિવાર સાથે
સમય વિતાવવાનો ઘણો ‘સમય’ મળશે એમ માનીને સંતાનો ઉછરતા હોય ત્યારના મહત્વના વર્ષો કે
પત્ની યુવાન હોય, એની અપેક્ષા હોય, આકાંક્ષા હોય ત્યારના વર્ષો, માતા-પિતા સાથે હોય-સ્વસ્થ
હોય ત્યારના વર્ષો આપણે પૈસા કમાવામાં, બલ્કે માત્ર પૈસા કમાવામાં ખર્ચી નાખીએ છીએ… એ
પૈસા આપણે વાપરી શકીશું કે નહીં તેનું કોઈ વચન નથી, છતાં આપણે એને ‘ભવિષ્યની સુરક્ષા’
માનીએ છીએ અને જ્યાં ખરેખર જીવી લેવાનું છે ત્યાં સમય કે સ્નેહ આપી શકતા નથી.

ઈરફાન ખાને પોતાના એક ટ્વિટરમાં લખ્યું હતું, ‘આપણે હંમેશાં માનીએ છીએ કે, આપણી
પાસે ખૂબ સમય છે. જાતજાતના પ્લાન બનાવીએ છીએ અને એક પ્રવાસમાં આગળને આગળ
વધીએ છીએ, પરંતુ અચાનક કોઈ આપણા ખભે હાથ મૂકીને કહે, ‘ચાલો, તમારું સ્ટેશન આવી ગયું’,
ત્યારે સમજાય છે કે, આપણે જે પ્રવાસમાં વ્યસ્ત હતા એ પ્રવાસ અધૂરો જ છૂટી જવાનો છે, ત્યારે
અફસોસ થાય છે કે, આપણે પૂરું જીવ્યા નહીં!’

આ વાત માત્ર પુરુષો પૂરતી મર્યાદિત નથી, સ્ત્રીઓ પણ હવે બ્રેસ્ટ અને સર્વાઈવલ કેન્સરનો
ભોગ નાની ઉંમરે બને છે. જિંદગી એક એવી પરીક્ષા લે છે જેમાં અથાગ હિંમત અને જીજીવિષાની
જરૂર પડે છે. એવા સમયે બે વાતો બહુ મહત્વની છે. એક, આપણા પરિવારને શરૂઆતથી જ થોડો
ઈન્ડિપેન્ડેન્ટ રાખવો. સંતાનોને, પતિને બધી વસ્તુ હાથમાં ન આપવી. આપણી હાજરી ન હોય કે
આપણે બિમાર હોઈએ ત્યારે આપણો પરિવાર આપણા વગર નોધારો, અધૂરો થઈ જાય એવી સ્થિતિ
ઊભી ન કરવી એ સાચો પ્રેમ છે. કેટલીક સ્ત્રીઓને લાગે છે કે, એમના વગર ઘર નહીં ચાલે એ જ
એમનું સાચું પ્રદાન છે, પણ સત્ય એ છે કે આપણા વગર પણ આપણો પરિવાર ખુશ રહે અને
આપણને આનંદથી યાદ કરે અથવા આપણી બિમારીમાં પણ પરિવારના સૌ સ્વયંને સંભાળી શકે
એટલી ટ્રેનિંગ અથવા બેઝિક જરૂરિયાતોને સંભાળી શકે એટલી આવડત આપણે આપણા પરિવારને
આપવી જોઈએ, આ એક વ્યક્તિ તરીકે-આપણી ફરજ છે.

બીજી, અને સૌથી મહત્વની વાત એ છે કે, તમે સ્ત્રી છો, આર્થિક રીતે સ્વતંત્ર છો, પૈસા
કમાઓ છો તો તમારા પૈસાની વ્યવસ્થા તમે જાતે કરતાં શીખો. ટેક્સ ભરવો, ટેક્સ બેનિફિટ,
ઈન્વેસ્ટમેન્ટ, ઈન્શ્યોરન્સ અને હેલ્થ પોલિસી વિશે જાતે માહિતી મેળવો. દરેક વખતે અન્ય પર
આધારિત રહેવું ક્યારેક ખતરનાક પૂરવાર થઈ શકે છે. ખાસ કરીને, વૃધ્ધાવસ્થામાં જ્યારે બેમાંથી એક
આ જગતને વહેલા છોડી દે ત્યારે બીજી વ્યક્તિ માટે પોતાની જિંદગી સ્વતંત્ર અને છતાં સુખેથી
જીવવી જરૂરી બને છે. સંતાનો પોતાની કારકિર્દીમાં અને એમના પરિવારોમાં વ્યસ્ત હોય ત્યારે સતત
એમના પર આધારિત રહીને એમને હેરાન કરવાને બદલે જો આપણે આપણી જિંદગી સંભાળી
શકીએ તો સ્નેહના સંબંધો આજના સમયમાં મજબૂત રહે છે.

સપ્તપદીના સાત વચન લીધા પછી પણ જીવન સાથે જીવી શકાય છે, મરણ સાથે નથી
આવતું એ સત્યને આપણે બધાએ બહાદુરીથી સ્વીકારવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *