ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ‘મા’ એક એવો શબ્દ છે જે સૌ માટે ખૂબ ઈમોશનલ અને
પોતાના અસ્તિત્વ સાથે, પોતાના માન સાથે જોડાયેલો છે. સિનેમાથી શરૂ કરીને સમાજ સુધી ‘મા’ને
આગવું મહત્વ આપવામાં આવ્યું છે જે બાળકને પોતાની કૂખમાં (ગર્ભમાં) રાખીને નવ મહિના પાળે-
પોષે છે, અંતે પોતાના શરીરને ચીરીને એક જીવમાંથી જીવ છૂટો પાડે છે-માણસજાતને જીવતી રાખે
છે, એના પ્રદાન વિશે પ્રણામ સિવાય બીજી કોઈ અભિવ્યક્તિ ન જ હોઈ શકે.
માના આ ગુણગાન અથવા ઋણ સ્વીકારમાં ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતા એવાં
ડૂબી ગયાં કે આપણે પિતાને જાણે-અજાણે નજરઅંદાજ કર્યા છે. પરિવાર, માતા-પિતા બંનેથી બને
છે. જેટલું મહત્વ માનું છે એટલું જ પિતાનું છે. એક સપનાં બતાવે છે તો બીજી પોતાના સ્નેહ અને
સુરક્ષાના પાલવમાં નિરાંતે ઊંઘવાની સગવડ કરી આપે છે. એક આકરો તડકો છે ને બીજી શીતળ
છાયો છે. એક શિક્ષા કરે છે તો બીજી શિક્ષક છે. આપણી જૂની કહેવતો પણ માનો પક્ષ લે છે,
‘પિતાના મહેલમાં ન સમાય પણ માની ઝૂંપડીમાં સમાય’થી શરૂ કરીને ‘ઘડો ફૂટે ને રઝળે ઠીકરી મા વિના
એવી દીકરી’ જેવી કહેવતો આપણને વારંવાર શું એવું યાદ કરાવે છે કે, સંતાનના ઉછેરમાં પિતાનું કોઈ
પ્રદાન નથી?
માને આદર આપવો, પ્રેમ કરવો, એનું સન્માન જાળવવું એ દરેક સંતાનની ફરજ છે, પરંતુ
બદલાતા સમય સાથે એવી મા તરફ પણ નજર કરવી જોઈએ કે જે પોતાના પ્રેમી માટે, સ્વાર્થ કે
શારીરિક સુખ માટે, સંપત્તિ કે સત્તા માટે પોતાના સંતાનને મૂકીને ઘર છોડી જતી હોય છે. કારકિર્દી
માટે સંતાનના ઉછેરમાં રસ નથી લેતી. આજે કેટલાય જાહેરસ્થળોએ આપણે અમુક માતાઓને
જોઈએ છીએ જેમના સંતાનને એમની સાથે ચાલતી એમની ‘પગારદાર બાઈ’ ઉપાડે છે અથવા
બાળક ‘પ્રામ’માં હોય છે. બાળકને હાથમાં તેડવાનું કારણ એ છે કે, ગર્ભાશયમાં સાંભળેલા માના
હૃદયના ધબકારા એની સ્મૃતિમાં હોય છે. એ જ્યારે જાહેરસ્થળે હોય અનેક લોકોની હાજરીમાં
અસુરક્ષિતતા અનુભવવાને બદલે માના હૃદયના ધબકારાની સ્મૃતિ એને ગર્ભાશયની સુરક્ષાનું સ્મરણ
કરાવે છે.
એવી જ રીતે, સ્તનપાન વિશે કેટલીય સ્ત્રીઓનાં મનમાં ખોટા ખ્યાલો રહેલા છે. આયુર્વેદ
હોય કે આધુનિક તબીબી વિજ્ઞાન, બધા જ કહે છે કે બાળકને ઓછામાં ઓછું 18 મહિના માનું દૂધ
આપવું જોઈએ અને પહેલાં છ મહિના તો માના દૂધ સિવાય કશું જ ન આપવું જોઈએ. (કેટલાક
ડૉક્ટર તો પાણીની પણ ના પાડે છે) કેટલીક સ્ત્રીઓ માને છે કે, સ્તનપાન કરાવવાથી એમના
શરીરનો આકાર ખરાબ થઈ જશે, પરંતુ સત્ય એ છે કે માના શરીરમાંથી દૂધની સાથે બાળક હવા પણ
ખેંચે છે. પ્રસૂતિ પછી શરીર ફૂલી જવાનું એક કારણ એ પણ છે કે, પ્રસૂતિ દરમિયાન શરીરમાં
ભરાયેલી હવા અને વધારાનું પાણી સ્તનપાન ન કરાવવાને કારણે શરીરમાં જ રહી જાય છે. વળી,
બ્રેસ્ટ ફીડિંગ અથવા સ્તનપાનને કારણે મા અને બાળક વચ્ચે એક એવું બોન્ડ થાય છે જે માનસિક
અને ઈમોશનલ સ્તરે બંનેને જોડી રાખે છે.
સમય બદલાયો છે, આજની માએ પોતાના બાળકને એક બહેતર જીવન આપવા માટે કમાવું
પડે છે, બહાર નીકળવું પડે છે, પોતાનો પૂરેપૂરો સમય પોતાના બાળકને ન આપી શકે એ સહજ અને
સ્વીકાર્ય છે, પરંતુ જેટલો સમય આપે એ સમય દરમિયાન આજની મોર્ડન મમ્મી શું કરે છે એ બહુ
અગત્યનું છે. બીજી કોઈ માથાકૂટ વગર બાળક ઝડપથી જમી લે એ માટે એના હાથમાં મોબાઈલ
પકડાવી દેવો કે થોડીવાર એક જગ્યાએ બેસી રહે માટે ટીવી ચાલુ કરી દેવું એ કદાચ સરળ રસ્તો હશે,
પણ બાળઉછેરનો સાચો રસ્તો નથી. આજની દરેક મમ્મીને પોતાનું બાળક સ્પેશિયલ લાગે છે, એમાં
કંઈ ખોટું ય નથી, પરંતુ ઘરે આવનાર દરેક વ્યક્તિની સામે પોતાના બાળકનો ટેલેન્ટ શૉ કરવો, સતત
પોતાના બાળકના વખાણ કર્યા કરવા, એના અચિવમેન્ટની, માર્ક્સની, હોંશિયારીની, આવડતની કે
એની ચતુરાઈની વાતો કરીને મહેમાન કે મિત્રોને બોર કરવાનો હક્ક ખરેખર આપણી પાસે છે ખરો?
ક્યારેક કોઈક વાત શેર કરવાની મજા પડે, બાળકની કાલીઘેલી કે ચતુરાઈની વાતો સાંભળીને હસવું ય
આવે ને આનંદ પણ થાય, પરંતુ જે મા પોતાના બાળકને સતત સર્વશ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયાસમાં
એની જ વાતો કર્યા કરે છે એ મા બાળકના મનમાં અજાણતાં જ એટલો બધો ઈગો અને એટિટ્યૂડ
ભરી દે છે કે એનું બાળક પછીથી પોતાની જાતને સામાન્ય સમજવા તૈયાર થતું નથી. એવી જ રીતે
કેટલીક મમ્મી બાળક સાથે રમતી વખતે જાણી જોઈને હારી જાય છે. આવા બાળકને જીતવાની ટેવ
પડી જાય છે. નાનકડા પરિવારમાં કદાચ એ બાળક જુદું હોય, થોડું વધુ તેજસ્વી, હોંશિયાર કે ચતુર
પણ હોય, પરંતુ જ્યારે એ બજારમાં-દુનિયામાં બહાર નીકળે છે ત્યારે એને એના જેવા, એનાથી ય
ચડિયાતા અનેક લોકો મળવાના જ છે, ત્યારે એ બાળક હાર સ્વીકારવા કે કોઈને પોતાનાથી વધુ શ્રેષ્ઠ
સ્વીકારવા તૈયાર નહીં થાય ત્યારે એને સમાજમાં ભળવાના કે સંબંધો ટકાવવાના પ્રશ્નો ઊભા થશે.
છેલ્લી અને મહત્વની વાત, જે મમ્મી પોતાના આંધળા પ્રેમના નશામાં સંતાનની ભૂલો
પિતાથી છુપાવે છે એના નાનામોટા ગુનાહ છાવરે છે એ મા પોતાના બાળકની જિંદગી બગાડવા માટે
જવાબદાર છે. જેમ માને બાળક માટે પ્રેમ છે એમ પિતાને પણ પોતાનું સંતાન વહાલું હોય જ, પિતા
કડક છે અથવા બાળકને એની ભૂલ માટે સજા કરે છે, એનો અર્થ એ નથી કે પિતા ક્રૂર છે. મા જ્યારે
બાળકની ભૂલોને છાવરે ત્યારે બાળકના મનમાં મા પ્રેમાળ અને પિતા નકામા આવી એક છબિ ઊભી
થાય છે. સમય જતાં આવું સંતાન પોતાના પિતાને સન્માન આપી શકતું નથી અથવા નાની નાની
વાતમાં એની સામે થઈ જાય છે…
મા હોવાનો અર્થ છે, સંતાનને ખોટી વાતમાં રોકવું અને સાચી વાતમાં સમતાપૂર્વક પ્રોત્સાહન
આપવું. ધરતી, નદી, ગાય, કે જગતજનની મા… પોતાના સંતાનોને એમની ભૂલ માટે સજા કરે જ
છે. પર્યાવરણ બગડે ત્યારે ધરતીકંપ થાય, નદી પોતાનું વહેણ તોડે એ સંતાનને સજા જ છે.
જગતજનની પણ કર્મની સજા આપે જ છે, એનો અર્થ એ નથી કે, એ ‘મા’ તરીકેની પોતાની સ્નેહ,
સંભાળ અને સુરક્ષાની જવાબદારી નથી નિભાવતી.
માની બે આંખો છે. એકમાં સ્નેહ અને બીજીમાં શિક્ષા હોય તો જ એ સાચી મા.