જ્હોન જીવર્ગીસઃ એક કેરાલિયન ગુજરાતી

Jhon-Vargis

જિંદગીની કોઈ એક સવારે, કે સાંજે… કે અડધી રાત્રે અથવા ખરા બપોરે આપણને કોઈ પૂછે કે “તમે જે છો, તે ન રહેવું હોય તો તમે શું બનો ?” લગભગ દરેક વ્યક્તિનો જવાબ આ સવાલ વિશે જુદો જ હોય ! કોઈને જે છે તે નથી રહેવું, તો કોઈને જે છે તે જ રહેવું છે… કોઈકને કોઈ બીજા જેવું બનવું છે તો કોઈકને કોના જેવું બનવું છે અથવા શું બનવું છે એની ખબર જ નથી. માણસ જન્મે છે ત્યારે એને કોઈ ચોઈસ મળતી નથી.

એને પોતાના માતા-પિતા, જાતિ-જ્ઞાતિ, જન્મનું સ્થળ કે આર્થિક સંજોગો પસંદ કરવાનો અધિકાર કુદરતે નથી આપ્યો. મોટાભાગના લોકોએ પોતાનું નામ પણ જાતે પસંદ નથી કર્યું. એમની અટક, એમનો ચહેરો અને એમને મળેલો ડીએનએ (જેમાં એમનો સ્વભાવ, પ્રકૃતિ, એલર્જીસ, શારીરિક સમૃદ્ધિ કે ખોડ-ખાંપણની સાથે સાથે વિચારો અને અભિવ્યક્તિ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.) એમની ચોઈસ નથી, કુદરતે એમને આપેલી ભેટ છે. ભેટ, એટલા માટે કે આ પૃથ્વી પર આવવું, જન્મ લેવો, માણસ તરીકે જીવવું, બીજા માણસોને મળવું, ખાવું, પીવું, પ્રેમ કરવો, હસવું, રડવું, ઝઘડવું કે સમાધાન કરવું, સ્વીકાર કરવો કે શોધ કરવી… આ બધી આપણને ન સમજાય તેવી ભેટ છે.

આ બધી જ બાબતો ખૂબ મહત્વની છે, પરંતુ એનો મહિમા અથવા મહત્વ આપણને જિંદગીના લાંબા સમય સુધી સમજાતું નથી. આપણે આ બધી જ કુદરતી ભેટોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એક બાળક સામાન્યતઃ સ્વસ્થ શરીર અને મજબૂત સિસ્ટમ સાથે જન્મે છે. એની ત્વચા ચોખ્ખી, ચમકતી, આંખો તેજસ્વી અને ઉર્જા અમાપ હોય છે. જન્મેલા દરેક બાળકનો એક-એક દિવસ એનું મૃત્યુ તરફનું ખૂબ નાનું, પણ સતત ચાલતું ટ્રાન્ઝિશન છે. આપણે, માણસો આ ટ્રાન્ઝિશન વિશે સભાન કે સજાગ નથી, એટલે આપણને જીવનનું મૂલ્ય નથી. બહુ જ ધીમે એક-એક સેકન્ડ ખસી રહેલો સમયનો કાંટો એક દિવસ આપણી ઘડિયાળ બંધ થવાની સૂચના આપશે, એની આપણને ખબર તો છે, પણ એ જાણ્યા પછી આપણને મળેલી ઘડિયાળમાં સમય જોતાં આપણે શીખ્યા નથી.

આપણી આસપાસ આપણને એવા કેટલાય લોકો મળે કે જેમને પોતાના હોવા વિશે કોઈ સભાનતા કે સમજણ નથી. ખોરાક ખાવો, પ્રવાહી કે પાણી પીવું, ઉંઘવું, જાગવું, ચાલવું, કમાવવું, સંતાનો પેદા કરવા કે પોતાની આસપાસના જગતમાં ઓળખીતા, વણઓળખીતા લોકો સાથે લમણાઝીંક કરીને સમય પસાર કરવાથી વધુ, આવા લોકો બીજું કશું જ કરતા કે કરી શકતા નથી.  કદાચ, એ જ કારણ હશે કે એમના અસ્તિત્વની નોંધ કુદરત પણ લેતી નથી.

આવા કેટલાય જન્મે છે, એમને મળેલા શ્વાસ પૂરા કરે છે અને આ જગતમાંથી ચાલી જાય છે. કેટલાક સો વર્ષ જીવે તો પણ એમના જીવનની નોંધ ક્યાંય સચવાતી નથી, અથવા સાચવવાની જરૂર લાગતી નથી. એની સામે કેટલાક એવા લોકો છે જે લાંબી કે ટૂંકી નહીં, પણ મજાની જિંદગી જીવે છે. પોતાની પાછળ વારસામાં માત્ર પૈસા કે મકાનો નહીં, એક આખો ઈતિહાસ મૂકીને જાય છે. કોરોનાના પહેલા કેસને એક વર્ષ પૂરું થયું છે, ત્યારે આપણે આ વિતેલા વર્ષમાં અનેક એવા લોકોને ગુમાવ્યા છે જેમણે આવી ‘મજાની’ જિંદગી વિતાવી છે. જેમણે પોતાની પાછળ એક આખો ઈતિહાસ અથવા એવો દાખલો મૂક્યો છે જે આવનારી પેઢી માટે સર્ચ લાઈટની ગરજ સારે એમ છે.

28 નવેમ્બર, 2020ના દિવસે જ્હોન જીવર્ગીસ નામની એક વ્યક્તિએ અમદાવાદ શહેર છોડી દીધું. આ શહેર એમનો શ્વાસ હતું. મૂળ કેરાલાથી આવેલા આ મલયાલમ બોલતા વ્યક્તિ માટે અમદાવાદ શહેર, ગુજરાતી ભાષા અને ગુજરાતીપણું સાવ અજાણ્યા હતા. ….. વર્ષની ઉંમરે એમણે અમદાવાદમાં પગ મૂક્યો એ પછીના આખી જિંદગી એમણે પોતાની જાતને ‘અમદાવાદી’ તરીકે જ ઓળખાવી છે. જે શહેરમાંથી એ કમાયા, એ જ શહેરમાં એમણે સ્કૂલ, કોલેજ અને વાયએમસીએ જેવી ક્લબ ઊભી કરી. આ શહેર માટે એમના મનમાં ક્યાંક એટલો બધો આદર અને સ્નેહ હતો કે એમણે પોતાની આત્મકથાનું મેં આપેલું નામ ‘પુરુષાર્થની પરિક્રમા’માં ‘એનાથથી… અમદાવાદ’ ઉમેરવાનો આગ્રહ રાખેલો.

અમદાવાદ શહેરમાં એમને ન ઓળખે એવું કોઈ ભાગ્યે જ મળે… એમણે આ શહેરને હપ્તેથી ઈલેક્ટ્રોનિક વસાવવાની સગવડ ઊભી કરી આપી. આ શહેરને ફ્રીઝ, ટીવી કે વોશિંગ મશીન વસાવતાં શીખવ્યું હોય તો કદાચ ‘સેલ્સ ઈન્ડિયા’ નામની એ કંપનીએ જ્યાં ઝીરો ટકા વ્યાજે ફક્ત પોસ્ટ ડેટેડ ચેકના વિશ્વાસ ઉપર હજારો રૂપિયાના એપ્લાયન્સ કોઈ ગેરંટી વગર ડિલિવર કરી દેવામાં આવતાં હતાં !

ગુજરાતમાં સેલ્સ ઈન્ડિયા પછી એ પ્રકારના ઘણા શોરૂમ ખૂલ્યા, પણ જે નામના અને વિશ્વાસ સેલ્સ ઈન્ડિયાએ મેળવ્યાં, એ આજે પણ અતૂટ અને અકબંધ છે. આજે ગુજરાતની ચોથી પેઢી સેલ્સ ઈન્ડિયામાં ખરીદી કરી રહી છે… એશિયા ઈંગ્લિશ સ્કૂલ, જે.જી. કોલેજ, વાયએમસીએ અને એ સિવાય આજનું જે અમદાવાદ છે એના વિકાસ અને નવા ચહેરામાં જેમણે પોતાનો મજબૂત ફાળો આપ્યો છે એવા આ જ્હોન જીવર્ગીસ સાથે મારી પહેલી મુલાકાત અઢી દાયકા પહેલાં થઈ હતી. 1988, એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં સેલ્સ ઈન્ડિયાની જાહેરાત છપાઈ હતી. ગ્રેજ્યુએટ ઉમેદવારો વોકઈન ઈન્ટરવ્યૂમાં આમંત્રિત હતા. હું ગઈ. જ્હોન જીવર્ગીસે એક જ સવાલ પૂછ્યો, “અહીં કામ કરવું ગમશે ને ?”

જીવ્યા ત્યાં સુધી લગભગ રોજ સેલ્સ ઈન્ડિયા જતા. એ એમનું એવું ‘થાણું’ હતું, જ્યાંથી એમણે જીવનની પહેલી શરૂઆત કરી હતી. એ એમના તમામ કર્મચારીને અંગત રીતે ઓળખે. કોઈ સાજુ-માંદુ હોય કે જરૂરિયાત હોય, પારિવારીક સમસ્યા હોય તો પણ એની મદદ કરે. એ વખતે હું એકલી રહેતી અને બહાર જમતી. એમણે નોંધ લીધી હશે, એટલે એક દિવસ એમણે હસીને કહ્યું, “ઘરનું ખાવું જોઈએ. તબિયત બગડે ને પૈસા પણ.” એ પછી લગભગ રોજ મને પૂછે, “જમી ?” હું હા પાડું એટલે વળી મજાક કરે, “ઘરનું કે બહારનું…”

આખી જિંદગી એમણે બીજાની મદદ કરવાની પ્રવૃત્તિને પોતાની જવાબદારી માનીને નિભાવી. એમની જીવનકથા સાંભળીએ ત્યારે લાગે કે ઈશ્વરે એમને એક જ જિંદગીમાં અનેક જિંદગી જીવવાની તક આપી છે. એનાથના નાનકડા ગામડામાંથી નીકળીને વાયા મુંબઈ-અમદાવાદ આવેલો એ નાનકડા જ્હોનમાંથી ‘જ્હોન સર’ બન્યા ત્યાં સુધીના એમના પ્રવાસની કથા ખૂબ રોમાંચક અને પ્રેરણાદાયી તો છે જ, પરંતુ સાથે સાથે દરેક વખતે એમણે શરૂ કરેલું કામ કેવી રીતે ભાંગી પડ્યું કે ગૂંચવાયું એનો ઈતિહાસ પણ રમૂજી અને રસ પડે એવો છે.

જ્યારે એમની આત્મકથા લખવાનો આગ્રહ કર્યો ત્યારે પહેલાં તો એમણે સતત ઈન્કાર કર્યો. અમે રોજ મળતા, અમારા સવાલ-જવાબના એક સેશનમાં એમણે કહેલું, “આ પુસ્તકમાં મારે એ નથી લખવું કે હું કેટલો સફળ છું. આ પુસ્તકમાં મારે મારા પછીની પેઢીને કહેવું છે કે જો તમે મહેનત કરશો અને તમારા મનમાં પ્રામાણિકતા, સાચી વૃત્તિ હશે તો તમને અચૂક સફળતા મળશે.”

એમના પત્ની હિન્દુ, એમનાં જ ગામ ‘એનાથ’થી એ પણ નોકરીની શોધમાં અમદાવાદ આવેલા. આજથી છ દાયકા પહેલાં એક ક્રિશ્ચિયન છોકરાએ પ્રેમમાં પડીને એક હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યાં… પરિણામ એ આવ્યું કે બંને જણા લાંબો સમય સુધી પોતાને ગામ ન જઈ શક્યાં. એમણે એમના પત્ની વિશે વાત કરતા કહ્યું હતું, “એનામાં સિક્સ્થ સેન્સ છે. એ મારા કહ્યા વગર જ મારી વાત સમજી જાય. મારા સંતાનોને નવાઈ લાગે છે. મારી દીકરી ઘણીવાર મને પૂછે છે, મમ્મીને કેવી રીતે ખબર પડે છે ? પણ હું માનું છું કે સાથે જીવતાં જીવતાં એ મારા મનમાં પ્રવેશીને મને વાંચતી થઈ ગઈ છે. આટલા વર્ષના લગ્નજીવનમાં એણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી. ભાગ્યે જ કોઈ માગણી કરી હશે કે અપેક્ષા રાખી હશે…”

એમનાં પત્ની હજી આ જગતમાં છે. પુત્ર જોસ ગુજરાતી છોકરીને પરણ્યો છે. એના બાળકો ગુજરાતી, મલયાલમ, ઈંગ્લિશ અને હિન્દી બોલે છે. બધા ધર્મો પાળે છે. પુત્રી સુનિતાના લગ્ન જાણીતા કોંગ્રેસી નેતાના પુત્ર ચારુલ વક્તા સાથે થયા છે. ચારુલભાઈ અને સુનિતાનું લગ્નજીવન પણ જ્હોન સર અને ચંદ્રવતીના લગ્નજીવન જેવું મજાનું અને પરસ્પર મિત્રતા જેવું જ છે. સુનિતાબહેન વાયએમસીએ સંભાળે છે જ્યારે જોસ સેલ્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે.

સંતાનોને સંપત્તિની સાથે સાથે સેવા અને સદવિચારનો વારસો આપીને જ્હોન જીવર્ગીસ એમનો દેહ છોડી ગયા છે, પરંતુ એમનો આત્મા આ શહેરની સડકો પર, એના આકાશમાં અને એની હવામાં એવો ભળી ગયો છે કે જ્હોન જીવર્ગીસને અમદાવાદથી અલગ કરવા શક્ય જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *