‘જ્યાં છો ત્યાં મહેકતા રહો’

આજથી 76 વર્ષ પહેલાં ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી… એમની રાજકીય કારકિર્દી કે
સ્વતંત્રતાનો ઈતિહાસ તો સૌ જાણે છે. આપણા દેશને આઝાદી અપાવનાર મહાત્મા, રાષ્ટ્રપિતા એક
પિતા હતા, એક સ્વસુર પણ હતા. એક લાગણીભીના પતિ અને સ્નેહાળ વ્યક્તિ હતા… જેટલી
સહજતાથી એ દેશની બાબતમાં નિર્ણયો લેતા એટલી જ સરળતાથી એ માંદા પડેલા સાથીઓની ચાકરી
કરી શકતા. બાની સાથે રમૂજ કરી શકતા. જેટલી પીડાથી એ હરિલાલભાઈ સાથે પોતાના મતભેદના
દુઃખને ગળી જતા એટલી જ પીડા એમને દેશના ભાગલા વખતે થઈ હતી. સાચા અર્થમાં જેમણે સમગ્ર
રાષ્ટ્રને પોતાનું સંતાન માન્યું એવા મોહનદાસ કરમચંદ ગાંધી પોતાના સંતાનોને, ખાસ કરીને પોતાની
પુત્રવધૂઓને જે પત્રો લખે છે એનો સંગ્રહ નવજીવન પ્રકાશનના પુસ્તક ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’માં
કરવામાં આવ્યો છે.

પહેલા પુત્ર હરિલાલ અને એના પત્ની ગુલાબબેન (ચંચળ). બીજા પુત્ર મણિલાલ, એના પુત્રવધૂ
સુશીલાબેન, ત્રીજા રામદાસ ને પુત્રવધૂ નિર્મળાબેન અથવા નિમુબેન. છેલ્લા પુત્ર દેવદાસ અને એના
પત્ની લક્ષ્મીબેન.

પુસ્તકની પ્રસ્તાવનામાં જિતેન્દ્ર દેસાઈએ લખ્યું છે, ગાંધીજી, કસ્તુરબા તથા ચારેય પુત્ર-
પુત્રવધૂઓ ક્યારે અને કેટલો સમય સાથે રહ્યા હશે એ તો કદાચ કોઈને નહીં ખબર હોય, પરંતુ આટલા
વ્યસ્ત જીવનમાં એમણે સંતાનો સાથેનો સંપર્ક પત્ર વ્યવહારથી જાળવી રાખ્યો હતો. એમના પત્રોમાં માત્ર
શિખામણ કે સલાહ નહોતી, એક પિતા તરીકેની કાળજી, ક્યારેક એક મિત્ર તરીકેની રમૂજ તો ક્યારેક
પોતાના પૌત્ર અને પૌત્રીઓ પ્રત્યે દાદાનું વહાલ પણ પૂરી નિખાલસતાથી ઠલવાતું દેખાય છે.

પત્ર વહેવાર માટે તેઓ કેવી અપેક્ષા રાખતા અને પોતાના વ્યસ્ત જીવનમાંય પુત્રો અને
પુત્રવધૂઓને પત્ર લખવા અંગે તેઓ શું કહેતા તે જોઈએ, હું ગમે તેટલો નાખુશ હોઉં તોય તમારા લોકોના
પુત્રની રાહ જોઉં જ છું. મારી નાખુશી પણ પ્રેમને કારણે હોય છે ને! …મને દર મહિને એક પત્ર લખવાનો
અને એક પત્ર મેળવવાનો હક છે… તમને બંનેને મારા કાગળનો ખપ છે એ જાણીને તો હું રાજી જ થાઉં પણ સાથે
એટલી ખાતરી પણ આપી દઉં કે મારા કાગળ ન હોય તો તેય બેદરકારી કે આળસથી ન લખ્યા હોય એમ તો કદી ન
સમજવું. ઘણાં કામને લીધે ને તે જ દહાડે મેલ જવાનો હોય એ યાદ ન રહેવાને લીધે રહી જાય તે ભલે… પણ હવે તો
હું વધારે ચીવટ રાખીને લખીશ.

પૌત્ર રામીને લખે છે, ‘છોકરાંઓને મારવાની અને ખિજાવાની ટેવ કાઢી નાખવી, રમાડીને તેઓ પાસેથી ઘણું
કામ લઈ શકાય. બાળકોને પણ આબરૂ હોય છે. ફજેતીથી તેઓ શરમાય છે. મોટેરાં કરતાં બાળકોમાં આબરૂની અને
સ્વમાનની લાગણી વધારે તીવ્ર હોય છે. એનો વિચાર મોટેરાં કેમ નહીં કરતાં હોય?’

હરિલાલ પુત્રી સમ ગુલાબ (ચંચળ)ને કહે છે, ‘તમે પિયરથી બહાર છો એમ માનો છો એ બરોબર
નથી. હું તમને વહુ તરીકે નહીં પણ દીકરી સમજું છું. જો વહુ સમજત તો હું તમને બાળક ગણત. દીકરી
સમજું છું તેથી તમારું બાળકપણું સ્વીકારવા નથી માગતો. મારી અતિ તીવ્ર લાગણી તમારે વિશે વર્તે છે
તે તમે નથી સમજી શક્યાં. ન સમજાય તે હું સમજું છું. મારા સ્વભાવ પ્રમાણે જો મેં સસરાવટું જેવું
રાખ્યું હોત-એટલે કે જો મેં અંતર રાખ્યું હોત-તો હું તમારું મન પ્રથમ તો હરણ કરવાનો પ્રયત્ન કરત ને
જ્યારે તમારા મનમાં અભેદ બુધ્ધિ પેદા થાય ત્યારે જ તમારી પાસેથી હું છૂટથી કામ લેત, પણ મેં માની
લીધું હતું કે તમારો સંબંધ હરિલાલ સાથે થયો તે પહેલાંથી મેં દીકરી સમજી ખોળામાં રમાડેલ છે. એટલે
તમે સસરાવહુનો સંબંધ ભૂલી જશો. તે નથી ભુલાયો. હવે પ્રયત્ન કરજો.’

ગુલાબબેનના અવસાન બાદ ગાંધીજી હરિલાલને લગભગ રોજ પત્ર લખતા, ‘તમે સ્વસ્થ થાઓ
અને રહો એવું કેમ બને એ જ વિચાર્યા કરું છું… તમારા જે કાંઈ ઉદગારો હોય તે તમે વગર સંકોચે મારી પાસે
ઠાલવજો. જો મારી પાસે તમે તમારું હૃદય ખાલી ન કરી શકો તો કોની પાસે કરશો? હું તમારો સાચો મિત્ર થઈશ
અને તમારી કંઈ પણ યોજનાને વિશે આપણી વચ્ચે મનભેદ થશે તો શી અડચણ છે? આપણે ગોષ્ઠી કરશું.
છેવટનો નિકાલ તો તમારે હાથ જ રહેશે…’

(21.2.1927) મણિલાલ અને સુશીલાને લખે છે કે, ‘તમને કે સુશીલાને સંન્યાસી બનાવવાનો
મારો પ્રયત્ન નથી. તમને મર્યાદાશીલ ગૃહસ્થાશ્રમી બનાવવાનો છે ખરો… વિવાહવિધિને વિશે પણ તમે
કંઈ ફેરફાર ઈચ્છો અથવા કંઈ રંગરાગ ઈચ્છો તો અવશ્ય જણાવશો… જુવાન સ્ત્રી-પુરુષની જિંદગીમાં
વિવાહ એ મહત્વનો ફેરફાર છે એ હું જાણું છું. તેમાં મા-બાપે વચ્ચે ન પડવું જોઈએ એ પણ જાણું છું.
તમે કોઈ પણ રીતે દબાણમાં છો એવું ન માનશો. આથી વધારે સ્પષ્ટ શું લખું? આથી વધારે અભયદાન શું
આપું?’

(27.2.1918) ગાંધીજી રામદાસને લખે છે, ‘હમણાં હું તમારી ચિંતા કર્યા કરું છું. તમારા
કાગળોમાં હું નિરાશા જોઉં છું. તમને કેળવણીની ખોટ જણાય છે… મારી સમક્ષ તમે હો તો મારી
ગોદમાં લઈ તમને આશ્વાસન આપું. તમને સંતોષ ન આપી શકું એટલી મારી ન્યૂનતા સમજું છું. ક્યાંક
પણ મારા પ્રેમની ખામી હોવી જોઈએ. મારા દોષ બધા અજાણ્યે થયા હશે એમ જાણી મને ક્ષમા
આપશો… તમે શા સારું તમને નાલાયક પુત્ર માનો છો? તમે નાલાયક હશો તો હું નાલાયક ઠરું એ તમે
જોઈ શકો છો? હું નાલાયક ઠરવા માગતો નથી એટલે તમને નાલાયક બનવાનું કેમ બને? …તમે
પરણવાની ઈચ્છા રાખતા છતાં વિવેક વાપરશો એટલે હું તો તમને લાયક પુત્ર જ ગણીશ. તમારા
વિવાહમાં હું ભાગ લઈશ…’

(19.10.1934) …તારે કોડવિલર ઓઈલની અને ઈંડાં ખાવાની જરૂર જણાય ત્યારે ખાજે. જો
ડૉક્ટર પસંદગી તારી ઉપર મૂકે તો ઈંડાં વધારે પસંદ કરવા યોગ્ય છે. કોડલિવર તૈયાર કરવામાં કરોડો
રૂપિયાનું ખર્ચ થાય છે. માછલીને મારવામાં કેટલી ક્રૂરતા વપરાય છે તેની મને ખબર નથી. મને એ રાક્ષસી
દવા રૂપે જણાય છે. આધુનિક પધ્ધતિ પ્રમાણે તૈયાર થતાં ઈંડાં સાવ નિર્દોષ છે એમ લાગે છે. જીવવાના
લોભમાં પાપ નથી, શરમ નથી. જીવવાનાં સાધનોમાં કોડનું તેલ પણ એક છે. જ્ઞાની મનાતા પણ તેનો
ઉપયોગ કરે છે. તે પીતાં તને રોકનાર હું કોણ?

ડૉ. સુશીલા ગાંધીએ એ પુસ્તકમાં બાપુને અંજલિ આપતાં લખ્યું છે,
‘પિતા છો દિવ્ય ક્રાંતિના વિરાટ નવ યુગના,
ને છો માતા. અહિંસાની ગોદે જગ લપેટતા,
બંધુ છો સૌ ગુલામોના, દેવ છો દુખિયા તણા,
આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *