આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય…

  • આ પેઢી પાસે  એકલા ઝઝૂમવાની, સમસ્યાઓને જાતે હેન્ડલ કરી લેવાની, ભૂલોને પોતાની રીતે મેનેજ કરવાની અજબ તાકાત છે

સ્વિમિંગ પુલના કિનારે ઊભેલું એક નાનકડું બાળક બાકીનાં છોકરાંઓને તરતાં જોઈ રહ્યું હતું… એની મમ્મી એને સમજાવી રહી હતી, ‘ડરવાની કોઈ જરૂર નથી, આ તો શેલો છે…’ મમ્મી બંને હાથ ચલાવીને બતાવી રહી હતી, જો આમ હાથ ચલાવવાના, બંને હાથે એમણે પગની જેમ હલાવીને કહ્યું, ‘આવી રીતે કિકિંગ કરવાનું… ડૂબાય જ નહીં ને!’ એ બાળકે મમ્મી સામે જોયું, ‘તને તરતાં આવડે છે?’ એણે પૂછ્યું. ક્યારની સૂચના આપી રહેલી મમ્મી, હવે ગૂંચવાઈ… બાળકે મમ્મીને કહ્યું, ‘પાણીમાં પડ્યા વિના સ્વિમિંગ ના આવડે!’

ચાર-પાંચ વર્ષના બાળકને સમજાય છે કે, સલાહ આપવી સહેલી છે, પરંતુ એના પર અમલ કરવો ઘણો અઘરો છે… આપણે બધા સલાહ અને સૂચનાના માણસો છીએ. એક આખી પેઢી જે હવે ગૂગલની ઈન્સ્ટ્રક્શન ફોલો કરતી થઈ છે એને માતા-પિતા પોતાના જમાનાની સલાહ આપીને એ પ્રમાણે જીવતા શીખવવા મથે છે, અથવા એમણે એમ જ જીવવું જોઈએ એવો આગ્રહ રાખે છે. એક આખી જૂની પેઢી એવું સ્વીકારવા જ તૈયાર નથી કે એ પેઢી હવે જૂની, આઉટડેટેડ થઈ છે. આ વર્ષે સાડા ચાર કરોડ નવા વોટર્સ ઉમેરાયા છે એનો અર્થ એમ થયો કે આપણા દેશમાં સાડા ચાર કરોડ છોકરાંઓ અઢારથી વીસની વચ્ચેના થયાં છે. એનાં મા-બાપ અંદાજે પચાસ કે સાંઈઠના થયાં છે… એ માતા-પિતામાંથી મોટાભાગના અજાણતાં જ પોતાના સંતાન સાથે હરિફાઈમાં ઊતરે છે.

યુવાન દેખાવાની, યુવાન વર્તવાની આ હરિફાઈમાં યુવાનની જેમ વિચારવાનો સમાવેશ નથી થતો. મોટાભાગનાં ઘરોમાં જ્યારે બાળક સાથે જોડાયેલી સમસ્યા કે કાંડ ઊભા થાય ત્યારે માતા-પિતા વઢવા, ધમકાવવા, ડરાવવા કે પોકેટમની બંધ કરી દેવા, વાહન લઈ લેવા જેવાં અંતિમ પગલાં લઈ લે છે. ખરેખર તો આપણે બધાએ એમને સમજવા હોય તો એમની જેમ વિચારતા શીખવું પડશે. પોલિસની ટ્રેનિંગ (આઈપીએસ) માં શીખવાય છે કે પોલીસની જેમ નહીં, ગુનેગારની જેમ વિચારવું વધુ જરૂરી છે! માતા-પિતા પોતાની પેઢી સાથે જોડાયેલી માન્યતાઓ, વિચારો અને ભૂલો નજર સામે રાખીને વિચારે છે. એમને કલ્પના પણ નથી કે એમનું સંતાન એમના પછી ત્રણ દાયકાની ટેકનોલોજી, માનસિકતા અને આર્થિક વિકાસ પછી જન્મ્યું છે. એમણે ત્રણ દાયકા એડવાન્સ વિચારતાં શીખવું જોઈએ. એને બદલે આ પેઢી સંતાનને ત્રણ દાયકા પાછળ લઈ જવાનો પ્રયાસ કરે છે, કેમ? એ તો એમને ખબર…

આ પેઢી વાંચતી નથી, ગુજરાતી બોલતી નથી, ગુજરાતી ખાતી નથી, સામે બોલે છે, એગ્રેસિવ છે, ધાર્યું કરે છે, મનની વાત કહેતી નથી, એમને મિત્રો સિવાય કોઈ દેખાતું નથી, મા-બાપ કે વડીલોનું સન્માન નથી કરતી, ધર્મમાં નથી માનતી, મન ફાવતાં કપડાં પહેરે છે, વ્યસન કરે છે… જેવી અનેક ફરિયાદો જૂની પેઢીને આ નવી પેઢી વિશે થયા કરે છે. નવી પેઢીની ગુજરાતી જોડણી બહુ ખરાબ છે, એમને રસ્તા યાદ રહેતા નથી, એ દુકાન સુધી જવા તૈયાર નથી… વાત સાચી છે પણ આપણે એના જવાબોમાં ઊતરવું જોઈએ. હાથે લખનારા બધાની જોડણી સારી છે, કારણ કે, જ્યારે પેન અને પેન્સિલથી કાગળ ઉપર લખવામાં આવે છે ત્યારે આપણી મેમરી અથવા સ્મૃતિમાં એ વાત કંડારાઈ જાય છે. જે રસ્તા જાતે શોધ્યા હોય એ સહેલાઈથી ભુલાતા નથી.

હવે જ્યારે એક્સચેન્જ પોલિસી ઉપલબ્ધ છે, એકથી વધુ સાઈઝ ઘરે ટ્રાઈ કરવા મળે છે, દાગીના પણ ઘરે બતાવા આવે છે ત્યારે આ યુવાન પેઢીને કશાય માટે મહેનત કરવાની જરૂર નથી. ચાલીને દુકાન સુધી જવાને બદલે ગ્રોસરી ઓર્ડર કરવી કે ફૂડ ઓર્ડર કરવું એમને સહેલું પડે છે. ગૂગલ ઉપર ‘કે-એ’ લખો એટલે ‘કા’ લખાય છે. કા લખ્યા પછી કાગળ, કાપડ, કાજળ, કાતર જેવા શબ્દોની ચોઈસ મળે છે. માત્ર ક્લિક કરવાનું છે! એ જ વાત અંગ્રેજીની બાબતમાં છે. ડિક્ષનરી ઓન કરો એટલે તરત જ એ સાચો સ્પેલિંગ બતાવે છે. ખોટા સ્પેલિંગ નીચે લીટી દોરાય છે… વિશ્વનું કોઈ પણ એડ્રસ 4×5ના સ્ક્રીન ઉપર ગૂગલ મેપ્સમાં કે અર્થમાં વોઈસ ગાઈડન્સ સાથે મળી રહે છે-ઓછા ટ્રાફિકવાળો રસ્તો પણ એ જ શોધી આપે છે.

રસ્તા યાદ રાખવાની જરૂર નથી. જ્યાં મગજ વાપરવાનું જ નથી અને માત્ર ટેકનોલોજીથી જ કામ થઈ શકે છે ત્યાં મગજ નહીં વાપરવાનું આખી પેઢીને સરળ પડી ગયું છે! સરળતા કોને નથી ગમતી? ઓછી મહેનતે આપણું કામ થતું હોય તો એ દરેકને ગમે જ…
જૂની પેઢી માને છે કે ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’, પરંતુ નવી પેઢી માને છે કે, જ્યાં પરિશ્રમ કરવાની જરૂર નથી ત્યાં મહેનત કરવાની કોઈ આવશ્યક્તા નથી… હવે આ મુખ્ય સંઘર્ષ છે. એક આખી પેઢી વર્ચ્યુઅલ જગતમાં પ્રવેશી ગઈ છે. એમને માટે વર્ચ્યુઅલ ટ્રાયલરૂમ પણ ઉપલબ્ધ છે. ચશ્મા, કપડા, જુત્તા અને હેરસ્ટાઇલ જેવી બાબતો સ્ક્રીન પર જોઈને નક્કી કરી શકાય છે. પીન ટુ પિયાનો, વર્ચ્યુઅલી જોઈને – એના કન્ફ્યુગરેશન વાંચીને, એનો દેખાવ, સાઇઝ માપીને સ્ક્રીન પર ખરીદી શકાય છે. જૂની પેઢી માટે માત્ર ઓળખીતા મળી જાય, કે ક્યાંક અજાણી જગ્યાએ કોઈકની ઓળખાણ નીકળે ત્યારે ‘વર્લ્ડ ઈઝ વેરી સ્મોલ’ની કહેવત પૂરી થઈ જાય છે, પરંતુ આ પેઢી માટે તો સાચે જ દુનિયા નાની થઈ ગઈ છે.

ફિલ્મની ટિકિટ, રિવ્યૂથી શરૂ કરીને પ્લમ્બર, કડિયા, સુથાર આપણને ઓનલાઇન મળી જાય છે. રૂમનું માપ આપીએ અને ફર્નિચર પસંદ કરીએ તો એ આપણા રૂમમાં કેવું લાગશે એ પણ હવે વર્ચ્યુઅલી જોઈ શકાય છે. મ્યુઝિકના લેસન અને ભાષાના લેસન, મેથ્સ અને વિજ્ઞાનના લેસનથી શરૂ કરીને સાડી કેવી રીતે પહેરવી એ, અને રેસિપી પણ હવે એમને ઓનલાઈન મળે છે…

આ છોકરાંઓ માત્ર ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ માટે ફોન નથી વાપરતા. એમનો ફોન એમને માટે ઓલમોસ્ટ વર્ચ્યુઅલ ઓફિસ છે. એમનું હોમવર્ક, એમના અસાઈમેન્ટ્સ, એમનું રિસર્ચ અને એન્ટરટેઈનમેન્ટ બધું એમને ફોનમાં મળે છે. આ બાળકો ટીવી જોતા નથી, વેબસિરીઝ કે યુટ્યૂબ જુએ છે. માતા-પિતાને ખબર પણ નથી એવા વ્યૂઝ અને ફોલોઈંગ યુટ્યૂબ આપે છે. સ્ટાર્ટઅપ અને યુટ્યૂબની કમાણી વિશે માતા-પિતાને સમજણ કે કલ્પના નથી… છોકરાંઓ જ્યારે સ્ટાર્ટઅપની વાત કરે છે ત્યારે માતા-પિતા એમને પેઢીઓથી ચાલતો આવેલો ધંધો અને ગુડવિલ સંભાળી લેવાની વાત કરે છે, પરંતુ આ છોકરાંઓને પોતાની ઓળખાણ ઊભી કરવી છે.

મોટાભાગનાને માતા-પિતાના નામથી ઓળખાવું પણ મંજૂર નથી. એમને માતા-પિતાની મદદ નથી જોઈતી, એટલે સલાહ પણ નથી જોઈતી. મોટાભાગનાં માતા-પિતા ગુસ્સે થાય છે ત્યારે કહે છે, ‘આ એ.સી. મેં આપ્યું છે, આ કપડાં મેં આપ્યાં છે, ગાડી મેં આપી છે, આ બધું ન હોય તો ખબર પડે…’ પરંતુ ત્યારે એ માતા-પિતા ભૂલી જાય છે કે આ બધું એમણે એમની ઇચ્છાથી આપ્યું છે, કદાચ. એ એમના સંતાનને સારી રીતે ઉછેરવા કે રાખવા માગે છે કારણ કે, એમાં એમની પ્રતિષ્ઠાનો પણ સવાલ આવે છે! આ જ પેઢી, ‘કોઈ જૂએ તો કેવું લાગે?’નો શિકાર છે. દાઢી વધારેલો, નાહ્યા વગરનો, શોર્ટ્સ પહેરીને ફરતો દીકરો કે નાની જગ્યાએ નોકરી કરતી દીકરી એમને માટે ‘કેવું લાગે?’નો ઈશ્યૂ છે!

હાથે નહીં લખતી પેઢીની જોડણી ખરાબ છે, સ્વીકાર્યું! જીપીએસથી રસ્તાં શોધતી પેઢીને સરનામા કે ફોન નંબર યાદ રહેતાં નથી, કબૂલ! પરંતુ, આ પેઢી પાસે એકલા ઝઝૂમવાની, પોતાની સમસ્યાઓને જાતે હેન્ડલ કરી લેવાની, ભૂલોને પોતાની રીતે મેનેજ કરવાની અને પોતે કરેલા નિર્ણયના પરિણામને સ્વીકારવાની અજબ જેવી તાકાત છે. બાકી બધી બાબતમાં વર્ચ્યુઅલ જીવતી આ પેઢી માને છે કે એમને એમનો આગવો, ઠોસ અનુભવ જોઈએ છે, સારો કે ખરાબ! એમને એમની પીડા જોઈએ છે, એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમના સંબંધો, એમના બ્રેકઅપ્સ, એમના વિચારો, એમની મહેનત, એમની નિષ્ફળતા માગે છે, આ પેઢી. આ બાબતમાં એમને માતા-પિતાની રેડીમેડ, વર્ચ્યુઅલ સલાહ નથી જોઈતી. કહેવત ભલે સદીઓ પુરાણી હોય પણ આ પેઢી દૃઢપણે માને છે કે, ‘આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય…’