ક્યા કહેના હૈ, ક્યા સુનના હૈ…

“બેટા ! આવી રીતે રોજ ખાવાનું બગડે એ સારું નહીં. તું સમયસર જણાવી દેતો હોય તો…” મમ્મીએ ધીમેથી કહ્યું.
“કાલથી મારું ખાવાનું નહીં બનાવતી…” દીકરાએ જવાબ આપ્યો.
“હું એમ નથી કહેતી… બગડે નહીં એટલા માટે…” માનો સ્વભાવ અને માતૃત્વએ ફરી એકવાર પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો.
“હા, હા એટલે જ કહું છું. હું મારી વ્યવસ્થા કરી લઈશ.”
*

“બેટા ! ઘરમાં મહેમાન હોય ત્યારે આવી રીતે જોર-જોરથી આર્ગ્યુમેન્ટ ના કરવી જોઈએ.” યુવાન પુત્રવધૂને સાસુએ ધીમેથી કહ્યું.
“તમારા દીકરાને કહો.” પુત્રવધૂએ ત્રણ જ શબ્દોમાં વાત પૂરી કરી નાખી.
“એને પણ કહીશ.” સાસુ ઘરમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ ઈચ્છતા હતા, “ઘરમાં ત્રીજી વ્યક્તિ હાજર હોય
ત્યારે કદાચ જવાબ ન આપીએ તો…”
સાસુનું વાક્ય પૂરું થાય એ પહેલાં પુત્રવધૂએ કહ્યું, “આ જ વાત તમારા દીકરાને કહો ને… એ પણ ચૂપ રહી શકે છે, પણ એવું તમે નહીં કહો. વહુને જ બધા દબાવે.” એ ત્યાંથી વાસણ પછાડીને ચાલી ગઈ.

*

“મમ્મી ! તમે પાછી કઢી લીધી ? મેં તમારા માટે દાળ કરાવી છે… ખાટું ખાવાથી તમારા પગ દુઃખે છે.” પુત્રવધૂએ હક્કપૂર્વક સાસુને કહ્યું.
“મારો વર કમાય છે ને ખાઉં છું. તું કોણ છે, ટોકનારી ?”
“મમ્મી, તમને તકલીફ થાય છે એટલે…” પુત્રવધૂએ થોડી વધુ કાળજી દેખાડવાનો પ્રયાસ કર્યો.
“એના કરતાં એમ કહે ને કે હું કઢી ખાઈશ તો તને ખૂટશે…હજી તો હાડકાં ચાલે છે મારાં. કાલે પગ પડે તો કોણ જાણે તમે શું કરશો ?” સાસુએ છણકો કર્યો.

*

“બેટા ! એ.સી.નું બિલ બહુ આવે છે. હજી ઉનાળો શરૂ નથી થયો. આખી રાત ચલાવવાને બદલે થોડીવાર ચલાવીને…” એક મધ્યમવર્ગની ગૃહિણીએ ટીનએજ દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
“લો તમારું રીમોટ. કાલથી એ.સી. જ નહીં ચલાઉં, બસ ?” દીકરીએ માને ઉતારી પાડી.
“એમ નહીં બેટા… પણ થોડી કરકસર…” પોતાની જ દીકરીથી ડરતી માએ ધીમા અવાજે એક પ્રયત્ન વધુ કરી
જોયો, “ઠંડક થઈ જાય પછી બંધ થઈ જ શકે.”
“એવું હતું તો મારા રૂમમાં એ.સી. નંખાવ્યું જ શું કામ ?” રીમોટ છૂટ્ટું ફેંકીને દીકરી ત્યાંથી ચાલી ગઈ.

*

“ક્યાં છો ?” પતિએ ફોન ઉપાડ્યો, પત્નીએ પૂછ્યું.
“બહાર છું.” પતિએ જવાબ આપ્યો.
“બહાર એટલે ક્યાં ?” પત્નીએ ફરી પૂછ્યું.
“પંચાત શું કામ કરે છે ? બહાર છું, કામે.” પતિએ હજી જવાબ આપવાનો ટાળ્યો.
“એમ નહીં, તમે ક્યાં છો, એ કહો તો…” પત્ની અચકાઈ.
“અરે ભઈસાબ ! નથી કોઈ છોકરી સાથે ફરતો. મજૂરી કરું છું. તમને બૈરાંઓને…” પતિએ ફોન કાપી નાખ્યો.
પત્નીની આંખોમાં પાણી આવી ગયાં. એને બેન્કનું નાનું કામ હતું. પતિ જો એ વિસ્તારમાં હોય તો કરતા આવે એટલા જ ઉદ્દેશ્યથી એણે લોકેશન પૂછ્યું હતું, પંચાત કરવા નહીં. જો પતિ એ વિસ્તારમાં ન હોય તો એને ખાસ જવું ન પડે, પતિને તકલીફ ન પડે, એમ વિચારીને એણે પહેલાં કામ કહેવાને બદલે “એ ક્યાં છે” એ જાણવાનો પ્રયાસ કર્યો…

*

“તારા મમ્મી બુધવારને બદલે ગુરુવારે આવે તો ચાલે ? મેં બુધવારે મારા ઓફિસના થોડા મિત્રોને ઘરે બોલાવ્યા છે.” પતિએ લગભગ ડરતાં ડરતાં કહ્યું.
“મારી મા નડશે, તને ?” પત્નીએ વડચકું ભર્યું, “તારા મિત્રોની સામે મારી મા હશે તો તારી પોઝિશનમાં પંચર પડશે ?”
“એવું નથી, તારા મમ્મી તો ઉલટા હેલ્પ કરશે, પણ…” પતિ સહેજ અચકાયો, “બે બેડરૂમના ઘરમાં છ-સાત જણા આવે તો એમને અગવડ પડશે, કદાચ ! એક જ દિવસનો સવાલ છે.”
“હું સમજી ગઈ, મારી મા નહીં આવે, બસ ?” પત્નીએ રડવા માંડ્યું, “હું તમારા બધા સગાં માટે ઘસાઈને મરી જાઉં, પણ મારી મા અઠવાડિયું રહેવા આવે એ તને ગમતું નથી.”
“તું જાણે છે, એવું નથી.” પતિ ભોંઠો પડી ગયો, “આ તો, અમદાવાદમાં જ છે એટલે કહું છું. એક જ દિવસનો સવાલ છે. બહારગામથી આવવાના હોત તો કંઈ ચેન્જ થોડું કરત ?” એણે છેલ્લો પ્રયત્ન કરી જોયો.
“કહી દીધું ને ? મારી મા હવે કોઈ દિવસ આપણા ઘરે નહીં આવે…” પત્ની બેડરૂમમાં ચાલી ગઈ ને અવાક્ પતિ ડ્રોઈંગરૂમમાં ઊભો હતો.

*

આ સંવાદ અનેક ઘરોમાં અનેક વાર થયા હશે ! સામેની વ્યક્તિ શું કહે છે, શું કહેવા માગે છે એ સમજ્યા વગર મનફાવતો અર્થ કાઢીને ઝઘડો કરવો, દુઃખ લગાડવું, રડવું કે ગાંઠ વાળી લેવી યોગ્ય છે ? આપણે બધા જ જાણે-અજાણે કદાચ આવું જ કરીએ છીએ. સામેના માણસની વાત સમજવાને બદલે માત્ર સાંભળીએ છીએ, પછી એમાંથી આપણને જે સમજાયું હોય અથવા ક્યારેક, આપણે જે સમજવું હોય એટલું અને એવું સમજીને સામેની વ્યક્તિનો ન્યાય તોળીએ
છીએ. ગુસ્સામાં, દુઃખમાં કે હતાશામાં આપણે ગમેતેમ બોલી નાખીએ છીએ. કેટલીક વાર આ એક નાનકડી પળ, અથવા એ પળમાં કહેવાયેલું એક વાક્ય જીવનભરનો ઉઝરડો મૂકી જતું હોય છે. આપણને આ સમજાય છે, તેમ છતાં જ્યારે સંવાદ કરવાનો આવે ત્યારે આપણે એને વિવાદમાં પલટી નાખીએ છીએ, કેમ ?

નવાઈની વાત એ છે કે આ ગેરસમજ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે મોટેભાગે આપણા સૌથી નિકટના વ્યક્તિ, સ્વજન અથવા પ્રિયજન સાથે જ કરીએ છીએ. સામેની વ્યક્તિ પણ ક્યારેક આવું કરે જ છે… બે વ્યક્તિ જે એકબીજાને ખૂબ ચાહતી હોય, એકબીજાની કાળજી કરતી હોય, પ્રેમ કરતી હોય, એમની વચ્ચે ગેરસમજ થવાની સંભાવના વધુ કેમ રહે છે ?

આનું સૌથી મોટું કારણ એ છે કે આપણે મનોમન એક સ્ક્રીપ્ટ લખ્યા પછી જ સંવાદ શરૂ કરીએ છીએ… અથવા, સામેની વ્યક્તિ જે કંઈ કહે છે એનો આપણને જે સૂઝે એવો અર્થ કાઢીએ છીએ. આપણે સામેની વ્યક્તિ વિશે જે કંઈ ધારીએ કે માનીએ છીએ એ ધારણા કે માન્યતા આમાં મોટો ભાગ ભજવે છે. જૂનો ડેટા, અથવા પહેલાં થયેલા અનેક સંવાદો પણ આ ગેરસમજ અથવા અડધી સમજ માટે જવાબદાર છે. પહેલાં ક્યારેક સામેની વ્યક્તિએ આપણી સાથે ખરાબ રીતે વાત કરી હોય અથવા પંચાત કરી હોય અથવા આપણને ટોક્યા હોય એ ડેટા આપણે મનમાંથી ક્યારેય ભૂંસતા નથી બલ્કે, નેગેટીવીટીનો આ ડેટા આપણે સતત સ્ટોર કર્યા કરીએ છીએ. જ્યારે જ્યારે સંવાદ થાય ત્યારે એ ડેટા આપણા મનમાંથી ડોકિયું કરે છે. જૂના અનુભવો પછી આપણે લગભગ એવું નક્કી જ કરી લીધું છે કે સામેની વ્યક્તિ જે કહી રહી છે, એની પાછળ એનો શું ઈરાદો છે… પૂછવાની કે પૂરું જાણવાની તસ્દી પણ આપણે લેતા નથી.

બંને વ્યક્તિઓ એક જ પેજ ઉપર, પ્લેટફોર્મ ઉપર, વિચાર ઉપર કે માનસિકતા ઉપર આવીને જો એકબીજાની વાત સમજવાનો પ્રયત્ન કરે તો સંવાદ-સમવાદ થઈ શકે. આપણે આપણી ધારણા કે માન્યતા પ્રમાણે જો સામેની વ્યક્તિના શબ્દોનો અર્થ કાઢીએ તો આપણો જવાબ પણ એવો જ હશે, એટલું નક્કી છે ને ? જ્યારે સામેની વ્યક્તિનો ઈરાદો ન સમજાય ત્યારે પૂછી લેવું. બને ત્યાં સુધી સ્પષ્ટતા સાથે કરવામાં આવેલી વાતચીત, સંબંધને નુકસાન થતું અટકાવે છે. કોઈ કશું કહે ત્યારે એ આપણને ટોકવા, અપમાન કરવા, ઉતારી પાડવા કે આપણા વિશેની કેટલીક કડવાશોને ધ્યાનમાં રાખીને જ બોલે છે, એવું વિચારવાને બદલે એ વ્યક્તિ આપણા સારા માટે કહે છે એવું માનીને, વિચારીને જો આપણે પોઝિટિવ રહીને સંવાદ કરીએ તો કદાચ સામેની વ્યક્તિ પણ આપણી વાત સાંભળ્યા પછી એના મનમાં રહેલો ડંખ કે ખોટો ઈરાદો, ટોણા મારવાનો પ્રયત્ન કે ઉડાઉ જવાબ આપવાની વૃત્તિને ટાળી શકે.

સવાલ આપણી શાંતિનો છે. સામેની વ્યક્તિની વાતનો જો આપણે જ અર્થ કાઢવાનો હોય તો ખોટાને બદલે સાચો કાઢીએ, કડવાને બદલે શુદ્ધ કાઢીએ, આડાને બદલે સીધો કાઢીએ… ફાયદો એમનો તો થશે જ, પણ વધુ આપણો ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *