કેટલા સફળ લોકોની બારમાની માર્કશીટ જોઈ છે આપણે?

માર્ચ મહિનો એટલે બોર્ડની પરીક્ષાનો મહિનો. ધોરણ 10 અને 12ના બોર્ડની
પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં કેટલાક ઘરોમાં ત્રણ-ચાર મહિનાથી ઘરમાં ભયાનક યુધ્ધનું વાતાવરણ
સર્જાઈ જતું હોય છે. ટેલિવિઝન નહીં જોવાનું, મહેમાનોએ નહીં આવવાનું, કોઈ પાર્ટી, લગ્ન કે
પ્રસંગોની ઉજવણીએ માતા-પિતામાંથી એક જ જાય, સિનેમા, નાટક કે કોઈપણ પ્રકારના
મનોરંજનની સખત મનાઈની સાથે સાથે સતત એક જ ભય બાળકના મગજમાં તોળાયા કરે,
‘બોર્ડની પરીક્ષા!’ બારમું ધોરણ નહીં, પણ કોઈ ગુજરી ગયાનું બારમું હોય એમ ઘરનું વાતાવરણ
ગંભીર અને ગમગીન લાગ્યા કરે એવા સમયમાં બાળક પરીક્ષા કઈ રીતે આપે? માતા-પિતાએ કોઈ
કારણ વગર આ આખી પરીક્ષાને એટલી બધી મહત્વની બનાવી દીધી છે જેને કારણે ટીનએજના
બાળકો ડિપ્રેશનમાં ધકેલાવા લાગ્યા છે. જીઈઈ, નીટ અને બીજી એન્ટ્રસ પરીક્ષાઓ માટે બાળકને
એટલું બધું કોન્શિયન્સ કરી નાખવામાં આવે છે કે, ધાર્યું એડમિશન ન મળે તો બાળક આત્મહત્યા
સુધીના વિચાર કરવા લાગે છે.

કોચિંગ ક્લાસિસ અને શાળાઓ પણ ‘તેજસ્વી તારલાઓ’ના પોસ્ટર મૂકે છે. એમના
પર્સન્ટેજ, પર્સન્ટાઈલની જાહેરાત કરવામાં આવે છે. કયા ક્લાસમાંથી કેટલા 99 ટકા, 99.5 ટકા
સાથે પાસ થયા છે એના પર આધારિત નવા વર્ષના એડમિશન થાય છે ત્યારે એક સવાલ એવો ઊભો
થાય છે કે જે લોકો 65-75 ટકાએ પાસ થાય છે એમની કોઈ કારકિર્દી જ નથી? જો ખરેખર એવું
હોય તો અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, સચિન તેંડુલકર, રોહિત શેટ્ટી, સંજય લીલા ભણશાલી,
મુકેશ અંબાણી, ગૌતમ અદાણીના બારમા ધોરણની માર્કશીટ કોઈએ ચકાસી છે? આપણે કેવા
વિપરિત વિચારધારા ધરાવતા સમાજમાં જીવીએ છીએ એનો આ સ્પષ્ટ નમૂનો છે. સફળતાની વાત
આવે ત્યારે ધીરૂભાઈ, કરસનકાકા, સચિન, લતા મંગેશકરની વાત કરવાની અને છતાં બોર્ડની પરીક્ષા
વખતે બાળકના માથા પર એટલું બધું વજન મૂકવાનું કે એને આવડતું હોય એ પણ પરીક્ષા હોલમાં
પ્રવેશ કરતા જ ભૂલી જાય!

કારકિર્દી વિશેના આપણા ખ્યાલો આશ્ચર્ય પમાડે એ હદે પરસ્પર વિરોધી અને ક્યારેક
બેવકૂફી ભરેલા છે. માતા-પિતા પોતાનું સપનું પૂરું કરવા માટે બાળક ઉપર પ્રેશર કરે ત્યાં સુધી તો ઠીક
છે, પરંતુ બાળકના માર્ક્સ અન્ય કોઈને કહેતી વખતે માતા-પિતાને શરમ આવે, સંકોચ થાય ત્યારે
આપણને નવાઈ લાગે કે બાળકના ફક્ત માર્કને જ એના વ્યક્તિત્વનો આધાર બનાવનાર આવાં માતા-
પિતા એનું કેટલું નુકસાન કરે છે એ વાતની માતા-પિતાની કલ્પના હશે ખરી? બીજી એક આખી
માન્યતા એવી છે કે, ‘આપણો તો ધંધો છે. ભણે, ના ભણે, માર્ક લાવે કે ના લાવે આપણને શું ફેર
પડે?’ એક તરફથી શિક્ષણનું પ્રેશર અને બીજી તરફ શિક્ષણની બેદરકારીની વચ્ચે આ આખો સમાજ
ઝોલાં ખાઈ રહ્યો છે ત્યારે આપણે સૌએ એટલું સમજવું પડશે કે ગમે તેટલા શિક્ષણ પછી પણ
સંસ્કારનું મહત્વ ક્યારેય ઓછું નહીં થાય. ભણેલો-ગણેલો, તોછડો, ઉચ્ચ સરકારી અધિકારી,
એન્જિનિયર, ડૉક્ટર એક તરફ અને ઓછું ભણેલો છતાં સૌને મદદરૂપ થતો, મીઠી ભાષા ધરાવતો
એક ક્લાર્ક બીજી તરફ… આપણે સૌ એ ક્લાર્કને માન આપી શકીશું અને ગમે તેટલી ગરજ હોવા છતાં
એ તોછડા ઓફિસર વિશે કે એન્જિનિયર વિશે મનમાં અપશબ્દો જ નીકળશે! બીજી વાત
આત્મવિશ્વાસની છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો ડ્રોપ આઉટ માર્ક ઝુકરબર્ગ આજે અબજોનો માલિક છે.
સ્ટીમ જોબ્સ એપલ જેવી કંપની શરૂ કરી શક્યા છે, એનો અર્થ એ થાય કે વ્યક્તિને પોતાના
વિચારમાં વિશ્વાસ હોવો જોઈએ. એક આઈડિયા, એક આત્મવિશ્વાસભરી શરૂઆત કારકિર્દી બદલી
શકે છે એ વાત આપણે એકથી વધુ વખત જોઈ છે, સ્વીકારી ચૂક્યા છીએ તેમ છતાં જ્યારે આપણા
સંતાનની કારકિર્દીની વાત આવે ત્યારે માર્ક, પર્સન્ટેજ, એન્ટ્રસ પરીક્ષાઓ અને એડમિશનના એવા
ચક્રવ્યૂહમાં આપણે ફસાઈએ છીએ કે જેમાંથી જાતે તો નથી જ નીકળી શકતા, પરંતુ સંતાનના
આત્મવિશ્વાસને પણ રફેદફે કરી નાખીએ છીએ.

ત્રીજી બાબત યુનિકનેસ અથવા આપણું બાળક અન્યથી અલગ છે એ વાત સમજવાની
અને સ્વીકારવાની શરૂઆત થવી જોઈએ. માતા-પિતા ડૉક્ટર હોય હોસ્પિટલ ચલાવતા હોય અને
સંતાન કવિ કે ચિત્રકાર બનવા માગતું હોય તો માતા-પિતાને એની કારકિર્દીની ‘ચિંતા’ થવા લાગે છે!
અભિનેતા તરીકે ઝળહળતી કારકિર્દી બનાવનાર લગભગ દરેક અભિનેતાના સંતાનો નિષ્ફળ પૂરવાર
થઈ ચૂક્યા છે ત્યારે માતા-પિતાનો વ્યવસાય સંતાનને સફળ જ બનાવશે એવી ગેરંટી તો ક્યાંય
ઉપલબ્ધ નથી, એવું આપણે સમજવું જોઈએ. દરેક વ્યક્તિ પાસે પોતાની આગવી આવડત હોય છે,
માતા-પિતાએ આ આવડત-એનો રસ (એટિટ્યૂડ) અને એની યુનિકનેસ ઓળખીને એને આગળ
વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અભિનેતા માધવનનો દીકરો આંતરરાષ્ટ્રીય સ્વિમર છે, જ્યારે
આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન પ્રકાશ પાદુકોણની દીકરી દીપિકા અભિનેત્રી છે! બંને પોતપોતાની જગ્યાએ
સફળ છે-માતા-પિતાનો વ્યવસાય નહીં સ્વીકારવા છતાં!

જૂની, રૂઢિચુસ્ત, દકિયાનુસી, જરી-પુરાણી વાતોમાં પડ્યા રહેવાને બદલે નવી દુનિયા
સાથે કદમ મિલાવીને નવું વિચારતા, નવી રીતે જીવી શકતા માતા-પિતા પોતાના સંતાન માટે વધુ
ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે છે. સફળતાના માપદંડ સૌના અલગ હોય છે. આ વાત પણ
દરેક માતા-પિતાએ સમજવી પડે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતો છોકરો ‘જંગલમાં રખડ્યા કરે છે’
એમ પણ કહી જ શકાય, તો બીજી તરફ નેશનલ જ્યોગ્રાફી જેવા સન્માનનીય મેગેઝિનમાં એના
ફોટા છપાય, એનું ગૌરવ કરી શકાય! અભિનેતા બનવા માગતા સંતાનને, ‘કેટલાય આવ્યા ને ગયા-કંઈ
બધા શાહરૂખ ન બની શકે’, કહીને ઉતારી પાડવાને બદલે એને એનો પ્રયાસ કરીને પોતાની સફળતા-
નિષ્ફળતા જાતે નક્કી કરવાની તક આપી શકે એવાં માતા-પિતાની આજે જરૂર છે… મહત્વની વાત
એ છે કે, આજે જે માતા-પિતા 50 પાર કરી ગયા છે એમણે પોતાના સમયમાં ખૂબ મહેનત કરીને
સંતાનનું ભવિષ્ય સુરક્ષિત કર્યું છે. પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટ સાથે એમનું સંતાન 19-20 વર્ષની વયે
(એમની જેમ) કમાતું નહીં થાય તો એમને પોષાઈ શકે તેમ છે, એ એમના સંતાનનું સદભાગ્ય છે માટે
એવાં માતા-પિતાએ સંતાનને એની કારકિર્દી જાતે પસંદ કરવાની, હારવાની, નિષ્ફળ થવાની અને
ભૂલો કરવાની તક આપવી જોઈએ-જેથી એમને જે નથી મળ્યું એ સાચા અર્થમાં એમણે પોતાના
સંતાનને આપ્યું છે એ વાતનો સંતોષ લઈ શકાય.

આજે પરિસ્થિતિ બદલાઈ છે. અમીષ ત્રિપાઠી, ચેતન ભગત જેવા લેખકો કરોડો
રૂપિયા કમાય છે. દિપક ચોપરા, રોબિન શર્મા, કુમાર વિશ્વાસ જેવા લોકો શું ભણ્યા છે એના કરતા શું
વિચારે છે એમાં જગતને વધુ રસ પડે છે. કારકિર્દીના અનેક દરવાજા ખૂલ્યા છે, ત્યારે બોર્ડની પરીક્ષાને
કોઈ ભયાનક જીવન-મરણનો સવાલ બનાવવાને બદલે એક ‘પરીક્ષા’ માનીને સંતાનને
આત્મવિશ્વાસપૂર્વક, નિરાંતે એમાંથી પસાર થવામાં મદદ કરવી એ પણ સારા ઉછેરની એક મહત્વની
જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *