કમલા નહેરુઃ ઉપેક્ષિત પત્ની, એકલવાયી સ્ત્રી

કેટલીકવાર ઈતિહાસમાં જીવી ગયેલા કેટલાક લોકો વિશે ચાલતી વાતોમાંથી આપણે સત્ય કે
અસત્ય તારવી શકતા નથી. આપણે એ સમયમાં નહોતા, માટે સાચું, ખોટું નક્કી કરવું એ આપણા
હાથમાં નથી હોતું તેમ છતાં ક્યારેક કેટલીક વિગતો જાણીને આપણને આઘાત લાગે એવી વિગતો પણ
આપણા સુધી પહોંચતી હોય છે. કહેવાય છે કે, જવાહરલાલ નહેરુએ એમના પત્નીને દસ વર્ષ સુધી
ટી.બી. સેનેટોરિયમમાં મૂકી દીધા હતા. યુગોસ્લાવિયાના પ્રાગ શહેરમાં લગભગ દસ વર્ષ સુધી ટી.બી.
સાથે જીવી રહેલાં કમલા નહેરુની ખબર કાઢવા જવાહરલાલ કદાચ એકાદવાર પ્રાગ ગયા હતા, પરંતુ
જેમના સુટ લંડન અને પેરિસમાં સીવડાવવામાં આવતા હતા એ પ્રધાનમંત્રી બ્રિટન અનેકવાર ગયા, પરંતુ
પ્રાગ ન ગયા! સુભાષચંદ્ર બોઝને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એ જાતે પ્રાગ ગયા અને એમણે એ
જમાનામાં 70 હજાર રૂપિયા ભેગા કરીને એમને પ્રાગથી લુસાને (સ્વિટ્ઝર્લેન્ડ)ની એક સારી
હોસ્પિટલમાં દાખલ કર્યા. એવું કહેવાય છે કે, આ બધા સમય દરમિયાન નહેરુ પોતાના રાજકીય
કાવાદાવામાં વ્યસ્ત હતા.

આજે, કમલા નહેરુનો જન્મદિવસ છે. એ મૃત્યુ પામ્યા ત્યારે જવાહરલાલ નહેરુ એમના અંતિમ
સંસ્કાર માટે ગયા નહીં, કે જઈ શક્યા નહીં? જેની સામે જવાહરલાલ નહેરુએ પોતાની આત્મકથામાં
લખ્યું છે કે, 1934ના અંતિમ મહિનાઓમાં કમલા નહેરુની તબિયત ખરાબ થવાના કારણે
અલહાબાદના સ્વરાજ ભવનમાં ડિસ્પેન્સરી બનાવવામાં આવી. એ સમય દરમિયાન એમને 11 દિવસ
માટે દહેરાદુન જેલમાંથી પેરોલ આપવામાં આવી જેથી એ પોતાની બિમાર પત્નીને જોવા જઈ શકે.
એમના આત્મકથાના પ્રકરણ, ‘ગ્યારહ દિન’માં એમણે લખ્યું છે કે, એમણે પોતાનો સમય કમલા નહેરુ
સાથે કેવી રીતે વિતાવ્યો અને એક એવી માનસિક વિટંબણાઓમાંથી કેવી રીતે પસાર થતા હતા. પોતાની
પત્ની કદાચ નહીં બચે એ સત્ય જાણતા હોવા છતાં એમણે હૃદય પર પથ્થર મૂકીને કઈ રીતે એમને ખુશ
રાખવાનો પ્રયાસ કર્યો… એ પછીના પ્રકરણ ‘ફિર જેલમેં’ નૈની જેલમાં પાછા ફરીને પત્નીને ચિંતામાં
વિતાવેલા દિવસોની હકીકત લખી છે. આમાંથી સાચું શું એની આપણને ખબર નથી કારણ કે,
મોટાભાગની આત્મકથાઓમાં માણસ જે જીવ્યો તે નહીં, બલ્કે લોકોની નજરમાં એણે જેવું જીવવું
જોઈએ એ વિશે જ લખાતું હોય છે!

નહેરુ સ્વભાવે રંગીન હતા. સિગરેટ પીતા, ક્યારેક શરાબ પણ પીતા… (જોકે, આ કોઈ મોટો
અવગુણ છે એવું માનવાની જરૂર નથી, પરંતુ એ વખતની કોંગ્રેસના નેતાઓ માટે આ સ્વીકાર્ય નહોતું.)
1945માં નહેરુ અને એડવિના માઉન્ટબેટનની પહેલીવાર મુલાકાત થઈ એમ માનવામાં આવે છે એ
પછી એમની વચ્ચે અંગત રોમેન્ટિક સંબંધો હોવાની અફવા વારંવાર સંભળાતી રહી. હજી હમણા જ
એમણે એકમેકને લખેલા પત્રોનું એક કલેક્શન પ્રકાશિત થયું છે જેમાં આપણને એમની વચ્ચેના પ્રગાઢ
સંબંધોની સાબિતી મળે છે. માત્ર એડવિના જ નહીં, નહેરુના રંગીન સંબંધો વિશે અનેક વખત
ગાંધીજીએ પણ એમને ટોક્યા હતા એ વાત ગાંધીજીના પત્રોના કલેક્શનમાં સંકલિત છે. જવાહરલાલ
નહેરુ અને કમલાજી વચ્ચેના સંબંધોનો તનાવ એ રીતે પણ સ્પષ્ટ થાય છે કે, પરંપરાગત કાશ્મીરી બ્રાહ્મણ
પરિવારમાં જન્મેલા કમલા નહેરુ ભણેલા હતા. એમના પિતા રાજપતિ કૌલ મોટા વ્યાપારી હતા. 17
વર્ષની ઉંમરે એમના લગ્ન નહેરુ સાથે થઈ ચૂક્યા હતા. મોતીલાલ નહેરુના પરિવારમાં જીવનશૈલી
એકદમ પાશ્ચાત્ય હતી. પોતાની જાતને ત્યાં ગોઠવવાનું અઘરું હતું તેમ છતાં કમલા નહેરુએ પૂરી
પ્રામાણિકતાથી નહેરુ પરિવારને સાથ આપ્યો તેમ છતાં એમને ક્યારેય નહેરુની સાથે સ્ટેજ પર બેઠેલા કે
તસવીરોમાં આપણે જોયાં નથી, જેની સામે ગાંધીજીના પત્ની કસ્તૂરબા તદ્દન નિરક્ષર હતા અને બાપુ
બેરિસ્ટર હતા તેમ છતાં એમણે પોતાના પત્નીને સતત સાથે રાખ્યાં એટલું જ નહીં, એમને ખૂબ માન
અને સન્માન મળે એવો પૂરો પ્રયાસ કર્યો.

નવાઈ એ વાતની લાગે કે, પશ્ચિમની જીવનશૈલી અપનાવીને સ્ત્રીને સમોવડી ગણવાનો દાવો
કરતા જવાહરલાલ નહેરુએ કેમ કોઈ દિવસ કમલા નહેરુને પોતાના જાહેરજીવનમાં એ સ્વીકાર કે
સન્માન આપ્યા નહીં? એડવિના સાથે એમના હસતા અને મજાક કરતાં અનેક ફોટા પ્રકાશિત થયા છે,
પરંતુ પોતાની પત્ની સાથે એમની એવી પ્રેમાળ કે અંગત ક્ષણોની તસવીરો ખાસ જોવા મળતી નથી.

1917માં ઈન્દિરા ગાંધીનો જન્મ થયો અને 1924માં એમણે એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ
કમલા નહેરુની ખરાબ તબિયતને કારણે એમના પુત્રનું સ્વાસ્થ્ય પણ સારું નહોતું, પુત્ર બે દિવસમાં
અવસાન પામ્યો.

સવાલ માત્ર ભારતીય રાજકારણ કે કોંગ્રેસ, જવાહરલાલ નહેરુના જીવન પૂરતો નથી… કમલા
નહેરુનું મૃત્યુ થયાને (1936થી 2023) લગભગ નવ દાયકા થવા આવ્યા, પરંતુ ભારતમાં સ્ત્રીની સ્થિતિ
આજે પણ એ જ છે. મોટાભાગની સ્ત્રીઓ એક સફળ પતિની પત્ની છે, પતિની સફળતામાં એને ખુશ
થવાનું છે (થવું પણ જોઈએ!), પરંતુ એની સફળતામાં એનો પતિ ખુશ થશે કે એને સહકાર આપશે એવું
નક્કી નથી હોતું. આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ સ્ત્રીઓનાં એક મેગેઝિનના સર્વે મુજબ ભારતમાં
લગભગ 45 ટકા સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ લીધા પછી નોકરી કે વ્યવસાય કરી શકતી નથી કારણ કે, એમના
સાસરેથી એમને ‘છૂટ’ નથી. લગભગ 72 ટકા જેટલી સ્ત્રીઓને કમાવા છતાં પણ પોતાના પૈસા જાતે
ઈન્વેસ્ટ કરવાની કે મરજી મુજબ વાપરવાની ‘છૂટ’ નથી. સૌથી મહત્વની અને દુઃખદાયક બાબત એ છે
કે, ભારતીય જનસમાજમાં પત્ની જો પતિ કરતાં વધારે કમાતી હોય તો એ આનંદ કે ગૌરવની નહીં, બલ્કે
પતિના ઈગો પર મોટા આઘાતની ઘટના છે. આજે પણ ભારતીય સમાજમાં વ્યસ્ત રહેતા પતિને પત્ની કે
પરિવાર માટે સમય નથી, પરંતુ પત્નીને તરછોડી દીધા પછી પણ જો પતિ બિમાર પડે કે મુશ્કેલીમાં હોય
તો સમાજની અપેક્ષા એવી હોય છે કે કામ કરતી, સફળ પત્નીએ પતિની કાળજી લેવી જોઈએ! દરેક
વખતે સ્ત્રી પાસેથી ક્ષમા, સમાધાન અને સ્નેહની અપેક્ષા સમાજમાં છે, પરંતુ સામે પુરુષ પાસે એવી
અપેક્ષા રાખવામાં આવતી નથી એટલું જ નહીં, પરંતુ એની બેદરકારીને વ્યસ્તતાનું લેબલ ચોંટાડીને એને
સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે!

આપણે સૌ ગૌરવ લઈએ છીએ કે આપણો સમાજ બદલાયો છે. સ્ત્રી સશક્તિકરણ માટે 8મી
માર્ચે સમારંભો કરીએ છીએ, પરંતુ સત્ય એ છે કે, સફળ પતિની પત્ની પાસે આજે પણ પોતાની ઓળખ
કે આઈડેન્ટીટી ઊભી કરવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પોતાની કારકિર્દીમાં વ્યસ્ત સ્ત્રી જો પુરુષની
ઉપેક્ષા કરે તો એ ગુનેગાર છે, પણ કારકિર્દીમાં વ્યસ્ત પુરુષ એની પત્નીની સંવેદના કે સ્નેહની ઉપેક્ષા કરે
છે, જે વાત વિશે સમાજમાં કોઈ સવાલ ઉઠાવવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *