જીવદયા કબૂલ… પણ, માનવજીવન માટે શું કરો છો?

નવેમ્બર, 2021માં જેક્વેલિન ફર્નાન્ડિઝને કૉનમેન ચંદ્રશેખરે ભેટ આપેલી સિયામીઝ
બિલાડીનો વિવાદ લગભગ દરેક અખબારમાં, ચેનલ પર અને સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો.
લાખો રૂપિયાની બિલાડી જોવામાં સૌને રસ હતો! દરેકને જાણવું હતું કે, કરોડ રૂપિયાનો ઘોડો કેવો
હોય! જેક્વેલિને પોતાના ઘોડા અને બિલાડી સાથે મૂકેલી તસવીરો એ સમયે ખૂબ વાયરલ થઈ. આમ
તો, દરેક ફિલ્મસ્ટાર્સને પોતાના પાલતુ પ્રાણી સાથે ફોટા અપલોડ કરવાનો શોખ છે. અમિતાભ
બચ્ચનથી શરૂ કરીને સુશાંતસિંઘ રાજપૂત સુધી સૌના ડોગ્સ સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટમાં
ચમકી ચૂક્યા છે.

હજી દસ વર્ષ પહેલાં પાલતુ પ્રાણી રાખવું એ આટલી બધી ફેશનેબલ બાબત નહોતી. હવે
સાયકિયાટ્રીસ્ટ અને પીડિયાટ્રિશ્યન એવી સલાહ આપે છે કે, બાળકને જવાબદાર બનાવવા માટે જો
અનુકૂળ હોય તો ઘરમાં એકાદ પેટ રાખવું જરૂરી છે. આ પેટ અથવા પાલતુ પ્રાણી, માછલી, કાચબા
(કાયદાકીય રીતે છૂટ નથી), કે કૂતરા અથવા બિલાડી, કાકાકૌઆ અથવા પોપટ, કોઈપણ એવો જીવ
જે આપણા પર આધારિત હોય, બોલી ન શકતો હોય અને આપણે એનો ખ્યાલ રાખવો પડે એવો
જીવ ઘરના બાળકને એક મોટા ભાઈ કે બહેનની જેમ એની કાળજી લેવાની જવાબદારી શીખવે છે,
એવું માનસશાસ્ત્રીઓને કહેવું છે, પરંતુ ભારતીયો પરિવારનું સત્ય એ છે કે આવાં પેટ બાળકો માટે
લાવવામાં આવે છે અને પછી એ માતા-પિતાની જવાબદારી બની જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ
પેટ અથવા પાલતુ પ્રાણીમાં ખાસ કરીને ડોગ્સ માટે જાતજાતની એક્સેસરીઝ પણ ઉપલબ્ધ છે. એમને
માટેની ખાસ શોપ, ગૃમિંગ અને ટ્રેનિંગ માટેની ખાસ સ્કૂલ અને એમને માટેના બ્યૂટી પાર્લર્સ પણ હવે
ભારતીય સંસ્કૃતિનો ભાગ બનવા લાગ્યા છે.

આવું પહેલાં નહોતું. ઘરમાં પાળેલું કૂતરું હોય, એનું નામ મોતી કે ટોમી હોય, ઘરના ઓટલે
બેસી રહે અને દિવસમાં બેવાર એને રોટલી ને દૂધ આપી દેવામાં આવે. અજાણી વ્યક્તિ ઘરમાં દાખલ
થવાનો પ્રયત્ન કરે તો કદાચ આવું કૂતરું ભસે… એથી વધારે લાંબો સંબંધ કદાચ ભારતીય કુટુંબોને
પોતાના પાળેલા પ્રાણી સાથે નહોતો. છેલ્લા બે દાયકામાં ન્યૂક્લિયર પરિવારો વધતા ગયા. લોકો
એકલા પડતા ગયા. વધુ ને વધુ યુવાનોએ લગ્ન નહીં કરવાનો અથવા મોડા લગ્ન કરવાનો નિર્ણય
લીધો. કેટલાય યુગલોએ ચાઈલ્ડલેસ, બાળક વગર જ જીવવાનો નિર્ણય કર્યો. આ બધી પરિસ્થિતિમાં
માણસજાતને પોતાનો સ્નેહ જોડવા, પોતાની લાગણી અભિવ્યક્ત કરવા અને કોઈકને ‘પોતાનું’ કહેવા
માટે, એક જીવની જરૂર ઊભી થઈ. માણસ જો માણસને વસાવે તો એ પોતાના અધિકારો જતાવે,
સંબંધનું નામ માગે, બીજું કંઈ નહીં તો પગાર માગે, સાથે સાથે પ્રશ્ન એ છે કે, મોટાભાગના લોકોને
હવે માણસના માણસની સાથેના સંબંધમાં કમિટમેન્ટ નથી જોઈતું! અધિકારો આપવા ન પડે અને
કોઈ અનકન્ડીશનલી (બીનશરતી) પ્રેમ કરે એવું તો માત્ર પાલતુ પ્રાણી જ હોઈ શકે.

આમ જોવા જઈએ તો નવાઈની વાત છે અને આમ હાસ્યાસ્પદ પણ છે કે, ઘરમાં કામ કરતા
ડોમેસ્ટિક હેલ્પ, વોચમેન કે ડ્રાઈવરના બાળકને આપણે અંદર આવવાની ના પાડીએ, એ ઘરની કોઈ
ચીજને અડે તો આપણને ન ગમે, પરંતુ જો આપણો ડોગ કશું તોડી નાખે તો આપણને ગુસ્સો ન
આવે! કૂતરા, બિલાડી, કીડી-મંકોડા, માછલી કે કાગડાને, પંખીઓને કે ગાયને આપણે ખવડાવીએ
કારણ કે એમાં ‘પુણ્ય’ છે, પરંતુ આપણે ગાડીમાં બેઠા હોઈએ અને આપણી સામે ગરમીમાં ઊભેલું,
ભૂખી નજરે જોતું બાળક આપણી સંવેદનાનો એક પણ તાર રણઝણાવી શકે નહીં! આ દેશના અનેક
અનાથ બાળકોમાંથી એકાદ બાળકની જિંદગી સુધારવાનો વિચાર આપણને નથી આવતો. આપણા
બાળકને અનાથ આશ્રમ કે ઝૂંપડપટ્ટીમાં લઈ જઈને એ બાળકોને ભણાવવાની, રમાડવાની પ્રવૃત્તિ
પણ એને જવાબદાર અને સંવેદનશીલ બનાવી શકે એવું આપણે નથી માનતા, પરંતુ ઘરમાં એક પેટ
લાવવાથી એ જવાબદાર થઈ જશે એવી એક પશ્ચિમથી આવેલી માનસશાસ્ત્રીય માન્યતાને આપણે
હોંશે હોંશે સ્વીકારી લીધી છે!

ગાંધીજીએ સર્વોદયની વાત કહી હતી. સર્વનો ઉદય… એટલે આપણી આસપાસના જગતમાં
વસતા દરેક વ્યક્તિના જીવનને થોડો બહેતર બનાવવાનો એક નિષ્ઠાપૂર્ણ પ્રયાસ. કોઈનું જીવન બહેતર
કેવી રીતે બની શકે? એકાદવાર ભોજન આપવાથી, થોડા પૈસા આપવાથી? ના… એને પોતાના
જીવનમાં રસ્તો જડે અને એ આગળ વધી શકે, એવો પ્રયાસ માનવજીવન માટે કરવાથી આ જગતને
થોડું બહેતર બનાવી શકાય. લગ્ન ન કરવા કે એક જ સંતાન હોવું, ખોટું નથી-પરંતુ, પોતાનો પ્રેમ
ઢોળવા માટે હજારો રૂપિયા ખર્ચીને એક પેટ વસાવવું, એ પેટની પાછળ બીજા હજારો રૂપિયા ખર્ચવા
એને બદલે એટલા જ પૈસા ખર્ચીને કોઈની ફી ભરવી, કોઈને કારકિર્દી બનાવવામાં કે બિઝનેસ શરૂ
કરવામાં મદદ કરવી વધુ યોગ્ય નથી? પેટની ખરીદવેચાણ થાય છે, પરંતુ એને ‘અડોપ્શન’ કહેવાય છે!
આ દુનિયામાં જન્મેલા કેટલાય બાળકો જેનું કોઈ નથી એમને અડોપ્ટ કરવાને બદલે સારી નસલનો
ડોગ અડોપ્ટ કરવો એ આજની નવી ફેશન છે.

રસ્તા પર રખડતાં કેટલાય ડોગ્સને એડપ્ટ કરવાની એક નવી પધ્ધતિ શરૂ થઈ છે. જે ડોગ્સ
લોકોને બચકા ભરે છે, જેમના પાછળ દોડવાથી માણસ પડી જાય, ફ્રેક્ચર થાય કે ક્યારેક સ્કૂટર
ભટકાઈને મૃત્યુ પણ પામે એવા ડોગ્સને ખવડાવવું એ જીવદયા છે, પરંતુ આપણી જ આસપાસ
દેખાતા અનેક ભૂખ્યા માણસોને ખવડાવીએ ‘તો એમને ટેવ પડી જાય’ની એક ન સમજાય તેવી થિયરી
ધીરે ધીરે સમાજમાં ફેલાઈ રહી છે.

માત્ર પેટ શા માટે? એનું કારણ કદાચ એ છે કે, માણસમાત્રને હવે એવી કંપની જોઈએ છે જે
એના ભયે અને એના ઈશારે ચાલે. સેલ્ફ સેન્ટર સોસાયટીમાં કોઈ પોતાનો અભિપ્રાય આપે કે
અધિકાર માગે એવી કંપની કરતા જે મુંગે મોઢે ફક્ત પોતાના પ્રેમ અને દયા પર જીવે એવા જ લોકો
આપણને આપણી આસપાસ જોઈએ છે. ધીરે ધીરે વધુ ને વધુ એકલી પડી રહેલી આ સોસાયટીમાં
જો માણસ, માણસને બદલે પ્રાણીને પ્રેમ કરવા લાગશે તો એક સમય એવો આવશે કે, જ્યારે પરિવાર
પ્રાણીઓથી ભરેલો હશે અને માણસો રસ્તા પર રખડતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *