હજી હમણા જ રજૂ થયેલી એક ઓટીટી ફિલ્મ ‘મિસિસ અન્ડરકવર’નું લેખન અને નિર્દેશન
અનુશ્રી મહેતાએ કર્યું છે. ફિલ્મના એક સીનમાં જ્યારે એક પતિ પોતાની પત્નીને ‘શી ઈઝ જસ્ટ એ
હાઉસવાઈફ’ કહીને એની અવગણના કરે છે ત્યારે રેસ્ટોરાંના વેઈટરના ગેટઅપમાં આવેલા સ્પેશિયલ
ફોર્સના ચીફ એને સમજાવે છે કે, ‘જસ્ટ એ હાઉસવાઈફ’ કેટલું બધું કરે છે! અનુશ્રી મહેતાની કલમે
લખાયેલી આ આઠ-દસ લાઈન્સ આપણને વિચારતા કરી મૂકે છે, મા, સાસુ, બહેન, પત્ની, દીકરી,
ભાભી, કાકી, મામી, માસી, દાદી કે પ્રિયતમા… આ બધા જીવનમાં શું કરે છે? ‘જસ્ટ’ એક સવાલ!
શાક લાવવું, ગ્રોસરી લાવવી, ઘરમાં સૌના ગમા-અણગમાનો ખ્યાલ રાખવો, મહેમાનો
સાચવવા, સામાજિક પ્રસંગોએ હાજર રહેવું… સંતાનોનું હોમવર્ક, એમના ક્લાસીસ, સાસુ-સસરાની
માંદગી, પતિની ઓફિસ અને ટિફિનની સાથે સાથે એ પોતાના માતા-પિતાની દીકરી બનીને એમની
કાળજી લેવાનું પણ ચૂકતી નથી. પ્લાસ્ટિકની કોથળીઓ વાળીને ખાનામાં મૂકે, પોતાં ધૂએ, શાકના
વધેલા છોતરા ગાયને ખવડાવે અને ઘરકામ કરનારાં બહેનને તાવ આવ્યો હોય તો દવા આપવા
સુધીની ઝીણી ઝીણી કાળજી એક ‘હાઉસવાઈફ’ લે છે.
સામાન્ય રીતે પરણે ત્યારે સ્ત્રી આ બધું કરવા માટે મનથી સજ્જ થઈને આવતી હોય છે એમ
માનીને કે, આ એની ‘ફરજ’ છે. હવે, સ્ત્રી કમાય પણ છે એટલે આ બધાની સાથે એના ઉપર આર્થિક
જવાબદારી પણ મૂકાય છે. એના કામના કલાકો સાથે બીજી કોઈપણ કંપની કે કારીગરના ડેઈલી
વેજિસને સરખાવીએ તો સમજાય કે, ગૃહિણી તરીકે કામ કરવામાં સ્ત્રી પોતાના જીવનના કેટલા
કલાકો વાપરે છે-વેડફે છે શબ્દ ખોટો છે! અહીં ‘ઈન્વેસ્ટ’ છે ‘વેસ્ટ’ નથી!
90ના દાયકા પછી જન્મેલી સ્ત્રીઓમાં ‘ઘરકામ’નો ખ્યાલ જરા જુદો અને વિચિત્ર છે. 30-
32એ પહોંચેલી મોટાભાગની સ્ત્રીઓને રસોઈનો કંટાળો આવે છે, ઘરનું કામ કરવામાં એમને ‘થાક
લાગે’ છે, પરંતુ જીમ જઈને પરસેવો પાડવા તૈયાર છે. એમના પતિ, એમની સાસુના ‘રાજા બેટા’ છે,
અને આ બધી છોકરીઓ એમના ‘પાપાની પરી’ છે. આ પરીઓ પિયરથી પાંખો પહેરીને આવે છે
અને કરિયરની દુનિયામાં ઊડાઊડ કરે છે જ્યારે એમની જ સાસુ જે હવે 56-60-62-65ની થઈ છે
એ હજી ઘરમાં કામ કરે છે. એ બધી સ્ત્રીઓ જે 50ના અંત અને 60ની શરૂઆતમાં જન્મી છે એમને
માટે હજી રસોઈ, ઘરનું કામ, સંતાનોની કાળજી કે મહેમાનોની સરભરા મહત્વના કામો છે.
આ 50ના અંત અને 60ની શરૂઆતમાં જન્મેલી સ્ત્રીઓ ક્યારેક કંટાળે છે, પરંતુ ફરી બીજે
દિવસે સવારે ડાઈનિંગ ટેબલ પર ગરમ ગરમ નાસ્તા સાથે તૈયાર હોય છે. એના પતિએ એને કોઈ
દિવસ પૂછ્યું નથી કે, એને શું ગમે છે? એને શું કરવું છે! ડિનરથી શરૂ કરીને પ્રવાસના આયોજન સુધી
બધું ‘એ’ (પતિ) નક્કી કરીને એને જણાવે છે. એની સામે આવી સ્ત્રીઓ પાસે મોટેભાગે પોતાનું
અંગત એકાઉન્ટ હોતું નથી અને હોય તો એમાં એવું મોટું બેલેન્સ હોતું નથી. પતિના મેડિક્લેઈમ,
ઈન્શ્યોરન્સ કે પર્સનલ એક્સિડેન્ટની પોલિસી વિશે એને કંઈ જ ખબર નથી. બિઝનેસ કે નોકરી કરતા
પતિ મોટેભાગે પોતાના ઈન્વેસ્ટમેન્ટ વિશે પત્નીને જણાવતા નથી, કારણ કે એમને લાગે છે કે, ‘જસ્ટ
હાઉસવાઈફ’ને શું સમજ પડે!
આપણે બધા જ બદલાતા સમયના સાક્ષી રહ્યા છીએ. ગઈકાલ સુધી સાડી પહેરતી સ્ત્રીઓ
આજે પેન્ટ પહેરવા લાગી છે. દાદીમા થયા પછી પણ શોર્ટ્સ પહેરવાનું અરમાન ગુજરાતી સ્ત્રીનાં
હૃદયમાં રંગીન છે, પરંતુ વસ્ત્રો બદલવાથી વિચાર, વ્યવહાર કે વર્તમાન બદલાતા નથી. દેખાવે ગમે
તેટલા મોર્ડન થઈ જઈએ, આપણે ગુજરાતીઓ માનસિક રીતે હજી 50 વર્ષ પાછળ જ જીવીએ
છીએ. આપણને આજે પણ ‘ગરમ રોટલી’ અને ‘ઘરનો રસ’ જોઈએ છે… ડાઈનિંગ ટેબલ પર ચાર
જાતના અથાણા અને પાંચ-સાત નાસ્તા ના હોય ત્યાં સુધી આપણને ‘સમૃધ્ધિ’નો અનુભવ નથી થતો.
જમવામાં એકાદ વસ્તુ ઓછી હોય તો આપણે ‘ચલાવી લેતા’ શીખ્યા નથી. મજાની વાત તો એ છે કે,
ઘરે ગમે તે ખાતા હોઈએ, પણ બહાર જઈએ ત્યારે પત્ની-ગૃહિણીને એ શું ભૂલી ગઈ છે એ યાદ
કરાવ્યા વગર પતિ અને સંતાનોને મજા નથી આવતી. એ જ મમ્મીનો કપડાંનો ટેસ્ટ જુનવાણી છે
અને એ ‘મોર્ડન દીકરા’ અને ‘નવા જમાનાની પુત્રવધૂ’ને સમજી શકતી નથી, કચકચ કરે છે અથવા
એને કારણે નોકરો અને મહારાજ જતા રહે છે એવી ફરિયાદ એ જ પતિ કરે છે, જેનો વ્યવસાય નવો
નવો હતો ત્યારે પત્નીએ એના આવવા-જવાના સમયની ફરિયાદ કર્યા વગર એના માતા-પિતા અને
બાળકોને સાચવ્યા છે. એ મમ્મીને ઈંગ્લિશ નથી આવડતું, સ્માર્ટફોન વાપરતાં નથી આવડતો એ
વાતની મજાક એના સંતાનો ઉડાવે છે જેને આજ મમ્મીએ ‘હોમવર્ક’ કરાવ્યું છે, બારમા ધોરણમાં
એમની સાથે ઉજાગરા કર્યાં છે. આપણી મજાક કે ચીડ, બધું જ સ્વીકારીને, એમની કાળજી કે
લાગણીમાં કશું ન ખૂટે એનું ધ્યાન પણ એ રાખે છે.
એની સામે 90 પછી જન્મેલી પેઢી ‘હોમ ડિલિવરી’ની સૌથી મોટી ઘરાકી છે. નવી પેઢીની
પુત્રવધૂઓને, ગ્રોસરી, દૂધ અને ઘરની બીજી વસ્તુઓ પણ ખરીદવા માટે બહાર જવાનું ‘આઉટ ડેટેડ’
લાગે છે, પરંતુ એમના પતિઓ-જેણે મોર્ડન પત્ની પસંદ કરી છે એ, ઘરના ડાઈનિંગ ટેબલ પર બેસીને
‘મમ્મી, તું બનાવ ને…’ કહીને માને કામે લગાડે છે. મા પણ, હોંશે હોંશે ‘રાજા બેટા’ને ખુશ કરવા
પોતાની મોર્ડન પુત્રવધૂને પણ ગરમ ગરમ જમાડે છે.
આપણે રવિવાર હોય ત્યારે જસ્ટ ‘હાઉસવાઈફ’નું કામ વધી જાય છે. આપણે ક્યારેય એને
પૂછ્યું છે કે, એને શું જોઈએ છે? એને આ રૂટિનમાંથી બહાર નીકળીને, કોઈ કોફી શોપમાં બેસીને
કાચની દિવાલમાંથી બહાર જતા-આવતા ટ્રાફિકને જોયા કરવો હોય, કોલેજમાં હતી ત્યારે વાંચેલું એક
પુસ્તક ફરી વાંચવું હોય, હાથમાં રિમોટ લઈને ટેલિવિઝનની ચેનલ્સ બદલ્યા કરવી હોય અથવા
સવારના પહોરમાં ઘરની બહાર નીકળી જવું હોય, ક્યારેક નાહ્યા-ધોયા વિના પડી રહેવું હોય (આપણે
એ કરીએ જ છીએ), કે કોઈ સ્પેશિયલ દિવસ વગર, કોઈ કારણ વગર બસ! સૌ એને જ ઈમ્પોર્ટન્ટ્સ
આપે, એની વાત સાંભળે… એવી એની ઝંખના હોય!
પાંચ આંકડાનો પગાર કમાતી રિયા હોય કે ઘરમાં કામ કરતા રેવાબહેન-સાચું પૂછો તો એમની
જિંદગીમાં કશું ‘ખાસ’ હોતું કે બનતું નથી… દર મહિને આવતી મેન્સ્ટ્રુએશનની સાઈકલથી શરૂ કરીને
ઘરના મેનુ સુધી એની જિંદગીમાં બધું જ રૂટિન હોય છે તેમ છતાં જો એ ‘જસ્ટ હાઉસવાઈફ’ ઘરના
રૂટિનમાંથી નીકળી જાય તો શું થાય એની કલ્પના છે?
સત્ય તો એ છે કે, ‘જસ્ટ હાઉસવાઈફ’ વિદેશી અભિવ્યક્તિ છે… આપણા દેશની
અભિવ્યક્તિ તો ‘ગૃહિણી’ છે. આખું ગૃહ જેનું ઋણી છે, એ-ગૃહિણી છે.