લતાઃ માત્ર સફળતા નહીં, ભયાનક સંઘર્ષ પણ…

સ્વર સામ્રાજ્ઞી, સ્વયં વસંત જેને લેવા આવી એવી કોકિલા લતા મંગેશકરની આગળ ‘સ્વ.’
લખતાં હૃદય અને કલમ બંને કંપી જાય છે. ભલે એમણે ‘વીર ઝારા’ પછી સિનેમા માટે ગીતો ન ગાયાં,
પરંતુ એમની હયાતિ અને એમનાં અસ્તિત્વની મહેક, એ હતાં ત્યાં સુધી ધૂપસળીની જેમ મહેકતી
રહી.

લોકોએ એમના પર જાતભાતના આક્ષેપો કર્યાં. અન્ય ગાયિકાઓની કારકિર્દી એમણે ન બનવા
દીધી એવું પણ એમના વિશે કહેવાયું… પરંતુ, એ જ્યાં ઊભાં હતાં ત્યાં ઈર્ષા કરવાની ખરેખર જગ્યા
હતી ખરી ? માણસ જ્યારે સફળ હોય અને એને જોઈતું બધું જ એને મળી રહેતું હોય ત્યારે એ શું
કામ કોઈની કારકિર્દીને હાનિ પહોંચાડે એવો સવાલ કોઈને પણ થાય, ‘લતા મંગેશકર… ઈન હર ઓન
વોઈસ’ નામનું એક પુસ્તક લતાજી સાથેના સવાલ જવાબના સ્વરૂપે નસરીન મુન્ની કબીરે લખ્યું છે.
જેમાં એમણે લતાજીને પૂછેલો એક સવાલ, “તમને જ્યોતિષમાં જે શ્રદ્ધા છે એ તમારા પિતાજી
તરફથી આવી હશે. તમારા પિતાએ કોઈ દિવસ તમારા જન્માક્ષર વાંચેલા ?” લતાજીએ જવાબ
આપ્યો હતો, “હા, એમણે મારા જન્માક્ષર જોયેલા અને કહેલું કે, લતા આપણે ન ધારીએ એટલી
સફળ અને પ્રસિધ્ધ થશે, પણ એ જોવા માટે હું નહીં હોઉં. એમણે કહેલું કે, એ આખા પરિવારની
કાળજી લેશે અને લગ્ન નહીં કરે…”

મૂળ નામ હેમા. એમના પિતા દીનાનાથ મંગેશકર નાટકમાં કામ કરતા હતા જેનું પાત્ર,
‘લતિકા’ એમને ખૂબ ગમી ગયું, અને કુંડળી પ્રમાણે ગ્રહો જોતાં એમણે પોતાની દીકરીનું નામ ‘હેમા’
માંથી ‘લતા’ કર્યું. એમના પિતા દીનાનાથ મંગેશકર શરાબના વ્યસની હતા. કુટુંબ વત્સલ અને પ્રેમાળ
હોવા છતાં એ શરાબની લત છોડી શકતા નહીં. એમની મા શેવંતી એમને બહુ સમજાવતી. ક્યારેક
ઝઘડતી તો ક્યારેક કકળાટ પણ કરતી, પણ દરેક વખતે એને વચન આપતા, કસમ ખાતા, પણ શરાબ
છોડવી એમના હાથમાં જ નહોતું જાણે ! લતાજીએ પોતાના પુસ્તકમાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે,
“1940માં અમે પૂના શિફ્ટ થયા. સાંગલીનું ઘર નિલામ થયું અને અમે ભાડાના ઘરમાં રહેવા લાગ્યા.
એક દિવસ મારા બાબા (પિતા)એ મને કહ્યું, ‘આવતા શુક્રવારે 11 ને 20એ હું ગુજરી જઈશ.’ હું હસવા
લાગી. એમણે કહ્યું, હસ નહીં. હું મારા જન્માક્ષર જોઈ શકું છું. ગુરૂવારે એમણે લોહીની ઉલ્ટી કરી
અને બીજે દિવસે, 24મી એપ્રિલ 1942ના દિવસે 11 ને 20એ એ ગુજરી ગયા ત્યારે એ 42 વર્ષના
હતા.”

“એ દિવસોમાં હવે ઘર કઈ રીતે ચાલશે એ સમસ્યા ઊભી થઈ. અમે ત્રણ બહેનો, એક ભાઈ
અને માઈ. અમારી પાસે સંગીત સિવાય બીજું કંઈ સાધન નહોતું. એ વખતે માસ્ટર વિનાયક દામોદર
કર્ણાટકી ‘નવયુગ ચિત્રપટ’ ચલાવતા. એમણે મારી માને સલાહ આપી કે મારો અવાજ ખૂબ સારો છે.
જો એ ઈચ્છે તો મને ફિલ્મોમાં કામ મળી શકે એમ છે.

વસંત જોગળેકર મરાઠી ફિલ્મ બનાવતા હતા ‘કિતી હસાલ’. સદાશિવ રાવ નવરેકરે મારી
પાસે એ ફિલ્મ માટે ગીત ગવડાવ્યું. એ ગીત ફાઈનલ કટ વખતે ડ્રોપ કરવામાં આવ્યું. વિનાયક રાવે
મને એમની ફિલ્મમાં નાનકડો રોલ આપ્યો, જેમાં મેં એક ગીત ગાયું. માસ્ટર વિનાયકે સલાહ આપી કે
અમારે મુંબઈ શિફ્ટ થવું જોઈએ. મારી મા અમને સૌને લઈને મુંબઈમાં આવી. અમે સ્ટુડિયોના ચક્કર
કાપવા લાગ્યા. એ વખતે હાર્મોનિયમ લઈને સંગીતકારો બેસતા… મારી પાસે ગવડાવતા. મારી ટ્રેનિંગ
ક્લાસિકલ-શાસ્ત્રીય સંગીતની હતી એટલે હું ઊંચા સૂરે શાસ્ત્રીય સંગીત ગાવાનું શરૂ કરતી, ફિલ્મી
સંગીતમાં હું તરત રિજેક્ટ થઈ જતી. માંડ મને સૌથી પહેલું ગીત મળ્યું, ‘માતા એક સપૂત કી દુનિયા
બદલ દે તુ…’ 1945માં માસ્ટર વિનાયકે ફિલ્મ બનાવી ‘બડી મા’, એમાં એક ભજન સાંભળીને વસંત
દેસાઈએ મને મળવા બોલાવી.

શશધર મુખરજીના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘શહીદ’ માટે મેં ગાયું, ગુલામ હૈદરનું
સંગીત. શશધર મુખરજીને મારો અવાજ બહુ પાતળો લાગ્યો. એમની અને ગુલામ હૈદર વચ્ચે
ભયાનક ઝઘડો થયો, ત્યારે સંગીતકાર ગુલામ હૈદરે ‘ફિલ્માલય’ના કમ્પાઉન્ડમાં ઊભા રહીને એમણે કહેલું,
‘આવનારાં વર્ષોમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર લતાના ચરણમાં પડશે… એની પાસે પોતાની ફિલ્મમાં ગવડાવવા માટે
ભીખ માગશે, યાદ રાખજો !'” આજે સંગીતકાર ગુલામ હૈદરે કહેલી વાત તો સાચી પડી જ છે.
લતા મંગેશકર માત્ર એક સફળતાનું ઉદાહરણ નથી, સંઘર્ષ અને જવાબદારીનું પણ ઉદાહરણ
છે. એમણે જો હારીને કે થાકીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પાછા જવાનું નક્કી કર્યું હોત તો કદાચ કોઈક
જગ્યાએ સંગીત શિક્ષકની નોકરી કરતાં હોત એવું એમણે પોતે જ નસરીન મુન્ની કબીરને કહ્યું છે.
ક્યારેક આપણે ધારીએ એટલી ઝડપથી આપણને સફળતા ન મળે તેથી આપણી જાતમાં વિશ્વાસ ન
ખોવો અને બીજા લોકોના અભિપ્રાય પ્રમાણે આપણી આવડત કે કળાને બદલવાને બદલે જો ખરેખર
આપણી જાતમાં વિશ્વાસ હોય તો ટકી રહેવું એવું આપણે લતાબાઈ શીખવી ગયાં છે.

ભાઈ-બહેન માટે એમણે લગ્ન ન કર્યાં. નસરીન મુન્ની કબીર એમને પૂછે છે કે, ‘લગ્ન નહીં
કરવાનો અફસોસ છે’ ત્યારે લતાજી જવાબ આપે છે, “લગ્ન પહેલેથી જ નક્કી હોય છે. ત્રણ ચીજો
પર આપણો કંટ્રોલ નથી, જન્મ-મરણ અને લગ્ન. હું જો પરણી હોત તો મારી જિંદગી જુદી હોત.
આટલા બધા એવોર્ડ અને સફળતાએ મારા પર કોઈ અસર નથી કરી. હું મારી જાતને એક સામાન્ય
વ્યક્તિ માનું છું. આજે આ જગ્યાએ ઊભી છું ત્યારે એક જ પ્રાર્થના કરું છું, કોઈને દુઃખ ન પહોંચાડું
કે નુકસાન ન કરું. જેમ વૃધ્ધ થતી જાઉં છું એમ વધુ શાંત અને એકલવાયી જિંદગી મને ગમવા લાગી
છે. બહાર જવાને બદલે ઘરમાં રહેવું ગમે છે…”

દીનાનાથ મંગેશકર હોલ, દીનાનાથ મંગેશકર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને બીજાં ટ્રસ્ટ
સાથે લતાબાઈએ પોતાની આવકની યોગ્ય વ્યવસ્થા કરી છે. એમની રોયલ્ટી કઈ રીતે અને ક્યાં
વહેંચાશે એ વિશે પણ એમણે એમના વીલમાં યોગ્ય ઉલ્લેખ કર્યો છે. સૌથી મજાની વાત એ છે કે,
એમણે પોતાના પૂરોગામીઓના ગીતો ગાઈને એક ટ્રિબ્યુટ રજૂ કર્યું હતું જેમાં એમણે બીજા ગાયકો
દ્વારા ગવાયેલાં પોતાના ગમતાં ગીતો ગાઈને એમને શ્રધ્ધાંજલિ આપવાની નમ્રતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *