મેડમ ભીખાઈજી કામાઃ યાદ છે કોઈને?

‘ભારતમાં બ્રિટિશ શાસનનું આટલા વર્ષો સુધી ટકવું એ માનવતાના નામ પર કલંક છે. એક મહાન
દેશ ભારતના હિતને અંગ્રેજોએ ભારે ક્ષતિ પહોંચાડી છે.’ આ વાત જેમણે કહી એ એક પારસી સન્નારી મેડમ
ભીખાઈજી કામા ભારતના સ્વતંત્રતા ઈતિહાસમાં પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે.

ભારતમાં પારસીઓનો ઈતિહાસ ખૂબ રોચક અને રસપ્રદ છે. ઈરાનથી આવીને વસેલી આ એક
એવી પ્રજા જેમણે ભારતને ઉદ્યોગો, કલા અને ઓળખ આપ્યા. આજે પણ ગોદરેજ, તાતા જેવા ઉદ્યોગ ગૃહો
અને ગુજરાતી રંગભૂમિની સ્થાપના કરનાર પારસી નાટક મંડળીના ફરેદુન ઈરાની, અરદેશર ઈરાનીને આપણે
યાદ કરવા પડે.

ભારતમાં ઉછરી રહેલી નવી પેઢી જેમનો જન્મ 1990/2000 પછી થયો છે એમને માટે
સ્વતંત્રતાનો ઈતિહાસ પાઠ્ય પુસ્તકોમાં વાંચી, ગોખી અને પરીક્ષામાં જવાબ આપવા પૂરતો રહી ગયો છે.
ખરેખર આપણા દેશના ઈતિહાસ માટે એમને આદર કે સ્વાભિમાન થાય એવું કશું આપણે આપણી નવી
પેઢીને આપી શકતા નથી એ ખરેખર દુઃખદ અને શરમજનક બાબત છે. સાચું પૂછો તો દરેક દેશની નવી પેઢી
પાસે પોતાના દેશનો ઈતિહાસ હોવો જોઈએ, જેનાથી એને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય કરવાની
સમજણનો વિકાસ થાય.

હિટલરે જ્યારે પેરિસ પર આક્રમણ કર્યું ત્યારે પેરિસવાસીઓ આખું શહેર ખાલી કરીને ચાલી ગયા
હતા, આ વાત બહુ ઓછા લોકો જાણે છે, પણ પોતાના શહેર માટે એમને એટલો પ્રેમ હતો કે, પોતાની
રાક્ષસી પ્રકૃતિ પ્રમાણે હિટલર શહેરને બગાડે નહીં એ માટે ફ્રેંચ લોકોએ શહેર ખાલી કરવાનું પસંદ કર્યું! સાથે
જ એફિલ ટાવરની ટોચ પરથી, જ્યાંથી પેરિસ સૌથી ખૂબસુરત દેખાય છે ત્યાં હિટલર ન પહોંચી શકે એ માટે
એમણે લિફ્ટ બગાડી નાખી… વાત નાની છે, પણ શહેર કે દેશના ઈતિહાસ માટે આ કેટલી અદભૂત ઘટના
હોઈ શકે! અપાર્થાઈડ (રંગભેદ)ની સામે લડવા માટે જેણે પોતાનું આખું જીવન સમર્પી દીધું એ, નેલ્સન
મંડેલાએ દક્ષિણ આફ્રિકાની જેલમાં પોતાની જિંદગીના 27 વર્ષ વિતાવી દીધાં… અમેરિકન હોસ્ટ ઓપ્રાહ
વિન્ફ્રે 25 વર્ષ સુધી પોતાનો શો ચલાવ્યો. જેમાં વિશ્વભરના લોકોએ પોતાનું દિલ ખોલ્યું, પોતાના જીવનની
સચ્ચાઈ, હિંમત અને ગૌરવપૂર્વક પ્રેક્ષકોની સામે મૂકી, પ્રિન્સેસ ડાયેના જેમણે પોતાની જિંદગી પોતાની ટર્મ્સ
પર જીવવા માટે પહેલાં બ્રિટિશ તાજ અને પછી પોતાનું જીવન કુરબાન કરી દીધું… નવાઈની વાત એ છે કે,
આવા વિદેશી મહાનુભાવો વિશે આપણી નવી પેઢી ઘણું જાણે છે. એમને સન્માન આપે છે, પરંતુ આપણા
જ દેશના કેટલાક એવા લોકો જેમના વિશે આપણી નવી પેઢીએ જાણવું જોઈએ, એ વિશે એમને ઓછામાં
ઓછી માહિતી છે.

સરદાર પટેલ, મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક, ભગતસિંઘ કે નેતાજી જેવા જાણીતા નેતાઓના
જન્મદિવસ કે મૃત્યુ તિથિ સરકારી કેલેન્ડરને કારણે સૌ જાણે છે, પરંતુ મેડમ ભીખાઈજી કામા, નાનાસાહેબ
પેશ્વા, બેગમ હઝરત મહાલ કે એવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમના નામ ઈતિહાસમાં લખ્યા છે, પરંતુ
આપણે એમને કમ્ફર્ટેબલી ભૂલી ગયા છીએ. આજે આજે 24 સપ્ટેમ્બર, મેડમ ભીખાઈજી કામાનો
જન્મદિવસ છે, જે ભાગ્યે જ કોઈને યાદ છે. કોણ હતા મેડમ ભીખાઈજી કામા?

જન્મ સાથે જ એમને એક સુખી અને સંપન્ન પરિવાર મળ્યો હતો. પિતાનું નામ
સોરાબજી કામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.
ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન
ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના
માનમાં રોપાઈ ચૂક્યા હતા.

બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું
તેને મનોમન નક્કી કરી દીધું હતું. સમાજસેવાનું કામ અને સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં એમણે પોતાના શાળા
કોલેજના વર્ષો દરમિયાન જ શરૂઆત કરી દીધી હતી. ઈ.સ. 1897માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ
ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી
રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા. પ્લેગની સારવાર માટે એમને યુરોપ જવાની સલાહ
આપવામાં આવી. 1902માં એ લંડન ગયા અને ત્યાંથી સાજા થઈને પ્લેગમાંથી ઊભા થયા પછી એમણે
એનો પોતાનો બીજો જન્મ માની લીધો અને પોતાનું આખું જીવન ભારતમાની સેવા માટે સમર્પિત કરવાનું
નક્કી કરી લીધું.

એમને લગ્ન કરવાની બહુ ઈચ્છા નહોતી, પરંતુ એમના પિતાજીના આગ્રહથી એમણે રૂસ્તમજી કામા
સાથે લગ્ન કર્યાં. જોકે, એ લગ્ન બહુ લાંબા ચાલ્યા નહીં કારણ કે, એમની સમાજસેવાની પ્રવૃત્તિઓને કારણે
એમના લગ્નજીવનમાં વિખવાદ ઊભા થવા લાગ્યા.

એમને લાગ્યું કે, ભારતમાં રહીને સ્વતંત્રતાનો સંગ્રામ લડવા કરતાં યુરોપમાં અને બ્રિટનમાં રહેતા
અન્ય નગરવાસીઓને ભારત ઉપર બ્રિટન જે અન્યાય કરી રહ્યું છે એ વિશે જાગૃત કરવા જોઈએ. એમણે
લંડનથી પાછા ફરવાને બદલે પેરિસથી ‘વંદે માતરમ’ નામનું અખબાર શરૂ કર્યું. જે વિદેશી ભારતીયોમાં ખૂબ
લોકપ્રિય હતું. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ કોંગ્રેસમાં એમણે ભાષણ કર્યું જેમાં,
એમણે ભારત ઉપર બ્રિટનના શાસન વિરુધ્ધ અને ભારતીયો પર એમના અત્યાચાર વિરુધ્ધ હિંમતથી પોતાની
વાત મૂકી. આમ અહિંસામાં માનતા ભીખાઈજીએ એ દિવસે કહ્યું કે, ‘સ્વરાજ માટે અન્યાયપૂર્ણ હિંસાનો
વિરોધ કરવા માટે જો જરૂર પડે તો ભારતીય નાગરિકો હિંસા પર ઉતરી આવશે… ત્યારે, પરિસ્થિતિ કાબૂ
બહાર નીકળી જશે.’ એ દિવસે એમણે જર્મનીની ઈન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં ભારતીય સ્વતંત્રતાના
પ્રતીકરૂપ, ભારતના પ્રથમ તિરંગા રાષ્ટ્રધ્વજને ફરકાવીને એ સંમેલનમાં ઉપસ્થિત યુરોપ અને બ્રિટનના અનેક
પ્રતિષ્ઠિત નાગરિકોને ભારતની સ્વતંત્રતા માટે જોડાઈ જવાની અપીલ કરી હતી.

એમણે એક અન્ય સમાચાર પત્ર ‘તલવાર’ પણ પ્રગટ કર્યું, જેમાં એ દુનિયાભરમાં મૂડીવાદ અને
સામ્રાજ્યવાદનો વિરોધ કરતા હતા. ભારતના સ્વાધિનતા આંદોલનમાં એમણે ભણેલા અને ઈન્ટલેક્ચ્યુઅલ
ભારતીયો, પ્રવાસી ભારતીયોને જોડવાનું બહુ જ મોટું કામ કર્યું. ભીખાઈજી કામા જેવા અનેક સ્વાતંત્ર્ય
સેનાનીઓએ પોતાનું સમગ્ર જીવન આ દેશની આઝાદી માટે સમર્પિત કર્યું છે, ક્યારેક… વેલેન્ટાઈન ડે, ફાધર્સ
ડે, મધર્સ ડેની જેમ એમના જન્મદિવસે કે મૃત્યુ તિથિના દિવસે એમના સ્મરણ સાથે એમના પ્રદાનને યાદ
કરીએ તો આપણી ભારતીયતાનું ગૌરવ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *