કામ કરવાના બે કારણઃ અંગત આનંદ અને આર્થિક ઉપાર્જન

‘હું મારી જાતને જ રજા માટે અરજી કરું છું અને પછી હું જ એ અરજીને નકારી દઉ છું’ આ વાત
યુરોપિયન બિઝનેસ ટાઈકુન બર્નાર્ડ આર્નોલ્ટે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. એ પછી એમને મેનિક
ડિપ્રેસિવ એટેક આવ્યો. દીપિકા પાદુકાણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘બહારનું પ્રેશર અને હરિફાઈનો
ભય એટલો બધો હોય છે કે આપણે આપણી જાતને જ ભૂલીને બીજા સાથે સરખામણી કરવા લાગીએ
છીએ, પરંતુ એ સરખામણી કે હરિફાઈ આપણને એટલા બધા ધકેલે છે કે, આપણે ક્યારે આજીવિકા કમાવાને
બદલે જીવવાનું છોડીને ફક્ત કમાવા માટે જીવતા થઈ જઈએ છીએ.’ દીપિકાને પણ ડિપ્રેશનનો એટેક
આવેલો.

સારી જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે અને પૈસા માટે કામ કરવું, કર્મ કરવું અનિવાર્ય છે, પરંતુ
કેટલા પૈસા-લક્ષ્મી-સંપત્તિથી આપણને સંતોષ થાય? આપણે ક્યાં ‘બસ’ કહી શકીએ એ તો આપણે જ નક્કી
કરવું પડે. શરાબ, સિગરેટ, ડ્રગ્સ કે જુગારની જેમ કમાવું પણ એક નશો છે. જે ધીમે ધીમે વ્યસનમાં પલટાઈ
જાય છે. આપણે આપણી જાતને અનેક બહાના આપવા લાગીએ છીએ, ‘મારો સ્ટાફ મારા પર આધારિત છે’,
‘મારા પરિવારને માટે મહેનત કરું છું’ અથવા ‘મારા સિવાય કોઈ કરે એવું નથી’ વગેરે… બહાના કાઢીને
આપણને સતત ‘કમાતા’ રહેવાની લત લાગી જાય છે. પૈસા કમાવા-પૈસા માણવા-પોતે કમાયેલા પૈસાનો
આનંદ લેવો આ બધી જુદી જુદી બાબતો છે, પરંતુ જે માત્ર પૈસા કમાઈ જાણે છે એને ધીરે ધીરે એવું વ્યસન
લાગે છે કે થોડા સમય પછી એને સમજાય છે કે એ જેને હરિફાઈ સમજે છે એમાં એ એકલો જ દોડી રહ્યો
છે. જેને માટે દોડતા હતા, એ સૌ તો પાછળ છૂટી ગયા. જેને માટે આ બધું કમાયા એને હવે ‘આ બધા’ની
કોઈ કિંમત રહી નથી! મોટાભાગના લોકોને લાગે છે કે, પૈસા કમાવાથી જીવનમાં બધું જ મળી રહે છે, પરંતુ
સત્ય એ છે કે, સુખ અને સગવડ વચ્ચે ફેર છે. ગમે તેટલી સગવડ ‘સુખ’ નથી આપી શકતી, પરંતુ જો સુખ
હોય તો સગવડનો અભાવ સાલતો નથી.

બીજી તરફ, ‘ટુ ડાય વિથ યોર બુટ્સ ઓન (પોતાના શૂઝ સાથે મરવું-છેલ્લી ઘડી સુધી કામ કરતા
રહેવું)’ નો એક બીજો કોન્સેપ્ટ છે. સક્રિય રહેવું અને પૈસા કમાવાના વ્યસનમાં ઢસડાઈને જાતને હરિફાઈમાં,
સરખામણીમાં ઉતારીને જીવનની કોઈ પળનો આનંદ ન લેવો આ બે સાવ જુદી વાત છે. 82 વર્ષે કામ કરતા
અમિતાભ બચ્ચન કે રતન તાતાને જોઈને કેટલાક લોકોને સવાલ થાય છે-હવે શું જરૂર છે? પરંતુ, એક સ્તરે
કે સ્થાને પહોંચી ગયા પછી માણસ ‘કમાવા’ માટે નહીં, પોતાના આનંદ માટે અને અસ્તિત્વના અર્થને શોધવા
માટે કામ કરતો હોય છે. સતત નવું કરતા રહેવાનો એક આનંદ હોય છે, જે મોટાભાગના લોકોને સમજાતો
નથી કારણ કે, એમને માટે ‘કામ’ એ ફક્ત પૈસા કમાવાનું-આજીવિકા રળવાનું સાધન છે. જે લોકો પોતાના
વ્યવસાયને ‘માણે’ છે એમને ક્યારેય રિટાયર થવાની ઈચ્છા થતી નથી કારણ કે, એ ટાયર્ડ જ થતા નથી!

કામ એટલે માત્ર કમાવા માટે કરવામાં આવતો વ્યવસાય કે પરિશ્રમ નહીં એ વાત જેને સમજાય છે
એ લોકો જીવનમાં કશુંક મેળવે છે-પામે છે!

શ્રમ એક સાત્વિક પ્રવૃત્તિ છે. એમાંથી મળતો સંતોષ જીવનને એક અર્થ આપે છે અને અસ્તિત્વને
ટકાવી રાખવામાં મદદ કરે છે. જે લોકો ‘નોકરી’માંથી રિટાયર થઈને ઘરે બેસી જાય છે એ લોકો પોતે તો કંટાળે
જ છે, પરંતુ સાથે સાથે એમના પરિવારને પણ એમની હાજરી ખટકવા લાગે છે કારણ કે, એ લોકો કોઈ
મિનિંગફૂલ યોગદાન કરતા નથી બલ્કે, આખો દિવસ શ્રમના અભાવથી આળસુ થઈ ગયેલું શરીર અને
મહેનતના અભાવે અકળાયેલું મગજ બીજા માટે મુશ્કેલી ઊભી કરે છે.

શ્રમ અનિવાર્ય છે, આજીવિકા કમાવા માટે, પરિવારને સારું જીવન આપવા માટે દરેક વ્યક્તિએ કામ
કરવું જોઈએ-સ્ત્રી હોય કે પુરુષ, બંનેએ પોતાનું કામ કરવું જ જોઈએ, પરંતુ દરેક કામ આર્થિક ઉપાર્જન જ
હોય એવું જરૂરી નથી. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની જવાબદારી પૂરી કરે એ પરિવારની-ઘરની વ્યવસ્થા
માટે જરૂરી છે. કેટલાક લોકો જવાબદારીના નામે જબરજસ્તી કરતા હોય છે. એ લોકો ‘બધું જ હું કરીશ’ ના
કોઈ એવા પિંજરામાં બંધ હોય છે, જ્યાં એમના વગર બધું અટકી પડશે એવી ભ્રમણામાં અટવાતા હોય છે.
એવા લોકો ઘરની વ્યવસ્થાના નામે સૌના માટે અગવડ કે મુશ્કેલી ઊભી કરે છે. એમને પણ ‘કામ કરવાનું
વ્યસન’ જ છે. આવા લોકોને ‘હું કેટલું કરું છું!’નો એક વિચિત્ર અહંકાર હોય છે, સાથે જ એવી ફરિયાદ હોય
છે કે, ‘હું કેટલું કરું છું!’ આવા વિરોધાભાસી ગર્વ અને ફરિયાદનું કારણ એ છે કે, આપણે ‘આનંદ’થી નહીં,
‘આદત’થી બિઝી રહેતાં શીખી ગયાં છીએ.

હવે બિઝી રહેવાની ફેશન છે. ‘મારી પાસે ટાઈમ નથી’ કહેવાની એક મજા છે, એનો
એક વિચિત્ર ગર્વ છે… પરંતુ, આપણે નથી જાણતા કે આ વાત કેટલી સાચી છે! આપણી પાસે
સાચે જ ટાઈમ નથી. જીવન ક્યારે પૂરું થઈ જશે એની આપણને ખબર નથી તેમ છતાં મૃત્યુ
પછી જે ક્યારેય કામ નથી આવવાનું એવી ‘વસ્તુઓ’ એકઠી કરવામાં આપણે જીવનની
મહત્વની પળો ગૂમાવી બેસીએ છીએ. એક મહત્વની વાત સૌએ સમજી લેવી જોઈએ કે,
સગવડ અને સુખ વચ્ચે બહુ મોટો તફાવત છે, પરંતુ આપણે છેલ્લા થોડા સમયથી સગવડને
સુખ માનતા થઈ ગયા છીએ અને સગવડ તો જેટલી વધારીએ એટલી ઓછી જ પડે! ફક્ત
સુખ જ આપણને સંતોષ, શાંતિ અને સ્વસ્થતા આપે છે, અને એમાં વધુ કે ઓછું એવું કઈ
પ્રમાણ હોતું જ નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *