‘ટ્રાયલ પીરિયડ’ નામની એક ફિલ્મ હજી હમણા જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ છે. ટી.વી.
પર જાતભાતની વસ્તુઓ વેચતી કંપનીમાં 30 દિવસનો ટ્રાયલ પીરિયડ મળે છે. વસ્તુ મંગાવ્યા પછી ન ગમે,
વાપર્યા પછી અનુકૂળ ન આવે તો 30 દિવસમાં પાછી આપી શકાય એવી સગવડ સાથે જાતભાતની વસ્તુઓ
વેચતી કંપનીની જાહેરાત જોઈને પાંચ વર્ષના એક છોકરાને ડિવોર્સી મમ્મી માટે ટ્રાયલ પીરિયડમાં ‘નવા
પપ્પા’ મંગાવવાનો આઈડિયા આવે છે. એક યુવાન, જે શિક્ષિત, સમજદાર અને વ્યવસાયે શિક્ષક છે એ
નોકરી શોધવા મોટા શહેરમાં આવ્યો છે. સ્ટોપ ગેપ અરેન્જમેન્ટમાં રહેવા, ખાવા-પીવાની સગવડ મળે એ
ઈરાદાથી એ 30 દિવસ માટે આ નોકરી સ્વીકારે છે. વાર્તા પ્રેડિક્ટેબલ છે… પરંતુ, રસપ્રદ એટલા માટે છે કે,
માનવસંબંધોને કોઈપણ ફોમમાં હરીફરીને ગોઠવીએ, ગમે તેટલા પત્તાં ચીપીએ તો પણ છેલ્લી તો બાજી
ઈમોશનની જ ગોઠવાય છે.
હવે લગ્ન એટલો મહત્વનો સંબંધ નથી રહ્યો એ વાત આપણે સૌએ સ્વીકારવી પડે. નવી પેઢીને
‘લીગલ વેડિંગ’નો વિચાર બોરિંગ લાગે છે. મોટાભાગના લગ્નો ગમે તેટલી ધામધૂમથી અને અરેન્જ હોય કે
લવ, પરંતુ અંતે ઝઘડા-ઝઘડી અને કકળાટમાં પરિણમે છે. લગ્નનું આલ્બમ હજી માતા-પિતા સુધી ન પહોંચ્યું
હોય ત્યાં તો દીકરી ઘેર પાછી આવે છે અને ‘નથી ફાવતું’ કહીને એક નવો જ સવાલ ઊભો થાય છે. આવા
સમયે ડિવોર્સી મા પોતાના સંતાનને ઉછેરે છે, એમાં સિંગલ પોઈન્ટ ઓફ વ્યૂ છે. એ પોતાના સંતાન માટે શું
શ્રેષ્ઠ માને છે એટલું જ એના માટે મહત્વનું છે. એને એ નથી સમજાતું કે એના સંતાને આવતીકાલે દુનિયા
સાથે કામ પાડવાનું છે. ‘નો વાયોલન્સ’ શીખવતી મા ભૂલી જાય છે કે, આ સલાહ ત્યાં સુધી જ કામની છે
જ્યાં સુધી કોઈ એના બાળક પર હાથ ન ઉપાડે, એને બૂલી ન કરે… સતત માના પડછાયામાં ઉછરેલું બાળક
જ્યારે પહેલી વખત એક પુરુષ સાથે જોડાય છે-એના જીવનમાં એક પુરુષનો પોઈન્ટ ઓફ વ્યૂ ઉમેરાય છે
ત્યારે પોતે ઉછરી રહેલા પુરુષ તરીકે શું વિચારે છે અને કઈ રીતે એનું વ્યક્તિત્વ બદલાય છે એની આ કથા છે.
આજનો જમાનો સિંગલ પેરેન્ટ્સનો છે. મા કે પિતા સારો ઉછેર નથી આપતા, નથી આપી શકતા કે
એક સ્ત્રીનું જીવન પુરુષ વગર અધૂરું છે કે એક પુરુષ એકલો બાળક ન ઉછેરી શકે આવો કોઈ અભિપ્રાય
આપવાનો ઈરાદો નથી. તેમ છતાં, એટલું તો કહેવું જ પડે કે હજી આપણા સમાજમાં સિંગલ પેરેન્ટનો
વિચાર સ્વીકાર્ય કે આવકાર્ય નથી. મા કે પિતા ગમે તે માનતા હોય, પરંતુ બાળક જ્યારે શાળામાં જાય છે,
સામાજિક મેળાવડા, બર્થ ડે પાર્ટી, મોલ કે સિનેમામાં બીજા બાળકોને એના પિતા અને માતા સાથે જુએ છે
ત્યારે એને પોતાના જીવનમાં રહેલો અભાવ સમજાય છે એટલું જ નહીં, એના વ્યક્તિત્વમાં રહી ગયેલી
જિગ્સોનો એ નાનકડો ટુકડો એના ચિત્રને સંપૂર્ણ બનાવવામાં જિંદગીભર ખૂટ્યા કરે છે.
મુદ્દો એ છે કે, માતા-પિતા બનતા પહેલાં દરેક પતિ-પત્નીએ એટલું સમજી લેવું જોઈએ કે, એ એક
નવી જિંદગીને આ ધરતી પર આમંત્રિત કરી રહ્યા છે. પતિ-પત્ની તરીકે એમને ફાવે કે ન ફાવે, એમને ગમે તે
સમસ્યા હોય, એમનો ઈગો, અહંકાર, કારકિર્દી કોઈપણ કારણસર એમના લગ્નમાં સમસ્યા ઊભી થઈ શકે-એ
સહજ અને સ્વાભાવિક છે, પરંતુ એકવાર માતા-પિતા બનવાનો નિર્ણય કરીને સંતાનને જન્મ આપ્યા પછી
‘અંગત’ ઈગો કે અહંકારને બાજુએ મૂકીને એમણે સંતાનના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની ફરજ પડે છે.
એકબીજા માટે એમને ગમે તેટલા વાંધા હોય, કદાચ વાંધા સાચા પણ હોય છતાં એમના બાળક માટે તો મા કે
પિતા એમના આઈડિયલ-હીરો છે. પોતાના અંગત વાંધા સંતાનના કુમળા મગજમાં ન નાખવા, એટલું જ
નહીં, સંતાન પોતાના આઈડિયલ કે હીરોને જીવનભર માન આપી શકે એવી રીતે એનો ઉછેર કરનાર માતા-
પિતા સમાજને એક સુદૃઢ અને માનસિક રીતે મજબૂત વ્યક્તિત્વ ધરાવતા માણસની ભેટ આપે છે. જે માતા-
પિતા આ વાત નથી સમજી શકતા એમના સંતાનો જીવનભર અધૂરપ, માનસિક સમસ્યા અને ક્યાંક ઓછા
હોવાની લાગણી સાથે જ ઉછરે છે અને જીવે છે.
મતભેદો હોઈ શકે, મનભેદ પણ હોઈ શકે, પરંતુ જ્યાં સુધી એને સમજીને, વિચારીને સોલ્વ કરી
શકાય ત્યાં સુધી ઈગો બાજુએ મૂકીને સ્ત્રી કે પુરુષ તરીકે નહીં, પણ માતા-પિતા તરીકે વિચારતાં શીખવાની
આ બદલાઈ રહેલા સમાજની નવી પેઢીને બહુ જરૂર છે. છૂટાછેડા, ડિવોર્સ, અલગ રહેવું આ બધું જીવનનો
હિસ્સો છે જ, પરંતુ આ નિર્ણય કરતાં પહેલાં એના સાચા કારણોની તપાસ વ્યક્તિએ જાતે કરવી જોઈએ.
પોતાને કારણો ‘સાચા’ લાગે તો પણ એક ત્રીજી વ્યક્તિ બનીને સંતાનના પોઈન્ટ ઓફ વ્યૂથી ફરી એકવાર આ
મતભેદ અને મનભેદને તપાસી જોવા જોઈએ. અસહ્ય પરિસ્થિતિ, ડોમેસ્ટિક વાયોલેન્સ, શરાબી કે નોકરી ન
કરતો પતિ, ચારિત્ર્યહીન, જીવનસાથી જેવી સમસ્યાઓ નથી એવું કહેવાનો પણ ઈરાદો નથી, એ બધું સહન
કરીને પણ સાથે રહેવું એવી સલાહ તો ન જ આપી શકાય તેમ છતાં, એક વાત ચોક્કસ સમજવી રહી કે,
સંતાનનું ભવિષ્ય હંમેશાં બે જણાંના પ્રદાનથી ઉજ્જવળ અને સંપૂર્ણ બને છે.
દીકરાને કે દીકરીને મા અને પિતા બંનેના સ્નેહ, ડિસિપ્લિન, સમજદારી અને ક્યારેક કડક-મજબૂત
વર્તાવની જરૂર હોય જ છે. આપણે ગમે તેટલું કહીએ તો પણ સ્ત્રી અને પુરુષની માનસિકતામાં, વર્તનમાં
અને વ્યક્તિત્વમાં ભેદ છે જ. એક મા ગમે તેટલું કરે તો પણ એ પૂરેપૂરી ‘પિતા’ નથી બની શકતી, એક પિતા
પોતાની પૂરી ઋજુતા અને કાળજી સાથે પણ પૂરેપૂરી ‘મા’ નથી બની શકતા…
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એક સારી, સમજદાર, વિચારશીલ અને સામાજિક નિસ્બત ધરાવતી
પેઢી ઉછેરવા માટે એક સંપૂર્ણ પરિવારની આવશ્યક્તા હોય છે. જો આપણે માતા-પિતા હોઈએ તો,
આપણામાંના સ્ત્રી-પુરુષ, કારકિર્દી-ઈગો-એકબીજાના પરિવાર પ્રત્યેના વાંધાવચકાને બાજુએ મૂકીને ફક્ત
માતા અને પિતા તરીકે વિચારવું એ આપણું ઉત્તરદાયિત્વ છે. એક જીવનને જન્મ આપ્યા પછી એને સંપૂર્ણ
ઉછેર અને અખંડ વ્યક્તિત્વ આપવું એ આપણી ફરજ છે.