‘કાયદેસરના લગ્નમાં જો પતિ પત્ની સાથે એની ઈચ્છા વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધે છે તો એને બળાત્કાર ન કહેવાય…‘ છત્તીસગઢ હાઈકોર્ટના આ વિવાદાસ્પદ ચૂકાદા પછી દેશભરની પરિણિત મહિલાઓ માટે એક વિચિત્ર સવાલ ઊભો થયો છે. લગ્ન થયા હોય એથી પુરૂષને શારીરિક સંબંધ બાંધવાની છૂટ બાય ડિફોલ્ટ મળી જાય છે ? સ્ત્રીની ઈચ્છા કે અનિચ્છાનું મહત્વ સ્વયં હાઈકોર્ટ નકારી નાખે ત્યારે આ દેશની મહિલાઓએ પોતાની મરજી કે સ્વતંત્રતા માટે કોના દ્વાર ખખડાવવા એવો પ્રશ્ન હવે ઊભો થાય છે…
ભારતના મોટાભાગના પરિવારોમાં (ખાસ કરીને નાના ગામો કે નાના શહેરોમાં) લગ્ન માટે દીકરીની ઈચ્છા પૂછવાની પ્રથા આજે પણ નથી ! ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર કે હરિયાણા જેવા રાજ્યોમાં પોતાની મરજીથી પરણવાનો પ્રયત્ન કરનાર કે પ્રેમમાં પડવાની ‘ભૂલ‘ કરનાર યુગલને ખાપ પંચાયત ભયાનક સજા કરે છે… આપણે ગ્લોબલ ઈન્ડિયન બનવાની વાતો ચોક્કસ કરીએ છીએ, પરંતુ હજી ‘મરજી‘ કે ‘ઈચ્છા‘ નામના શબ્દો સાથે ભારતીય સ્ત્રીનો સંબંધ કોઈ અજનબી જેવો રહ્યો છે. એક સર્વે મુજબ લગભગ 68 ટકા ભારતીય યુગલોમાં શારીરિક સંબંધ વખતે સ્ત્રીને સંતોષ થાય છે કે નહીં, એવું એનો પતિ પૂછતો નથી. એક જાણીતા અંગ્રેજી મેગેઝિનના એ સર્વેમાં સ્ત્રીઓ તરફથી મળેલા જવાબો વાંચીએ તો શહેરની અને ભણેલી સ્ત્રીને આઘાત લાગે એવા આંકડા જોવા મળ્યા છે. ‘સુહાગરાત‘ માં કેટલીવાર શારીરિક સંબંધ થયો એના ઉપરથી પૌરૂષ અને મર્દાનગી નક્કી કરતા પછાત માનસિકતા ધરાવતા પુરૂષોને હજી સુધી એવી ખબર નથી કે, ‘સંભોગ‘ નો અર્થ ‘સમ-ભોગ‘ છે. સરખાભાગે, સરખો આનંદ અને સરખો સંતોષ એ લગ્નજીવનની જરૂરિયાત છે, પરંતુ મોટાભાગના યુગલોમાં પુરૂષ માટે શારીરિક સંબંધ એ માત્ર એની પોતાની ઈચ્છા, મરજી અને પૌરૂષ પ્રસ્થાપિત કરવાનો કોઈ વિચિત્ર અધિકાર બની રહે છે.
આવા મેરિટલ રેપ, લગ્નસંબંધના બળાત્કારમાંથી જન્મ લેનાર બાળકને એની મા પ્રેમ કરી શકશે ? સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ બંધાયેલા સંબંધથી કદાચ પુરૂષ એના ઉપર પોતાનું વર્ચસ્વ અને માલિકી સાબિત કરી શકશે, એનો પ્રેમ પામી શકશે ?
બાસુ ભટ્ટાચાર્ય, જેમણે લગ્નજીવન ઉપર ઉત્તમ હિન્દી ફિલ્મો આપણને આપી. ‘અનુભવ‘, ‘આસ્થા‘, ‘ગૃહપ્રવેશ‘, ‘આવિષ્કાર‘, ‘પંચવટી‘ જેવી સ્ત્રી-પુરૂષના સંબંધને એક જુદી વ્યાખ્યામાં મૂકી આપતી ફિલ્મો માટે જેમને અનેક એવોર્ડ મળ્યાં છે. આ દિગ્દર્શકના પત્ની રિન્કી ભટ્ટાચાર્ય, જે બિમલ રોય જેવા ધુરંધર દિગ્દર્શકના દીકરી હતી એણે ‘માનુષી‘ નામના સાપ્તાહિકમાં મધુ કિશ્વરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એની સાથે બાસુ ભટ્ટાચાર્ય કેવું વર્તન કરતા હતા. એ પછી 2004માં એમણે ભારતીય ડોમેસ્ટિક વાયલન્સના સાચા કિસ્સા રજૂ કરતું એક પુસ્તક લખ્યું, ‘બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર્સ‘. એ સિવાય પણ ડોમેસ્ટિક વાયલન્સ અને મેરિટલ રેપ્સના અનેક કિસ્સાઓ રજૂ કરતા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
નવાઈની વાત એ છે કે, મોટા શહેરમાં વસતી સ્ત્રીઓ અને ગામડાંમાં કે નાના શહેરમાં વસતી સ્ત્રીઓની જીવનશૈલીમાં પણ આસમાન-જમીનનું અંતર છે. ટેલિવિઝન બધે પહોંચ્યું છે. સાવ નાના ગામમાં વસતી સ્ત્રી માટે પણ ટી.વી. સીરિયલ એના મનોરંજનનું સાધન છે. એમાં રજૂ થતી સ્ત્રીઓના કિરદાર તદ્દન બનાવટી અને અતિશયોક્તિ ભરેલા હોય છે. સિનેમા અને ટેલિવિઝનની સ્ત્રી પ્રેક્ષકના માનસ ઉપર ઊંડી અસર જોવા મળી છે. ‘નાગિન‘ અને ‘ડાયન‘ જેવી ટી.વી. સીરિયલ ઊંચી ટીઆરપી મેળવે ત્યારે આપણને આ સ્ત્રીઓની માનસિકતા વિશે શંકા જાગે… માર ખાતી, માનસિક અત્યાચાર ભોગવતી, પોતાની તમામ કમાણી પતિને આપીને એને દારૂ, જુગાર જેવી બદીમાં સપોર્ટ કરતી, સંતાનના ભણતર માટે રાત-દિવસ તનતોડ મહેનત કરતી અને ઘરની તમામ જવાબદારી ઉપાડતી સ્ત્રીઓ પણ પતિની સામે અવાજ ઉઠાવતાં ડરે છે. કારણ કે, એને ‘સમાજ‘ નો ભય લાગે છે. સામે આશ્ચર્ય એ વાતનું છે કે, સ્ત્રી સમાજથી ડરે છે, પરંતુ સમાજ આવી સ્ત્રીઓની મદદ માટે કે એમને બચાવવા માટે ખાસ કશું કરવા તૈયાર નથી. આપણે આપણી આસપાસની દુનિયામાં નજર નાખીએ તો સમજાય કે, બધું સહન કરીને પતિને સાચવતી કે એની સેવા કરતી સ્ત્રી ‘સતી‘ છે જ્યારે પતિના ગેરવર્તન બદલ એને સજા અપાવતી, કે એના અત્યાચારનો વિરોધ કરતી સ્ત્રી ક્યારેક બોલ્ડ, નફ્ફટ અને ક્યારેક વધુ પડતી આધુનિક ગણાય છે. પોતાની ઈચ્છા કે મરજીથી પોતાની ટર્મ્સ પર જીવવા માગતી સ્ત્રી હજી સુધી આ સમાજને પચતી નથી, એવી સ્ત્રી સાથે કંઈ ખોટું થાય, એના જીવનમાં કોઈ સમસ્યા સર્જાય ત્યારે એનો દાખલો એના પછીની પેઢીને આપીને એવું કહેવામાં આવે છે કે, ‘જોયું ? આવું થાય…‘ પરંતુ, પોતાની ટર્મ્સ પર જીવીને સફળ થયેલી આગળ વધેલી સ્ત્રીઓના દાખલા આપીને યુવા પેઢીને પ્રેરણા આપવાનું આપણને ફાવતું નથી.
જો એક પુરૂષ પોતે કેટલી સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યો છે એની વાત કરે તો એને માટે અભિમાન અને ગૌરવની વાત છે… પરંતુ, જો એક સ્ત્રી આવી કોઈ વાત કરે તો એ આછકલી અને નફ્ફટ છે ! સવાલ એ છે કે, જે પુરૂષે સંબંધો બાંધ્યા એ કોની સાથે? સ્ત્રી સાથે જ ને ? પણ પુરૂષ એની જાહેરાત કરી શકે, સ્ત્રી માટે વર્જ્ય છે…
લગ્ન સંબંધમાં પતિ સ્ત્રીની અનિચ્છાએ શારીરિક સંબંધ બાંધે તો એ બળાત્કાર નથી, પરંતુ સ્ત્રીને જ્યારે શારીરિક સંબંધની ઈચ્છા હોય, તો એણે પુરૂષની મરજી અને દયા ઉપર અવલંબિત રહેવું પડે. એ જો પહેલ કરે કે આગ્રહ કરે તો એ ‘બેશરમ‘ ગણાય… હાસ્યાસ્પદ બાબત એ છે કે આપણે આપણી આજની માનસિકતાને ‘પછાત‘ કહી શકીએ એમ નથી કારણ કે, આપણા પુરાણો અને સંસ્કૃતિ તો સ્ત્રીને સમાન અધિકાર અને સ્વતંત્રતા આપતાં રહ્યાં છે…
જે લોકો સંસ્કૃતિની દુહાઈ આપીને સ્ત્રીને પછાત રાખવાનો કે એની સ્વતંત્રતાને હણવાનો પ્રયાસ કરે છે એમને ભારતીય સંસ્કૃતિ વિશે ખરેખર કશી જ ખબર નથી. જે લોકો સભ્યતા અને સ્ત્રીના ગૌરવની વાતો કરે છે એમને એટલી પણ ખબર નથી કે સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ એને સ્પર્શ કરનાર પુરૂષ આપણા શાસ્ત્રોમાં અપરાધી માનવામાં આવે છે.