તરલ ભટ્ટના કેસથી ગુજરાતમાં એક જાગૃતિ આવી છે. કેરળના એક વેપારીની
નાનકડી ફરિયાદે તંત્રને હલાવ્યું. તરલ ભટ્ટ સસ્પેન્ડ થયા. એવી જ રીતે, શાહરૂખ ખાનની ફરિયાદથી
હીરો બનેલા વાનખેડે ઝીરો હતા એની આપણને જાણ થઈ છે. ગુજરાતમાં જ નહીં, આ દેશમાં
આવા અનેક કિસ્સા છે જેમાં પદ, પ્રતિષ્ઠા કે ઓળખાણ-પીછાણની શેહ રાખ્યા વગર સામાન્ય
માણસની ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા છે.
આજથી થોડા વર્ષો પહેલાં પોલીસ ભ્રષ્ટાચાર ઈન્કમટેક્સ અને સર્વિસ ટેક્સના
ભ્રષ્ટાચારની ફરિયાદ કરતાં લોકો અચકાતા હતા. આજે પોલીસ, રાજકારણી કે ફિલ્મસ્ટાર્સ સહિત
દરેક વ્યક્તિને કાયદા અને ન્યાયથી ડરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રામને તો અયોધ્યામાં હવે
પ્રસ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ 2014 પછી આ દેશમાં એવો સુધારો જોવા મળ્યો જે છેલ્લા
કેટલાંય વર્ષથી અપેક્ષિત હતો.
કેટલાક અંગત પ્રસંગો અહીં ટાંકવા છે. 30.12.2020. એક સર્વિસ ટેક્સની નોટિસ
મળે છે. જેમાં લાખો રૂપિયાના દંડ સહિત સર્વિસ ટેક્સ નહીં ભર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો
છે. સર્વિસ ટેક્સ માત્ર એ વ્યક્તિઓ માટે હોય જે કોઈ સર્વિસ આપતા હોય, આ કાયદો મને લાગુ ન
પડ્યો એવું સમજીને-તપાસ કરીને એ વખતના કમિશનર નીતુ સિંઘને મળવાનો પ્રયાસ કર્યો. એમણે
મારી વાત પૂરી સાંભળી લીધી અને પછી એમના હાથ નીચે કામ કરતી એક અન્ય અધિકારીનો ફોન
આવ્યો. એમણે કોઈપણ પ્રકારના અચકાટ વગર સ્પષ્ટ રીતે લાંચની માગણી કરી. મારા સંસ્કારમાં અને
સ્વભાવમાં આ નથી, એટલે મેં પણ એટલી જ સ્પષ્ટતાથી ના પાડી. થોડા સમયમાં ખબર પડી કે,
નીતુ સિંઘની ધરપકડ થઈ. (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, 28 માર્ચ, 2021) એ પછી અનેક લોકોના
નિવેદન લેવામાં આવ્યા જેમાં મારું પણ હતું.
કેટલાક લોકો અનિચ્છનિય ભાષા અને શબ્દ પ્રયોગો સાથે મારા ફેસબુક પર ટ્રોલ કરતાં
હતા. એક જણને બ્લોક કરો તો બીજા નામે અકાઉન્ટ ખોલીને ફરી પાછા હેરાન કરે. સાયબર
ક્રાઈમમાં ફરિયાદ કરી ત્યારે લગભગ દરેક વ્યક્તિએ મને કહ્યું, ‘કશું નહીં થાય.’ આ દેશના કાયદા અને
વ્યવસ્થામાં મને ભરોસો છે. અજય તોમર એ વખતે કમિશનર હતા. એમણે ફોન કરીને આખી વિગત
લીધી અને તરત જ એ વ્યક્તિ અથવા વ્યક્તિઓને શોધીને એમના અકાઉન્ટ ડિલીટ કરાવવામાં
આવ્યા. એમનો ગ્રેસ અને વર્દીનું ગૌરવ પણ જાળવ્યું, મેં જ્યારે પૂછ્યું કે, ‘આ કોણ હતા? ‘ ત્યારે
એમણે સ્પષ્ટતાથી કહ્યું, ‘અમે અમારું કામ કરી દીધું છે. તમારે નામ જાણવાની જરૂર નથી.’
રાજકોટના એક ભાઈ (કદાચ, માનસિક રીતે વિક્ષિપ્ત હોઈ શકે) વારંવાર મારી ઓફિસે
આવતા. દર અઠવાડિયે આવતા એમના પત્રો અને પ્રેમ નિવેદનોથી અમે પરેશાન હતા. મારી
ઓફિસના બધા જ સ્ટાફના નંબર એમણે શોધી કાઢેલા. એક પછી એક સૌને ફોન કરે, મારી સાથે
વાત કરાવવા માટે વિનંતી કરે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ માહિતી આપી ત્યારે ત્યાંથી કહેવામાં
આવ્યું કે, હવે એ આવે ત્યારે તરત જ અમને જણાવજો. એક દિવસ જ્યારે એ મારી ઓફિસ આવ્યા
ત્યારે અમે પોલીસ ફરિયાદ કરી. દસમી મિનિટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી કોન્સ્ટેબલ અર્જુન
પુરોહિત આવ્યા. એમણે એ ભાઈને સમજાવ્યા, થોડા ધમકાવ્યા. જાણવાજોગ લીધી, અને રાજકોટ
પોલીસ સ્ટેશનથી કો-ઓર્ડિનેટ કરીને એ ભાઈને રાજકોટ પોલીસ સ્ટેશનમાંથી પણ કડક સૂચના
આપવામાં આવી. એ ભાઈ પછીથી આવતા બંધ થઈ ગયા.
મારી સાથે કામ કરતી એકતા શુક્લનો ડિવોર્સ કેસ પાંચ વર્ષથી ફેમિલી કોર્ટમાં ચાલતો
હતો. તારીખ પર તારીખ પડ્યા કરે, પણ કોઈ એની મદદ ન કરે. એના શ્વસુર પક્ષ તરફથી બેદરકારી
અને દાદાગીરીના અનેક કિસ્સા બનતા, પરંતુ નમ્ર અને સાલસ પ્રકારની છોકરી કશું કરી શકતી
નહોતી. એક ડોક્યુમેન્ટ્રી દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમના એસીપી કોમલ વ્યાસની સાથે અછડતી વાત
નીકળી. એમણે અંગત રસ લઈને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી, એના શ્વસુર પક્ષના
લોકોને બોલાવીને યોગ્ય કાર્યવાહી થાય એમાં મદદ કરી. પાંચ વર્ષથી જે કિસ્સો ઠેલાયા કરતો હતો
એનો નિકાલ છ મહિનામાં થઈ ગયો.
રાજકોટમાં મારી ગાડીને એક્સિડેન્ટ થયો. ક્લેઈમ કરવા માટે પોલીસ ફરિયાદ કરવી
જરૂરી હતી. 22મી જાન્યુઆરી, રજાનો દિવસ તેમ છતાં, મારી ફરિયાદને તરત જ અટેન્ડ કરવામાં
આવી એટલું જ નહીં, ફરજ પર હાજર ઈન્સ્પેક્ટર શ્રી વાળા સાહેબે પૂરેપૂરા કાગળો તૈયાર કરીને એ
જ વખતે મારા હાથમાં આપી દીધા. સાથે પોતાનો નંબર આપ્યો અને કહ્યું, ‘લગભગ બધું બરાબર છે
તેમ છતાં કંઈ જરૂર પડે તો મને ફોન કરી શકો છો.’
છેલ્લે, હમણાં 27 જાન્યુઆરી 2024, પશ્ચિમ એક્સપ્રેસ. ફર્સ્ટ એ.સીના
કમ્પાર્ટમેન્ટમાં ફ્લશ નહોતો ચાલતો. વોશરૂમની બહાર લગાડેલા એક સ્ટીકરમાં બારકોડ આપવામાં
આવ્યો છે જે સ્કેન કરીને આપણે સફાઈ સંબંધી ફરિયાદ કરી શકીએ. સાચું પૂછો તો, કુતૂહલ ખાતર
મેં ફરિયાદ કરી-મારા મનમાં પણ એમ જ હતું કે, કશું નહીં થાય! પરંતુ, ત્રણ જ મિનિટમાં મારા ફોન
ઉપર મેસેજ આવ્યો, ‘ટ્રેન અત્યારે ક્યાં છે? નેક્સ્ટ સ્ટેશન ઉપર આપની ફરિયાદ સોલ્વ કરવામાં
આવશે.’ સુરત સ્ટેશન પર પાણીની ટાંકી ભરવામાં આવી અને, ફ્લશ ચાલુ થઈ ગયો.
કહેનારા અને વાંકદેખા લોકો કદાચ એમ કહેશે કે મારું નામ જાણીતું છે, હું સેલિબ્રિટી
છું માટે મારી મદદ કરે છે. હું પત્રકારની દીકરી છું, આ દેશને સમજણી થઈ ત્યારથી જોઈ રહી છું.
એક વાત મારા ગમા-અણગમા કે અંગત માન્યતાઓને બાજુએ મૂકીને મારે સ્વીકારવી જોઈએ કે, હવે
આ દેશમાં પદ, પ્રતિષ્ઠા કે પહોંચ ધરાવતા લોકો અને સામાન્ય માણસ વચ્ચે કોઈ તફાવત નથી.
સામાન્ય માણસ એવું માને છે કે, એની ફરિયાદ કોઈ નહીં સાંભળે, કદાચ એટલે એ ફરિયાદ કરતા
નથી, ન્યાય મેળવવા માટે અવાજ ઉઠાવતા નથી. બીજો એક વર્ગ એવો છે જેને લાગે છે કે સાચી
અને સીધી રીતે ન્યાય મેળવવામાં ખૂબ સમય જશે-પેપર વર્ક કરવાનું આ દેશમાં લગભગ સૌને
આળસ છે, કદાચ એટલે આપણે ફરિયાદ કરવામાં કે પોલીસ સ્ટેશને જઈને બે-ચાર કલાક
‘(ઈન)વેસ્ટ’ કરવામાં આપણને ‘કંટાળો’ આવે છે… કદાચ એટલે આપણે સરકાર વિરુધ્ધ ફરિયાદ કર્યા
કરીએ છીએ. એક કહેવત છે, કે માગ્યા વગર તો મા ય ન પીરસે! આ તો સરકાર છે, અવાજ
ઉઠાવવો, ફરિયાદ કરવી, પોતાના અધિકારની માગણી કરવી એ આપણી ફરજ છે, જો ફરજ પૂરી
કરીએ તો જ અધિકાર માગી શકાય. એકવાર ફરિયાદ કર્યા પછી, અવાજ ઉઠાવ્યા પછી જો આપણી
સાથે ન્યાય ન થાય તો આપણે ફરિયાદ કરવાના હકદાર છીએ.