ખલીઃ રોગ બની ગયો આશીર્વાદ

શું તમે માની શકો કે, એક માણસ રોજ પાંચ કિલો ચિકન, 55 ઈંડા અને 10 લિટર દૂધ
પીએ? એ માણસની હાઈટ 7 ફૂટ 1 ઈંચ હોય, વજન 150થી 160ની વચ્ચે, પગમાં 20 નંબરના
શુઝ અને હાથનો પંજો એટલો મોટો હોય કે એમાં બે માણસની હથેળી સમાઈ જાય… શું તમે આવા
કોઈ માણસને ઓળખો છો?

એ માણસને આપણે બધા ઓળખીએ છીએ, એનું નામ દલિપસિંહ રાણા છે. WWEમાં
એમને ‘ધ ગ્રેટ ખલી’ના નામે ઓળખવામાં આવે છે. 23 વર્ષની કુશ્તીની કારકિર્દીમાં એમણે ચાર
હોલિવુડ ફિલ્મો, અનેક બોલિવુડ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું છે.

27 ઓગસ્ટ, 1972ના દિવસે એમનો જન્મ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના ધિરઈના
ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ જ્વાલારામ અને માતાનું નામ
તાંડીદેવી છે. ખલીના પરિવારમાં કુલ સાત ભાઈ-બહેન છે. એમના પિતાની હાઈટ સાવ સામાન્ય છે,
પરંતુ ખલીના દાદા છ ફૂટ છ ઈંચ લાંબા હતા. નવાઈની વાત એ છે કે, એમનું આ વિશાળ શરીર જે
આજે એમને માટે એક ઓળખ અને સૌથી મોટો ફાયદો બની ગયું છે એ એક્રોમેગાલી નામની એક
બિમારીને કારણે વધ્યું. આ એક એવો રોગ છે જેમાં શરીરને વધારનારા હોર્મોનની સંખ્યા ખૂબ
ઝડપથી વધે છે. હાડકાનો આકાર ખૂબ વધી જાય અને હાથ, પગ અને ચહેરાના હાડકામાં પણ
સામાન્ય કરતા ખૂબ ઝડપથી વિકાસ થાય. ગરીબ પરિવારમાં જન્મ્યા હોવાને કારણે એમને
શરૂઆતમાં પેટ ભરાય એટલું ખાવાનું પણ નહોતું મળતું. પરિવારને સપોર્ટ કરવા માટે એમણે પત્થર
તોડવાનું કામ કર્યું. એ પછી સિક્યોરિટી ગાર્ડની નોકરી સ્વીકારી. 1993માં પંજાબ પોલીસના એક
અધિકારીએ એમને પંજાબ પોલીસમાં જોબ અપાવી. જેમનું નામ એસ.એસ. ભુલ્લર હતું. એ
ખલીને પંજાબ લઈ ગયા અને શરૂઆતમાં એમનો પૂરો ખર્ચો એમણે ઉઠાવીને ખલીને પંજાબમાં સેટલ
કર્યા. પંજાબ પોલીસમાં નોકરી કરતી વખતે ખલીને એક દોસ્ત મળ્યા જેનું નામ અમિત સ્વામી હતું.

ગામની સ્ત્રીઓ એની પાસે વજનદાર કામ કરવા માટે બોલાવતી. પંજાબ પોલીસમાં પણ જે
કામ કોઈથી ન થાય એ ખલી પાસે કરાવવામાં આવતું. કુશ્તીમાં આવવાનું તો ખલીને ક્યારેય સૂઝ્યું
નહોતું, પરંતુ ટીવી પર આવતા કુશ્તીના શો જોવા એમને બહુ ગમતા. એમના ફેવરિટ પહેલવાન
ડોરિયન યેટ્સ હતા. એકવાર ખલીને જાણ થઈ કે, એના મિત્ર ડોરિયન યેટ્સ ચંદીગઢ એરપોર્ટ પર
આવવાના છે. ખલી એના મિત્ર અમિત સ્વામી સાથે એમના ફેવરિટ પહેલવાનને મળવા ગયા.
ખલીનું શરીર જોઈને ડોરિયન યેટ્સ ખૂબ પ્રભાવિત થયા અને એમણે ખલીને રેસલિંગમાં એટલે કે
કુશ્તીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. યેટ્સે ખલીને ટ્રેનિંગ મળી રહે એ માટે મદદ કરવાનું વચન
આપ્યું.

એ પછી ખલી પહેલી વખત કુશ્તીના અખાડામાં ઉતર્યા અને લગાતાર જીતવા લાગ્યા. ભારત
સરકાર તરફથી નેશનલ કુશ્તીની ચેમ્પિયનશિપમાં જીત્યા પછી એમને ન્યૂ જાપાન પ્રો રેસલિંગ
ચેમ્પિયનશિપમાં મોકલવામાં આવ્યા. જ્યાં એમણે જીતીને ભારતને ખૂબ સન્માન અપાવ્યું. અંડર
ટેકરની ચેલેન્જ લઈને એને ચીત કરીને ખલીએ ફરી એકવાર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. શોન
માઈકલ જેવા પહેલવાનોને હરાવીને એમણે પ્રોફેશનલ કુશ્તીની આધુનિક કલા શીખવા માટે ઓલ પ્રો
રેસલિંગ બૂટ કેમ્પમાં એડમિશન લીધું. કેલિફોર્નિયામાં પોતાનું કુશ્તીનું પ્રશિક્ષણ પૂરું કરીને પ્રોફેશનલ
કુશ્તીની શરૂઆત કરી.

1990 અને 1991માં એમણે બે વાર મિસ્ટર ઈન્ડિયા બોડી બિલ્ડિંગનો ખિતાબ જીત્યો. એ
વખતે એમને મળેલા એક એક લાખ રૂપિયા એમણે પોતાના પરિવારને આપી દીધા. એ પછી સરકારે
એમને પાકું ઘર બાંધવા માટે આર્થિક સહાય કરી, એ સરકાર અને કુશ્તીના અનેક પહેલવાનોની
નજરમાં આવ્યા. એક ખેડૂતનો દીકરો જેને પેટ પૂરતું ખાવા પણ નહોતું મળતું એ ઈન્ટરનેશનલ સ્ટાર
બની ગયો. 2002માં એણે હરમિન્દર કૌર સાથે લગ્ન કર્યાં. જે જાલંધરના નૂરમહેલ ગામની દીકરી છે.
બંનેનાં હાઈટ-વેઈટમાં ખૂબ તફાવત છે છતાં પણ પતિ-પત્નીનાં સંબંધો અત્યંત પ્રેમાળ અને રોમેન્ટિક
છે એવું હરમિન્દર કૌરે એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. એમને એક દીકરી છે જેનું નામ અવલિન
છે. હરમિન્દર કૌરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ખલી ખૂબ રોમેન્ટિક છે. એ મને અવારનવાર સરપ્રાઈઝ આપે
છે. એ ખૂબ સારા પિતા છે.’ ખલી પોતાની દીકરીનાં ફોટોઝ વારંવાર ઈન્સ્ટા પર શેર કરતા હોય છે.
એમની ઈચ્છા પોતાની દીકરીને રેસલર બનાવવાની છે.

લગ્ન પછી ખલીનું ભાગ્ય બદલાયું હોય એમ એમને એક મેનેજર મળ્યો. જેણે ‘ધ ગ્રેટ
ખલી’નું નામ આપીને WWEના સ્ટાર બનાવ્યા. આ નામ હિન્દુઓના શક્તિના દેવી ‘કાલી માતા’ના
નામ પરથી લેવામાં આવ્યું છે. ખલી માને છે કે, એમને મહાકાલી માતા સતત ઊર્જા આપે છે. સ્ટાર
બન્યા પછી એમને ફિલ્મોમાં અને ટેલિવિઝન સીરિયલ્સમાં કામ મળવા લાગ્યું જેમાં ‘ધ લોન્ગેસ્ટ યાર્ડ’
(2005), ‘ગેટ સ્માર્ટ’ (2008), ‘કુશ્તી’ (2010), ‘રામાઃ ધ સેવિયર’ (2010), ‘હૌબાઃ ઓન ધ ટ્રેલ
ઓફ માર્સુપિલામી’ (2012-ફ્રેન્ચ ફિલ્મ) જેવી અનેક ફિલ્મોમાં એમણે કામ કર્યું છે. જેમ હાથી,
હિપોપોટેમસ, જિરાફ જેવા વિશાળકાય પ્રાણીઓ શાકાહારી છે એવી જ રીતે ખલી પણ મોટેભાગે
શાકાહારી ભોજન પસંદ કરે છે. એમના શરીર માટે અને પ્રોટીન માટે એમણે ચિકન અને ઈંડા ખાવા
પડે છે જે વાત એમને અંગત રીતે પસંદ નથી. એ ખૂબ અધ્યાત્મિક છે અને પરિવાર માટે પૂરો સમય
આપે છે. બીજા પહેલવાનો કરતાં એમનું જીવન ખૂબ સાદું અને મોટો પરિવાર હોવાને કારણે એમની
જવાબદારીઓ ખૂબ વધારે છે. એ શરાબ, ડ્રગ્સ, કેફિન કે તમાકુ લેતા નથી બલ્કે, એ યુવાનોને આવા
બધા ખોટા નશા કરીને કે સ્ટિરોઈડ લઈને બોડી બનાવવાની કે કુશ્તી લડવાની ના પાડે છે.

ખલીએ પંજાબમાં કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ નામની સ્કૂલ ખોલી છે જેમાં એ
રેસલરોને ટ્રેઈન કરે છે. ગયા વર્ષે એમણે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને સરકારની સાથે
મળીને કુશ્તીના ઉત્તમ પહેલવાનો તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. આજે એમને 51 વર્ષ પૂરાં થાય છે,
આજે એમનો જન્મદિવસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *