લગ્ન કોમ્પ્રોમાઈઝ નહીં, કમ્પેનિયનશિપ છે…

‘એ સ્વભાવે સારી છે. મારા માતા-પિતાની કાળજી કરે છે. ઘરનું ધ્યાન રાખે છે, પણ મારી કલ્પનામાં આવી
પત્ની નહોતી. હું એને પ્રેમ નથી કરી શકતો.’ એક વાચકે પત્ર લખ્યો છે, ‘મને દોસ્ત જેવી પત્ની જોઈતી હતી. ઘર
સાચવવા, રસોઈ કરવા કે મારા માતા-પિતાનું ધ્યાન રાખવા માટે હું માણસો રાખી શકું છું. મારી માનસિક જરૂરિયાત
માટે મને કમ્પેનિયન જોઈતી હતી જે મારી પત્ની બની શકતી નહોતી. એ એટલી સારી છે કે હું એને છૂટાછેડા પણ
આપી શકતો નથી. અરેન્જ મેરેજ કરીને હું ફસાઈ ગયો છું…’
આવું એક છોકરો લખી શકે. એને સહાનુભૂતિ અને સાંભળનારા પણ મળે, પરંતુ એક છોકરી
જ્યારે એમ કહે કે, એને એની કલ્પના મુજબનો જીવનસાથી નથી મળ્યો ત્યારે એને એમ સમજાવવામાં
આવે કે, લગ્નમાં તો આવું જ હોય!
આજના યુવકોને એક જ છોકરીમાં 10-15 છોકરીઓના ગુણો જોઈએ છે. એક તરફથી એમને
ઘર સંભાળે એવી, માતા-પિતાનું ધ્યાન રાખે એવી, સમાજમાં શોભે એવી છોકરી જોઈએ છે ને બીજી
તરફથી જીવનસાથી માટેની એમની કલ્પના એક દોસ્ત, કમ્પેનિયન, સાથે ટ્રાવેલ કરી શકે એવી,
બુધ્ધિશાળી અને મિત્રોમાં ભળી શકે એવી છોકરીની છે! સોશિયલ મીડિયા, ઓટીટી અને સિનેમાએ
‘મોર્ડન’ની વ્યાખ્યા બદલી નાખી છે. પતિ સાથે શરાબ કે સિગરેટ પી શકે ને છતાંય ઘરના હવનમાં માથે ઓઢીને
બેસી શકે એવા કોમ્બોની અપેક્ષા આજના યુવકને પોતાની પત્ની પાસેથી હોય છે… સામે સ્ત્રીને શું અપેક્ષા છે એવું
સામાન્ય રીતે કોઈ પૂછતું કે વિચારતું નથી, એ કેવી નવાઈની વાત છે. શું આજની નવયુવતિ એવું કહી શકે કે એને
રસોઈ કરે, ખૂબ કમાય, દેખાવડો હોય, છોકરીના માતા-પિતાનું ધ્યાન રાખે, પોતાને નોકરી કે વ્યવસાયમાં મદદરૂપ
થાય, બાળકો સાચવે, ભણેલો, સમજદાર અને ઉદાર છોકરો જોઈએ છે… કદાચ, એવું કહે કે માગે તો આપણે જ,
આપણા જ સમાજના લોકો એને વધુ પડતી અપેક્ષા રાખે છે કહીને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ. એના
માતા-પિતા જ એને સૌથી પહેલાં એવું સમજાવે કે, ‘લગ્ન એટલે જ કોમ્પ્રોમાઈઝ’, પરંતુ આવું આજના યુવકને
કેમ સમજાવવામાં આવતું નથી? મોટી ઉંમર સુધી કુંવારી રહેલી છોકરીને સામાજિક મેળાવડાના
પ્રસંગોએ, પાર્ટીમાં અને સગાંવહાલાં દ્વારા સતત પૂછવામાં આવે છે કે, એ ‘સેટલ’ ક્યારે થશે? મોટી
ઉંમર સુધી છોકરી ન પરણે તો ગમે તેટલા મોર્ડન માતા-પિતાને આજના સમયમાં પણ ચિંતા થાય છે…
એમને સમાજમાં જવાબ આપતા શરમ આવે છે. દીકરી પર ‘કોમ્પ્રોમાઈઝ’ કરીને લગ્ન કરી લેવાનું પ્રેશર
2026માં પણ છે જ, જ્યારે દીકરા માટે બે-ચાર વાર આગ્રહ કરીને પછી, ‘એની ચોઈસની છોકરી નથી
મળતી, શું કરીએ!’ કહીને પ્રતીક્ષા કરવા માતા-પિતા કે સગાંવહાલાં તૈયાર હોય છે.
જીવનસાથી ગ્રોસરીની જેમ ઓનલાઈન નથી મળતા. 10 મિનિટમાં ડિલિવરી થાય એવા પિત્ઝા
પણ નથી જીવનસાથી. એક્સચેન્જ કે રિટર્ન પોલિસી સાથે નથી આવતી જીવનસાથીની પસંદગી! છેલ્લા
થોડા સમયથી મેટ્રિમોનિયલ સાઈટ્સ પર જે ફ્રોડ થાય છે એનું એક કારણ માતા-પિતાની બિનજરૂરી
ઉતાવળ અને બેચેની પણ છે જ. ‘વેડિંગ.કોન’ નામની એક ડોક્યુમેન્ટ્રીમાં મોટી ઉંમર સુધી લગ્ન ન કરી
શકેલી, સારું કમાતી, વેલસેટડ છોકરીઓને પ્રેમ અને લગ્નના નામે કઈ રીતે બેવકૂફ બનાવીને લાખો
રૂપિયાની ઠગાઈ કરવામાં આવે છે એની કથા છે. એ ડોક્યુમેન્ટ્રીના અંતે દરેક છોકરી સ્વીકારે છે કે, લગ્ન
કરવાના ફેમિલી પ્રેશરને કારણે જ પોતે આ ફ્રોડમાં ફસાઈ!
કેટલીકવાર ખરેખર સારું ભણેલી, કમાતી, હોંશિયાર, માતા-પિતાનો ખ્યાલ રાખતી, કારકિર્દીમાં
આગળ વધી રહેલી છોકરી જ્યારે, ‘છોકરો ઓછું ભણેલો છે, સોફેસ્ટિકેટેડ નથી, પોતાને સમજી શકતો
નથી’ એવા કોઈ કારણસર રિજેક્ટ કરે ત્યારે એનું બેંક બેલેન્સ અને પરિવારના પૈસાને આગળ ધરીને
છોકરી ઉપર દબાણ કરવામાં કોઈ પાછું નથી પડતું. છોકરો સારું કમાતો હોય તો એનો દેખાવ નહીં
જોવાનો, પરંતુ છોકરી તો રૂપાળી જ જોઈએ એવું કહેનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. છોકરી
છોકરાથી મોટી હોય તો આજે પણ લોકોના ભવાં ચઢે છે, પરંતુ છોકરો 5-7 વર્ષ મોટો હોય તો એ જ
સાચું મેચિંગ છે એવું માનનારાની સંખ્યા ઓછી નથી. છૂટાછેડા થાય ત્યારે છોકરી, અને એની બહેનો
સુધી એના ચારિત્ર્યનો પડછાયો લંબાય છે, પરંતુ છૂટાછેડા લીધેલો છોકરો તદ્દન સ્વાભાવિક રીતે
અપરિણિત કે નાની ઉંમરની છોકરીની અપેક્ષા રાખી શકે-ને એને મળે પણ ખરી!
આપણે ટેકનોલોજી અને વિકાસની વાતો કરીએ છીએ, મોર્ડન હોવાનો દાવો કરીએ છીએ,
દીકરીઓને ભણાવીએ છીએ, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને તૈયાર કરીએ છીએ, પરંતુ જ્યારે
લગ્નની વાત આવે ત્યારે આપણે આજે પણ જુનવાણી અને રૂઢિચુસ્ત છીએ. ન્યાતમાં જ પરણવું
જોઈએ એવો આગ્રહ ધરાવતા માતા-પિતા કેટલીકવાર દીકરીએ પસંદ કરેલા છોકરાને મળવા પણ તૈયાર
નથી હોતા, એ કઈ આધુનિકતા અને કયો વિકાસ છે? આપણે ઉછેરેલી દીકરીની પસંદગીમાં જો
આપણને જ વિશ્વાસ ન હોય તો આપણે દુનિયાની સામે આપણી દીકરીના સારા-ખોટા સમયમાં કઈ
રીતે એની સાથે ઉભા રહીશું?
લગ્ન એટલે ‘જીવનસાથી’ની પસંદગી. આપણે જેને ભણાવી-ગણાવીને, લાડથી ઉછેરીને આ
દુનિયાને ઓળખતી, સમજતી, બુધ્ધિશાળી અને હોંશિયાર બનાવી છે એવી દીકરીને અચાનક પોતાનો
અભિપ્રાય આપતી રોકવી કે એની પાસેથી ‘ના’ પાડવાનો અધિકાર છીનવી લેવો યોગ્ય છે?
‘પછી સારા છોકરા નહીં મળે’ એવું માનતા અને એ જ ભયથી ફફડતાં માતા-પિતાએ એટલું
સમજી લેવાની જરૂર છે કે, લગ્ન તો ઈશ્વરને ત્યાંથી નક્કી થઈને આવે છે. જબરદસ્તી કરીને, મન
મારીને, સમાધાન કરાવીને પરાણે કરાવેલા લગ્ન માત્ર દીકરીનું જ નહીં, સામેના પરિવાર અને છોકરાનું
ભવિષ્ય પણ બરબાદ કરી નાખશે. દીકરી અને દીકરા બંનેની સો ટકા સંમતિ હોય તો જ લગ્ન કરાવવાં,
અન્યથા આપણને કદાચ ‘જવાબદારી પૂરી થઈ’નો સંતોષ મળે, પરંતુ આપણા સંતાનોનું જીવન અભાવ
અને અસંતોષમાં જશે એટલું સમજી લેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *