કોરોના કેસના આંકડા બદલાતા જાય છે… ઈતિહાસ જાણે પોતાને દોહરાવતો હોય એમ, 22 માર્ચ, 2020ના દિવસે
આપણી જે સ્થિતિ હતી લગભગ એ જ સ્થિતિમાં આપણે પાછા પહોંચી ગયા છીએ. એ જ ભય અને એ જ અસલામતી વચ્ચે
ફરી એક વાર ફંગોળાયા છીએ. અખબારો આને માટે સરકારને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓની રેલીઓ નીકળી શકે, મેચ રમી
શકાય-સ્ટેડિયમ ખીચોખીચ ભરી શકાય, પરંતુ ઉત્તરાયણ કે ધૂળેટી ના ઉજવી શકાય, એ કયા પ્રકારની સાર્વત્રિક સલામતી
વ્યવસ્થા છે એવું કોઈ પૂછવા તૈયાર નથી. કદાચ, કોઈ પૂછે તો એને ટ્રોલ કરવા માટે એક આખી આઈટીની ટીમ તૈયાર બેઠી છે.
આપણે બધા જાણીએ છીએ કે, ચૂંટણી વખતે ભેગી થયેલી ભીડને કારણે ફરી એક વાર કોરોનાના આંકડા ઉછળ્યા. આ આક્ષેપ
કદાચ સાચો હોય તો પણ… સવાલ એ છે કે, આ ‘ભીડ’માં કોણ હતા ? સરકારે બોલાવેલા ભાડાના લોકો ? કદાચ, હા… તો
એમાં આપણે નહોતા ? શક્તિ પ્રદર્શન કે વિજય યાત્રામાં આપણામાંનું કોઈ નહોતું ? આપણને અધિકાર છે, સરકારની વિરુધ્ધ
આક્ષેપ કે આરોપનો ?
આપણે બધા જ ધીરે ધીરે ટોળાની માનસિકતામાં પ્રવેશી ગયા છીએ. એક જણ કરે તે બધાએ કરવું, એક ઘેટું જે
દિશામાં જાય એ દિશામાં બધા ઘેટાં નીચું ઘાલીને ચાલતા રહે એ સ્વાભાવિક છે, પણ આપણે તો ઘેટાં નથી… માણસ છીએ, તો
પછી એવું શા માટે થઈ રહ્યું છે ? ધારો કે, સરકારે જાહેરસભા યોજી, કે જીતેલા ઉમેદવારે વિજય યાત્રા કાઢી, તો એમાં હાજર
રહેવું ફરજિયાત નહોતું ! ખરેખર જે ફરજિયાત હતું તે આપણે કર્યું નહીં, મતદાન ! સમજાય છે ? મતદાન કરીને આપણા દેશની
સરકારને પસંદ કરવાનો કે ઉથલાવવાનો આપણો અધિકાર આપણે વાપરતા નથી, કારણ ? ખરા તડકે લાઈનમાં ઊભા રહીને
મતદાન કોણ કરે ? આપણો આરામ અને રજાનો દિવસ બગાડવાને બદલે આપણને ટોળું જે નક્કી કરે તે મંજૂર છે. એ પછી,
આપણે મુઠ્ઠીભર લોકો સામે ફરિયાદ કરીએ છીએ કે આપણે ફરી કોરોનાની મહામારી તરફ ધકેલાયા એનું કારણ ઉમેદવારો અને
સરકાર છે.
વાહ ! જ્યારે કઈ સારું થાય ત્યારે આપણે કર્યું… કંઈ ખરાબ થાય તો એ કોણે કર્યું એ શોધીને (સાચા-ખોટા) વ્યક્તિને
માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાનું આપણને અનુકૂળ આવી ગયું છે. અહીં સરકારનો બચાવ કે ચાપલુસીનો પ્રશ્ન નથી. જે
ખોટું છે તે ખોટું જ છે, પણ એ ખોટું લઈ ચલાવનાર આપણે-એ ખોટા સાથે જોડાઈને રસ્તા ઉપર ભીડ ભેગી કરનારા આપણે-
માસ્ક વગર જાહેર સ્થળોએ ફરનારા અને જાહેરસભામાં જોડાઈ જનારા આપણે પણ ઓછા જવાબદાર નથી. આપણે બધાએ
ધીમે ધીમે આત્મનિરીક્ષણ કે સ્વપરિક્ષણ બંધ કરી દીધું છે. કંઈ પણ ખોટું થાય તો એને માટે આપણા સિવાયનું જ કોઈ
જવાબદાર છે એવું તો પહેલેથી નક્કી જ હોય છે. હવે આ આપણા સિવાયનું ‘બીજું’ કોણ છે એટલું જ નક્કી કરવાનું બાકી
હોય છે.
ડિવોર્સ હોય કે ધંધાનું નુકસાન, ગાડીનો એક્સિડેન્ટ હોય કે ઊભરાઈ ગયેલું દૂધ જવાબદારી આપણા સિવાયના કોઈકની
જ હોવી જોઈએ. આપણે બધા જાણે-અજાણે જવાબદારી નામના શબ્દથી ભાગતા થઈ ગયા છીએ. આના મૂળમાં ઉતરીએ તો
સમજાય કે આપણે અહંકારી સમાજ છીએ. આ અહંકારે આપણે ભૂલ નહીં સ્વીકારવાનું શીખવાડ્યું છે. એથી આગળ વધીને
વિચારીએ તો સમજાય કે કોઈ એક વ્યક્તિની સફળતા કે એના સુખમાં પણ આપણને કોઈક વાંધો-વચકો દેખાય છે. જેમ કે ધર્મ
વિશે બોલતી વ્યક્તિનું અંગત જીવન કેવું છે એ શોધી કાઢીને એને ધર્મ વિશે વાત કરવાનો અધિકાર નથી આવું પ્રસ્થાપિત કરવામાં
આપણે જેટલો સમય બગાડીએ છીએ એમાંનો અડધો સમય પણ જો એ વ્યક્તિની વાતમાં કેટલું વજુદ છે એ સમજવા કે
શોધવામાં સુધારીએ તો આપણો સમાજ તાર્કિક અને સમજદાર બની જાય. કોઈ એક વ્યક્તિનું અંગત જીવન અટવાયેલું કે
ખોરવાયેલું હોય તેથી એને બીજાને સલાહ આપવાનો અધિકાર નથી એવું કેટલાક લોકોએ રાડો પાડી પાડીને પ્રસ્થાપિત કરી દીધું
છે… સત્ય એ છે કે, જેણે ભૂલ કરી હોય એને જ સમજાય કે ભૂલના પરિણામ શું હોઈ શકે… એટલે સલાહ આપવાનો પહેલો
અધિકાર એનો છે કે જેણે ભૂલ કરી હોય અને એનું પરિણામ ભોગવ્યું હોય… આપણો સમાજ એમ માને છે કે, ભૂલ સ્વીકારવામાં
પુષ્કળ હિંમતની જરુર છે. સત્ય તો એ છે કે એક વાર ભૂલ સ્વીકારી લેવાથી માણસ પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે.
આપણે જે ક્ષણે એવું સ્વીકારી લઈએ કે પ્રોબ્લેમ છે એ જ ક્ષણ સોલ્યુશન શોધવાની ક્ષણ બની જાય છે. મારો વાંક જ નથી, મારી
ભૂલ જ નથી અને બીજા જ જવાબદાર છે એવું છાતી ઠોકીને કહેનારાઓ જીવનભ એકની એક ભૂલ કર્યાં કરે છે પણ પોતાની જ
ભૂલમાંથી કશું શીખી શકતા નથી…
આપણે સૌ ધીરે ધીરે આવા થતા જઈએ છીએ. આપણને થયેલા નુકસાન માટે આપણી મુર્ખામી નહીં, બીજાની
લુચ્ચાઈ જવાબદાર છે… આપણે ગુમાવેલા સંબંધ માટે આપણી બેદરકારી નહીં, બીજાની બેવફાઈ જવાબદાર છે… જો ખરેખર
વિચારીએ તો સમજાય કે આપણી સાથે જે કંઈ થાય છે, સારું કે ખરાબ એની પહેલી અને આખરી જવાબદારી આપણી જ છે.
ચૂંટણીઓ જાહેર થઈ તે પહેલાંથી, જાહેરસભાઓ અને રેલીઓની પહેલાંથી લારી ગલ્લે ઊભા રહીને કાગળના કે
પ્લાસ્ટિકના કપમાં ચા પીનારા, માસ્ક વગર ટોળટપ્પા કરનારા, શાકની લારીઓ પર ભીડ ભેગી કરનારા કે પાણીપુરીની લારીઓ
પર ગપાગપ પાણીપુરી ખાતા લોકોને આપણે નથી જોયા ? ‘કોરોના મને ન થાય, હું કોરોનાને થાઉં’ આવું કહેનારા ફાંકા
ફોજદારો આપણી આસપાસ જ ફરતા હતા ને ? નવ વાગ્યાના કરફ્યુ વિશે ઉહાપોહ કરનારા કે મેચ કેમ દસ વાગ્યા સુધી ચાલે
છે એમ પૂછનારા આવા ફાંકા ફોજદારો વિશે કેમ કશું કરતા નથી ? પહેલેથી નક્કી થયેલી મેચમાં વેચાયેલી ટિકિટો પાછી
આપવાની જવાબદારી ક્રિકેટ એસોસિએશને સ્વીકારી, આપણામાંના કેટલા પોતાની જવાબદારી સ્વીકારીને બીજું કંઈ ન કરે તો
માત્ર ગંભીરતાથી માસ્ક પહેરે અને કોઈને નહીં અડવાનું ધ્યાન રાખી શકે છે. જે ઘરમાં વડીલ કે મોટી ઉંમરના લોકો હોય ત્યાં
જવાનું ટાળી શકે છે ? કોરોના તો ગમે ત્યાંથી આવી શકે. કુરિયરથી શરુ કરીને રેસ્ટોરન્ટનો ડિલિવરી બોય પણ કોરોના આપી
જઈ શકે છે. ‘અમે સેફ છીએ, અમારા સ્ટાફને નિયમિત ચેકિંગ અને સેનેટાઈઝેશનમાંથી પસાર કરીએ છીએ’ એવું એપ ઉપર
લખી દેવાથી વાતની સચ્ચાઈ સાબિત થઈ જાય છે ? ફાર્મ હાઉસની પાર્ટીઓ કે સામાજિક મેળાવડા નથી થયા આ દિવસોમાં ?
આપણામાંના કેટલા સાચે જ એવા છે જે જરુરી ન હોય તો ઘરની બહાર નથી નીકળતા… આપણામાંના એવા કેટલા છે કે જેણે
પોતાના ઘરમાં આવતા સ્ટાફના સ્વાસ્થ્ય અને સલામતીની ચિંતા કરી છે ? જો આ બધું ન કર્યું હોય તો માત્ર ચૂંટણીને કે
રેલીઓને બ્લેઈમ કરવાથી શું થાય ? આપણને આપણી સલામતીની ચિંતા નથી તો બીજાને જવાબદાર ઠેરવવાનું આપણને શો
અને કેટલો અધિકાર છે ?
કોઈ એક મુર્ખ માણસ આપણને છઠ્ઠે માળેથી કૂદી જવાનો કહે તો આપણે કૂદીએ છીએ ? કોઈ એક નાસમજ વ્યક્તિ
આપણને ઝેર પીવાનું કહે તો આપણે પી જઈએ છીએ ? જો આપણને એટલું સમજાય છે કે, એવું ન કરાય… તો પછી, કોરોના
જેવી ભયાનક બિમારીને ફેલાતી અટકાવવા માટે શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઈએ એની આપણને કેમ સમજ પડતી
નથી ? વેક્સિન લેવાથી આપણી જવાબદારી પૂરી થતી નથી… આપણે બીજાની સલામતી વિશે પણ વિચારવાનું છે. માત્ર
આપણું અસ્તિત્વ બચાવવાનું નથી, માનવજાતના અસ્તિત્વને અકબંધ રાખવાનું છે.
ચાલો, આપણી સાથે જે કંઈ થયું છે એને જરા ફરી તપાસવાનો પ્રયાસ કરીએ. કોરોનાના આંકડા ચોક્કસ ઉછળ્યા છે,
પણ હજી પરિસ્થિતિ કાબૂ બહાર નથી, કદાચ ! આપણે કરેલી ભૂલો એક વાર તપાસી જોઈએ. નવેસરથી એ જ ભૂલો ન થાય એ
માટે થોડા સજાગ થઈએ… જાતે ફાંકા ફોજદારી ન કરીએ અને આપણી આસપાસ કોરોના વિશે અફવા ફેલાવનાર, કે એની
અવગણના કરનાર લોકોને જગાડીએ. કોરોનાના મૃત્યુના આંકડા ભલે ઓછા હોય કે ઓછા દેખાડવામાં આવતા હોય પણ છેલ્લા
એક વર્ષથી ચાલી રહેલી આ જદ્દોજહેદમાંથી મુક્ત થવાનો પ્રયાસ આપણે જ કરવો પડશે એટલું સમજી લઈએ.