1946ની સાલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં બે સ્ટ્રગલર સાથે પ્રવાસ કરતા હતા. એકનું નામ
હતું, વસંતકુમાર શિવશંકર પદુકોણ, અને બીજાનું નામ ધરમદેવ આનંદ… બંને જણાં અભિનેતા
બનવા મુંબઈ આવ્યા હતા. એક કલકત્તાથી ને બીજો લાહોરથી ! એમાંનો એક, ધરમદેવ રૂપાળો અને
નમણો હતો. ફુગ્ગો પાડીને વાળ ઓળતો, એનું સ્મિત મોહક હતું. એને અભિનેતા બનવાની તક
પહેલાં મળી. પ્રભાત ટોકીઝની ફિલ્મ ‘હમ એક હૈ’ માં કામ કરવાની તક મળી. પૂનામાં શુટિંગ
દરમિયાન વસંતકુમાર સાથે એની મિત્રતા ગાઢ થઈ ગઈ. બંને જણાંએ એકબીજાને વચન આપ્યું કે
બેમાંથી જે પહેલાં સફળ થાય એ ફિલ્મ બનાવશે અને બીજાને એમાં તક આપશે. સ્વાભાવિક રીતે જ
જે રૂપાળો અને નમણો હતો એ, ધરમદેવને પોતાના સમયના સુપરસ્ટાર અશોકકુમારની મદદથી
બોમ્બે ટોકીઝની ફિલ્મ મળી, ‘ઝિદ્દી’ ! ફિલ્મ સફળ થઈ. રાતોરાત ધરમદેવમાંથી ‘દેવ આનંદ’ બની
ગયો. એમની જગ્યાએ કોઈ બીજું હોત તો અભિનેતા તરીકે પૈસા કમાઈ લેવાનું પસંદ કર્યું હોત, પરંતુ
દેવસા’બે પોતાના વચન મુજબ બીજે જ વર્ષે ‘નવકેતન’ (1949)ની સ્થાપના કરી અને પહેલી ફિલ્મ
‘બાઝી’ નું નિર્માણ કર્યું. વસંતકુમાર પદુકોણને-એ ફિલ્મમાં દિગ્દર્શક તરીકે પહેલીવાર પોતાની આવડત
બતાવવાની તક મળી અને આપણને એક અવિસ્મરણિય દિગ્દર્શક મળ્યા, ગુરૂ દત્ત.
માત્ર ગુરૂ દત્ત જ નહીં, કેટલાંય અભિનેતા અને દિગ્દર્શકને દેવ આનંદે પહેલીવાર તક
આપવાની હિંમત કરી. એ હંમેશાં નવા લોકોને ચાન્સ આપવાનો પ્રયાસ કરતા. ઝીનત અમાન, ટીના
મુનિમ, ઝહીદા, અંજુ મહેન્દ્રુ જેવી અનેક અભિનેત્રીઓને દેવસા’બે પહેલીવાર તક આપી. આર.કે.
નારાયણની નવલકથા પર આધારિત એમની ફિલ્મ ‘ગાઈડ’ 38મા એકેડેમી એવોર્ડમાં ભારતની
ઓફિશિયલ એન્ટ્રી તરીકે રજૂ થઈ. આ ફિલ્મને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા. કુલ 110 ફિલ્મનું
નિર્માણ, દિગ્દર્શન અને અભિનેતા તરીકે બીજી અનેક ફિલ્મોમાં કામ કર્યા પછી 2011માં એમની
ફિલ્મ ‘ચાર્જશીટ’ ના પ્રમોશન માટે લંડનમાં હતા. ધ વોશિંગ્ટન મેફેર હોટલમાં એમના રૂમમાં હૃદય
રોગના હુમલાથી એમનું અવસાન થયું. એમની ઈચ્છા મુજબ એ છેલ્લી ઘડી સુધી કામ કરતા રહ્યા !
જો એ આજે હોત તો, 98 વર્ષના હોત… એમની ત્રિપુટીમાં સૌથી પહેલાં રાજ કપૂરે
1988માં ‘દસ્વી દાનિયાં’ કહ્યું. એ પછી દેવસા’બ 2011માં ‘ગુડબાય’ કહીને વિદાય થયા ને
દિલીપસા’બ આપણી વચ્ચેથી હજી હમણા જ, 7 જુલાઈએ વિદાય થયા. રાજ, દેવ અને દિલીપની
આ ત્રિપુટી હિન્દી સિનેમા પર એક દાયકા સુધી રાજ કરતી રહી. રાજ કપૂરે ‘ચાર્લી ચેપ્લિન’ ને
ભારતીય ફિલ્મોમાં ઢાળ્યા. દેવસા’બ ગ્રેગરી પેકના ફેન રહ્યા… સૌથી વધુ એક્ટિવ અને સૌથી મોડા
રિટાયર થનાર દેવસા’બને આજના લેજન્ડ બચ્ચન સાહેબ સાથે સરખાવી શકાય. એમણે છેલ્લી
ફિલ્મ (ચાર્જશીટ)માં અભિનય અને દિગ્દર્શન કર્યું ત્યારે (2011)માં એમની ઉંમર 88 વર્ષની હતી.
એ હંમેશાં કહેતા, કે ‘મારે પગમાં શુઝ સાથે કેમેરાની સામે કામ કરતાં કરતાં આ દુનિયા છોડવી છે.’
લગભગ એમ જ થયું…
ધરમદેવ આનંદ 26 સપ્ટેમ્બર, 1923ના દિવસે ગુરદાસપુર (હવે પાકિસ્તાન)માં એમનો
જન્મ થયો હતો. 2001માં પદ્મ ભૂષણ અને 2002માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી એમને
સન્માનિત કરવામાં આવ્યા. એમના ત્રણે ભાઈઓ ચેતન આનંદ, વિજય આનંદ અને પોતે બોલિવુડ
સાથે સંકળાયેલા રહ્યા. એમની ફિલ્મની વાર્તાઓ હંમેશાં એક જુદા સૂરમાં ભારતીયતાને આપણી
સામે રજૂ કરતી રહી. ‘હરે રામ હરે કૃષ્ણ’ માં હિપ્પી માનસિકતાની સચ્ચાઈ, તો ‘ગાઈડ’ માં
ભારતીય અધ્યાત્મિકતાને એમણે એક પ્રેમકથામાં વણીને રજૂ કરી. ‘દેશ પરદેશ’માં વિદેશ જનારા
ભારતીયોની સ્થિતિ વિશે વાત કરી… એમની છેલ્લી ફિલ્મ ‘ચાર્જશીટ’ દિવ્યા ભારતીનાં અકાળ મૃત્યુ
અને એની આસપાસ વણાયેલા રહસ્યની કથા હતી.
સુરૈયાજી સાથેની એમની પ્રેમ કથા અને પછી એ દિલ તૂટ્યાના આઘાતમાં કલ્પના કાર્તિક
સાથેના લગ્ન… દીકરા સુનીલ આનંદને લોન્ચ કરવાનો એમનો નિષ્ફળ પ્રયાસ… વિશે અનેક લોકોએ
લખ્યું છે, પરંતુ એમને મળનારા-જોનારા કે ઓળખનારા દરેક વ્યક્તિ એમની ઊર્જા અને સ્ફૂર્તિ વિશે
અભિભૂત થઈ જતા ! કામ સાથેનો એમનો લગાવ એમને 88 વર્ષ સુધી તરોતાજા રાખી શક્યો.
બચ્ચન સાહેબને જોઈએ તો સમજાય કે 78 વર્ષની ઉંમરે આટઆટલી બીમારીઓ સાથે પણ એ
સતત કામ કરતા રહે છે માટે એ પોતાના ડિપ્રેશન અને અસ્વસ્થ શરીરને ટકાવી શકે છે !
આપણે બધાએ દેવસા’બ અને બચ્ચનસા’બ જેવા લોકો પાસેથી આ શીખવા જેવું છે.
સામાન્ય રીતે માણસ પોતાની ઉંમરની ફરિયાદ કરીને કે અસ્વસ્થ શરીરના બહાના કાઢીને કામ નહીં
કરવાનું કારણ શોધી કાઢે છે. કેટલાંક લોકોની દલીલ એવી પણ હોય છે કે, આખી જિંદગી કામ કર્યું
છે, હવે આરામ કરવો છે… આ ‘આરામ’ ધીમે ધીમે માણસને ખાઈ જાય છે. જેની પાસે બુધ્ધિ,
આવડત કે કામ કરવાની તાકાત હોય એવા દરેક માણસે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કંઈને કંઈ કરતા
રહેવું જોઈએ. વાત માત્ર અર્થોપાર્જનની નથી, ઉપયોગીતાની છે. મેડિકલ ટર્મ્સમાં એક કહેવત છે,
‘યુઝ ઈટ ઓર લુઝ ઈટ.’ આનો અર્થ એ થાય છે કે, કાં તો વાપરતા રહો અને કાં તો ખોઈ બેસો.
સંસ્કૃતમાં અને બીજી ભાષાઓમાં પણ કહેવત છે કે ‘નવરો માણસ નખ્ખોદ વાળે…’ એવી જ રીતે
અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે’ કંઈ નહીં કરતો માણસ ખરેખર સૌથી વધુ
નુકસાન કરે છે.
આજના વૃધ્ધોએ બચ્ચન સાહેબ અને દેવ સાહેબનો દાખલો લઈને પોતાની જાતને સતત
કાર્યરત રાખતા શીખવું જોઈએ. જે લોકો પાસે પૂરતા પૈસા હોય એમણે કમાવા માટે નહીં તો
સમાજને ઉપયોગી થઈ શકે એવા કામોમાં રસ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે બધા જ ધીમે
ધીમે આળસુ અને પ્રમાદી થઈ રહ્યા છીએ. સાવ નજીકમાં જવું હોય તો પણ ટુવ્હીલરનો ઉપયોગ
આપણને માફક આવી ગયો છે, તો બીજી તરફ ઘરમાં ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કે ડોમેસ્ટિક
હેલ્પને કારણે શારીરિક શ્રમ ધીમે ધીમે સાવ બંધ થઈ ગયો છે.