કોન્સ્ટેબલ કુલદિપસિંહ યાદવ, રિધ્ધિ અને આકાંક્ષાની આત્મહત્યા હજી હવામાં પડઘાય છે.
આ પહેલાં પણ એક હોમગાર્ડે પોતાના જ ઘરમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.
ઓડિશાના કટકમાં સ્પેશિયલ પોક્સો જજનું શબ પણ એમના ઘરમાં લટકતું મળ્યું. સુભાષકુમાર
બિહારી બે દિવસથી રજા પર હતા. એમની પત્ની અને બે દીકરીઓ બહાર ગઈ ત્યારે એમણે પંખા
પર લટકીને આત્મહત્યા કરી, એમ માનવામાં આવે છે! ડિસેમ્બર, 31, 2018 પીએસઆઈ
દેવેન્દ્રસિંહ રાઠોડ પોતાના જ ઘરમાં ગોળી મારીને આત્મહત્યા કરે છે. 2019માં નવસારીમાં
એન.સી. ફિનાવિયા કેવડિયામાં આત્મહત્યા કરે છે. એ પછી 2021ની જુલાઈ, 16એ ઉમેશ ભાટિયા
ડ્યુટી પર આત્મહત્યા કરે છે. 2020માં વસ્ત્રાપુર પોલીસમાં કોન્સ્ટેબલ વિશાલ ડાભી એમના
ભાડાના ઘરમાં પંખા પર લટકીને આત્મહત્યા કરે છે… પોલીસ સબઈન્સ્પેક્ટર પ્રદીપકુમાર સૌરેન,
એસઆરપી જવાન ધનજી પરમાર, એરફોર્સ સિક્યોરિટીના રામકુમાર… આવાં તો કેટલાંય નામ લઈ
શકાય, જેમણે 45થી ઓછી વયમાં આત્મહત્યા કરી. 19મી જુલાઈ, 2022ના દિવસે આર્મ્ડ ફોર્સના
એક જવાને બે દિવસ દિલ્હીની હોટેલમાં રહીને પછી આત્મહત્યા કરી. લોકસભામાં પૂછાયેલા એક
પ્રશ્નના ઉત્તરમાં અજય ભાટ (મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ) દ્વારા સત્તાવાર માહિતી આપવામાં
આવી કે, છેલ્લા પાંચ વર્ષમાં આર્મ્ડ ફોર્સ (આર્મી, નેવી અને એરફોર્સ)ના 819 ઓફિસર્સે આત્મહત્યા
કરી છે. કોવિડ 19ના પેન્ડેમિક વર્ષો દરમિયાન સૌથી વધારે પોલીસ અને સીઆરપીએફ અને
સીએપીએફના જવાનોએ આત્મહત્યા કર્યાના સમાચાર મળ્યા છે. છેલ્લા 10 વર્ષમાં 1200થી વધુ
યુનિફોર્મ ઓફિસર આપણે ગૂમાવ્યા છે. જેમાં 156 સીએપીએફ-2021, 143, 2020માં અને
2019માં 129 આવાં આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે.
એક યુનિફોર્મ્ડ ઓફિસરની જવાબદારી કે નૈતિક ફરજ સિવિલિયનનો જીવ બચાવવાનો અને
એની સુરક્ષા કરવાનો હોય છે. પોલીસ કે આર્મ્ડ ફોર્સમાં જોડાતી વખતે એને આ જાણ હોય જ તેમ
છતાં એવી કંઈ પરિસ્થિતિ ઊભી થાય છે કે, જેણે અન્યના જીવ બચાવવા માટે સ્વેચ્છાએ યુનિફોર્મ
પહેરવાનું નક્કી કર્યું, એ જ પોતાનો જીવ લેવા મજબૂર કે ઝનૂની થઈ જાય છે!? આપણી સિસ્ટમ
આપણા જવાનોને કે પોલીસને એવું સન્માન કે આર્થિક સુરક્ષા પ્રદાન નથી કરી શકતી? આ જવાનો
કે યુનિફોર્મ્ડ ઓફિસર્સ જે સ્વપ્ના કે અપેક્ષા લઈને વર્દી પહેરે છે એ પછી એમને આ સિસ્ટમનો
હિસ્સો બની જવું પડે છે. દેશની સેવા કરવા કે શહેરની સુરક્ષા કરવા પહેરેલી વર્દી જ્યારે એમને
બોજ લાગવા માંડે ત્યારે ક્યાંક એ તૂટેલા સ્વપ્નનો ભંગાર એમને જીવનના અંત તરફ લઈ જાય છે?
સરકારને જવાબદાર ઠેરવવી સરળ છે, પરંતુ સત્ય એ છે કે, સિસ્ટમ માત્ર સરકાર નથી
બનાવતી. આપણે જાતે આપણી સિસ્ટમ ઊભી કરીએ છીએ. સરકાર તો માત્ર એ સિસ્ટમનું એન્જિન
બનીને એને ચલાવવાનું કામ કરે છે. દિલ્હીમાં બેઠેલા પ્રધાનમંત્રી કે ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓને
આપણે આવા કિસ્સાઓમાં જવાબદાર ઠેરવીને આપણી અંગત નૈતિક જવાબદારીમાંથી મુક્ત થઈ
જવાની સુવિધા ઊભી કરી લીધી છે. સત્ય તો એ છે કે, ટ્રાફિક પોલીસને અપાતી 50-100ની
નોટથી શરૂ કરીને મોટામાં મોટા ભ્રષ્ટાચાર સુધી જે કંઈ થાય છે એ કોણ કરે છે? આપણે… આ સત્ય
કદાચ કડવું લાગે, પરંતુ આપણા કામ કરાવવા માટે ગરજાઉ થઈને આપણે જ સિસ્ટમને આપણી રીતે
ઉલટસુલટ કરીએ છીએ. કાયદો તોડવો આપણને સૌને અનુકુળ પડે છે ને પછી એ માટે દંડ કે સજા
ભોગવવાનું આપણને ગમતું નથી. નવાઈની વાત તો એ છે કે, કાયદો તોડ્યા પછી કેટલાક લોકો
પોતાની જાતને બહાદુર અને પહોંચેલા-કનેક્ટેડ અને ઈનફ્લ્યુએન્શલ પૂરવાર કરીને ગર્વ અનુભવે છે!
આવા સમાજમાં મનમાં સ્વપ્ના અને દેશપ્રેમ પોતાના હૃદયમાં લઈને સિસ્ટમમાં દાખલ
થનારા નવી પેઢીના યુવાનો આ સડેલી સિસ્ટમ સાથે પોતાની જાતને જોડી શકતા નથી. એ બધાને
ખબર છે કે બીજી નોકરી કરતા અહીં પગાર કદાચ ઓછો મળશે તેમ છતાં વર્દીનું આકર્ષણ એમને
ખેંચે છે. સિસ્ટમમાં દાખલ થયા પછી એમને સમજાય છે કે, જે ગ્લેમર અથવા દેશભક્તિની વાતો
સિનેમા, ટેલિવિઝન અને ધારણાઓમાં હતી એના કરતાં સત્ય જુદું છે. સિનેમામાં ધાર્યું કરનારા
પોલીસ ઓફિસર, એને મદદ કરનારા અથવા સાથ આપનારા ઉપરી અધિકારીઓ અને પરિણામ
લાવી શકનારા જાંબાઝની કથાઓ કહેવામાં આવે છે, પરંતુ અહીં ‘બાય ધ બુક’ ચાલવું પડે છે.
પેપરવર્ક થકવી નાખે છે. એક નિર્ણય લેવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે ત્યારે એમને
વર્દીનું ગ્લેમર ઘસાતું દેખાય છે. આત્મહત્યા કરનારા મોટાભાગના એટલા નાની પોસ્ટ પર છે કે
એમનું ખાસ કંઈ ચાલતું ન જ હોય. આવી ‘ઉપરથી પ્રેશર’ અને મનમાં રહેલી પ્રામાણિકતાની
ખેંચતાણ, આર્થિક સંકડામણ અને અંતે અનુભવાતી અસહાયતા પછી એમને આત્મહત્યાનો રસ્તો
દેખાતો હશે?
એક સામાન્ય માણસ જ્યારે તહેવાર ઉજવે, રજા પાડે ત્યારે પોલીસ અને આર્મ્ડ ફોર્સની
જવાબદારી વધી જાય છે. આ ઓફિસર્સ પોતાના પરિવારને ભાગ્યે જ સમય આપી શકે છે. એમના
સંતાનો, પત્ની, મા-બાપ કે ભાઈ-બહેનોની જરૂરિયાતના સમયે એમણે ‘ફરજ’ કે ‘યુનિફોર્મ’ ને પ્રાધાન્ય
આપ્યું હોય છે. એ પછી પણ જ્યારે એમને જોઈતું સન્માન કે સ્વતંત્રતા ન મળે ત્યારે એમને થાક
લાગતો હશે? આ થાક, કંટાળા સુધી અને કંટાળો, નિરાશા સુધી લઈ જતો હશે?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) કહે છે કે, 2020માં 1.53 લાખ, 2021માં
1.78 લાખ અને 2021માં 2.1 લાખ કુલ આત્મહત્યા નોંધાઈ છે-2022ના આંકડા હજી
આવવાના બાકી છે! આયેશાથી કુલદીપ સુધી, સૌએ મૃત્યુ પહેલાં વીડિયો કે મેસેજના સંદેશા મોકલ્યા
છે. એમના મનમાં જે ચાલતું હોય એ સ્વસ્થતાપૂર્વક પોતાના સ્વજન કે અજાણ્યા લોકો સુધી પહોંચે
એવો પ્રયત્ન કર્યો છે. જે વ્યક્તિ મૃત્યુ પહેલાં આટલી સ્વસ્થતાથી પોતાની વાત લખી શકે, કહી શકે
એ પોતાની જિંદગી વિશે થોડીક સ્વસ્થતા કે સમજદારીથી, હિંમત કે આશા સાથે ન વિચારી શકે?
કોઈપણ પરિસ્થિતિ બદલવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. જીવન ટૂંકાવવાનો સહેલો રસ્તો લેવાને
બદલે સંઘર્ષ અને હિંમતનો થોડો લાંબો રસ્તો પસંદ ન કરી શક્યા હોત આ લોકો?
અંતે સૌનું મૃત્યુ થવાનું છે. આ જગતમાં કોઈ અમર નથી-એ સત્ય સ્વીકારી લઈએ તો પણ
આ બધા જવાનોને એક સવાલ પૂછવાનું મન થાય છે… જે જિંદગી આપણે આપણી જાતે મેળવી
નથી એ લઈ લેવાનો આપણને અધિકાર છે ખરો?