જો ચલે, તો જાં સે ગુઝર ગયે…

કેટલાય મહિનાઓના સંઘર્ષ પછી જિંદગી ધીરે ધીરે નોર્મલ થઈ રહી છે. મોલ, થિયેટર્સ અને બેન્કવેટ હોલ ખૂલી રહ્યા છે ત્યારે સિનેમા જોવાનો એક્સપિરિયન્સ  લગભગ અઢાર મહિના પછી ફરી પાછો તાજો થઈ રહ્યો છે. અંધારા થિયેટરમાં હોરર ફિલ્મ જોતા હાથમાં પોપકોર્ન અટકી જાય, ઈમોનલ સીન જોતા આંખોમાં પાણી આવે અને હસી હસીને બાજુવાળા પર ઢળી પડવાની જે મજા થિયેટરમાં આવતી એ ઓટીટીમાં કદી માણી શકાઈ નહીં… 

સિનેમા આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયું હતું. જાણે અજાણે આપણે બધાં મનોરંજન કે ફેમિલી આઉટીંગ માટે સિનેમાને પસંદ કરતા હતા… છેલ્લા અઢાર મહિનામાં આ અનુભવથી વંચિત રહેલા કેટલાય લોકો જે હાર્ડકોર ફિલ્મ ગોઅર હતા. એ ફરી પાછા એકવાર થિયેટર તરફ દોરાયા છે. અક્ષયકુમારની બેલબોટમ અને આનંદ પંડિતની ચેહરે હિંમત કરીને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી. સામે ઘણી મોટી ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરી દેવી પડી, તેમ છતાં આજે એવો વિચાર આવે કે એવી કેટલીય ફિલ્મો જે થિયેટરમાં રિલીઝ થઈ હોત તો એને માણવાની મજા જુદી જ હોત… ભારતીય સિનેમાનો ઈતિહાસ જો આલમ આરા થી ગણીએ તો નેવું વર્ષ જેટલો પુરાણો છે. આ નેવું વર્ષમાં ભારતીય સિનેમાએ અનેક ચડતી-પડતી, અનેક કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતા, ફાયનાન્સર જોયા છે. સામાન્ય રીતે સિનેમા એટલે અભિનેતા… દિગ્દર્શકનું મહત્વ પણ છેલ્લા થોડા સમયથી વધવા લાગ્યું છે ત્યારે સિનેમા ઈન્ડસ્ટ્રી વિશે ઘણું બધું સમજવા જેવું છે. ફિલ્મ એટલે માત્ર પડદા પર દેખાતા અને કરોડો કમાતા કલાકારો જ નહીં… જ્યારે એક ફિલ્મ બને છે ત્યારે લગભગ ત્રણ-ચાર મહિના માટે 500થી 700 લોકોને (ક્યારેક વધારે) પોતાની રોજી મળે છે. આ એવાં માણસો છે જે જુનિયર કલાકાર, ડાન્સર છે. ટેકનિકલ અને બીજો સ્ટાફ જે લાઈટ લગાવે છે, ઉતારે છે, કેમેરો ચલાવવા માટે ટ્રોલી કે જીમીજીપ ઊભી કરે છે. કેટરિંગમાં ફૂડ સપ્લાય કરે છે, સેટ લગાવે છે, કોસ્ચ્યુમ બનાવે છે, ઈસ્ત્રી કરે છે, કલાકારોની ગાડી ચલાવે છે, એમના મેક-અપનું ધ્યાન રાખે છે, સેટ પર દોડાદોડી કરે છે, ક્લેપ આપે છે, સાફસફાઈ કરે છે… બીજી તરફ, સિનેમા થિયેટરમાં વોશરુમ ક્લિન રાખવાથી શરૂ કરીને પ્રોજેક્ટર ચલાવવા અને ટિકિટ એપને મેનેજ કરવા માટે અનેક માણસોની જરુર પડે છે. આ બધા લોકોની રોજી સિનેમા ઈન્ડસ્ટ્રી પર નિર્ભર છે. સિનેમા એક એવી ઈન્ડસ્ટ્રી છે જે હજારો લોકોને રોજી આપે છે. આપણે એને મનોરંજન તરીકે જોઈએ છીએ. જે સમોસા, પોપકોર્ન, પાણી કે કોલ્ડડ્રીંક બહાર એમઆરપી પર મળે છે એના અનેકગણા પૈસા આપીને થિયેટરમાં ખરીદવું પડે છે. એવી ફરિયાદ આપણે અનેક લોકો પાસેથી સાંભળી હશે. ટિકિટના ભાવ ખૂબ વધારે છે. એવી ફરિયાદ પણ ઘણા લોકો કરે છે…

પરંતુ, જો સાચે જ આપણે સિનેમાલવર હોઈએ અને મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આપણો રસ હોય તો આ ઈન્ડસ્ટ્રીના હિસાબને સમજવો જોઈએ. ખાસ કરીને, રિજનલ સિનેમાની વાત હવે થવી જોઈએ. ગુજરાતી ફિલ્મો જ્યારે પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે, 200-250 ખર્ચીને બચ્ચનને ના જોઈએ ?’ અથવા એટલા પૈસા ખર્ચીને હિન્દી ના જોઈએ ?’ પૂછતા લોકો માટે એવું સમજવું જરૂરી છે કે એક સામાન્ય નાની હિન્દી ફિલ્મ બનાવવામાં પણ 15થી 20 કરોડ ખર્ચાય છે, જ્યારે ગુજરાતી ફિલ્મનું બજેટ 2 કરોડથી અઢી કરોડનું હોય છે… સમસ્યા  એ છે કે, થિયેટરનું ભાડું બંને નિર્માતાઓએ એકસરખું ચૂકવવું પડે છે. ટિકિટની કિંમતમાંથી પહેલા અઠવાડિયે ત્રીસ, પછી 35, ત્રીજા અઠવાડિયે 40 અને ચોથા અઠવાડિયાથી 45 ટકા નિર્માતાને મળતા થાય છે. મોટાભાગની ગુજરાતી ફિલ્મ ચોથું અઠવાડિયું જોતી નથી. 

ખર્ચેલા નાણામાં સરકારની સબસિડી અથવા બીજા બાર્ટર્સ સામેલ કરીએ તો પણ પબ્લિસિટી અને થિયેટરના ભાડા મળીને લગભગ ફિલ્મ બનાવવા જેટલો જ ખર્ચાની એક નિર્માતાએ વ્યવસ્થા રાખવી પડે છે. મોટાભાગના ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી (પીએન્ડએ) બરાબર નથી થઈ શકતું એનું કારણ પણ એ જ છે કે ફિલ્મ બનાવવા આવેલા ઉત્સાહી નિર્માતા બે-સવા બે કરોડનું બજેટ સાંભળીને દાખલ તો થઈ જાય છે, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી એને રજૂ કરવા સુધી એમના નાણાં ખૂટવા લાગે છે.

બીજો એક રસ્તો એ છે કે, ફિલ્મ કોઈ સ્ટુડિયો કે રિલીઝ કરનાર કંપનીને વેચી દેવી જેમાં નિર્માતાને ક્યારેક ખર્ચેલા નાણાંનું વળતર પણ પૂરું મળતું નથી, કમાવાની વાત તો દૂર રહી ! સ્ટારના નામે મોટા મોટા સ્ટુડિયો, હિન્દી ફિલ્મ ખરીદી લે છે… સારી હોય કે ખરાબ, કેટલાંક એવા નામો છે કે જેમના કનેક્શનને હિસાબે સ્ટુડિયો (ઓટીટી પ્લેટફોર્મ્સ) ફિલ્મ ખરીદીને રજૂ કરી આપે છે. થિયેટરમાં જતાં પહેલાં જ પ્લેટફોર્મ્સ સાથેના કોન્ટ્રાક્ટ્સ ફાઈનલ કરી લેવાનો પણ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. 

સમોસા અને પોપકોર્ન ખરીદવા ફરજિયાત નથી. મોટાભાગની ફિલ્મો બે-સવા બે કલાકની હોય છે એટલે ત્યાં કંઈ ખાવું જ પડે એવું જરુરી નથી… આપણે અનેક પ્રકારના મનોરંજન માણીએ છીએ. નકામી ચીજોમાં ખર્ચ કરીએ છીએ. ઓનલાઈન ક્યારેક એવી ચીજો ખરીદી લઈએ છીએ જેની આપણે ખરેખર જરૂર નથી હોતી. 

ફિલ્મસ્ટારને બાજુએ મૂકીએ તો નિર્માતા અને બીજા એવા લોકો જેમના ઘરો આ ઈન્ડસ્ટ્રી પર નભે છે એમનો વિચાર કરીને મનોરંજનની ઈન્ડસ્ટ્રી ફરી બેઠી થાય એવો પ્રયાસ આપણે બધાએ ભારતીય હોવાના નાતે પણ કરવો જોઈએ. ફિલ્મોના કન્ટેન્ટ વિશે ઘણા લોકોને ફરિયાદ છે, સેક્સ, હિંસા અને ખોટી વસ્તુઓ સિનેમામાં બતાવવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *