ત્રીજા વાર્ષિક શહીદ દિન નિમિત્તે તા. 8.8.59ના રોજ સ્વૈચ્છિક હડતાલ, સભા-
સરઘસ અને શહીદ સ્થાને પુષ્પાંજલી આપવા વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ દિવસે
શહેરનાં મોટા ભાગનાં બજારો બંધ રહ્યાં હતાં. 8મી ઓગસ્ટે કાંઈક નવા-જૂની થઈ પણ જાય, તેવા
ડરથી ઘણાં ખરાં મહાજનોએ પોતાની અઠવાડિક રજા 8મીએ ફેરવી નાખી હતી. કેટલીક મિલો પણ
બંધ રહી હતી. સવારથી જ કેટલાક રૂટ ઉપર બસ વ્યવહાર રોકવાનો પ્રયાસ કેટલાક લોકોએ કરેલો
અને તેમ કરવા જતાં રિલીફ રોડ, ગાંધી રોડ વગેરે સ્થળોએ બસોના કાચ પણ તૂટ્યા હતા, જ્યારે
ખાડિયા ચાર રસ્તે અને રાયપુરના વિસ્તારોમાં તો રસ્તા ઉપર અવરોધો ઊભા કરવામાં આવ્યા હતા.
રાયપુરની ચોકી ઉપર પણ થોડો પથ્થરમારો થઈ ગયો, આથી પોલીસે લાઠીચાર્ડ કર્યો હતો અને 20
માણસોની ધરપકડ કરી તેમની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. આમ એકંદરે ત્રીજા વાર્ષિક શહીદ દિનના
દિવસે પણ અમદાવાદ શહેરમાં ઠીકઠીક ગરમી આવી ગઈ.
જોકે, લડત લાંબી ચાલી હોવાથી પ્રજાનો જુવાળ કાંઈક ઓછો થયો હતો, તેમ અમને
બધાને લાગતું હતું. કેટલાક થાક્યા હતા અને કેટલાકને દ્વિભાષી રાજ્ય ઝડપથી તૂટશે તેવી શ્રધ્ધા
રહી ન હતી.
તા. 26.8.59ના રોજ મુંબઈ વિધાનસભાની બેઠક ચાલતી હતી, તેથી અમે મુંબઈ
હતા. કાઉન્સિલ હોલમાં સનસનાટી ભરેલા સમાચાર દિલ્હીથી આવ્યા કે, કોંગ્રેસી મોવડી-મંડળે
દ્વિભાષી રાજ્યનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે અને ચાર માસમાં આ નિર્ણયનો અમલ
પણ થશે. દિલ્હીથી આવેલા આ સમાચાર કાઉન્સિલ હોલના રાજકીય વર્તુળમાં અને પત્રકારોમાં ફરી
વળ્યા.
હવે મહાગુજરાતની રચના અચૂક થઈ રહી છે તેવા સંપૂર્ણ આધારભૂત સમાચાર પછી,
મહાગુજરાત જનતા પરિષદના અસ્તિત્વની કેટલે અંશે જરૂર છે, તેની સ્વાભાવિક વિચારણા અને
ચર્ચાઓ જનતા પરિષદના કાર્યકરોમાં અંદરોઅંદર શરૂ થઈ ગઈ હતી.
દાદુભાઈ અમીને સ્પષ્ટ કહેલું કે, સામ્યવાદીઓ મહાગુજરાત જનતા પરિષદને ચાલુ
રાખવાની કોશિશ કરી રહ્યા છે, પણ એ વાતમાં ગુજરાતનું કંઈ હિત નથી. મહાગુજરાતની રચના
પછી કોઈપણ રાજકીય પક્ષને, જનતા પરિષદના નામનો ઉપયોગ કરવાનો અધિકાર નથી.
મુંબઈ રાજ્યના વિભાજનના પ્રશ્નોનો નિકાલ લાવવા, કોંગ્રેસ હાઈ કમાન્ડે નીમેલી
સાત સભ્યોની એક કમિટી તા. 6.12.59ના રોજ નવી દિલ્હીમાં મળેલી. આ બેઠકમાં થયેલી ચર્ચા
પછી ગૃહપ્રધાન ગોવિંદ વલ્લભ પંતે જણાવેલું કે, કમામ અગત્યની બાબતો ઉપર નિર્ણયો લેવાઈ ગયા
છે અને હવે આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમક્ષ મૂકાશે. તેમણે કહ્યું કે, મુંબઈની બાબતમાં પણ
સમજૂતી થઈ ગઈ છે, તેમ છતાં કેટલીક નાણાંકીય વ્યવસ્થાની વિગતો વિચારવાની બાકી છે.
બીજા જ દિવસે મળેલ કોંગ્રેસ કારોબારીએ મુંબઈ રાજ્યનું વિભાજન કરવાની
દરખાસ્તને આખરી મંજૂરી આપી દીધી અને તેમ કરતાં આ અંગે નીમવામાં આવેલી સમિતિએ રજૂ
કરેલો અહેવાલ પણ વિચારણામાં લીધો હતો. વિદર્ભના પ્રશ્ન અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન
હતો. કોંગ્રેસ કારોબારીએ કરેલા ઠરાવમાં મહત્વની પાંચ વાટાઘાટો કરવામાં આવી હતી. તેમાં
જણાવવામાં આવ્યું હતું કે, 1. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરવામાં આવેલી સરહદી આંકણી વાસ્તવિક
નથી. 2. નાગપુર અને તેની સાથે જોડાયેલા જિલ્લાઓ માટે પૂરતી બાંહેધરી આપવી જોઈએ.
તેમજ નાગપુર શહેરનું મહત્વ જાળવવું જોઈએ. 3. નવા રાજ્યની રચના પછી, લગભગ 10 વર્ષ
માટે ગુજરાતને રૂ. 40 કરોડની રકમ આપવાની રહેશે. 4. ગુજરાતની રાજધાની સ્થાપવા માટે
મહારાષ્ટ્ર ગુજરાતને રૂ. 10 કરોડ આપશે. 5. ડાંગ ગુજરાતમાં ભેળવવું જોઈએ, જ્યારે પશ્ચિમ
ખાનદેશ મહારાષ્ટ્રમાં રહેશે.
મતભેદના વાતાવરણમાં વિસનગર ખાતે મહાગુજરાત જનતા પરિષદના ભવિષ્ય વિશે
વિચાર કરવા જનતા પરિષદનું અધિવેશ તા. 20મી માર્ચ 1960ના રોજ મળ્યું. કેટલાક લોકો તા.
19મીએ રાતના જ હાજર થઈ ગયા અને જનતા પરિષદને ચાલુ રાખવા બધાને સમજાવવાની
ખટપટમાં લાગી ગયા હતા. આવા કટોકટીના વાતાવરણમાં જનતા પરિષદની રચનાનું એ ધ્યેય સિધ્ધ
થઈ ગયેલું હોવાથી, હવે આ રીતસરના ઠરાવથી તેનું વિસર્જન કરવામાં આવશે તેવો ઠરાવ ખુલ્લી રીતે
મતદાન કરવા માટે ઈન્દુભાઈએ મૂક્યો. તેમણે કહ્યું કે, જેઓ વિસર્જનની તરફેણમાં હોય તેઓ હાથ
ઊંચા કરે, તેમ કહેતાં જ લગભગ 80 ટકા લોકોએ પોતાના હાથ ઊંચા કર્યા અને જે વિરોધમાં હોય
તેમના મત અંગે પૂછતાં માત્ર સામ્યવાદીઓ અને તેમના ગણ્યાગાંઠ્યા ટેકેદારો સિવાય કોઈપણ બીજા
મત વિરોધમાં પડ્યા નહીં. અંતે, ‘મહાગુજરાત ઝીંદાબાદ’ અને ‘શહીદો અમર રહો’ અને ‘શહીદ
સ્મારક હોકે રહેગા’ના સૂત્રો સાથે મહાગુજરાતનું સ્વપ્ન સિધ્ધ કરવા માટે, જેની ભવ્ય રચના થયેલી
તે મહાગુજરાત જનતા પરિષદના અસ્તિત્વનું અંતિમ પ્રકરણ સમાપ્ત થયું.
જાહેરાત થઈ કે હવે ગુજરાત રાજ્યની રચના અંગેનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને
ગુજરાતના વહીવટને લગતો દરેક પત્રવ્યવહાર અને ફાઈલો વગેરે લઈને મુંબઈથી ખાસ ટ્રેઈનો તા.
16-17-20 અને 22 એપ્રિલ, 1960ના રોજ અમદાવાદ આવશે. તા. 17.4.60ના રોજ ગુજરાત
સચિવાલયના કર્મચારીઓ અને સેંકડો ટાઈપરાઈટરો, 4,000થી વધુ કાગળોનાં પાર્સલો સાથે ટ્રેઈનો
અમદાવાદ આવી પહોંચી.
તા. 19.4.60ના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્યનું વિભાજન કરવાનું બિલ ત્રીજા
અને આખરી તબક્કામાંથી પસાર કરી દીધું. ગુજરાતનું નામ ‘મહાગુજરાત’ રાખવાનો આગ્રહ હતો,
પરંતુ તે નામંજુર થયું.
મહારાષ્ટ્ર કોંગ્રેસ ધારાસભા પક્ષના નેતા તરીકે યશવંતરાવ ચવ્હાણ સર્વાનુમતે ચૂંટાઈ
આવ્યા. 23.4.60ના રોજ રાજ્યસભાએ પણ વિસર્જનના બિલને મંજૂરી આપી. 25.4.60ના
રોજ નવા પ્રધાનમંડળના નામ જાહેર કરવામાં આવ્યા. મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા, રસિકલાલ
પરીખ, માણેકલાલ શાહ, હિતેન્દ્ર દેસાઈ, જશવંતલાલ શાહ, છોટુભાઈ મકનજીભાઈ પટેલ,
બહાદુરભાઈ પટેલ, પ્રેમજી ભવાનજી ઠક્કર, અકબરઅલી જસદણવાલા, કમળાબહેન પટેલ,
માધવસિંહ સોલંકી અને સ્પીકર તરીકે માનસિંહજી ભાસાહેબ રાણાની પસંદગી થઈ હતી. ગુજરાત
રાજ્યના પ્રથમ ગવર્નર તરીકે મહેંદી નવાજ જંગની નિમણૂંક થઈ.
30.4.60ના દિવસે ડૉ. જીવરાજ મહેતાની સરકારને આવકારવા લાલદરવાજા
સરદારબાગમાં જાહેર સભા યોજવામાં આવી, જ્યારે મહાગુજરાત જનતા પરિષદની સમિતિ જેને
ચાલુ રાખવી હતી તે સૌએ માણેકચોકના તિલક મેદાનમાં જુદી જાહેરસભા યોજી. 1.5.60ના દિવસે
અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગુજરાતના પ્રધાન મંડળની સોગંધ વિધિ થઈ.
(સમાપ્ત)