કરચલીની કચકચ નહીં… કૃતજ્ઞતા છે

ઓટીટી પર ‘મોડર્ન લવઃ મુંબઈ’ ની એક ટૂંકી વાર્તાઓની સીરિઝ છે. સારિકા અને દાનેશ રિઝવી
અભિનિત એક વાર્તા ‘માય બ્યૂટીફૂલ રિન્કલ્સ’ વધતી ઉંમર અને શારીરિક જરૂરિયાતોની સાથે માણસના
મનના ઉતાર-ચઢાવને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. દેવિકા ભગત લીખિત, અલંક્રિતા શ્રીવાસ્તવ દિગ્દર્શિત
આ કથા 30 વર્ષ નાના એક પુરૂષ અને 60 વર્ષની વયે પહોંચેલી, કોઈ એક જમાનામાં અતિશય સુંદર
દેખાતી એવી સ્ત્રી વચ્ચેના પ્લેટેનિક છતાં ફેન્ટસી કહી શકાય એવા સંબંધની કથા છે.

આમ તો આખી સીરિઝ જ પ્રમાણમાં બોલ્ડ કહી શકાય એવી વાર્તાઓનો સંગ્રહ છે, પરંતુ આ
એક કથા કોઈ પણ સ્ત્રીના ઈમોશનને સહજતાથી સ્પર્શી જાય એવી છે. 60ની નજીક પહોંચેલી ચાર
બહેનપણીઓ જ્યારે મન ખોલે છે ત્યારે એમના પતિ કે પ્રેમી સાથેના સંબંધો વિશેની વાત સમજવા
જેવી છે. પ્રમાણમાં જાડી અને કદરૂપી દેખાતી એક સ્ત્રી જેની પાસે પ્રેમી છે એ કહે છે, ‘વી કડલ અ
લોટ’ (અમે ખૂબ વહાલ કરીએ છીએ) તો બીજી કહે છે, ‘મને યાદ નથી મારો પતિ છેલ્લીવાર મને ક્યારે
સ્પર્શ્યો હતો…’ એમાંની એક સારિકા (દિલબર) કોઈકનો સ્પર્શ ઝંખે છે. કાર એક્સિડેન્ટમાં ગુજરી ગયેલા
પ્રેમીના મૃત્યુ માટે પોતાની જાતને જવાબદાર માને છે, પરંતુ એક વળાંકે એને સમજાય છે કે અટકી ગયેલી
જિંદગીને આગળ લઈ જવી અનિવાર્ય છે!

આપણે બધા જ ક્યાંક, કોઈક એવી જગ્યાએ જિંદગીને અટકાવી દઈએ છીએ જ્યાંથી આગળ
જવું અસંભવ લાગે છે. શ્વાસ ચાલ્યા કરે-રૂટિન જીવાયા કરે, પણ જિંદગી અટકી જાય! 50 ઉપરની
મોટાભાગની સ્ત્રીઓ માને છે કે હવે એમની જિંદગીમાં ખાસ કશું બચ્યું નથી. છોકરા મોટા થઈ જાય કે
સાંસારિક જવાબદારીઓ પૂરી થઈ જાય એટલે ‘જિંદગી’ પૂરી થતી નથી. બલ્કે, એ પછી જ કદાચ પોતાને
માટે જીવવાનો સમય મળે છે. એકાદ કડવાશ જો હૃદયમાં ફાંસની જેમ ફસાઈ જાય તો એ વાત, ઘટના કે
સ્મૃતિ લગભગ આખી જિંદગીને કડવાશથી ભરી દે છે. અપરાધભાવ અનુભવવો એ સહજ વાત છે,
પરંતુ એ અપરાધભાવ જો આપણા આખા અસ્તિત્વને ગ્રસી લે તો આપણે કોઈ બાબતને લોજિકલી કે
ત્રીજી વ્યક્તિ તરીકે જોઈ શકતા નથી.

દુનિયાના દરેક માણસથી ક્યારેક તો ભૂલ થઈ જ હોય છે. કોઈએ સ્વાર્થમાં, તો કોઈએ ભયમાં,
કોઈએ લાલચમાં તો કોઈએ બેવકૂફીમાં કે બેધ્યાનપણામાં કરેલી ભૂલ આખી જિંદગી એના ખભે બોજ
બનીને ન રહેવી જોઈએ. આપણે વ્યક્તિ તરીકે સામેના માણસની ભૂલો કે ગુનાહ યાદ રાખવામાં
પાવરધા છીએ. વ્યક્તિ બદલાઈ હોઈ શકે, એને પોતાની ભૂલ સમજાઈ હોઈ શકે, એણે કદાચ પોતાના
વ્યવહાર કે વિચારોને ફિલ્ટર કરીને વધુ સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કર્યો હોય એવી કોઈ શક્યતાને
આપણે તક આપતા જ નથી. કોઈ એક જમાનામાં, થોડાક વર્ષો પહેલાં આપણને થયેલો અનુભવ આપણે
માટે અંતિમ સત્ય, આખરી અનુભવ બની જાય છે. આપણે એની જાળમાંથી બહાર નીકળી શકતા નથી.
જેને કારણે આપણે આપણી આસપાસના સાચા-સારા અને ખુશમિજાજ લોકોને અન્યાય કરીએ છીએ.
‘હું દુઃખી છું તો તમારે પણ દુઃખી રહેવું જ જોઈએ…’ એવી કોઈ અંધારી માનસિકતા આપણને નવી
વ્યક્તિ સાથેના સંબંધમાં પ્રવેશતાં અટકાવે છે.

50-55 કે 60 પછી ‘પ્રેમ’ ના થઈ શકે, ન થવો જોઈએ એવો કોઈ નિયમ ક્યાંય નથી. સફેદ વાળ
કે ચહેરા પર પડેલી કરચલીઓ વ્યક્તિના મન પર કોઈ અસર કરતી નથી. પ્રેમ થવા માટે કોઈ ઉંમર કે
સમય નથી હોતો, હા સેક્સ માટે હોય છે. કોઈ એક સમયે આપણને શારીરિક જરૂરિયાતો ગૌણ લાગે-એ
સ્વાભાવિક છે. શરીરના અંગો યુવાન અવસ્થામાં હોય એવા ન રહ્યા હોય તો કદાચ કોઈ વ્યક્તિ સાથે
નિકટતા પહેલાં સંકોચ કે શરમ આવે, સ્વાભાવિક છે. એનાથી હૃદયની કે મનની લાગણીમાં કોઈ ફેર
પડતો નથી.

કોઈ હાથ પકડે, પીઠ પર હાથ ફેરવે, કોઈને વળગીને સૂઈ શકાય કે કોઈ આપણા ખોળામાં અથવા
આપણે કોઈના ખોળામાં માથું મૂકીને મનની વાતો કહી શકીએ એ તો માણસ માત્રની શાશ્વત જરૂરિયાત
છે. એને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધમાં ‘પ્રેમ’નું નામ અપાતું હશે, પરંતુ સત્ય તો એ છે કે, એ ‘સ્નેહ’
અથવા ‘સધિયારા’ની લાગણી છે.

‘કોઈ મારી ચિંતા કરે છે’થી શરૂ કરીને મારી પસંદ-નાપસંદ, ગમો-અણગમો કે ખુશી અને
તકલીફની કોઈને પરવાહ છે એ વાત જ કેટલી સુખમય છે. સંતાનો અમુક ઉંમરે પ્રેમ કરી શકે, કાળજી
લઈ શકે, પરંતુ ‘કમ્પેનિયન’ બની શકતા નથી. એવી જ રીતે પોતાની ઉંમરના સ્ત્રી મિત્રે કે પુરુષ મિત્રે
પાસે પોતાની જવાબદારીઓ અને પરિવાર હોય છે. એમની પ્રાયોરિટી જુદી હોય છે. એવા સમયમાં જો
કોઈ વ્યક્તિ આપણને પ્રાયોરિટી માને, આપણે માટે સમય કાઢે, સ્નેહ કરે અને ક્યારેક એ સ્નેહ, સ્પર્શમાં,
વહાલમાં અભિવ્યક્ત કરે તો એ નિશ્ચિતપણે ‘સુખ’ છે.

ચહેરા પર પડેલી કરચલીઓને સંતાડવા કે છુપાવવાને બદલે ધોળા વાળ કે બેતાલા ચશ્માથી
હેબતાઈ જવાને બદલે, મેનોપોઝ કે એન્ડ્રોપોઝ દરમિયાન વધતા વજનથી સંકોચ કે શરમ અનુભવવાને
બદલે મનમાં જે ઉમંગ કે ઉત્સાહ છે એને જાળવી રાખવાનો પ્રયાસ ‘જિંદગી’ છે. કોઈ પણ ઉંમરે સુંદર
દેખાઈ શકાય છે. મેક-અપ કે શૃંગાર (શોભે તેવો) કોઈ પણ ઉંમરે લાઝમી છે. અરીસામાં જોઈને
આપણને જ આપણા માટે પ્રેમ થઈ જાય એ સાચી આસક્તિ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *