મંદી, મોંઘવારી, યુધ્ધ અને ચૂંટણી…

આજકાલ રશિયા બહુ ચર્ચામાં છે. હજી યુક્રેન પરના હુમલા અટક્યા નથી. યુએનની
દરમિયાનગીરી છતાં એકસરખા આતંક અને મૃત્યુના ઓળા યુક્રેન પર ઝળુંબે છે ત્યારે થોડી પાછળ
નજર કરવા જેવી છે. રશિયન સરકાર અથવા સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓને યાદ કરીએ તો
એમાં સૌથી પહેલું નામ બોરિસ નિકોલાયવિચ યલ્તસીનનું લેવું પડે. સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટ
પાર્ટીના સભ્ય હોવા છતાં 1991માં એમણે રશિયામાં પહેલું લોકશાહી ઢબે પ્રેસિડેન્સિયલ ઈલેક્શન
કર્યું. ગોરબાચોના પ્રતિનિધિ નિકોલાઈ રિસ્કોવને હરાવીને 57 ટકા મત સાથે યલ્તસીન રશિયાના
પહેલાં પ્રેસિડેન્ટ થયા. એ દિવસ એટલે 12 જૂન… આજનો દિવસ. 1991ના દિવસે જીત્યા પછી
10મી જુલાઈએ એમણે ઓફિસ ટેકઓવર કરી અને રશિયાની ઈકોનોમીમાં આંચકાજનક ફેરફારો
કર્યા. એમની કમાંડ ઈકોનોમીને બદલીને મૂડીવાદી માર્કેટની ઈકોનોમી દાખલ કરી. રૂબલના રેટ
બદલ્યા અને આખા દેશમાં પહેલીવાર પ્રાઈવેટાઈઝેશનને દાખલ કરી. કિંમતો પરના કંટ્રોલ ઊઠાવી
લીધા. જેને કારણે માર્કેટમાં ભયાનક આર્થિક ઊંચનીચ થઈ. ફૂગાવો વધ્યો. ઓછા વ્યક્તિઓએ
નેશનલ પ્રોપર્ટી પર કબજો જમાવ્યો જ્યારે આંતરરાષ્ટ્રીય મોનોપોલી માર્કેટને ડોમિનેટ કરવા દાખલ
થઈ. કાયદાકીય કટોકટી ઊભી થઈ ત્યારે 1993માં યલ્તસીને બિનકાયદાકીય રીતે રશિયન પાર્લામેન્ટને
ડિઝોલ્વ કરી નાખ્યું અને રશિયન ટ્રુપ્સે પાર્લામેન્ટના બિલ્ડિંગને ઘેરી લીધું… નવાઈની વાત એ છે કે,
યલ્તસીનને પ્રમોટ કરનાર ગોરબાચો હતા. એમને સીપીએસયૂના સેક્રેટરી તરીકેનું પહેલું ઈન્સ્ટોલેશન
ગોરબાચોએ આપ્યું. જેમાં એમણે સોવિયતની રાજધાનીના 8.7 મિલિયન લોકોને મેનેજ કરવાના
હતા. એ પછી એમણે જે ઝડપે આગળ વધવા માંડ્યું એ આશ્ચર્યજનક હતું. એ યુવાન હતા અને
એમની પાસે ફેક્ટરી વર્કર્સનું બહુ મોટું બેકિંગ હતું. એમણે પાર્ટી કોન્ફરન્સમાં મોસ્કોના પ્રશ્નો વિશે
ખૂલીને ચર્ચા કરી. 10 સપ્ટેમ્બર, 1987, ગોરબાચો જ્યારે રજાઓ માણી રહ્યા હતા ત્યારે યલ્તસીને
રાજીનામું આપી દીધું કારણ કે, પોલિટ બ્યૂરોમાં યેગોર લિગાચ્યોવ જેવી અનેક વ્યક્તિઓ એમનું
સાંભળતી નહોતી. યુએસએસારમાં રાજકીય ક્ષેત્રે આ બહુ મોટી ઉથલપાથલના અણસાર હતા.

એ પછી યલ્તસીને પહેલીવાર લોકશાહી માટે અવાજ ઊઠાવ્યો. રશિયાને કમ્યુનિસ્ટના
હાથમાંથી મુક્ત કરીને અન્ય દેશો સાથે વ્યાપાર અને બીજી છૂટછાટ મળવી જોઈએ એવા આગ્રહ
સાથે યલ્તસીને ચૂંટણીની માગણી કરી… આજના દિવસે 12 જૂન, 1991ના દિવસે એ પ્રથમ
પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા. એ હંમેશાં કોન્ટ્રોવર્સિયલ વ્યક્તિ રહ્યા. તેમ છતાં રશિયામાં એ ખૂબ લોકપ્રિય
હતા. જોકે, આર્થિક અને રાજકીય કટોકટીને કારણે એમની છબી ઘણી ખરડાઈ.

રશિયા હંમેશાં એક યા બીજા કારણસર વિવાદમાં રહ્યું છે. આજે પણ યુક્રેન પરના હુમલા
યોગ્ય છે કે નહીં એ વિશે આખું જગત અંદરોઅંદર ચર્ચા જરૂર કરે છે પણ સોવિયત યુનિયનને રોકવા
માટે આગળ આવવાની હિંમત કોઈ કરી શકતું નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ને વધુ ગૂંચવાતું જાય
છે. આજે, જો આંતરરાષ્ટ્રીય સંબંધો તરફ નજર કરીએ તો સમજાય કે, ફક્ત ભારત-પાકિસ્તાન જ
નહીં, બીજા અનેક દેશો એકબીજાની સામે ઊભા છે. ધિક્કાર, તિરસ્કાર અને પરસ્પર વેરની લાગણીને
દેશના રાજકારણીઓ ઉશ્કેરી રહ્યા છે. જેનાથી સામાન્ય માણસને કોઈ ફરક પડતો નથી. યુક્રેન
રશિયામાં જોડાય કે રશિયાથી અલગ રહે એ નક્કી કરવામાં જો કોઈનો અભિપ્રાય મહત્વનો હોય તો
એ યુક્રેનના નાગરિકનો છે, પરંતુ એના અભિપ્રાયને તો કોઈ પૂછતું પણ નથી! શરૂઆતમાં થોડા
દિવસો આ યુધ્ધ અને એની સાથે જોડાયેલાં દૃશ્યો જોઈને અરેરાટી થતી રહી… હવે તો જાણે કે આવા
યુધ્ધ બોમ્બમારા અને જીવનને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિઓ આપણે માટે પણ રોજિંદી માહિતી બની
ગઈ છે.

આ યુધ્ધ અને જમીનોની માલિકીના ઝઘડા ખરેખર સામાન્ય નાગરિકને જોઈએ છે ખરા?
એને માટે તો એની જિંદગી એના પરિવાર અને સંતાનોની આજુબાજુ ગૂંથાયેલી છે. એક સામાન્ય
નાગરિકને સારું જીવન, પૂરતું ભોજન, એના સંતાનોનું શિક્ષણ, પરિવારનું સ્વાસ્થ્ય અને સામાન્ય
સગવડ મળી રહે એટલી જ એની જરૂરિયાત છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં મધ્યમ વર્ગના
લોકોની સંખ્યા સૌથી વધુ છે. આ એવા લોકો છે જેમની આવક એમની એમના ખર્ચ કરતાં સહેજ
ઓછી અથવા લગભગ બરોબર છે… એમને માટે જિંદગીની જદ્દોજહેદ આ રાજકીય ખેંચતાણથી
ઘણી મોટી છે. એમને માટે આ યુધ્ધો સમસ્યા લઈને આવે છે. ભાવ વધારો અને ફૂગાવો એક સાથે
બજારમાં પ્રવેશે છે.

ટમેટાથી શરૂ કરીને લીંબુ, શાકભાજી, અનાજ અને પેટ્રોલ બધું જ મોંઘું થઈ રહ્યું છે. એક
તરફથી બજારમાં રિયલ એસ્ટેટના ભાવ ઘટ્યાની જાહેરાતો કરવામાં આવે છે, વાહનો ખરીદાઈ રહ્યા
છે. એવા રિપોર્ટ્સ આપવામાં આવે છે અને બીજી તરફ, બંધાયેલા મકાનો વેચાયા વગર પડ્યા છે.
જમીનોની જંત્રી અને બ્લેકના પૈસા નહીં વાપરવા દેવાના નરેન્દ્ર મોદીના દૃઢાગ્રહને કારણે બિલ્ડર
લોબી જ નહીં, એવિએશન, હોટેલ, ટ્રાવેલ, ટુરિઝમથી શરૂ કરીને જ્વેલર સુધીના બધા જ એક
વિચિત્ર મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જેમની પાસે રોકડા રૂપિયા છે એમને માટે પરિસ્થિતિ વધુ વિકટ
અને અઘરી છે કારણ કે, છતા પૈસે વાપરી શકાય એવી સ્થિતિ રહી નથી!

આપણે ડી-મોનિટાઈઝેશનને ગમે તેટલું વગોવીએ કે એના વિશે આપણો જે અભિપ્રાય હોય
તે, પરંતુ હવે શાકવાળા, દૂધવાળા, રીક્ષાવાળા અને કરિયાણાવાળા ગૂગલ, ભીમ કે પે જેવી એપ
વાપરતા થઈ ગયા છે. ગ્રાસરૂટ લેવલ પર લેવડદેવડની પારદર્શકતા ધીમે ધીમે ઉપરના લેવલ સુધી
જશે એવી આશા તો રાખી જ શકાય… ભ્રષ્ટાચાર ઘટ્યો છે કે નહીં, એ વિશે તો ભ્રષ્ટાચાર કરનારા જ
વધુ સારી રીતે કહી શકે, પરંતુ સત્ય એ છે કે, હવે જે આંકડા ગુજરાત વિશે બહાર પ્રોજેક્ટ કરવામાં
આવે છે એ આંકડા ગુજરાતનો વિકાસ અને એની સાથે જોડાયેલી કેટલીક હકીકતો પ્રસ્થાપિત તો કરે
જ છે. મોંઘવારી વધી છે એની ના પાડી શકાય એમ નથી, એની સામે આવક એટલી વધી નથી એ
પણ સત્ય છે. લોકો પાસે કામ નથી અને છતાં ક્યાંક સ્કિલ્ડ સ્ટાફની કમી વર્તાય છે. આપણા દેશની
એક વિચિત્ર બાબત એ છે કે, આપણે સતત ભવિષ્ય વિશે અસુરક્ષિત હોઈએ છીએ. આજે છે, પણ
કાલે નહીં હોય તો શું થશે… એની ચિંતા આપણને સૌને સતાવ્યા જ કરે છે.

બજારમાંથી બે હજારની નોટો અદૃશ્ય થવા લાગી છે. એટીએમ મશીનમાં પણ 500ની જ
નોટો મળે છે. બે હજારની નોટ કદાચ કેન્સલ થાય એવી અફવા પણ વારંવાર સાંભળવા મળે છે. જો
ખરેખર આવું થાય તો આવનારા દિવસોમાં ફરી એક ડિ-મોનિટાઈઝેશનનો ધક્કો વાગશે. આ જો
અફવા જ હોય તો ડરવાની જરૂર નથી, પરંતુ મોદી સરકારની બધી જ જાહેરાતો અણધારી અને
ઓચિંતી હોય છે એટલે સાવધ રહેવું હિતાવહ છે.

એમાં ચૂંટણીની જાહેરાતના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ચૂંટણીના ખર્ચને પહોંચી
વળવા સરકાર પણ અમુક રીતે કટિબદ્ધ થઈ છે. બીજી તરફ, જનતા ચૂંટણી માટે તૈયાર છે કે નહીં એ
સવાલ અગત્યનો છે. આ ભયાનક મોંઘવારી અને કોવિડ પછીની ડિપ્રેસિવ માનસિકતામાં ચૂંટણી
ગુજરાતને શું અને કેટલું આપી શકશે એ પ્રશ્ન આપણી સામે ઊભો છે.

સાચું પૂછો તો આપણે બધા મંદીના આરે આવીને ઊભા છીએ. આપણને ખબર નથી કે
આવનારા દિવસોમાં પરિસ્થિતિ શું થવાની છે? લાંબા ઈન્વેસ્ટમેન્ટ કે મોટા કમિટમેન્ટ ન કરવા એ
આર્થિક રીતે સલામત રસ્તો છે. જો લિક્વિડ પૈસા હોય અને ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લોકઈન
પિરિયડની પૂરી તપાસ કરવી. મકાનના હપ્તા એવા મોટા કમિટ ન કરવા કે આવનારા દિવસોમાં
કદાચ મંદી આવે તો એ હપ્તા ભરવાની મુશ્કેલી ઊભી થાય. અત્યારનો સમય થોડો સાચવીને પૈસા
વાપરવાનો સમય છે. શેરબજારના બિનજરૂરી ટ્રેડિંગ કે પૂરી તપાસ કર્યા વગર જમીન કે સ્થાવર
મિલકતમાં પૈસા ઈન્વેસ્ટ ન કરવા એ સલાહ ભરેલું છે.

યુક્રેન યુધ્ધ ક્યારે પૂરું થશે એની ખબર નથી. જો એ લાંબું ચાલશે તો બીજા દેશો એમાં
ઈન્વોલ્વ થશે કે નહીં એ પણ સમજવા જેવો પ્રશ્ન છે… પરંતુ, અત્યારે ભારતની જે સ્થિતિ છે એને
સમજીને દરેક ભારતીય નાગરિકે પોતાના પરિવાર અને સલામતીનો વિચાર ચોક્કસ કરવો જ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *