જૂનું એટલું સોનું… તો “નવું” એટલું પ્લેટિનમ?

હો શામ ભી તો ક્યા? જબ હોગા અંધેરા, તબ પાયેગા દર મેરા
ઉસ દર પે ફિર હોગી તેરી સુબહ, તુ ન જાને આસપાસ હૈ ખુદા…

‘અંજાના અંજાની’ નામની એક લવ સ્ટોરીનું આ ગીત વિશાલ દદલાની અને શેખર
રાવજીયાની નામના બે કવિઓએ લખ્યું છે. આપણે સામાન્ય રીતે નવા ગીતોની કવિતા ઉપર ઝાઝું
ધ્યાન આપતા નથી. મોટાભાગના 50-55ના માતા-પિતા પોતાના સંતાનોને જૂનાં ગીતો સંભળાવીને
એની કવિતા કેટલી અદભૂત અને શબ્દો કેટલા અર્થપૂર્ણ છે એવું કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ નવા
ગીતોમાં પણ અર્થપૂર્ણ કવિતા અને મહત્વનો સંદેશ હોય છે… માત્ર આપણે ધ્યાનથી સાંભળતા નથી.

છેલ્લા થોડા વખતમાં અરિજિત સિંઘે ગાયેલાં કે જાવેદ અલી અને કે.કે.ના અવાજમાં
ગવાયેલાં, શ્રેયા ઘોષાલ અને નેહા કક્કડના સૂરીલા અવાજમાં રેકોર્ડ થયેલા અનેક ગીતો છે જેની
કવિતા સાચે જ સાંભળવા જેવી છે. આજની નવી પેઢી એક સાથે અનેક ટેલેન્ટ ધરાવે છે. ફરહાન
અખ્તર કવિ છે, દિગ્દર્શક છે, લેખક છે અને અભિનેતા પણ છે… એવી જ રીતે વરૂણ ગ્રોવર એક
સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પણ એણે લખેલું ગીત, ‘યે મોહ મોહ કે ધાગે’ ખૂબ જ લોકપ્રિય થયું છે.

આપણે બધા, જે 50ની નજીક પહોંચ્યા છે અથવા વટાવી ગયા છે એ પેઢી, આપણા
પછીની નવી પેઢી વિશે સીધો જ ચૂકાદો આપી દઈએ છીએ. એમના વસ્ત્રો, એમનું મ્યુઝિક, એમનું
ભોજન કે એમની જીવનશૈલી આપણને અનુકુળ નથી કારણ કે, આપણે આવા નહોતા.

‘ઈટ્સ ઓકે’ દરેક વ્યક્તિ પોતાની પેઢી જીવે છે અને સામાન્ય રીતે દરેક પેઢી પાસે પોતે
જીવેલા સમયની એક છાપ હોય છે. બદલાતાં સમય સાથે બદલાતી પેઢી પોતાની વાત પોતાની રીતે
કહેતી હોય છે. આપણે બધા આપણા જ માપદંડથી સામેની વ્યક્તિને માપતા કે નોંધતા હોઈએ
છીએ. ખાસ કરીને, આપણા પછીની પેઢીના યુવાનો માટે આપણી પાસે ઓપિનિયન છે અને એ
આપણા ‘સમય’માંથી આવેલો અભિપ્રાય છે. આપણે જેવું જીવ્યા, આપણા માતા-પિતા સાથે આપણે
જે રીતે વર્તતા હતા કે આપણો જે પ્રકારનો ઉછેર થયો એનાથી જુદો ઉછેર આપણે આપણા પછીની
પેઢીને આપ્યો છે. આપણા સમય કરતા જુદો સમય ટેકનોલોજી, શિક્ષણ, પર્યાવરણ અને ટ્રાફિક સુધી
દરેક બાબતમાં આપણા પછીની પેઢીએ જોયો છે. આપણે-લગભગ બધા માતા-પિતા, એવું માની જ
લે છે કે એના પછીની પેઢીને એમણે જે આપ્યું છે એ એમનો ‘સ્નેહ’ નહીં, ‘ઉપકાર’ છે… કદાચ
માનતા ન હોય તો પણ એમનો વ્યવહાર અને વાણી તો લગભગ એવી જ હોય છે.

90 પછી જન્મેલી પેઢી જે આજે 30-32ની થઈ છે, એમના વિચારો આપણા કરતા
સાવ અલગ છે. ‘અલગ’ એટલે ‘અસ્વીકાર્ય’ નહીં, એ વાત 60ના દાયકામાં જન્મેલા માતા-પિતાએ
સમજવી પડશે. એ સમયે સંઘર્ષ કરીને જે માતા-પિતાએ પૈસા બચાવ્યા અને પોતાના પછીની પેઢીને
સારું શિક્ષણ, સલામત અને સગવડભર્યું જીવન આપ્યું. આ માટે આગલી પેઢીએ ખૂબ મહેનત કરી,
એ સાચું, પણ સત્ય એ છે કે એમને એ મહેનત કરવી હતી માટે કરી છે. એમના માતા-પિતાએ એમને
આપેલું શિક્ષણ કે ભવિષ્ય કદાચ એમને અપૂરતું લાગ્યું. એમને ‘હજી વધુ’ની અપેક્ષા હતી… માટે
એમણે એમના સંતાનોને ‘હજી વધુ’ આપ્યું. હવે એ વિશે સતત સંભળાવ્યા કરવાથી સંતાન સાથેના
સંબંધો વધુ કડવા થશે એટલું નક્કી છે.

જેને આપણે નવી પેઢી કહીએ છીએ એમની જીવનશૈલી આપણને અનુકુળ નથી,
સ્વીકાર્યું! પરંતુ, એની સાથે સાથે આપણે એ પણ સમજવું અને સ્વીકારવું પડે કે આપણે જ્યારે યુવાન
હતા ત્યારે આપણા માતા-પિતાને પણ કદાચ આપણી સામે નાનામોટા વાંધા હતા જ. એ પેઢી થોડીક
ગભરું અથવા માતા-પિતાનું સન્માન રાખનારી, દબાયેલી અને પ્રમાણમાં સહેજ દંભી પેઢી હતી
અથવા છે. 50ના અંતમાં કે 60ના દાયકામાં જન્મેલી પેઢી પાસે માહિતી સરળતાથી ઉપલબ્ધ
નહોતી. એ પેઢીમાં વિદેશ પહોંચેલા લોકોમાંથી મોટાભાગના હજી એમના સમયમાં ફ્રીઝ થઈ ગયા
છે, પરંતુ આજની પેઢીએ આંખ ઊઘાડતાંની સાથે નવા અને જુદા જગતને જોયું છે. એમના પ્રેમની
અભિવ્યક્તિ અને સન્માનનો અર્થ માતા-પિતા જે કહે એ સ્વીકારી લેવું એવો નથી થતો. આપણે જ
એમને ભણાવી-ગણાવીને સ્વતંત્ર રીતે વિચારતા કર્યા છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના
આવિષ્કાર પછી એમને માટે દુનિયા નાની થઈ ગઈ છે અને માહિતી સરળ રીતે ઉપલબ્ધ છે. એ જાણે
છે કે જગત કઈ તરફ વહી રહ્યું છે…

બીજો મહત્વનો મુદ્દો એ છે કે, નવી પેઢી-90 પછી જન્મેલી પેઢી ઉપર માહિતીનો
એટલો બધો વરસાદ થાય છે કે એમણે શું સમજવું, શું સ્વીકારવું અને એમાંથી શું શીખવું એની
પસંદગી કરવી એમને માટે અઘરી છે. અલ્ગોરિધમમાં એમની સુધી પહોંચતી જરૂરી-બિનજરૂરી બધી
માહિતી જાણે-અજાણે એમના મગજમાં સ્ટોર થાય છે. આ પેઢી સ્ટોર થયેલી માહિતીનો ક્યારેક
સાચો તો ક્યારેક ખોટો ઉપયોગ કરે છે. ‘વીડ અથવા ગાંજો તમાકુ કરતાં સેફ છે’ આવી દલીલ કદાચ
યુવા કે ટીનએજ બાળકે પોતાના માતા-પિતા સામે કરી હશે, કારણ કે આ માહિતી ગુગલ પર
ઉપલબ્ધ છે.

એમને સેક્સ, એલજીબીટીક્યૂ અને ડ્રગ્સ વિશે જેટલું જ્ઞાન છે એટલું કદાચ અધ્યાત્મ કે
સંસ્કૃતિ વિશે નથી. એને માટે જો કોઈ જવાબદાર હોય તો એ એના માતા-પિતાની પેઢી છે. આપણે
પૈસા કમાવાની અને સગવડો ઊભી કરવાની દોડમાં આપણા સંતાનને મોબાઈલ તો પકડાવી દીધો,
પણ મહેનત કે માનસિક રીતે મજબૂત બનાવતાં ભૂલી ગયા. આપણું સંતાન જો આકર્ષણ કે કુતૂહલને
વશ થઈને કોઈ ભૂલ કરે છે તો એને માટે ‘જમાનો, મિત્રો કે પરિસ્થિતિ’ને જવાબદાર ઠેરવવાને બદલે
ક્યાંક આપણા તરફથી રહી ગયેલી કોઈક બાબત વિશે પણ સજાગ થવું રહ્યું.

ટીનએજ બાળકના માતા-પિતા મોટેભાગે એવી ફરિયાદ કરતા જોવા મળે છે કે એમનું
સંતાન એમની વાત સાંભળતું નથી, એમના સંતાન સાથે સંવાદ કરવા જાય તો ઝઘડો થઈ જાય છે.
એમનું સંતાન એગ્રેસિવ છે, ગુસ્સો કરે છે, દલીલો કરે છે અને પોતાનું ધાર્યું જ કરે છે… આ ફરિયાદ
માત્ર એક ઘરની નથી, એક પરિવારની નથી એ સૌથી પહેલાં સમજી લેવું જરૂરી છે. હવે આ
ફરિયાદના કારણમાં ઉતરીએ તો સમજાય કે મોટેભાગે માતા-પિતા સારા શ્રોતા નથી બની શકતા.
એમના ‘સંવાદ’માં સંતાનને સાંભળવાને બદલે એને અપાતી સૂચના વધુ મહત્વની હોય છે. એમના
તરફથી ‘શું કરવું’ અને ‘શું ન કરવું’ જેવી બાબતો કહેવામાં આવે છે, પરંતુ એની સામે એના સંતાનને
પણ કંઈ કહેવાનું હોય છે જે સાંભળવાની ધીરજ કે સમજ મોટાભાગના માતા-પિતામાં હોતી નથી.
પોતાની વાત કોઈ ન સાંભળે તો શું થાય? કોઈને પણ ગુસ્સો આવે… ખાસ કરીને, ટીનએજ બાળક
જે પોતાના બદલાતા હોર્મોન સાથે, થઈ રહેલા શારીરિક ફેરફારો સાથે, પોતાની લાગણીઓ અને
ઈમોશન સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કરી રહ્યું હોય ત્યારે કોઈ એની વાત ન સાંભળે, ત્યારે એ
ગુસ્સો કરે… એગ્રેસિવ થઈ જાય એ પણ સ્વાભાવિક છે.

આપણે ‘નવી પેઢી’ના નામે આપણા જ સંતાનને અવગણીએ છીએ, એને અન્યાય
કરીએ છીએ. આ પેઢી ટેકનોલોજી, લોજિક અને પુષ્કળ માહિતી સાથે સવાલ-જવાબની પેઢી છે.
એમને સંતોષકારક ઉત્તર નહીં આપી શકીએ તો એ આપણી વાત નહીં સાંભળે, નહીં માને… એ વિશે
અકળાવા કે ઉશ્કેરાવાને બદલે આપણે જૂની પેઢી તરીકે એમના ઈમોશન, એમની કવિતા, એમનું
સંગીત, એમની ફેશન, એમની જીવનશૈલી અને એમના સવાલો સમજવાનો પ્રયાસ કરીએ તો કદાચ
બે પેઢી વચ્ચેનો સમન્વય-સેતુ સરળ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *