અમેરિકામાં વસતા એક મિત્ર પરિમલ મહેતાના દીકરાએ બારમું ધોરણ પાસ કર્યા પછી ભરત નાટ્યમ
શીખવાની ઈચ્છા પ્રગટ કરી. થોડા દિવસ તો ઘરના બધા જ એ વિશે વિચારતા રહ્યા… અમેરિકામાં ભણતો છોકરો
એન્જિનિયરિંગ, મેડિસિન કે બીજી કોઈ કારકિર્દી પસંદ કરવાને બદલે ખૂબ સારા ગ્રેડ હોવા છતાં, નૃત્યમાં કારકિર્દી
બનાવવાનું નક્કી કરે તો એક સામાન્ય ગુજરાતી પરિવાર વિચારમાં પડે એ સ્વાભાવિક છે !
દિલ્હીના એક પંજાબી પરિવારનો દીકરો ગોપાલ પણ પિતાના ધીકતા ધંધામાં જોડાવાને બદલે નૃત્યને
પોતાની કારકિર્દી તરીકે પસંદ કરે ત્યારે પંજાબી-હરિયાણવી પરિવાર એનો થોડો વિરોધ તો કરે, કારણ કે અત્યાર સુધી
એક એવી દૃઢ માન્યતા આપણા સૌના મનમાં ઘર કરી ગઈ છે કે નૃત્ય, એ સ્ત્રીનો વ્યવસાય કે શોખ હોઈ શકે. એક
પુરૂષ જ્યારે નૃત્ય શીખવાની વાત કરે છે ત્યારે એના ‘પુરૂષ’ હોવા વિશે કાનાફૂસી કરનારા લોકો સમાજમાં ઓછા નથી.
જો આજે એકવીસમી સદીમાં આ સ્થિતિ છે તો 1952માં 17 વર્ષના યુવાન ગોપી કિશને ફિલ્મ
ઈતિહાસમાં કોરિયોગ્રાફી કરીને એક વિક્રમ સર્જ્યો એ વાતને સલામ કરવી પડે. 1955માં રજૂ થયેલી ફિલ્મ ‘ઝનક
ઝનક પાયલ બાજે’ આજે પણ એક ક્લાસિક ફિલ્મ તરીકે સિનેમાના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. 22મી
ઓગસ્ટ, 1935, કલકત્તાના એક ઘરમાં જન્મેલા પંડિત ગોપી કિશન કથક નૃત્યકારોના પરિવારમાં જન્મ્યા હતા.
એમના નાના પંડિત સુખદેવ મહારાજ કથકના ગુરૂ હતા. એમના માસી સીતારાદેવી કથક નૃત્યકાર હતા અને સ્વયં
રાજકપૂર એમના ફેન હતા. મહારાજ ગોપી કિશન પહેલાં પોતાના નાના પાસે શરૂઆતનું નૃત્ય શીખ્યા. એ પછી શંભુ
મહારાજ પાસે કથકના વધારે તોડા અને બારીકીઓ શીખ્યા પછી એમણે મહાલિંગમ પિલ્લાઈ અને ગોવિંદરાજ
પિલ્લાઈ પાસે ભરત નાટ્યમની શિક્ષા લીધી. નવાઈની વાત એ છે કે એક નૃત્યકારને જ્યારે દમ (અસ્થમા)ની બીમારી
હોય ત્યારે નૃત્ય જેવી પ્રવૃત્તિ એને માટે કેટલી અઘરી અને મુશ્કેલ હશે તેમ છતાં એમણે પોતાની જિંદગીના લગભગ
60 વર્ષ સુધી નૃત્યને જ પોતાનું જીવન માન્યું…
આજે તો કથક અને ભરત નાટ્યમના અનેક નૃત્યકારો આપણી આસપાસ છે. તેમ છતાં, આપણા સમાજમાં
પુરૂષ નૃત્યકારને હજી પણ આવકાર કે સ્વીકાર મળતા સમય લાગે છે. આપણે સ્ત્રી અને પુરૂષના વ્યવસાય વચ્ચે સમજ
કે કારણ વગર ભેદ પાડ્યા છે. જો સ્ત્રી ડૉક્ટર કે પાઈલોટ બની શકે તો પુરૂષ એક સારો નૃત્યકાર કેમ ન હોઈ શકે ?
આજથી હજારો વર્ષ પહેલાં કોતરાયેલા ખજૂરાહો અને અજંટા ઈલોરાના શિલ્પમાં પુરૂષોને નૃત્ય કરતા
દર્શાવ્યા છે. સ્ત્રીને મૃદંગ વગાડતી દર્શાવવામાં આવી છે… એનો અર્થ એ થયો કે હજારો વર્ષ પહેલાં પણ કલાના
ક્ષેત્રમાં આવો કોઈ ભેદભાવ નહોતો. સમય સાથે સંકુચિત થતા ગયેલા આ સમાજે સ્ત્રીને મોજશોખની કે
મનોરંજનની ‘વસ્તુ’ બનાવીને નૃત્યને એનો વ્યવસાય જાહેર કરી દીધો. હજી થોડા વર્ષો પહેલાં દક્ષિણના મંદિરોમાં
દેવદાસી પ્રથા હતી, જેમાં દીકરીનાં લગ્ન ઈશ્વર સાથે કરાવવામાં આવતા. એને નૃત્ય, સંગીત, શાસ્ત્ર અને બીજી બધી
તાલીમ આપવામાં આવતી. આનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરની નૃત્યાંગના તરીકે ઈશ્વરને સમર્પિત થઈને જીવવાનો હતો,
પરંતુ સમય સાથે દેવદાસી પ્રથાને સેક્સવર્કર (વેશ્યાવૃત્તિ)માં બદલી નાખવામાં આવી. મંદિરના મહંતો અને
પૂજારીઓએ આ પવિત્ર સમર્પણને ભ્રષ્ટ કરીને દેવદાસી પ્રથાને કલુષિત કરી.
આપણે બધા જ ક્યાંક, જૂની અને ઘરેડમાં બંધાયેલી માનસિકતા સાથે જીવતા લોકો છીએ. નૃત્યને વ્યવસાય
તરીકે સ્વીકારતા પુરૂષ માટે જે પ્રકારના શબ્દો કે પ્રતિભાવ આપણે ક્યારેક સાંભળીએ ત્યારે આપણે વિચારવું જોઈએ કે
કલાને કોઈ જાતિ કે જેન્ડર નથી હોતી. હજી હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘મી રક્સમ’માં એક બિન હિન્દુ છોકરી ભરત
નાટ્યમ શીખવા માગે છે… એની સાથે બનતી ઘટનાઓ આપણને જગાડે છે કે, આપણે કલાને માત્ર જેન્ડર અથવા
જાતિ સાથે નહીં, ધર્મ સાથે પણ બિનજરૂરી રીતે સાંકળતા થઈ ગયા છીએ.
ભરત નાટ્ય શાસ્ત્ર હોય કે કથકના ઘરાના, સંગીતના ઘરાણા હોય કે કોઈ વાદ્ય સાથે જોડાયેલી ગુરુ શિષ્ય
પરંપરા… અંતે તો આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને જાળવવાનો છે. આજે રૂદ્ર વીણા કે જોડિયાપાવા, એકતારા
કે તંબુરો લુપ્ત થઈ રહેલા વાદ્યો છે. સારંગી અને દિલરૂબા વચ્ચેનો ફેર નવી પેઢી જાણતી નથી. શાસ્ત્રીય સંગીત એમને
માટે બોરિંગ અથવા માથાનો દુઃખાવો છે કારણ કે, આપણે બાળપણથી જ આપણા વારસાનું શિક્ષણ કે સમજણ
આપવાનું ચૂકી ગયા છીએ. તાંડવના પણ પ્રકાર છે, શિવ માત્ર ક્રોધિત થાય ત્યારે જ તાંડવ કરે એવું નથી, આનંદ
તાંડવ, મંગલ તાંડવ અને શુભ તાંડવ જેવા પણ નૃત્યના પ્રકારો છે. તમિલનાડુનું ભરત નાટ્યમ અને કેરાલાનું કથકલી
નૃત્ય મળીને એક નવો જ પ્રકાર, મોહિની અટ્ટમ પણ જાણીતો નૃત્ય પ્રકાર છે. ઓડિસી અને બીજાં નૃત્ય પ્રકારો વિશે
આપણી નવી પેઢી ભાગ્યે જ કશું જાણે છે.
નૃત્ય શીખવા માગતા દીકરાને માતા-પિતા પ્રોત્સાહિત કરવાને બદલે નકારી કાઢે છે. દીકરી પણ શોખ માટે
નૃત્ય શીખે, ત્યાં સુધી વાંધો નથી, પરંતુ નૃત્યને વ્યવસાય બનાવવાનો નિર્ણય કરે ત્યારે ગુજરાતી વ્યાપારી પરિવાર
ચિંતામાં પડી જાય છે.
સંગીત કે નૃત્ય, ટૂંકમાં કલામાંથી આવક થઈ શકે અથવા કલા જ વ્યવસાય હોઈ શકે એવું હજી આપણે
ગુજરાતીઓ સ્વીકારી શકતા નથી. નૃત્યમાં ગ્રેજ્યુએટ થયેલી પુત્રવધૂને પણ પ્રોત્સાહિત કરીને નૃત્યાંગના બનાવવાની
તૈયારી હજી આપણા પરિવારો પાસે નથી. નવાઈની વાત એ છે કે, આપણે કલાને આશ્રય આપનારી મોટામાં મોટી
કોમ છીએ. કલાના આરાધકોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ગુજરાતીઓએ વધુમાં વધુ મદદ કરી છે, પરંતુ
આપણે પોતે એને એક ધરખમ આવક આપનારા વ્યવસાય તરીકે હજી પૂરેપૂરો સ્વીકારી શક્યા નથી.
આમાં આપણી માનસિકતાનો વાંક નથી, માહિતીનો વાંક છે. માતા-પિતા પોતાના દીકરાને ક્રિકેટર કે
સ્પોર્ટ્સમેન બનાવવા માટે સવારના પાંચ વાગ્યે ઊઠીને દોડાદોડી કરી શકે છે. દીકરીને સ્કેટર, સ્વિમર કે શૂટર
બનાવવાની તૈયારી હવે આપણે દેખાડી શકીએ છીએ, પરંતુ કલાને હજી આપણે સમજવા કે સ્વીકારવા તૈયાર થયા
નથી.
જસ્ટ કિડિંગઃ એક કવિ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. સામેની સીટ પર બેઠેલા ભાઈએ એમને પૂછ્યું, “શું
કરો છો ?” કવિએ ગૌરવથી કહ્યું, “કવિ છું… લેખક છું.” ભાઈએ જરા દયામણી નજરે એમની સામે જોઈને પૂછ્યું,
“એ તો બરાબર ! કામ શું કરો છો ?”