આર્મીના પાંચ ઓફિસર સોમવારે જમ્મુ અને કાશ્મીર (પૂંજ જિલ્લા)માં ઓપન ફાયર દરમિયાન શહીદ
થયા. સર્ચ ઓપરેશન કરી રહેલા આ જવાનો પર આતંકવાદીઓએ ગોળી ચલાવી. પોતાની માતૃભૂમિ માટે શહીદ
થઈ જનાર આવા અનેક જવાનોના લોહીથી કાશ્મીરની ધરતી રંગાયેલી છે. સવાલ એ છે કે, આપણા દેશમાં
ઘૂસીને આ આતંકવાદીઓ સિવિલિયન્સ અને આર્મીના જવાનોને ખુલ્લેઆમ મારે છે ત્યારે માનવ અધિકારોની
વાત કરનારા ક્યાં જાય છે ?
આપણા જાણીતા ઈતિહાસવિદ્ વિજયગુપ્ત મૌર્યએ લખ્યું છે, “કહેવાય છે કે કાશ્મીર-સમસ્યાના મૂળમાં
મહારાજા હરિસિંહનો સ્વકેન્દ્રિત, સ્વાર્થી સ્વભાવ અને નિર્ણય લેવાનો અભાવ તેમ જ નબળી માનસિક ક્ષમતા
હતી. જૂન 1947માં નેહરુ અને સરદાર પટેલ બંનેએ મહારાજાને કહ્યું હતું કે તે વખતના ભારતના ગવર્નર-
જનરલ માઉન્ટ બેટન કાશ્મીર આવે છે ત્યારે તેમણે નક્કી કરી પોતાનો વિચાર જણાવી દેવો કે તેમણે ભારત સાથે
રહેવું છે કે પાકિસ્તાન સાથે. તે જ વખતે સ્પષ્ટ શબ્દોમાં તેમને જણાવવામાં આવેલું કે, જો પાકિસ્તાનતરફી
નિર્ણય લેશે તો પણ તે શત્રુતાભર્યો નિર્ણય નહીં માનીએ. સાથે જ, ભારત કોઈ પણ સંજોગોમાં કાશ્મીરને સ્વતંત્ર
રાજ્ય નહીં માને.
હરિસિંહ નિર્ણય લઈ ન શક્યા. માંદગીના બહાના હેઠળ માઉન્ટ બેટનને મળવાનું ટાળ્યું. 14 ઓગસ્ટે
તેમણે પાકિસ્તાન સાથે કરાર કરવાનું નક્કી કર્યું, પણ ભારતે સ્પષ્ટ જણાવી દીધું કે કોઈ પણ સંજોગોમાં
મહારાજાના સ્વતંત્ર કાશ્મીરના સ્વપ્નને હવે સાકાર નહિ થવા દેવાય.
દરમિયાન પાકિસ્તાનની દાનત બગડી અને મહારાજાને પોતાની સ્થિતિ ‘ત્રિશંકુ’ જેવી જણાઈ. પુંજ અને
જમ્મુમાં કોમી દાવાનળ ભડક્યો, શરણાર્થીઓનો પ્રશ્ન પેદા થયો અને પાકિસ્તાને પોતાની ચાલ રમીને આર્થિક
પ્રતિબંધ મૂક્યા. પેટ્રોલ, ખાંડ, મીઠું વગેરે જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાઈ. મહારાજા હરિસિંહે
કફોડી હાલતમાં ભારત સરકારને સહાય કરવા આજીજી કરી. માઉન્ટ બેટને લશ્કર મોકલવાની ના પાડી, કારણ કે
કાશ્મીર પ્રશ્ને સ્થિતિ સ્પષ્ટ નહોતી. અંતે મહારાજાએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી. આ બધા પછી પણ ભારતે
મદદ કરી. 27 ઓક્ટોબરે લશ્કર કાશ્મીર પહોંચ્યું. 1 જાન્યુઆરી 1949ની મધ્યરાત્રિના એક મિનિટ પહેલાં
કાશ્મીરના ખીણ પ્રદેશને મુક્તિ અપાવી. ત્યારથી આજ સુધી પાકિસ્તાને પોતાની દખલગીરી ચાલુ રાખી છે અને
હજારો માઈલ વિસ્તાર પચાવી પાડ્યો છે. જેને P.O.K. કહેવાય છે, જ્યાંથી ઘૂસપેઠિયાઓ સતત ભારતમાં
દાખલ થતા રહે છે.
રાજમોહન ગાંધીએ લખ્યું છે, “કાશ્મીરના મહારાજા હરિસિંહના શત્રુ શેખ અબ્દુલ્લાએ 1930માં
મુસ્લિમ કોન્ફરન્સની સ્થાપના કરી હતી અને પછીથી તેનું નામ બદલીને મુસ્લિમ શબ્દ કાઢી નાખીને ‘નેશનલ
કોન્ફરન્સ’ નામ 1938માં આપવામાં આવ્યું. જેલમાંથી છૂટેલા શેખ અબ્દુલ્લા જાણતા હતા કે તેમણે સરદારથી
સાવધાન રહેવાનું છે અને નેહરુની તેમના પ્રત્યેની લાગણીનો લાભ લેવાનો છે. (નોંધઃ 1953માં જેની
સરકારમાંથી હકાલપટ્ટી અને ધરપકડ થઈ હતી એ જ શેખ અબ્દુલ્લા સાથે ફેબ્રુઆરી, 1975માં ઈન્દિરા ગાંધીએ
કરાર કર્યા. જેના પગલે એ મુખ્યપ્રધાન બની શક્યા.)
સરદારના અવસાન પછી 370મી કલમને આધારે કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો,
એ મોટી ભૂલ હતી. હકીકતમાં તો ભારતે કાશ્મીરમાં તે જ સમયે ‘હ્યુમન રાઈટ કમિશન’ની જોગવાઈ કરવી
જોઈતી હતી, જેથી ત્યાં વસતા બધા જ નાગરિકોને રક્ષણ મળે અને બહુમતી અને લઘુમતીમાં નાગરિકોના
ભાગલા પડતા અટકે. આજ સુધી કાશ્મીરમાં ભારતવિરોધી જે પ્રવૃત્તિઓ ચાલે છે તેનું કારણ માત્ર 370ની આ
કલમ જ છે.”
370 હટાવવાથી કાશ્મીર સાચા અર્થમાં અખંડ ભારતનો હિસ્સો બન્યું છે. આજ સુધી જે ‘માનવ
અધિકાર’ના નામે કહેવાતી કાશ્મીરી પણ અસલમાં પાકિસ્તાની સંસ્થાઓએ પોતાની તતૂડી વગાડી, પત્થરમારો
કરનારા લોકોને અટકાવવાને બદલે એમનો બચાવ કર્યો એ લોકોને પૂછવું જોઈએ કે, આપણા પાંચ જવાનોને
જેમણે શહીદ કરી નાખ્યા અથવા જે લોકો સમય-સમયાંતરે નિર્દોષ લોકોના જીવ લેવાની પ્રવૃત્તિને પોતાનો ‘ધર્મ’
કહે છે એમની સાથે જરાક પણ દયા શું કામ દાખવવી જોઈએ ? છેક 1947થી આજ સુધી ‘સહિષ્ણુતા અને
નમ્રતા’ના નામે આપણે અજાણતાં જ ‘મજબૂરી’ અથવા ‘લાચારી’નું પ્રદર્શન કરતા રહ્યા છીએ? કાશ્મીરના મુદ્દાને
સળગતો રાખીને મતનું રાજકારણ રમતા રહેલા અનેક લોકોએ એને ‘માનવ અધિકાર’નું નામ આપીને એનો ઉકેલ
ન આવે એવા જ પ્રયાસો કર્યા છે.
વિશ્વનો દરેક ધર્મ અંતે તો ‘માનવધર્મ’ છે, પરંતુ જ્યારે ‘માનવ’ જ માનવનો દુશ્મન બને ત્યારે મૃત્યુ
પામેલા નિર્દોષ સાથે કે દેશપ્રેમી શહીદ સાથે ન્યાય થવો જોઈએ એ પણ માનવ અધિકાર નથી ?
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 28મા સ્થાપના દિવસના પોતાના વક્તવ્યમાં નરેન્દ્ર મોદીએ કહ્યું,
“જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત માટે માનવ અધિકારની પ્રેરણા
અને માનવ અધિકારોના મૂલ્યનો બહુ મોટો સ્ત્રોત આઝાદી માટેનું આપણું આંદોલન અને એની સાથે જોડાયેલો
ઈતિહાસ છે.
માનવ અધિકારો સાથે જોડાયેલો એક બીજો પક્ષ છે જેમાં માનવ અધિકારની વ્યાખ્યા થોડાક લોકો
પોતપોતાની રીતે, પોતપોતાનું હિત સચવાય એવી રીતે કરવા લાગ્યા છે. એક જ પ્રકારની કોઈ ઘટનાને કેટલાક
લોકોને માનવ અધિકાર હણાતો દેખાય છે તો કેટલાકને એમાં માનવ અધિકારનું અવમૂલ્યન નથી દેખાતું… આવા
પ્રકારની માનસિકતા માનવ અધિકારને મોટું નુકસાન કરે છે. રાજનીતિક નફા-નુકસાનથી જ્યારે માનવ અધિકારને
તોલવામાં આવે, રાજનીતિક ચશ્માથી જોવામાં આવે કે એના ઉપર રાજનીતિક રંગ ચડાવવામાં આવે ત્યારે
માનવ અધિકારનું સૌથી વધારે નુકસાન થાય છે. આવો સિલેક્ટિવ વ્યવહાર ધરાવતા લોકો દેશની છબિ બગાડે છે,
આવા લોકોથી દેશવાસીઓએ સતર્ક રહેવું જોઈએ…”
એક વ્યાખ્યા તરીકે, ‘માનવ અધિકાર એટલે, જાતિ, ધર્મ, જ્ઞાતિ, સમાજ, ભાષા કે પ્રાંતના સીમાડા
વળોટીને દરેક વ્યક્તિને મળતો અધિકાર’ આ કોઈ વિશેષાધિકાર નથી, માનવ માત્રને મળવા પાત્ર હક્ક છે, પરંતુ
માનવ અધિકારના નામે રસ્તા પર ઉતરી પડતા, ઝંડા લહેરાવતા કે નારા લગાવતા લોકોમાંથી કોઈ એક જણ
કસાબની બિરયાનીનું બિલ કે આ પાંચ શહીદોના પરિવારને થયેલા નુકસાનનો હિસાબ આપી શકશે ?