મણિપુર, મધ્ય પ્રદેશ અને ‘માણસ’ની માનસિકતા

મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી તો મધ્ય પ્રદેશમાં બે નાના બાળકોને
પેશાબ પીવાની અને પેટ્રોલના ઈન્જેક્શન આપવાની ઘટના સામે આવી. દોઢ વર્ષની બાળકી પર
બળાત્કાર કરનારને ફાંસીની સજા થઈ તો ટ્રેનમાં નિર્દોષ પ્રવાસીને ગોળી મારીને એની હત્યા કરવાનો
કિસ્સો ચર્ચાએ ચડ્યો છે… ટૂંકમાં, માણસ જાણે ધીમે ધીમે પોતાની સંવેદના ખોઈને કોઈ અસુર કે
રાક્ષસની જેમ વર્તવા માંડ્યો છે. આ માનસિકતા પહેલેથી હતી? કે પછી છેલ્લા થોડા સમયમાં આ
માનસિકતાએ જોર પકડ્યું છે? સોશિયલ મીડિયાને કારણે આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવે
છે અને વધુ ઝડપથી ફેલાય છે? ઓટીટી અને ફિલ્મોમાં વધતી જતી હિંસાને કારણે માણસમાત્રની
હિંસાત્મક વૃત્તિ વધુ ઉશ્કેરાય છે?

આ બધા સવાલોના જવાબો કદાચ આપણી પાસે નથી અને જો છે તો નિશ્ચિત કે અંતિમ
જવાબ આપી શકાય એવી સ્થિતિ નથી ત્યારે એક સાદી સમજણ એ છે કે, આપણે બધા જ જાણે-
અજાણે આ હિંસા અને એની સાથે જોડાયેલી પાશવિક વૃત્તિના શિકાર બની ગયા છીએ. કોઈની
પીડામાં કે કોઈને થતી તકલીફમાં આપણને હવે મનોરંજન મળવા લાગ્યું છે કારણ કે, આપણા
મનોરંજનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. ઓટીટી પર દેખાતી ભયાનક હિંસા જ્યારે આપણે
જોઈએ છીએ ત્યારે એ વિશે અરેરાટી થવાને બદલે, એને બંધ કરી દેવાને બદલે આપણે એને માણતા
થઈ ગયા છીએ. એવી જ રીતે હવે આવા ભયાનક, બિભત્સ કે રૂંવાડા ઊભાં કરી નાખે એવા
વીડિયોને આપણાથી જ અટકાવવાને બદલે આગળ ફોરવર્ડ કરીને એને વધુ ને વધુ લોકો સુધી
પહોંચાડવાની આપણી મનોવૃત્તિ જ દેખાડે છે કે, આપણી સંવેદના ધીરે ધીરે લગભગ મરી-પરવારી
છે.

આ પ્રશ્ન તો સૌ સમજે છે, પણ કોઈ એના કારણમાં ઉતર્યું છે? એનો જવાબ એ છે કે, દરેક
માણસ પોતાની જાતને ન્યાયાધિશ સમજતો થઈ ગયો છે. ભારતીય ન્યાયતંત્રમાં ઘટતો જતો વિશ્વાસ
પણ આનું એક કારણ છે જ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ કે કોર્ટમાં જઈએ તો દરેક રેપિસ્ટ, દરેક
ખૂની કે દરેક ગુનેગારને સજા મળશે જ એવો વિશ્વાસ હવે ભારતના સામાન્ય માણસને રહ્યો નથી.
ફિલ્મો કે ટેલિવિઝનમાં આ જ માન્યતા ઉપર મોહર મારવામાં આવે છે. નેતા, રાજકારણી અને
પોલીસને ભ્રષ્ટ બતાવતી અનેક ફિલ્મો કે ટેલિવિઝન સીરિયલ, ઓટીટીની સીરિઝને કોઈ સેન્સરશિપ
નડતી નથી જ્યારે ‘ઓ માય ગોડ’ ફિલ્મને 20 કટ્સ સાથે રજૂ કરવામાં આવે છે. ‘પદ્માવત’ પહેલાં
તોફાનો થાય છે અને ‘રાવણલીલા’નું નામ બદલીને ‘ભવાઈ’ કરવાની ફરજ પડે છે. અર્થ એ થયો કે,
હિંસા, સેક્સ, એલજીબીટી જેવી બાબતો અનસેન્સર્ડ જઈ શકે, અને ધર્મ સાથે જોડાયેલી બાબત
એટલી સંવેદનશીલ છે કે એને હાથ લગાડતા પહેલાં દરેક માણસ દસ વાર વિચાર કરે! આપણે
અવારનવાર ‘સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતા’ની વાતો કરીએ છીએ. આ ત્રણેય શબ્દ શું ફક્ત ‘ધર્મ’
સાથે જોડાયેલા છે? મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી એ કિસ્સાના કેટલાંય વર્ષો
પહેલાં આપણી પાસે ફુલનદેવીનો કિસ્સો હતો જ. એને પણ એવી જ રીતે નગ્ન કરીને ફેરવવામાં
આવેલા. ત્યારે સોશિયલ મીડિયા નહોતું એટલે વીડિયો વાયરલ ન થઈ શક્યો, પરંતુ ફેનિલ જ્યારે ગળું
કાપતો હતો ત્યારે ગ્રિષ્માને બચાવવાને બદલે વીડિયો કરનારાની સંખ્યા વધારે હતી! સુરતમાં જ્યારે
બાળકો ટ્યુશન ક્લાસમાંથી કૂદી રહ્યા હતા જ્યારે જેટલા લોકોએ વીડિયો કર્યો એમાંથી થોડાક લોકોએ
જો આસપાસમાંથી ચાદર લાવીને કે કોઈ સ્ત્રીઓએ સાડી ઉતારીને એ બાળકોને ઝીલવાનો કે
એટલિસ્ટ એમની ઉપરથી પડવાની સ્પીડ ઘટાડવાનો પ્રયાસ કર્યો હોત તો આટલા બધા મૃત્યુને બદલે
ઘાયલ ચોક્કસ થયા હોત, પણ જીવ બચાવી શકાયા હોત.

મરતાં માણસનો વીડિયો શૂટ કરવાની માનસિકતા અને એ પછી એને અપલોડ કરવાની
ફોરવર્ડ કરવાની બીજી માનસિકતા… આ એક પ્રકારની બિમારી છે. લોકો એકબીજાને એવી રીતે પૂછે
છે, ‘તમે વીડિયો નથી જોયો?’ જાણે કે, જીવનમાં કોઈ લ્હાવો લેવાનો રહી ગયો હોય! કોઈનું મોત કે
કોઈના પર થતો અત્યાચાર અટકાવવાને બદલે એને શૂટ કરવો એ વિકૃત્તિ નથી તો બીજું શું છે?

એ સિવાય એક બીજો મુદ્દો સેલિબ્રિટી સાથેની સેલ્ફીનો છે. લોકોને ફોટો પડાવવાની એટલી
બધી ઈચ્છા હોય છે કે, એકબીજા પર ચડીને, ધક્કામુક્કી કરીને સેલિબ્રિટી સાથે સેલ્ફી પડાવવામાં
ક્યારેક સ્ટેમ્પિડ થઈ જાય એવી સ્થિતિ ઊભી થાય છે. દરેક માણસના હાથમાં ક્ષણને અમર કરી દેવાનું
સાધન આવી ગયું છે. આ દસ્તાવેજીકરણ-ડોક્યુમેન્ટેશન એટલું મહત્વનું બની ગયું છે કે હવે દરેક
માણસને દરેક મહત્વનો પ્રસંગ કાયમી સ્મૃતિ બનાવી લેવો છે. આપણે બધાએ આ વાત સમજવા
જેવી છે. જ્યારથી સેલફોન અને સોશિયલ મીડિયા વધતા ગયા છે ત્યારથી સાઈબર ક્રાઈમ પણ વધ્યા
છે. એકબીજાને નગ્ન, અર્ધનગ્ન ફોટો મોકલવાની કે ફોન ઉપર વીડિયોમાં સેક્સ્યુઅલ આનંદ
માણવાના કેટલાક પ્રસંગો પછી એમએમએસ કે ફોટો ડાર્ક નેટ ઉપર અપલોડ થાય છે. મોટેભાગે
ઘરના લોકોને-અને છોકરા-છોકરીને પણ ક્યારેક ખબર નથી હોતી એવી રીતે એમની ચેટ હેક થઈ જાય
છે.

આપણે જાણતા નથી, પરંતુ ટેકનોલોજી પાસે એક અલ્ગોરિધમ છે. બે, ચાર-પાંચ વખત
ફોનની નજીક આપણે પોર્ન, સેક્સ જેવા શબ્દો ઉપચારીએ તો આપણને સમજાશે કે આપણો સ્માર્ટ
ફોન એટલો સ્માર્ટ છે કે તરત જ આપણને એ મતલબની પોસ્ટ મળવાની શરૂ થઈ જશે! આપણો
ડેટા ક્યાં ક્યાં અને કંઈ જગ્યાએ લીક થાય છે એની આપણને કલ્પના સુધ્ધા નથી. ખાસ કરીને, યુવાન
છોકરીઓ જે ફોટા ફેસબુક અને ઈન્સ્ટા પર અપલોડ કરતી હોય છે એમને માટે તો શિકારીઓ જાળ
પાથરીને જ બેઠા છે એ વાતની એમને ખબર સુધ્ધા નથી. સાઈબર ક્રાઈમ એટલે માત્ર આર્થિક ફ્રોડ
નહીં, બલ્કે આપણા ઘરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા હેક કરીને પતિ-પત્નીની
અંગત પળોનો વીડિયો પોર્ન સાઈટ પર અપલોડ કરવાની એક એવી પ્રવૃત્તિ જેનાથી હજી આપણે
સાવ બેખબર છીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *