લડના-ઝઘડના, ઝઘડ કે અકડના… છોડો છોડો ઈન બાતોં કો…

સવારના સવા દસ વાગ્યાના ફૂલ ટ્રાફિકમાં એક ગાડી સાથે ઘસાઈને બીજી ગાડી પસાર થાય છે.
જેની ગાડી ઘસાઈ છે એ વાહનચાલક ઘસીને ગયેલા વાહનચાલકનો બે કિલોમીટર સુધી પીછો કરે છે. અંતે,
પોતાની ગાડી એની ગાડીની આગળ ઊભી રાખીને એને નીચે ઉતરવાની ફરજ પાડે છે, બે મુક્કા મારે છે,
ભીડ ભેગી કરે છે, ગાળાગાળી કરે છે…

ઓફિસમાં કામ કરતાં બે સહકર્મચારીઓ વચ્ચે કોઈક બાબતમાં મતભેદ થાય છે. બંને જણાં છેલ્લા
પાંચ વર્ષથી જોડે કામ કરે છે અને એકબીજા પરત્વેના અણગમા મોટા અવાજે ઝઘડીને ઓફિસ માટે તમાશો
ઊભો કરે છે એટલું જ નહીં, હાથોહાથની મારામારી પર આવી જાય છે…

મેયર અને ધારાસભ્ય ઝઘડે છે, પબ્લિક માટે તમાશો થાય છે, છાપા માટે હેડલાઈન બને છે…
છેલ્લા થોડા વખતમાં જો આપણે નોંધ્યું હોય તો આપણને સમજાશે કે, વાતાવરણમાં ચારેતરફ એક
વિચિત્ર પ્રકારની ઉગ્રતા છે. નહીં જેવી બાબત પર લોકો ઝઘડી પડે છે એટલું જ નહીં, હવે ઝઘડાનો નિકાલ
ફક્ત હાથોહાથની મારામારી સુધી પહોંચી જાય છે. આજથી પાંચ જ વર્ષ પહેલાં લોકો આટલા બધા
ગુસ્સાવાળા કે ઝઘડાળું નહોતા, એવું લાગે છે? એક દાયકા પહેલાં તો રસ્તા ઉપર આટલો બધો તમાશો અને
ઝઘડો આપણે ભાગ્યે જ જોયો છે, આજે દરરોજ એકાદ દ્રશ્ય તો એવું જોવા મળે જ છે જે ટોળાં માટે
તમાશો બની જાય. પ્રેમ નહીં સ્વીકારનારી પ્રેમિકાને મારી નાખવી, છુટા પડવાની ધમકી આપનાર લિવ ઈન
પાર્ટનરનું ખૂન કરવું, બેવફા પતિ કે પત્નીનું ખૂન કરી નાખવું, ગુસ્સા અને હતાશામાં આપઘાત કરવો કે નાની
નાની વાતમાં પતિ-પત્ની છુટા પડી જાય, સંતાન ઘર છોડી જાય, સંતાન માતા-પિતાનું ખૂન કરી નાખે…
આવા કેટલા કિસ્સા આપણે રોજેરોજ સાંભળીએ છીએ ત્યારે એક સવાલ ચોક્કસ થાય છે કે, છેલ્લા એક
દાયકામાં એવું શું બદલાયું છે જેને કારણે સોશિયલ એન્ગ્સ્ટ (સામાજિક ગુસ્સો) આટલો બધો વધી ગયો છે!

છેલ્લા એક દાયકામાં જીવન જરૂરિયાતો ખૂબ વધી ગઈ છે. જેને અત્યાર સુધી લક્ઝરી માનતા હતા
એ ધીમે ધીમે અનિવાર્ય જરૂરિયાતોમાં પલટાતી જાય છે. થોડા વખત પહેલાં ઘર ‘સુરક્ષા’ હતું, પછી ઘર
‘સગવડ’ બન્યું અને હવે ઘર ‘લક્ઝરી’ બની ગયું છે. એમિનિટીઝ-સગવડો કેટલી છે, એના ઉપર લોકો ઘર
ખરીદતા થયા છે. મધ્યમવર્ગીય કે ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાં એક ગાડી પૂરતી નથી, એક દાયકા પહેલાં
એક ગાડી પણ લક્ઝરી હતી. હવે પતિ-પત્નીને જુદી ગાડી જોઈએ છે. વોશિંગ મશીન, ફ્રીજ, દરેક રૂમમાં
એ.સી.ની સાથે હવે દરેક બેડરૂમમાં પોતપોતાનું ટેલિવિઝન પણ હોવું જોઈએ, એવી એક નવી જરૂરિયાત
ઊભી થઈ છે!

અન્યનું જોઈને આપણી પાસે ‘શું નથી’ એનું લિસ્ટ બનાવવું એ આપણા સૌની માનસિકતા બનતી
જાય છે. ટીવી ઉપર આવતી જાહેરાતો કે હોર્ડિંગ્સ પર દેખાતા જીવનશૈલીના, ઝવેરાતના, વસ્ત્રોના ચિત્રો
આપણે માટે એક એવી ભૂખ ઊભી કરે છે જેનાથી આપણને આપણી જીવનશૈલીમાં અધૂરપ અને અભાવ
લાગ્યા જ કરે છે. અહીંથી શરૂ થાય છે એક હતાશા અને નિરાશાનો દૌર…

બીજી એક તકલીફ એ છે કે, હવે સફળતા અને નિષ્ફળતાનું જજમેન્ટ અન્યોના સર્ટિફિકેટ પરથી
કરવામાં આવે છે. લગભગ દરેક વ્યક્તિ કશું ને કશું સાબિત કરવા માટે જીવી રહી હોય એમ સતત અન્યની
નજરમાં પોતાની છબિ ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કર્યા કરે છે. પોતાને શું ગમે છે, કેમ જીવવું છે એ
વિશે વિચારવાને બદલે પોતે કઈ રીતે જીવશે તો અન્ય લોકોને ગમશે-પોતે પ્રશંસા મેળવી શકશે-અન્યની
નજરમાં કઈ રીતે પોતે આદરપાત્ર બની જશે એ જ વિચારીને જીવતો માણસ સતત પોતાના ગમા-
અણગમાને બાજુએ મૂકીને મન મારતો રહે છે. નવાઈની વાત એ છે કે, આપણે બધા એવું કહીએ છીએ કે,
‘એક જ જિંદગી છે દરેકે જીવી લેવી જોઈએ… લોકોની પરવાહ ન કરવી જોઈએ.’ પરંતુ, આપણી જીવનશૈલી
આનાથી તદ્દન ઉલટી છે! જે છીએ અને જે બતાવીએ છીએ એની વચ્ચેના ઘર્ષણમાં માણસનું મન અને
મગજ પિસાતું રહે છે.

બીજી તરફ, સગવડ સતત વધારતા જવું એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. હજી વધુ મોટું ઘર, હજુ
એક વધુ ગાડી, થોડી વધારે સફળતા અને આવક, થોડું વધારે સેક્સ, થોડી વધારે સુંદરતા, થોડી વધારે
યુવાની… આપણને જે છે એનાથી ‘થોડું વધુ’ જોઈએ છે. આપણે જે મેળવવા માગીએ છીએ એ નથી
મળતું, જ્યાં પહોંચવા માગીએ છીએ ત્યાં પહોંચી નથી શકતા કે જે પરિસ્થિતિમાં જીતવા માગીએ છીએ ત્યાં
ક્યારેક હારી જઈએ ત્યારે આપણને લાગે છે કે આપણે અન્યોથી ઓછા, ઉતરતા અને અધૂરા છીએ. આ
હતાશા આપણને વધુ મરણિયા બનવા ઉશ્કેરે છે! આપણી આસપાસની દુનિયા, આપણા સ્વજનો, પ્રિયજન
કે મિત્રો જ આપણને સૌથી વધુ ઓછા અથવા અધૂરા હોવાનો અહેસાસ કરાવે છે… માતા-પિતા સંતાનને
વધુ માર્ક લાવવા ‘મોટિવેટ’ કરે છે, તો પત્ની પતિને વધુ પ્રમોશન કે આવક માટે દબાણ કરે છે, પ્રેમી-પ્રેમિકા
એકમેક પાસેથી હજી વધુ પ્રેમ, એક્સ્પ્રેશન, ભેટ કે સમયની અપેક્ષા રાખે છે, બોસ પોતાના કર્મચારી પાસેથી
હજી વધુ સારા પરફોર્મન્સની અપેક્ષા રાખે છે… ટૂંકમાં, જે છે એનાથી કોઈ સંતુષ્ટ છે નહીં!

આ અસંતુષ્ટિ, અધૂરપ, અભાવ આપણને સતત ઉશ્કેરાયેલા અને ઉદ્વેગમાં રહેવા મજબૂર કરી નાખે
છે. આ ગુસ્સો, અકડામણ, ચીડ અન્યો પરત્વે નથી-પોતાની જાત પરત્વે છે. જ્યારે જ્યારે તક મળે ત્યારે
કુકરની વ્હિસલ વાગે એવી રીતે માણસ પોતાની અંદરની વરાળ ક્યાંક, કોઈકના ઉપર કાઢી નાખે છે. સત્ય તો
એ છે કે, આપણે બધાએ સમજવાની જરૂર છે કે વિસ્તરતી દુનિયા અને રોજ બજારમાં મૂકાતી નવી વસ્તુ-
પ્રોડક્ટ્સ આપણને ‘સગવડ’ આપી શકશે, પરંતુ ‘સુખ’ તો સંતોષમાં, શાંતિમાં, નિરાશમાં, સ્વયં માટે સમય
કાઢવામાં, શોખ જેવી કોઈ ગમતી પ્રવૃત્તિ કરવામાં કે જે છે એને માણવામાં રહેલું છે.

ફિલ્મ ‘ડુપ્લિકેટ’ માટે જાવેદ સાહેબે આ લખેલું ગીત આજના સમય માટે કેટલું સાચું છે!
લડના ઝઘડના ઝઘડ કે અકડના
છોડો છોડો ઈન બાતોં કો ઈન સે હોગા ક્યા
છોટી છોટી બાતો પે ચિઢના બિગાડના
સમઝો સમઝો ઈન બાતોં સે કુછ ભી નહી મિલતા
આઓ ડાર્લિંગ હમ દોનો અબ ઘુલ મિલ કે રહેગે
તુમ હમે ગુડ કહના હમ તુમકો વેરી ગુડ કહેગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *