કુછ તો નિશાની છોડ જા, અપની કહાની છોડ જા…

લગભગ દોઢ સદી પહેલાં ફ્રાન્સમાં બળવો થયો. સિવિલ વૉર્નમાં એક છોકરો ફસાઈ ગયો હતો. એક
તરફથી સૈનિકો ગોળીઓ છોડતા હતા બીજી તરફ, લોકો આગળ વધી રહ્યા હતા. એક નાનકડી છોકરી પોતાના
હાથમાં મશાલ લઈને વિદ્રોહી નાગરિકોમાં હિંમત અને પ્રેરણાનો સંચાર કરી રહી હતી. એક સૈનિકે આ જોઈને
છોકરીને એક જ બુલેટમાં ખતમ કરી નાખી. છોકરી તો મરી ગઈ, પરંતુ એ સમયે ભીડમાં ફસાયેલો પેલા
છોકરાની નજરમાં એ મશાલ લઈને પ્રેરણા આપતી છોકરી અવિસ્મરણિય બની ગઈ. મોટો થઈને એ છોકરો
શિલ્પી બન્યો. અમેરિકાની સ્વતંત્રતાના સો વર્ષ પૂરાં થયા ત્યારે એને એક શિલ્પ બનાવવાનું કામ સોંપવામાં
આવ્યું. એણે પેલી છોકરીના ચહેરા સાથે હાથમાં મશાલ ઉપાડેલી સ્વતંત્રતાની મૂર્તિ બનાવી. શિલ્પકારનું નામ
ફ્રેડરિક ઓગસ્ટે બથોલ્ડી, અને જે મૂર્તિ બની એનું નામ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી.

ભારતની અખંડિતતા માટે પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર જેમણે મહેનત કરી
એવા સરદાર પટેલ વડાપ્રધાન ન બન્યા એ વિશે ઘણા લોકોને ઘણી ફરિયાદ છે, પરંતુ આજે દુનિયાની
સૌથી ઊંચી પ્રતિમા તરીકે સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ તરીકે ઊભી છે. વિશ્વભરમાંથી
પ્રવાસીઓ એને જોવા આવે છે ત્યારે જવાહરલાલ નહેરુની આવી કોઈ પ્રતિમા નથી, ભલે એ
વડાપ્રધાન બન્યા, પરંતુ સરદારનું પ્રદાન નતમસ્તક યાદ કરવામાં આવે છે એ ઓછું નથી!

કેટલીકવાર આપણે સમાજમાં જે પ્રદાન કરતા હોઈએ છીએ એનું મૂલ્ય, રિવોર્ડ, શાબાશી કે અભિનંદન
આપણને તરત જ ન મળે એવું બને. મોટાભાગના લોકોને એનાથી નિરાશા થતી હોય છે. પોતે કરેલા પ્રદાનની
નોંધ ન લેવાય ત્યારે એમને લાગે છે કે એમણે કરેલું પ્રદાન-મહેનત કે સમાજ માટે આપેલી કુરબાની અર્થહીન
પૂરવાર થઈ છે, પરંતુ આપણે જ્યારે વૃક્ષ વાવીએ ત્યારે બે-ચાર દિવસમાં કે મહિનામાં ઘટાટોપ વૃક્ષ જોવાની
અપેક્ષા રાખી શકાય ખરી? એને પોતાનો સમય લાગે છે એવી જ રીતે દુનિયાની દરેક સારી બાબતને
લોકો સુધી પહોંચવામાં સમય લાગે. ‘પ્યાસા’, ‘મેરા નામ જોકર’ કે ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મો જ્યારે
બની ત્યારે ભયાનક ફ્લોપ પૂરવાર થઈ હતી. ગુરૂ દત્ત અને રાજ કપૂરને નિરાશા થઈ હતી, આજે એ
લોકો નથી, પરંતુ એમની એ ફિલ્મો ક્લાસિક ગણાય છે. ફિલ્મ મેકિંગ ભણનાર વિદ્યાર્થીને એ ફિલ્મ
જોવી પડે, એવી શ્રેષ્ઠ ફિલ્મોમાં એમની ગણતરી થાય છે…

હજી હમણા જ એક ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ છે ‘ભક્ષક’. ભૂમિ પેડનેકર અને આદિત્ય
શ્રીવાસ્તવની આ ફિલ્મ ‘પોક્સો’ બાળકીઓના યૌન શોષણ પર આધારિત કથા છે. એક સાવ નાનકડી
લોકલ ચેનલમાં કામ કરતી પત્રકાર છોકરી જે રીતે બાલિકા ગૃહમાં ચાલતા સેક્સ રેકેટને ખૂલ્લું પાડે
છે, એની મહેનત અને કમિટમેન્ટ પછી અંતે આપણને એક નાનકડી વાત કહેવામાં આવે છે… જેમાં
ભૂમિ પેડનેકર કહે છે, ‘ક્યા ફરક પડતા હૈ? હમ અપને ઘરોમેં આરામ સે બૈઠે હૈ, જહાં તક હમારે
બચ્ચોં કો તકલીફ નહીં હોતી, હમેં કોઈ ફરક નહીં પડતા. અગર આપ અપના નામ ઈન્સાનો મેં
ગિનતે હૈ તો ઈસસે આપકો ફરક પડના ચાહિએ…’

વાત ખરેખર સમજવા જેવી છે. આપણી આસપાસની દુનિયા સોશિયલ મીડિયા અને
ઈન્સ્ટાગ્રામ, ફેસબુકથી ઊભરાય છે. લોકો રિલ બનાવે છે, પ્રસિધ્ધ થવાનો પ્રયાસ કરે છે,
ઈન્ફ્લ્યુએન્સર ‘માલ’ વેચે છે, પરંતુ ખરેખર જેને આપણે સમસ્યા કે ઈશ્યૂ કહી શકીએ એના ઉપર
કેટલા લોકોનું ધ્યાન છે? આપણી બાજુના ઘરમાં ડોમેસ્ટિક વાયોલેન્સ ચાલતું હોય તો પણ ‘આપણે
શું કરી શકીએ?’ કહીને ખભાં ઊંચા કરી દેતાં આપણને સહેજેય થડકાટ થતો નથી. જે અવાજ ઉઠાવે
છે, વિરોધ કરે છે અથવા જે ખોટું છે તે કહેવાની હિંમત કરે છે. એનો અવાજ દબાવી દેવા માટે
સોશિયલ મીડિયાના ટ્રોલર્સ (પૈસા લઈને અને પૈસા વગર પણ) તૈયાર બેઠા છે. આ દેશ સનાતન
ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલો, વૈદિક સભ્યતા અને ભારતીયતાની અસ્મિતાનો દેશ છે, પરંતુ
‘સ્વતંત્રતા’ના નામે અહીં દરેક વાતની છૂટ છે. આ ‘છૂટ’ને આપણે ધીરે ધીરે આપણી જ સંસ્કૃતિની
સામે ભયજનક રીતે વાપરી રહ્યા છીએ.

સંસ્કૃતિ, સભ્યતા અને ભારતીયતાના નામે આપણે જે ચગાવી રહ્યા છીએ તે રૂઢિચુસ્તતા
અને કેટલાક અંશે જડતા છે. અન્ય લોકો તરફ આંગળી ચીંધતા મુઠ્ઠીભર લોકો ભૂલી ગયા છે કે,
આપણે તો સત્ય, શુધ્ધતા અને પરમતત્વના ઉપાસક છીએ. જે ભૂલી ગયા છે એ ટ્રાન્કવિલ સ્થિતિમાં
છે, બેહોશીની દશામાં-વિચાર શૂન્યતા સાથે આવા લોકોને જીવનમાં કશું કરવું નથી, બલ્કે બીજા કંઈક
કરી રહ્યા હોય એને અટકાવવામાં એમને એક ઈર્ષાળુ અને વિકૃત આનંદ આવે છે. એમને બદલવાના
પ્રયાસ નિરર્થક છે કારણ કે, આ વિકૃત અને ઈર્ષાળુ લોકો પોતે કશું નથી કરી શકતા કે નથી કરી
શકવાના એની એમને ખબર છે માટે જ જે લોકો પ્રયાસ કરી રહ્યા છે એને પણ એ લોકો બેહોશી
અથવા ટ્રાન્કવિલ દશામાં લઈ આવવા માગે છે. આવા વિઘ્ન સંતોષી લોકો ઈચ્છે છે કે આખું જગત
ઊંઘી જાય, કોઈ અવાજ ન ઊઠાવે, કોઈ વિરોધ ન કરે, કોઈ ઊંઘતાને જગાડે નહીં, નવી વાત કરે
નહીં, નવો વિચાર આપે નહીં… જેથી એમની જડતા અને રૂઢિચુસ્તતા એક રોગને બદલે જીવનશૈલી
તરીકે સર્વસ્વીકૃત થઈ જાય, બધા જ ઊંઘે, બધા જ બેહોશ…

તમે જો જિંદગીને થોડી ઘણી પણ જવાબદારીપૂર્વક લેતા હો, આ સમાજ પરત્વે, આવનારી
પેઢી પરત્વે આપણી ફરજ છે એવું આપણને લાગતું હોય અને આપણે આપણી ગણતરી ‘માણસ’માં
કરતા હોઈએ તો પ્રશંસા, એવોર્ડ, રિવોર્ડ, શાબાશી, અભિનંદનની અપેક્ષા વગર આપણને જે સાચું
લાગે, યોગ્ય લાગે, શુધ્ધ-સાત્વિક અને સભ્ય લાગે તે કરતાં રહેવું, કરી જવું… બસ! એટલું જ
આપણા હાથમાં છે. આવતીકાલે આપણે ન પણ હોઈએ તો પણ આપણું પ્રદાન એળે નહીં જાય એ
વિશ્વાસ સાથે કરેલું કામ સમાજમાં એક નાનકડું બીજ રોપશે અને એ બીજનું વૃક્ષ આપણી સ્મૃતિ
બનીને લહેરાતું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *